લખાણ પર જાઓ

લાલકિલ્લાનો મુકદ્દમો/'મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર'

વિકિસ્રોતમાંથી
← આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો લાલકિલ્લાનો મુકદ્દમો
'મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર'
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૬
ફેંસલો : સજા : માફી →


'નૈતિક ને આંતરરાષ્ટ્રીય કાનૂનોએ માન્ય રાખેલો
મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર'
: ૧૮ :
૧૭ મી ડિસેમ્બર : સોમવાર

બચાવપક્ષની દલીલોની શરૂઆત શ્રી ભુલાભાઈએ કરી:

“આ અદાલત સમક્ષ આજે જેનો ઇન્સાફ તોળાઈ રહ્યો છે તે તો છે પોતાની મુક્તિ માટે નિડરપણે યુદ્ધ ચલાવવાનો ગુલામ પ્રજાનો અધિકાર. આંતરરાષ્ટ્રીય કાયદાના એવા સર્વમાન્ય અભિપ્રાયો હું રજૂ કરી શકીશ કે એક રાષ્ટ્ર અથવા રાષ્ટ્રનો એક ભાગ એવા તબકકે જરૂર પહોંચે છે કે જ્યારે પોતાની મુક્તિ માટે યુદ્ધ ચલાવવાનો અધિકાર એ મેળવે છે. અદાલતને સંતોષ થાય એવી રીતે હું એ સાબિત કરી બતાવી શકીશ.

ખરી રીતે તો અદાલત સમક્ષ રાજા સામે યુદ્ધ ચલાવવાનો માત્ર એક જ આરેાપ છે. ખૂનના અને ખૂન કરાવવાના આરોપોને સંબંધ છે ત્યાં સુધી એ પ્રથમ આરોપના એક ભાગરૂપ જ છે. હું એમ એટલા માટે કહું છું કે રાજા સામે યુદ્ધ ચલાવવાના આરોપના કિસ્સામાં તો દરેકેદરેક ગોળીબાર કરવાના કાર્યનો પણ આરોપ મૂકી શકાય – અને એતો બેહૂદુંજ ગણાય એમ મને લાગે છે.

થોડા વખતમાં હું બતાવી આપીશ કે બીજા આરોપને સંબંધ છે ત્યાં સુધી હકીકતમાં એનો કોઈ પાયો જ નથી, સિવાય કે ઠાર મરાયેલા કહેવાતા ચાર માણસો અંગે એવો પુરાવો અપાયો છે કે એમની ઉપર કામ ચલાવવામાં આવ્યું હતું અને એમને સજા કરવામાં આવી હતી. મહમ્મદ હુસેનના સંબંધમાં તો એને સજા કરવામાં આવ્યાનો પણ કોઈ પુરાવો રજૂ થયો નથી. પુરાવાઓ ઉપરથી અદાલતને એવા નિર્ણય ઉપર આવવું જ પડશે કે એક કિસ્સામાં સજા ફરમાવવામાં આવી હતી અને બીજામાં નહોતી ફરમાવાઇ, છતાં એ બેમાંથી એકેયનો અમલ થયો જ નહોતો. સામાન્ય રીતે એક લશ્કરી અદાલતને જેનો ફેસલો કરવાનો હોય છે એથી જુદી જ જાતના મુદ્દાઓ મુકદ્દમામાં ઊભા થયા છે. સામાન્ય રીતે તો એ ફરજ પ્રત્યેની વ્યકિતગત બેપરવાઇ કે વ્યકિતગત ગુનાના કિસ્સા હોય છે. તમારી સામે આ એક એવો કિસ્સો છે કે જેના પુરાવા બતાવે છે કે તમારી સામે ખડા કરાયેલા ત્રણેય અફસરો એક સુવ્યવસ્થિત ફોજના ભાગના હતા, અને ફરિયાદપક્ષના કહેવા મુજબ એમણે રાજા સામે યુદ્ધ ચલાવ્યું હતું. આ એક વ્યકિતગત મુકદમો નથી, આખી આઝાદ હિંદ ફોજની જિંદગીને અને એની ઈજ્જતનો આ અદાલતમાં ઇન્સાફ તોળાઈ રહ્યો છે.

નીચેના અગત્યના બનાવો વિશે આ મુકદ્દમામાં જુબાની પડી છે. (૧) ૧૯૪૧ના ડિસેંબરમાં જાપાને કરેલી યુદ્ધની જાહેરાત. (૨) ૧૯૪૨ની ૧૫મી ફેબ્રુઆરીએ સિંગાપુરમાં બ્રિટિશ સૈન્યની શરણાગતિ. (૩) ૧૯૪૨ની ૧૭મી ફેબ્રુઆરીએ ફેરર પાર્કમાં મળેલી સભા, જ્યાં હિંદી સિપાહીઓની જાપાનીઓના હાથમાં વિધિસરની સોંપણી થઈ. (૪) ૧૯૪રના સપ્ટેંબરમાં પહેલી આ૦ હિં૦ ફેા૦ની સ્થાપના અને કેપ્ટન મોહનસીંઘની ધરપકડ પછી ૧૯૪૨ના ડિસેંબરમાં એનું થયેલું વિસર્જન. (૫) ૧૯૪૩ ની ૨ જી જુલાઈએ સિંગાપુરમાં શ્રી સુભાષચંદ્ર બોઝનું આગમન, આગળ જતાં એમણે આ૦હિં૦ ફો૦નું નેતૃત્વ સંભાળ્યું અને બૃહદ પૂર્વ એશિયાની એક પરિષદ ભરાઇ. એમાં દૂર પૂર્વના દેશોના જુદા જુદા ભાગોમાંથી હિંદી સ્વાતંત્ર્ય સંધના હિંદી પ્રતિનિધિઓએ હાજરી આપેલી. એ પરિષદમાં થયેલા ઠરાવોમાંનો એક એ હતો કે આઝાદ હિંદની એક કામચલાઉ સરકારની સ્થાપના કરવી. (૬) ૧૯૨૩ની ૨૧મી ઑકટોબરે આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની જાહેરાત થઈ. એ સરકારની સ્થાપના પછી જુદા જુદા પ્રધાનો એ નેતાજી સુભાષ બોઝની આગેવાનીવાળી કામચલાઉ સરકાર પ્રત્યે વફાદારીના સોગંદ લીધા, (૭) એ સરકારે બ્રિટન અને અમેરિકા સામે લડાઇની જાહેરાત કરી. નવા રાજતંત્રના ફરમાન મુજબ પોતાની ફરજ બજાવવાનું આઝાદ હિંદ ફોજે શરૂ કર્યું. (૮) એ સરકાર રંગુન ખસેડવામાં આવી આ૦ હિં૦ ફો૦ બરમામાંથી હિંદુસ્તાનની અંદર ઠેઠ કોહિમા સુધી ગઇ અને પછી એણે પીછેહઠ કરી, રંગુનને બ્રિટિશ સૈન્યે કબજે કર્યું તે પહેલાંના થોડા દિવસોના, તે વખતના અને તે પછીના થોડા દિવસોના બનાવો અને ખાસ તો જાપાની સૈનિકોની વિદાય બાદ અને બ્રિટિશ સૈનિકોના આગમન પૂર્વે આ૦ હિં૦ ફો૦એ ભજવેલો ભાગ.

કામચલાઉ સરકારની નક્કરપણે સ્થાપના થઈ હતી. એનો ઉદ્દેશ હિંદુસ્તાનને સ્વતંત્ર બનાવવાનો અને મલાયા તથા બરમામાંના હિંદીઓનાં જાનમાલ અને ઇજ્જતનું રક્ષણ કરવાનો હતો. એમનો પ્રથમ ઉદ્દેશ નિષ્ફળ ગયો એ હકીકત અપ્રસ્તુત છે. અદાલતને જેની સાથે લાગે વળગે છે તે તો એ છે કે એ એક સુવ્યવસ્થિત સરકાર હતી અને એની ફરજોની યોગ્ય વહેંચણી કરવામાં આવેલી હતી. એકલા મલાયામાંથી જ ૨,૩૦,૦૦૦ માણસેાએ ૧૯૪૪ના જૂન સુધીમાં નવી સરકાર પ્રત્યેની વફાદારીના સોગંદ લીધા હતા અને તે પછી પણ એ કાર્ય ચાલુ રહ્યું હતું.

બંડખોરોની એકાદ ટુકડીની કે કોઈ મહત્વહીન અને અચોક્કસ ટોળાની એ સરકાર નહોતી. જેને વીસ લાખ માણસો વફાદાર હતા અને જેને ધરી–સરકારોએ સ્વીકારેલી હતી એવી એ એક સુવ્યવસ્થિત સરકાર હતી. પોતે જેને ખાતર લડવા માગતી હોય તે કારણસર યુદ્ધ જાહેર કરવાનો એને અધિકાર હતો. એવું સૂચન કરાયું છે કે દક્ષિણ પૂર્વ એશિયામાંની જે સરકારોએ કામચલાઉ સરકારનો સ્વીકાર કરલો, તે જાપાનના અંકુશ નીચે હતી. પણ તેથી એમના એ સ્વીકારની કિંમત કાંઇ ઓછી થતી નથી. લડાઈ જાહેર કરવાનો જેને અધિકાર હોય એવી કોઈ હુકૂમત એકવાર જો ઊભી થઈ હોય તો પછી લડાઇ પોતેજ પોતાને વાજબી ઠરાવે છે. એ લડાઈના સંચાલનમાં કરેલું કોઈ પણ કાર્ય એ હકીકતને પરિણામે જ સજાથી મુક્ત બની જાય છે. યુદ્ધ–ગુનાઓને નામે ઓળખાતા અને સુધરેલા કાયદાને વટાવી ગયેલા અપરાધોના ગુનેગાર કોઈ માણસોનો આ કિસ્સો નથી.

એ સરકારનું પોતાનું એક લશ્કર હતું કે જે આ૦ હિં૦ ફો૦ કાનૂન પ્રમાણે ચાલતું હતું. ફટકાની સજા જેટલી આ૦ હિં૦ ફો૦ કાનૂનમાં છે તેટલી જ હિંદી કાયદામાં પણ છે. આ૦ હિં૦ ફો૦નો કાનૂન હિંદી લશ્કરી કાનૂનને લગભગ મળતો આવે છે તેથી એ કાનૂનની કોઈપણ ટીકા ખુદ હિંદી લશ્કરી કાનૂનની ટીકા બરાબર છે.

જાપાનીસ સરકારે આંદામાન અને નીકોબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપી દીધા તેની રીતસરની વિધિ પોર્ટ બ્લેરમાં થઇ હતી. જે મુદ્દા વિશે મતભેદ છે તે એના વહીવટની મર્યાદા અને એના પ્રકાર અંગેનો છે. . . . . પણ એ હકીકત સાબિત થઇ ચૂકી છે કે એ ટાપુઓ આઝાદ હિંદ સરકારને સોંપી દેવામાં આવ્યા હતા, અને એમનાં નામ શહીદ ટાપુઓ અને સ્વરાજ ટાપુઓ પડાયાં હતાં, તે વખતની પરિસ્થિતિની જરૂરિયાત એવી હતી કે એમનો પૂરેપૂરો વહીવટ સંભાળી લેવાનું શક્ય નહોતું.

એ જ રીતે નીપોન સરકાર અને આઝાદ હિંદ સરકાર વચ્ચે થયેલા કરાર પ્રમાણે ૫૦ ચોરસ માઇલના વિસ્તારવાળું અને ૧૫,૦૦૦ હિંદીઓની વસતીવાળું ઝિયાવાડી મુક્ત કરાયેલા પ્રદેશમાંના એક તરીકે આ૦ હિં૦ ફો૦નો સંપૂર્ણ વહીવટ ચાલતો હતો એ હકીકતનો તો ફરિયાદપક્ષ પડકાર પણ નથી કરી શક્યો.

વળી, આ૦ હિં૦ ફો૦ સરહદ ઓળગીને હિંદમાં દાખલ થઇ કે તરત જ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું. એમાં આઝાદ હિંદ સરકારના વડાની અને જાપાનીસ કમાન્ડરની સહીઓ હતી. એમાં એમ કહ્યું હતું કે લડાઇ દરમિયાન હિંદની ધરતીનો કોઇપણ ભાગ જાપાનીસ સૈન્યના કબજામાં આવશે તો એ મુક્ત બનેલા પ્રદેશોના એક ભાગ તરીકે આ૦ હિં૦ ફો૦ને સોંપી દેવામાં આવશે અને એની ઉપર આ૦ હિં૦ ફો૦ નો વહીવટ ચાલશે. આ રીતે ૧૫૦૦ ચોરસ માઈલ જેટલો મણિપુર અને વિષ્ણુપુરનો વિસ્તાર આ૦ હિં૦ ફો૦એ પોતાનાં અંકુશ હેઠળ લીધેલો હતો. એમનો વહીવટ ત્યાં કેટલા સમય સુધી ચાલ્યો એ બીના મહત્વહીન છે કારણ કે લડાઈ દરમિયાન કેટલાય પ્રદેશોની માલિકી ઝડપથી બદલાતી હોય છે.

એ એક અજાયબીભરી બીના છે કે બરમા અને મલાયા ઉપર (અંગ્રેજોનો) ફરીવાર કબજો સ્થપાયો ત્યારે આઝાદ સરકારના કબજામાંના તમામ દસ્તાવેજી કાગળીઆાં સહીસલામત હાલતમાં હાથ લાગ્યાં હતાં, એ બતાવે છે કે આઝાદ હિંદ સરકારની અને તેની ફોજની વ્યવસ્થા હોવી જોઈએ તેટલી સુંદર હતી.

બીજો એક અગત્યનો મુદ્દો તે એ હકૂમતના નાણાં મેળવવાના માર્ગોનો છે એમ સાબિત કરાયું છે કે હિંદીઓએ સરકારને વીસેક કરોડ રૂપિયા ભેટ આપ્યા હતા, અને એ રકમમાંથી નાગરિક સરકાર અને ફોજનું સંચાલન થતું હતું. અને વિજેતાઓએ જ્યારે આઝાદ હિંદ બેન્કનો કબજો લીધો ત્યારે એમાં ૩૫ લાખ રૂપિયા હતા. 'સ્ટેમ્પ કલેકિટગ' નામના એક સામયિકમાં આઝાદ હિંદ સરકારે કાઢેલી ટિકિટો છપાઈ છે એ વાતની નોંધ લેવાની વિનંતિ હું અદાલતને કરું છું…………….

હિંદી ફોઝદારી કાયદાની ૭૯મી કલમ કહે છે કે, “કાયદા પ્રમાણે કોઈપણ માણસને જે કરવાની છૂટ હોય તે ગુને નથી ગણાતો.” આ રીતે, આંતરરાષ્ટ્રીય કાયદામાં જેની છૂટ અપાઈ હોય તેવી કેાઈ પણ ક્રિયાને નાગરિક ગુનો કહી શકાય નહિ. ખાસ કરીને આ અદાલતના સભ્યોને તો એ વાતનો બરાબર ખ્યાલ હશે કારણ કે એક સુવ્યવસ્થિત લશ્કરના ભાગ તરીકે એમણે આ લડાઈ દરમિયાન ઘણા માણસોને મારી નાખ્યા હશે. આંતરરાષ્ટ્રીય અન્યાયોને અસરકારક રીતે દાબી દઈ શકે એવી કોઈ આંતરરાષ્ટ્રીય સરકારની ગેરહાજરી દરમિયાન જે લડાઈ થાય તેને આંતરરાષ્ટ્રીય કાનૂન અનુસાર હંમેશા કાયદેસર ગણવામાં આવી છે. પરદેશી ધૂંસરી નીચેથી પોતાની જાતને મુક્ત કરવા માટે લડાયેલી કોઈ પણ લડાઇ નૈતિક અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ પૂરેપૂરી વાજબી છે.

અમને જો એવું કહેવામાં આવે કે હિંદી સિપાહીઓ ઇંગ્લંડની આઝાદી માટે જર્મની સામે, ઈંગ્લંડને માટે ઈટલી સામે અને ઇંગ્લંડને માટે જાપાન સામે લડી શકે ખરા, પણ આઝાદ હિંદ સરકાર પોતાની જાતને ઇંગ્લંડ કે બીજા કોઈપણ દેશની ગુલામીમાંથી મુક્ત, ન કરી શકે, તો સાચે જ એ ઇન્સાફની છલના ગણાશે.

બેઉ રાષ્ટ્રો સ્વતંત્ર અથવા સાર્વભૌમ હોવાં જોઈએ એ લડાઈ માટે જરૂરી નથી. હાલ તુરત માટે જે સ્વતંત્ર્ય ન હોય તેવી પ્રજાઓને લડાઈ લડવા માટે સંગઠિત બનવાનો અધિકાર આધુનિક આંતરરાષ્ટ્રીય કાયદાએ માન્ય રાખ્યા છે. અને જો એવું લશ્કર ઊભું થાય અને લડાઈ લડે તો એના વ્યક્તિગત અફસરોના કાર્યને કોઈ પણ મ્યુનિસિપલ કાયદો ગુનો ગણી શકે નહિ.

એક રાજ્ય અને તેના રાજ્યકર્તા વચ્ચે લડાઇની હસ્તી હોઇ શકે એ સ્વીકારવામાં આવ્યું છે. ચાર્લ્સ પહેલા અને જેમ્સ બીજાના સમયમાં ઇંગ્લેંડના ઇતિહાસમાં શું એવી લડાઈઓ નથી લડાઈ ? બેાઅર લડાઇ પણ એવી જ લડાઇ હતી. લડાઇમાં કોણ હાર્યું તેની જરાય અસર લડવાના અધિકાર ઉપર તો થતી જ નથી. આવી લડાઈની તુલના એ જે રસમથી લડાતી હોય તેની ઉપરથી થાય છે.

આ૦ હિં૦ ફો૦ એક રીતસરના સંચાલનવાળી ફોજ હતી, અને એણે સુધરેલા શિરસ્તા મુજબ લડાઈ ચલાવેલી. યુ. એસ. એ. (અમેરિકા) માં ઉત્તર અને દક્ષિણ વચ્ચેની લડાઈ દરમિયાન બન્યું હતું તેમ બળવાખોરોને પણ આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ માન્ય રાખવામાં આવે છે . . . . .

લડાઇમાં માણસો મારવા માટે જો તમારી ઉપર ખટલો થાય અને જેમ ચૂકાદો તમારી તરફેણમાં હોય તે જ પ્રમાણે તમારો ચુકાદો આ માણસોની તરફેણમાં હોવા જોઈએ. પોતાના અંગત કારણોસર આ ત્રણ આરોપીએાએ લડાઈમાં અને માણસોને મારવામાં ભાગ નહોતો લીધો.. . . . . એ લોકોએ કોઇ ફાલતુ માણસો તરીકે નહિ પણ એક સુવ્યવસ્થિત સરકારના ભાગ તરીકે લડાઇ ચલાવી છે. આઝાદ હિંદની કામચલાઉ સરકાર અને બ્રિટન વચ્ચે લડાઇ ચાલુ હતી તેથી એ લડાઇના સંચાલન દરમિયાન કરાયેલાં કાર્યોને નાગરિક ગુના ગણી શકાય નહિ.

. . . . જો આરોપીઓને સફળતા મળી હોત તો એમનો ઈન્સાફ તોળવા માટેની આ અદાલત હસ્તી ધરાવતી ન હોત,

. . . . દુશ્મનની સરકાર તમે ભલે સ્વીકારો નહિ, પણ તમારીને એની વચ્ચેના યુદ્ધસંબંધનો સ્વીકાર થઈ શકે, એ રીતે વ્યક્તિગત સ્ત્રી-પુરુષોએ યુદ્ધકાળ દરમિયાન કરેલાં કાર્યોમાં તેમને રક્ષણ મળે છે . . . . ૧૯૩૭ની ૧૪મી એપ્રિલે આ સભામાં સ્પેઈનના આંતરવિગ્રહ અંગે ચર્ચા થતી હતી ત્યારે એ વખતના પરદેશ ખાતાના મંત્રી શ્રી ઇડને બે પક્ષો વચ્ચેના યુદ્ધ સંબંધનો સ્વીકાર કરેલો. એમણે કહેલું તેમ યુદ્ધ સંબંધ સ્વીકારવાનો સવાલ સિદ્ધાંતનો નહિ પણ હકીકતનો છે . . . . આ રીતે કામચલાઉ સરકારનો બ્રિટને સ્વીકાર કર્યો હોવો જોઈએ એવી કોઈપણ દલીલ નકામી છે. કામચલાઉ સરકાર પોતે હિંદની સરકાર નથી બની ગઇ તેનો કાંઈ વાંધો નથી. . . .

વળી, જે આ૦ હિં૦ ફો૦એ બ્રિટિશ હિંદી લશ્કરના સિપાહીઓ ઉપર ગોળીઓ ચલાવેલી તો તેમ બ્રિટિશ હિંદી લશ્કરે પણ આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓ ઉપર ગોળીઓ ચલાવેલી. આ વર્તન માટેનું વાજબીપણું બેઉ પક્ષે એકસરખું છે. . . . આઝાદ હિંદ સરકારને પ્રદેશો મળ્યા હતા એ મેં સાબિત કર્યું છે, પણ યુદ્ધસંબંધ સાબિત કરવા માટે એ હકીકતની કોઇ જરૂર નથી. ઇતિહાસમાં એવા દાખલા બન્યા છે. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જીઅમની સરકાર પાસે બેલ્જીઅમની એક તસુ પણ જમીન નહોતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ લંડનમાં કેટલીક ભાગેડુ સરકારો કામ કરતી હતી કે જેમની પાસે કોઇ પ્રદેશ નહોતો. આ ભાગેડુ સરકારના પ્રદેશો એમની પાસેથી થોડા સમય પૂરતા ખૂંચવી લેવાયા હતા. હિંદીઓ પાસેથી એમનો પ્રદેશ ૧૫૦ વર્ષથી ખૂંચવી લેવાયો છે તેથી હું જે મુદ્દા રજૂ કરું છું તેમાં જરાય ફેર પડતો નથી. આ૦ હિં૦ ફો૦ પોતાના દેશને મુક્ત કરવાના પ્રયાસો કરતી એક મુક્તિસેના હતી અને યુદ્ધસંબંધનો એને અધિકાર હતો. અમે હિંદીઓ છીએ તેથી આ નિયમનો જુદો અર્થ થઈ શકે નહિ. સાચી રીતે કે ખોટી રીતે આ કામચલાઉ સરકાર અને તેના ફરમાન પ્રમાણે તેની ફેાજ પોતાના જ દેશની મુક્તિ માટે લડી હતી. એને માટે લડવાનો એમને અધિકાર હતો.

ફ્રાંસની પેતાં–સરકાર જર્મનીની મિત્ર હતી. 'માકી' (સામના –દળો) એ સરકારનો સામનો કરતાં હતાં. સેનાપતિ આઈઝનહોવરે એક જાહેરાત બહાર પાડેલી કે 'માકી' એમના કાબૂ હેઠળનું એક લડાયક દળ હતું અને એમની સામે વેરનાં પગલાં લેવાશે તો જર્મની જેને આધીન હતું તે કાનૂનનો એ ભંગ ગણાશે. આ૦ હિં૦ ફેા૦નો પક્ષ તો એનાથી ય મજબૂત છે, અને એમની સામે લેવાનારું કોઇ પણ પગલું આંતરરાષ્ટ્રીય કાનૂનનો ભંગ ગણાશે.

હિંદી સરકારે અને આમસભામાં નાયબ-હિંદી વજીરે એક નિવેદન કરેલું કે રાજા સામે યુદ્ધ ચલાવવા માટે કોઇની ઉપર કામ ચલાવવાની સરકારની નીતિ નથી. આ હુકમથી અદાલત દોરવાય એમ હું નથી ઇચ્છતો તેમ હું તેને આશરો પણ નથી લેવા માગતો. પણ એ નિવેદન હું રજૂ કરું છું કારણ કે એની પાછળ એવી આડકતરી કબૂલાત છે કે આ સંજોગોમાં યુદ્ધ ચલાવવાનો આરેાપ ટકી શકે તેમ નથી . . . .

૧૯૪૨ની ૧૭મી ફેબ્રુઆરીના બનાવો પછી કોઇ વફાદારી રહી નહોતી . . . . . . કેપ્ટન અરશદે કહ્યું છે કે એક એમના દેશ પ્રત્યેની વફાદારી જ બાકી રહી હતી. બ્રિટનમાં વફાદારી રાજા અને દેશ બેઉ પ્રત્યે હોય છે. પણ હિંદમાં એ માત્ર રાજા પ્રત્યે હોય છે. રાજા અને દેશ બેઉ એક હોય ત્યારે તો ત્રીજો કોઈ વિકલ્પ રહેતો નથી. પણ એ એક ન હોય ત્યારે વિકલ્પમાં વફાદારી દેશ પ્રત્યેની જ હોય.

અમારા દેશની મુક્તિ માટે અમે રાજા સામે જ લડી રહ્યા હતા. ત્યારે અમારે માટે વફાદારીનો પ્રશ્ન જ કેમ ઊભો થઈ શકે ? તમે તમારા જ દેશની મુકિત માટે લડતા હો તો બીજી કોઈ વફાદારી તમને તેમ કરતાં રોકે છે એમ તો તમે તમારો અંતરાત્મા વેચી દીધો હોય તો જ કહી શકો. જો એમ બને તો તો અમારાં જ દુર્ભાગ્ય કારણ કે અમારે તો પછી ગુલામ જ રહેવાનું !

. . . . .આ૦ હિં૦ ફો૦ જાપાનના એક મિત્ર તરીકે લડેલી. એ કબૂલ કરવામાં કોઈ નામેાશી નથી કારણ કે જેમ અમેરિકનો, અંગ્રેજો અને આઝાદ ફ્રેંચોનો ઉદ્દેશ ફ્રાંસને મુકત કરવાનો હતો તેમ જાપાનીસ લશ્કર અને આ૦ હિં૦ ફો૦ એ બેનો ઉદ્દેશ હિંદને મુક્ત કરવાનો હતો. એ દોરવણીથી ફ્રેંચો એંગ્લો-અમેરિકનોના પૂતળાં નહોતાં બની ગયાં......

ફરિયાદપક્ષના દરેક સાક્ષીએ એટલું કબૂલ કર્યું છે કે જાપાનીસ લશ્કર અને આ૦ હિં૦ ફો૦નો ઉદ્દેશ હિંદની મુકિત હતો. ......આરોપીઓના ગૌરવના બચાવમાં હું કહું છું કે એમના વિરોધીઓએ વાતવાતમાં કહ્યું છે તેમ એ જાપાનીઓનાં પૂતળાં નહોતાં.

: ૧૯ :
૧૮મી ડિસેંબર : મંગળવાર

અમેરિકાના સ્વાતંત્ર્ય-યુદ્ધનો દાખલો આપીને શ્રી ભુલાભાઈએ દેશ અને રાજા પ્રત્યેની વફાદારીનો વધુ તફાવત દેખાડ્યો–

'અમેરિકન પ્રજા સામે પણ રાજા પ્રત્યેની વફાદારી અને દેશ પ્રત્યેની વફાદારી વચ્ચે વિરોધ ઊભો થયેા હતેા. એક પરદેશી રાજા પ્રત્યેની વફાદારીને બદલે એમણે દેશ પ્રત્યેની વફાદારી પસંદ કરી...... ઇંગ્લંડમાં પણ ઘણા વખતથી એક કાયદો છે કે એક દેશ પોતાની જાતને બીજા વધુ શક્તિશાળી દેશના રક્ષણ નીચે મૂકે અને જો એ દેશ એનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય તો રક્ષિત દેશને પોતાની સ્વતંત્રતા પાછી મેળવવાનો અધિકાર છે.

...........યુદ્ધકેદીઓ તરીકે પોતાને ખોરાકમાં જે ખાંડ નહોતી મળતી તે મેળવવા માટે લોકો આ૦ હિં૦ ફો૦ માં જોડાયેલા એ વાત તો હાસ્યાસ્પદ છે. આ૦ હિં૦ ફો૦માં જોડાયા હતા એમની ઉપર તો દુશ્મન લશ્કર સાથે લડતાં લડતાં મરવાનું જોખમ હતું...... ફરિયાદપક્ષના કેટલાક સાક્ષીએાએ પોતાની ઉપર બળજબરી થયાની જુબાની આપી હતી તેનું કારણ તો એ છે કે એમને હુકમભંગ કે બીજા ગુનાઓ માટે સજા કરવામાં આવી અને પોતાની જાતને મોટી દેખાડવા માટે આવાં હોશિયારીભર્યાં અર્ધસત્યો એ હવે ઉચ્ચારી. રહ્યા છે.'

બચાવપક્ષના સાક્ષીઓએ આપેલી જુબાનીમાંથી વારંવાર ઉતારા ટાંકી ટાંકીને શ્રી ભુલાભાઈ એ ફોજ-ભરતી માટે બળજબરી કે જુલ્મો કર્યાના અને પાંચ માણસોના ખૂનો કર્યા કે કરાવ્યાના આરોપોનો લંબાણથી ઇન્કાર કર્યો. એમણે એમ પણ કહ્યું કે કૅ૦ સેહગલ એક યુદ્ધકેદી તરીકે શરણે થયા હતા અને લડાઈ બંધ પડે પછી યુદ્ધકેદીઓને છોડી મૂકવામાં આવતા હોઈને એમને પણ તરત જ મુક્ત કરવા જોઈએ. તે ઉપરાંત આ આખો મુકદ્દમો ગેરકાયદેસર છે આ અદાલતને એ ચલાવવાની કાયદેસરની કોઈ સત્તા નથી એવી દલીલો કરીને એમણે એના સમર્થનમાં કાયદાની જુદી જુદી બારીકીઓ રજૂ કરી. આ બધા કારણોસર આરોપીઓને નિર્દોષ ઠરાવવાની અપીલ એમણે અદાલતને કરી, અને દસ કલાક સુધી ચાલેલું એમનું ભાષણ પૂરું કર્યું.

: ૨૦ :
૧રમી ડિસેંબર : શનિવાર

બચાવપક્ષની દલીલોના જવાબમાં સરકારી વકીલે પોતાનું ભાષણ વાંચી સંભળાવ્યું તેમાં તમામ આરોપોનું પુનઃઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. એમણે કહ્યું કે આરોપીઓએ પોતે જ યુદ્ધકેદીઓ ઉપર સિતમ ગુજાર્યા હતા કે બીજા પાસે ગુજારાવ્યા હતા એવો દાવો ફરિયાદપક્ષે કર્યો નહોતો. ફરિયાદપક્ષ તો એમ કહે છે કે યુદ્ધકેદીઓ જે આ૦ હિં૦ ફો૦માં ન જોડાય તો એમને જુલમ સહન કરવા પડશે એવી ગર્ભિત ધમકીઓ આરોપીઓએ આપી હતી. પણ સરકારી વકીલે કબૂલ કર્યું કે અદાલતમાં પડેલી જુબાનીએ એમની દલીલને ટેકો આપ્યો નહોતો.

એમણે જણાવ્યું કે આરોપીઓ હિંદી લશ્કરી કાયદાને આધીન હતા અને ફોજમાંથી એ રજા લ્યે કે અમને છૂટ્ટા કરવામાં આવે નહિ ત્યાં સુધી એને આધીન એ રહે છે. કામચલાઉ સરકારની સ્થાપના કરવી એ પણ એક ગુનો છે, એમ કહીને એમણે ઉમેર્યું કે એ સરકારના હુકમ પ્રમાણે ગુના કર્યા હતા એવો બચાવ થઈ શકે નહિ, એ સરકાર સાથેના યુદ્ધસંબંધનો સ્વીકાર જ્યાં સુધી હિંદી સરકાર કરે નહિ ત્યાં સુધી એ અંગેના કોઈ અધિકાર એ સરકારના કે એની ફોજના સભ્યોને મળી શકે નહિ. અમેરિકાનો કાયદો ઈંગ્લંડના કાયદા કરતાં જુદો છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય કાયદો એ દેશના કાયદાથી પણ ઉપરવટ હોય છે. જ્યારે ઈંગ્લંડમાં એથી જુદી જ પરિસ્થિતિ છે. તેથી અમેરિકન કાયદામાંથી બચાવપક્ષના વકીલે આપેલા ઉતારા અપ્રસ્તુત છે. આંતરરાષ્ટ્રીય કાયદાનો કોઈ મુદ્દો આ મુકદ્દમામાં ઊભો થતો નથી. અા અદાલતને કાયદેસર રીતે ઊભી કરવામાં આવી છે અને હિંદી લશકરી કાયદા પ્રમાણે તેણે ઈન્સાફ તોળવાનો છે એમ પણ એમણે કહ્યું.

હિંદી સરકારે બહાર પાડેલા એક નિવેદન તરફ અદાલતનું ધ્યાન એમણે દોર્યું. એમાં એમ જણાવાયું હતું કે આ૦ હિં૦ ફો૦માં ન જોડાનારા ૪૫,૦૦૦ યુદ્ધ કેદીઓમાંથી ૧૧,૦૦૦એ રોગચાળામાં પોતાના જાન ગુમાવ્યા હતા. જયારે આ૦ હિં૦ ફો૦માં જોડાયેલા ૨૦,૦૦૦ માંથી માત્ર ૧પ૦૦ મરણ પામ્યા હતા. આઝાદ હિંદ સરકાર પાસે એક તસુ પણ જમીન હતી નહિ. અને કોઈ કરવેરા કે મહેસૂલ એ ઉધરાવતી નહોતી. એ તો માત્ર કાગળ ઉપરની સરકાર હતી... કૅ૦ સેહગલ યુદ્ધકેદી તરીકે શરણે થયા હતા એવી દલીલના જવાબમાં એમણે કહ્યું કે એમને એવો કોઈ દરજ્જો આપવાનો અધિકાર કનલ કિટ્સનને હતો નહિ. ચાર કલાક સુધીની દલીલોને અંતે સર નોશીરવાને ઉમેયું કે:-

'બધા આરોપીઓ સામેના તમામ આરોપો શંકારહિતપણે પૂરવાર થઈ ચૂક્યા છે. આરોપીઓ સામેના તહોમતો માટે કાયદામાં કોઈ બચાવ નથી. તેમ છતાં એવા પુરાવા સારા પ્રમાણમાં રજૂ થયા છે કે આરોપીઓએ જે કાંઈ કર્યું છે તેની પાછળ કોઈ પગારદારી ઈરાદો નહિ પણ પોતે જેને સાચા દિલથી દેશપ્રેમી ઈરાદો માનતા હતા તે હતો. હિંદુસ્તાનની સેવા કરવાની ડહાપણભરી કે ગેરરસ્તે દોરવાયેલી લાગણીથી એમણે એ કર્યું હતું. તેથી કાયદેસર રીતે તો આરોપીઓનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. પણ જો અદાલતનો ફેંસલો આરોપીઓની વિરૂદ્ધમાં હોય તો સજા કરવાની બાબતમાં એનો વાજબીપણે ખ્યાલ રાખી શકાય. અદાલતને લાગેવળગે છે ત્યાં સુધી સજાની બાબતમાં એમના હાથ બાંધેલા છે. જો અદાલતનો ફેંસલો આરોપીઓની વિરુદ્ધમાં હોય તો એમને ઓછામાં ઓછી જનમટીપની સજા એ કરી શકે છે. પણ પોતાની સામે પડેલા પુરાવાઓ ઉપરથી જો અદાલતને એમ લાગે કે આ મુકદ્દમામાં સજા એાછી કરી શકાય તેવી લાયકાત છે તો 'કન્ફર્મિંગ અફસર'ની વિચારણા માટે અદાલત એ જાતનો શેરો કરી શકે છે.'

: ૨૧ :
ર૯મી ડિસેંબર ; શનિવાર

અદાલતના બીજા સભ્યોને ઉદ્દેશીને બેઉ પક્ષોની હકીકતો અને કાયદા અંગેની દલીલો રજુ કરતા જજ-એડવોકેટ કર્નલ કેરિનના ત્રણ કલાકના ભાષણની શરૂઆતમાં એમણે કહયું કે

'આ મુકદ્દમામાં જેટલી મહત્વની અને ગૂંચવણભરી હકીકતો તેમજ કાયદાની બારીકીઓ ઉપર ઇન્સાફ તોળવાનું કામ લશ્કરી અદાલત ઉપર આવ્યું છે તેવું વારંવાર આવતું નથી. આવા ગંભીર આરોપો સહિત તમારી સામે ખડા કરાયેલા ત્રણ આરોપીઓની ગુનેગારી કે નિર્દોષતા નક્કી કરવાનો ભારે બેાજો તમારી ઉપર છે. એ મુશ્કેલ કાર્યમાં તમને યથાશિકત મદદ કરવાની હવે મારી ફરજ છે. મારું કાર્ય તમારી સમક્ષ કાયદાનો સાર રજૂ કરવાનું, આ આરોપોને એ કઈ રીતે લાગુ પડી શકે તે દેખાડવાનું અને ફરિયાદપક્ષે કે બચાવપક્ષે હકીકત અંગે ઊભા કરેલા મુદ્દા તમારી સામે મૂકવાનું છે. કાયદાના સવાલ વિશે બને તેટલી સ્પષ્ટતાપૂર્વક અને બને તેટલા ચોક્ખા શબ્દોમાં તમને સલાહ આપવાનું મારું કામ છે, પરંતુ હકીકત શી હતી એનો નિર્ણય તો તમારે એકલાએ જ લેવાનો છે, કારણ કે એવી બાબતોના ન્યાયકર્તા તમને જ ઠરાવવામાં આવ્યા છે. હકીકત વિશે કોઈ પણ જાતનો અભિપ્રાય વ્યક્ત કરવાનું મારું કામ નથી.

તમારા દૈનિક જીવનમાં એ વસ્તુ એક યા બીજી રીતે તમારા ધ્યાન ઉપર જરૂર આવી હશે કે આ અને આની સાથે સંકળાયેલા બીજા મુકદ્દમાઓએ વર્તમાનપત્રો દ્વારા અને બીજી રીતે જાહેર જનતાને ઘણું આકર્ષણ કર્યું છે. એ હકીકત પ્રત્યે દુર્લક્ષ કરીએ તો આપણે વસ્તુસ્થિતિ પ્રત્યે આંધળા કહેવાઈએ. પણ બહારના એ તમામ અહેવાલો અને અભિપ્રાય તરફ તમારે દુર્લક્ષ કરવાનું છે અને માત્ર તમારી સમક્ષ અહીં રજૂ થયેલા પુરાવાઓ ઉપરથી જ તમારે ફેંસલો કરવાનો છે...દરેક આરોપીની ગુનેગારી સાબિત કરવાની જવાબદારી ફરિયાદપક્ષ ઉપર છે...આરોપીઓ ગુનેગાર છે એમ સાબિત ન થાય ત્યાં સુધી એ નિર્દોષ છે એમ જ માનવાનું છે.'

કાયદાની બારીકીઓને આધારે આ અદાલતને આવા ગુનાનો ઈન્સાફ તોળવાનો અધિકાર નથી તેમજ આખો મુકદ્દમો ગેરકાયદે છે એવી બચાવ-પક્ષની દલીલને જજ–એડવોકેટે અસ્વીકાર્ય ઠરાવી, અને પછી આઝાદ હિંદની કામચલાઉ સરકારની રચના અને સ્થાપના અંગેની કેટલીક બાબતે પરના પુરાવાઓનો ટુંક સાર આપ્યોઃ

'૧૯૪૩ની ૨૧ મી ઑકટોબરે સિંગાપુરમાં મળેલી એક સભામાં આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપનાની જાહેરાત સુભાષચંદ્ર બોઝે કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સરકારે બ્રિટન અને અમેરિકા સામે લડાઈ જાહેર કરેલી. જાપાનીસ વિદેશ- કચેરીના શ્રી સાબુર ઓહટાએ જણાવ્યું છે કે એમની સરકારે કામચલાઉ સરકારનો સ્વીકાર કરેલો, અને તેની જાહેરાતનો અસલ મુસદ્દો એમણે પોતે ઘડેલો. આઝાદ હિંદ સરકારના માહિતી-ખાતાના પ્રધાન શ્રી અય્યરે એ સરકારનાં કાર્યોની વિગતો રજૂ કરી છે. ધરીરાજયોએ એ સરકારનો સ્વીકાર કર્યો હતો એવી જુબાની લેફ૦ નાગે અને શ્રી માત્સુમોટોએ આપી છે. એ સરકાર ઉપર શ્રી હાચિયાને જાપાનીસ સરકારે પોતાના એલચી તરીકે મોકલ્યા હતા એની પણ સાબિતી છે. શ્રી દીનાનાથે જણાવ્યું છે કે રંગુનમાં એક આઝાદ હિંદ બેંક હતી અને સરકારનાં તમામ નાણાં એ બેંકમાં નાણાં-પ્રધાનના નામ ઉપર રાખવામાં આવતાં. જુદાં જુદાં ખાતાંને એ ખરચ પૂરું પાડતા. અાંદામાન અને નીકાબાર ટાપુઓ કામચલાઉ સરકારને સોંપી દેવામાં આવેલા એવો દાવો કરવામાં આવ્યો છે. બારમામાં ઝિયાવાડીને નામે એળખાતો પચાસ ચોરસ માઈલનો બીજો પણ એક વિસ્તાર કામચલાઉ સરકારને સોંપી દેવાયાનું કહેવાયું છે. આ અંગે ફરિયાદપક્ષનું એમ કહેવું છે કે એનો વહીવટ એ કાંઈ મુકત કરાયેલા પ્રદેશોનો વહીવટ ગણાવી શકાય નહિ. છેલ્લે કેપ્ટન અરશદે અદાલતને જણાવ્યું કે મણિપુર રાજ્યમાં આ૦ હિં૦ ફો૦ એ કબજે કરેલા વિસ્તારનો વહીવટ આઝાદ હિંદ દળ ચલાવતું હતું. ફરિયાદપક્ષના વકીલે કૅ૦ અરશદના ૨૧મી જૂન ૧૯૪૪ ના એક કાગળ પ્રત્યે અદાલતનું ધ્યાન દોર્યું છે, જેમાં એમણે એમ જણાવેલું કે, આઝાદ હિંદ દળ નામની એક નવી સંસ્થા શરૂ કરવામાં આવી છે અને “આપણા વિજયી સૈન્યને પગલે પગલે એ હિંદુસ્તાનમાં જશે.” ફરિયાદપક્ષના વકીલે કહ્યું છે કે એમાંથી એવો અર્થ તારવવા જેઈએ કે એ તારીખ સુધી આઝાદ હિંદ દળ હિંદમાં પહોંચ્યું નહોતું અને તેથી એ વિસ્તારનો વહીવટ એ કરી શક્યું હોય નહિ.

'આંતરરાષ્ટ્રીય કાયદાની વિચારણા કરવા માટે નીચેની હકીકતો સાબિત થઈ ચૂકી છે એવો બચાવપક્ષને દાવો છે: (૧) કામચલાઉ સરકારની રીતસરની સ્થાપના અને જાહેરાત થઈ હતી. (ર) એ એક સુવ્યવસ્થિત સરકાર હતી. (૩) ધરીરાજયોએ એ સરકારનો સ્વીકાર કર્યો હતો. આ સ્વીકાર સાબિત કરે છે કે એ સરકાર રાજ્યસત્તા–પદે પહોંચી ચૂકી હતી. (૪) એ રાજ્યસત્તા પાસે એક સુસંચાલિત લશ્કર હતું અને રીતસરના નિમાયેલા હિંદી અફસરોની નીચે રહીને એ કાર્ય કરતું હતું. (૫) આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ હિંદની સ્વતંત્રતા મેળવવાનો હતે અને એની સાથેનો બીજો ઉદ્દેશ લડાઇ દરમિયાન બરમા અને ખાસ તો મલાયામાંના હિંદીઓનું રક્ષણ કરવાનો હતો. (૬) આ નવી હિંદી રાજ્યસત્તાએ બીજી કેાઈ પણ રાજ્યસત્તાની માફક પોતાના પ્રદેશો મેળવ્યા હતા. (૭) આ લડાઇ લડવા માટે એ રાજ્યસત્તા પાસે મોટા પ્રમાણમાં સાધન-સામગ્રી હતાં. “આ દેશને સ્વતંત્ર કરવા માટે લડાઇ લડવાનો કામચલાઉ સરકારને અધિકાર હતો અને એ પ્રમાણે એ લડાઇ લડેલી પણ ખરી એમ બચાવપક્ષ ઉપલી હકીકતોને આધારે કહે છે. જો એવી સરકારને યુદ્ધે ચડવાનો અધિકાર હોય અને રાષ્ટ્રોએ તેનો સ્વીકાર કર્યો હોય તો પછી આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ બે સ્વતંત્ર રાષ્ટ્ર અથવા બે રાજ્યસત્તાઓ એકબીજા સામે યુદ્ધ ચલાવી શકે છે અને એવી લડાઇના સંચાલનમાં જે કોઈએ કાંઈ પણ કાર્ય કર્યું હોય તેમને મ્યુનિસિપલ કાયદો લાગુ પડી શકતો નથી...... ફરિયાદપક્ષની મુખ્ય દલીલ એવી છે કે આંતરરાષ્ટ્રીય કાયદો તપાસવાનો અને એક રાજયસત્તા અને તેના પ્રજાજન વચ્ચેની સદંતર આંતરિક બાબતમાં એને લાગુ પાડવાનો અધિકાર બ્રિટિશ અદાલતો કે બ્રિટિશ હિંદની અદાલતોનો છે નહિ. ......તમે જે નિર્ણય કરો તેમાં તમારે એ પણ વિચારવાનું છે કે હિંદી લશ્કરના હિંદી અફસરો ઉપર જેમાં હિંદી લશ્કરી કાનૂન પ્રમાણે આરોપો મૂકવામાં આવ્યા છે એવા આ મુકદ્દમામાં આંતરરાષ્ટ્રીય કાયદાની વિચારણા કરવી એ અમારે માટે કાયદેસર રીતે વાજબી છે કે નહિ.. કારણકે તમારી સૌથી પહેલી ફરજ તો હિંદી લશ્કરી કાનૂન પ્રમાણે અને બ્રિટિશ હિંદના કાયદા પ્રમાણે ઇન્સાફ તોળવાની છે. આ વિષય ઉપર બેઉ પક્ષોએ રજૂ કરેલી તમામ દલીલોનો વિચાર કર્યા પછી મને લાગે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાને આ ખટલામાંની હકીકતોને લાગુ પાડવા સંબંધમાં આ અદાલતને અપાયેલી વિવેકશકિત સદંતર બંધન-રહિત નથી......

'જેની માફક આરોપી અફસરોએ રાજા સામે યુદ્ધ ચલાવ્યું હોવાનો આરોપ મુકાયો છે તે આઝાદ હિંદ ફોજની હયાતી અને તેનાં કાર્યો અંગે, કે ત્રણેય આરોપીઓ એમાં જોડાયેલા અને તેના જાહેર ઉદ્દેશોને એમણે સ્વીકારેલા એ વિષે ફરિયાદપક્ષ અને બચાવપક્ષ વચ્ચે કોઈ મતભેદ નથી. પણ ત્રણે આરોપીઓ ઉપર એક સંયુક્ત મુકદ્દમો મંડાયો એનો અર્થ એ નથી કે ત્રણેયને એકસરખી સજા ફરમાવવી. સંયુક્ત આરોપોનો તે ત્રણેય સામેના પુરાવાઓની એકી સાથે અને એક જ સમયે રજૂઆત થઈ શકે એ સગવડ સાથે જ સંબંધ છે. તે સિવાય તે, દરેક આરોપીને પોતાની સામે પુરાવાઓની સ્વતંત્રપણે તુલના કરાવવાનો અને પોતાની સામેના અલગ અલગ ફેંસલા માગવાનો અધિકાર છે......

'બધા આરોપીએાએ એ વાત ભારપૂર્વક જણાવી છે કે આઝાદ ફોજ એ એક સંપૂર્ણપણે સ્વયંસેવક-સેના હતી અને એમાં માત્ર સ્વેચ્છાપૂર્વક જોડાયેલા સ્વયંસેવકો જ શામિલ હતા, અને સ્વદેશપ્રેમના ઉચ્ચમાં ઉચ્ચ ઇરાદાઓથી એ હમેશાં પ્રેરાયેલા હતા. બેશક જો કોઇ કૃત્ય ગુનેગારીભર્યું હોય તો તેની પાછળના ઈરાદાઓ એને ક્ષમા કરાવી શકે નહિ. પણ સાથે સાથે, આરોપીએાએ જે કહ્યું છે તે તમે સ્વીકારો - અને એનો ઇન્કાર કરવામાં આવ્યો નથી - તો પછી જો આરોપીઓને સજા કરવાની હોય તો તેમાં ઘટાડો કરવા માટેના વજનદાર સંજોગો હયાતી ધરાવે છે.'

અંતે, પોતપોતાના પક્ષેાની સુંદર રજુઆત કરવા બદલ અને આખા મુકદ્દમા દરમિયાન પોતાની સાથે સહકારથી કામ પાડવા બદલ જજ- એડવોકેટે બચાવપક્ષના ધારાશાસ્ત્રી શ્રી ભુલાભાઈની, સરકારી વકીલની અને લશ્કરી–વકીલ લેફ૦ કર્નલ વોલ્શની પ્રશંસા કરી તે પછી પ્રમુખશ્રીએ જાહેર કર્યું કે પોતાના ફેસલાની વિચારણા કર્યા બાદ અદાલત આવતા સોમવારે ફરી મળશે.