લખાણ પર જાઓ

લાલકિલ્લાનો મુકદ્દમો/આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો

વિકિસ્રોતમાંથી
← આઝાદ હિંદ સરકારના બે પ્રધાનોની જુબાની લાલકિલ્લાનો મુકદ્દમો
આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૬
'મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર' →


આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો

તે પછીના સાક્ષી આઝાદ હિંદ બેંકર ડીરેક્ટરોમાંના એક શ્રી દીનાનાથે જણાવ્યું કે -

રંગુનમાં હું દસ વરસ રહ્યો છું, ઈમારતી લાકડાંનો વેપાર કરુ છું અને ઇજનેરી કોંટ્રાક્ટો લઉં છું. જાપાનીએાએ લડાઇ જાહેર કરી ત્યારે હું રંગુનમાં હતો. ૧૯૪૧ની ૨૦મી ડિસેમ્બરે જાપાનીઓએ મલાયાનો કબજો લેવા માંડ્યો અને ૨૩મી ડિસેમ્બરે રંગુન ઉપર બેાંબમારો કર્યો.

સ૦- જાપાનીસ બેાંબમારા વખતે રંગુનમાં શી પરિસ્થિતી હતી?

જ૦- ભારે નાસભાગ થઇ રહી હતી. રંગુનમાં હિંદીઓને લૂંટવાનું અને એમનાં ખૂન કરવાનું ચાલતું હતું. જાપાનીઓ રંગુનમાં દાખલ થયા ત્યારે હું મોગામાં હતો. હિંદી સ્વાતંત્ર્ય સંઘની અને તેની રંગુન–શાખાની સ્થાપનાની મને જાણ હતી. આઝાદ હિન્દ બેંકના ડીરેક્ટરોમાંને હું એક હતો. બીજા ડીરેક્ટરો હતા શ્રી અય્યર (પ્રમુખ), શ્રી રશીદ, શ્રી બેટાઈ, શ્રી માધા અને કર્નલ આલાગા ખાન.

બરમા અને મલાયામાંના હિંદીઓ તરફથી કામચલાઉ સરકારને ફાળા આપવામાં આવતા હતા. એક નેતાજી ફાળા સમિતિ પણ હતી. એનું કાર્ય કામચલાઉ સરકાર માટે પ્રજા પાસેથી ઉઘરાણું કરવાનું હતું. ઉઘરાણાંમાં રોકડ અને ચીજ વસ્તુઓ આવતાં આ રીતે ભેગાં થયેલાં નાણાં આઝાદ હિન્દ બેંકમાં રખાતાં અથવા તો આઝાદ હિન્દ સરકારના નાણાંકીય-ખાતામાં રખાતાં.

સ૦– બરમામાં થયેલો કુલ ફાળો કેટલો હતો ?

જ૦- પંદર કરોડ રૂપિયા જેટલો.

સ૦– મલાયામાં કુલ કેટલો ફાળો થયેલો ? જ૦ - લગભગ પાંચ કરોડ રૂપિયા.......રૂપિયાની સરખામણીમાં ડોલરની કિંમત કેટલી થાય તે હું જાણતો નથી. પ્રજાનાં માણસો પણ આ બેંક સાથે વ્યવહાર રાખતાં. બેંકની રંગુન-શાખામાં ત્રીસ -ચાલીસ લાખ રૂપિયા હતા. બેંક સાથે મારો સંબંધ ૧૯૪૪ના એપ્રિલથી તે બ્રિટિશ લશ્કરી સત્તાવાળાઓએ ૧૯૪૫ના મેની અધવચમાં એનો કબજો લીધો ત્યાં સુધી ચાલુ હતો. એ વખતે બેંક પાસે પાંત્રીસેક લાખ રૂપિયા હતા.

ઝિયાવાડી જાગીરના પચાસેક ચોરસ માઇલના વિસ્તારમાં મુખ્યત્વે હિંદીઓની વસ્તી હતી. એ જાગીર કામચલાઉ સરકારને સોંપી દેવામાં આવેલી. આઝાદ હિંદ સરકારના મહેસૂલી પ્રધાને એ વિસ્તારોના વહીવટ માટે એક વહીવટકર્તા નીમ્યા હતા. રાજ્યની ૧૫,૦૦૦ની વસ્તી હતી અને એમાં ઇસ્પિતાલો ઉપરાંત સૂતર, ધાબળા, અને કોથળા બનાવવાનાં કારખાના હતાં. એ રાજ્યમાં આ૦ હિં૦ ફો૦નું એક મથક હતું તેમજ એક તાલીમ છાવણી પણ હતી. કારખાનાં કામચલાઉ સરકાર તરફથી ચલાવવામાં આવતાં અને તેની તમામ પેદાશનો ઉપયેાગ પણ એ કરતી. નાણાં, સ્વયંસેવકોની ભરતી અને તાલીમ, પ્રચાર અને જાહેર તંદુરસ્તીની વ્યવસ્થા હિંદી સ્વાતંત્ર્ય સંઘની જુદી જુદી શાખાઓ કરતી અને હિંદીઓનાં હિતની સંભાળ રાખતી. સંઘમાં એક નારી-વિભાગ હતો અને એક બાલસેના પણ હતી. ગેરહાજર હિંદીઓની મિલકતની સંભાળ પણ સંઘ રાખતો.

તે પછીના સાક્ષી હવાલદાર શીવસીંઘ આ૦ હિં૦ ફો૦માં લેફટનેન્ટનો દરજજો ધરાવતા હતા. એમણે કહ્યું કે -

“આઝાદ હિંદ ફોજનો હું સભ્ય હતો અને આજે પણ છું. ૧૯૪૨ના ઓગસ્ટમાં હું બરમા આવેલો. ઝિયાવાડી નામનો એક પ્રદેશ છે તે મને ખબર છે. ૧૯૪૩ના ઓગસ્ટથી ૧૯૪૫ના એપ્રિલ સુધી હું ત્યાં રહેલો. ત્યાં મને એક તાલીમ-છાવણી શરૂ કરવા મોકલવામાં આવેલો અને એ મારા અંકુશ નીચે હતી. એ પ્રદેશમાં આશરે ૧૫,૦૦૦ હિંદીઓની વસ્તી હતી. તાલીમ-છાવણી ઉપરાંત ત્યાં આ૦ હિં૦ ફો૦ની એક iસ્પિતાલ હતી, સાજા થઈ રહેલા દરદીઓ માટેનું એક આરામ-ગૃહ હતું અને અપંગ સિપાહીઓ માટેનું એક નિવાસસ્થાન હતું. ખાંડનું એક કારખાનું અને આઝાદ હિંદ દળની એક મોટી કચેરી પણ ત્યાં સ્થાપવામાં આવ્યાં હતાં.

આઝાદ હિંદ દળનો ઉદ્દેશ અમારા લશ્કરે કબજે કરેલા અને અમારી સરકારના અંકુશ નીચેના પ્રદેશનો વહીવટ કરવાનો હતો. આઝાદ હિંદ દળ લે૦ વિઠ્ઠલરાવના અંકુશ નીચે હતું અને શ્રી ઘેાષના તાબામાં જાહેર બાંધકામ ખાતું હતું. ગામડાનાં ઝૂમખાં માટે તેહસીલદારો નીમવામાં આવ્યા હતા અને એમનું કામ મહેસૂલ ઉઘરાવવાનું, નાના ઝઘડા પતાવવાનું અને મોટી તકરારો ઉપરના સત્તાવાળાઓ પાસે પહોંચાડવાનું હતું. શ્રી રામચંદ્ર પ્રસાદ એના વ્યવસ્થાપક હતા. એમની નિમણુંક સરકારે કરેલી હતી. પોલીસખાતું શ્રી શ્યામચરણ મિશ્રના હાથમાં હતું, એમની નિમણુંક પણ સરકારે કરેલી હતી. શ્રી ઘેાષના તાબામાં જાહેર બાંધકામ ખાતા ઉપરાંત, ખેતીવાડી અને આરોગ્યનાં ખાતાં પણ હતાં.

આ પ્રદેશનો બચાવ આઝાદ હિન્દ ફોજના સિપાહીઓએ કર્યો હતો. જાપાનીઓ કે બરમીઓને આ પ્રદેશ સાથે કાંઇ લેવાદેવા નહોતી. ઘણીવાર બરમી અને જાપાનીસ સરકારો સાથે ગેરસમજણ ઊભી થતી, પણ અમારી કામચલાઉ સરકાર એને દૂર કરતી. મુક્ત કરાયેલા પ્રદેશના ભાવિ ગવર્નર તરીકે જનરલ ચેટરજીની નિમણુક થઇ હતી. એમનું વડું મથક ઝિયાવાડીમાં હતું.

ઊલટતપાસમાં:-

જાપાનીઓ સાથેની લડાઇમાં મેં ભાગ લીધેલો અને ૧૯૪૨ના જાન્યુઆરીમાં હું કેદ પકડાયો હતો. આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ સરકારની સ્થાપના થયા પછી અંગ્રેજો સામે લડવા માટે હું મારી મેળે ભરતી થઈ ગયેા હતો.

સ૦- ૧૯૪૨ની ૧૦ મી ફેબ્રુઆરીએ તમે સાઈગોનથી રેડીઓદ્વારા હિંદી લશ્કરને ઉદ્દેશીને બોલ્યા હતા ?

જ૦- હિંદી લશ્કરને ઉદ્દેશીને હું રેડીઓ પરથી બોલ્યો નહોતો. મને કેદ પકડ્યા પછી જાપાનીઓએ મારી સાથે કેવો વર્તાવ રાખ્યો હતો તે મેં રેડીઓ પરથી જાહેર કરેલું. આ મેં મારી પોતાની જ ઇચ્છાથી કર્યું હતું, કારણ કે જાપાનીઓએ મને કહેલું કે એમણે મારી સાથે કેવો વર્તાવ રાખ્યો છે એ જો મારે બ્રોડકાસ્ટ કરવું હોય તો કરી શકું છું.

સ૦- એ બ્રોડકાસ્ટ કોના લાભ માટે હતો ?

જ૦ – અંગ્રેજો જેમને જંગલેામાં છોડીને જતા રહ્યા હતા એવા ઘણા હિંદી સૈનિકોના લાભ માટે એ હતો, કે જેથી એ ભેગા થઇને સાઈગોનમાં એકબીજાને મળી શકે. હિંદી સિપાહીઓને સામે પક્ષે ભળી જવાનું મેં રેડીઓ ઉપરથી કહ્યું નહોતું......૧૯૪૨ના માર્ચમાં હું પહેલવહેલો કે૦ મોહનસીંઘને સિંગાપુરમાં મળેલો અને એમની પડખેના એક બંગલામાં ચાર-પાંચ દિવસ સુધી રહેલો. ઈપોહમાં હું કેદ પકડાયો પછી જાપાનીએાએ મને પ્રથમ કુલાલાંપુર અને પછી સાઈગોન મોકલેલો. ત્યાં મને શું કામ લઈ જવાયો તેની મને ખબર નથી. મને તો એટલું જ કહેવામાં આવ્યું હતું કે મારે જવાનું છે.

સ૦- હું તમને કહું છું કે તમે એમને માટે ચોક્કસ કાર્ય કરવા જવા તૈયાર છો કે નહિ એ જાપાનીઓએ તમને પૂછેલું ?

જ૦– મને તો ફક્ત જવાનો હુકમ કરવામાં આવેલો...... સાઈગોનમાં મને કર્નલ સાઈટો પાસે લઈ ગયા. ત્યાં કર્નલ સાઈટોએ મને જાપાનીઓની યુદ્ધનેમોની વાત કરી. સ૦- અંગ્રેજો સામે લડવા માટે એક લશ્કરમાં જોડાવાનું એણે તમને અને તમારી ટૂકડીને કહ્યું હતું ?

જ૦– અંગ્રેજો સામે લડવા માટે એણે મને કોઈ લશ્કરમાં જોડાવાનું કહ્યું નહોતું.

સ૦– હું તમને કહું છું કે તમને બ્રોડકાસ્ટ કરવાનું કહેવામાં આવેલું, અને જાપાનીઓને મદદ કરીને હિન્દની આઝાદી મેળવવાનું તમે હિન્દી લશ્કરને રેડીઓ ઉપરથી કહેલું પણ ખરું.

જc– ના. મેં અગાઉ જે કહ્યું એ જ મેં બ્રોડકાસ્ટ કરેલું અને બીજુ કાંઈ જ નહિ.

સ૦- સિંગાપુરમાં તમે મેજર ફ્યુજીવારાને મળેલા ?

જ૦– એમને હું મળેલો નહિ, પણ મેં એમને જોયેલા.

સ૦– તમે સિંગાપુર જવાની વાત કરતા હતા. તમે ત્યાં જવાની માગણી કરેલી કે તમને ત્યાં મોકલવામાં આવેલા ?

જ૦– મને ત્યાં મોકલવામાં આવેલો.

સ૦– મોહનસીંઘ સાથે તમે કેવી રીતે રહ્યા ? અગાઉ તો તમારે એમની સાથે કાંઈ સંબંધ હતા નહિ.

જ૦– હું મોહનસીંઘની સાથે રહ્યો હતો એવું મેં નથી કહ્યું, મેં કહેલું કે કે૦ મોહનસીંઘની પડખેના એક ઘરમાં બીજા હિન્દી સિપાહીઓ રહેતા હતા ત્યાં હું પણ રહેલો.

સ૦– એ ઘર માંઉન્ટ પ્લેઝન્ટ રોડ ઉપરના મોહનસીંઘના બંગલામાં હતું ?

જ૦– માઉન્ટ પ્લેઝન્ટ રોડ ઉપર સંખ્યાબંધ બંગલાઓ હતા. કે૦ મોહનસીંઘની પડખેના એક નાના મકાનમાં હું રહ્યો હતો.

સ૦– સિંગાપુર પહોંચ્યા પછી તમે મોહનસીંઘ સમક્ષ હાજર થયા હતા કે નહિ ?

જ૦– ના......ત્યાં પાંચ-છ દિવસ રહ્યા પછી હું બિદાદરી છાવણીમાં ગયેલો. મને ત્યાં જવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સ૦- તમને વખતોવખત જુદા જુદા સ્થળેાએ શા માટે લઈ જવામાં આવતા હતા એ તે તમે કદી પૂછ્યું જ નહિ હોય ?

જ૦– એ જ રીતે બીજા ઘણા માણસો એક સ્થળેથી બીજે સ્થળે જતા હતા. આ બધી હિલચાલ માટેનાં કારણો મને કહેવામાં આવ્યાં નહોતાં.

સ૦– બિદાદરીમાં હતા ત્યારે તમે આઝાદ હિંદ ફોજ વિશે કાંઈ સાંભળેલું ?

જ૦– હા, બિદાદરીમાં મેં આ૦ હિં૦ ફો૦ વિશે સાંભળેલું.

સ૦– અને આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું તમે બીજાને સમજાવતા હતા ?

જ૦ - ના.

સ૦– આ૦ હિં૦ ફો૦માં જોડાવાનું તમને કોઈએ સમજાવેલું?

જ૦-ના... ... ...એ છાવણીમાં હું લગભગ બે મહિના સુધી રહ્યો પણ એટલા વખત દરમિયાન એક પણ ભાષણ મેં સાંભળ્યું નહોતું. આગળ જતાં, આ૦ હિં૦ ફો૦ ના વડા મથકના કહેવાથી હું બેંગકોક પરિષદમાં હાજર રહેવા બેંગકોક ગયેલો. એ વખતે હું આ૦ હિં૦ ફો૦માં હતો.

સ૦- બેંગકોક પરિષદ ૧૯૪૨ના જૂનમાં ભરાયેલી ?

જ૦ - હા.

સ૦– એ વખતે આઝાદ હિંદ ફોજની સ્થાપના થઈ ગઈ હતી ?

જ૦– હા, એની સ્થાપના થઈ ગઈ હતી.

સ૦– આ૦ હિં૦ ફો૦માં જોડાવાની તમારી ઇચ્છા તમે દર્શાવેલી ?

જ૦- હા, જો મને દરેક વાતનો સંતોષ થાય તો આ૦ હિં૦ ફો૦ માં જોડાવા તૈયાર હતો.

સૂ૦– તમને બૅંગકોક જવાનું કઈ વ્યક્તિએ કહેલું ?

જ૦– કે૦ અમરસીંઘે મને બૅંગકોક જવાનું કહેલું. સ૦–કયા કારણસર એમણે તમને એમ કહેલું ?કોઇના પ્રતિનિધિ તરીકે તમારે જવાનું હતું ?

જ૦–એમણે મને કહ્યું કે ત્યાં એક પરિષદ ભરવાની છે અને મારે ત્યાં જઈને હિંદુસ્તાનીમાં જે ભાષણ થાય તેની નોંધ કરવી. કે૦ મેહનસીંધના ભાષણની મેં નોંધ કરેલી. તે પછી હું સિંગાપુર પાછો ફર્યો અને ૧૯૪૨ના સપ્ટેંબરમાં રંગુન ગયો... કર્નલ જિલ નીચે એક ખાસ ટૂકડી મોકલવામાં આવેલી અને હું પણ એમાં હતો.

સ૦–આ સમયે તમે આ૦ હિં૦ ફો૦માં રીતસર જોડાયેલા હતા ?

જ૦– હું એમાં જોડાયો હતો ખરો પણ જાપાનીસ સરકારે અમારી આઝાદ હિંદ ફોજને અને કામચલાઉ સરકારને સ્વીકારેલ નહિ ત્યાં સુધી લડવા માટે હું તૈયાર નહોતો.

સ૦– ૧૯૪૨ના સપ્ટેંબરની આખરમાં તમને આરાકાન મોરચે દુશ્મન દળેામાં પેસી જવાનું કામ સોંપાયું હતું ?

જ૦– ના. મને આરાકાન જઇને માહિતી મેળવવાનું અને પાછા ફરીને મારો અહેવાલ રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ કામ મેં આ૦ હિં૦ ફો૦ના એક સભ્ય તરીકે કર્યું હતું. ૧૯૪૨ના ડિસેંબરમાં હું રંગુન પાછો ફર્યો. ડિસેંબરમાં કયારેક મેં આ૦ હિં૦ ફો૦ માંની કટોકટી વિશે સાંભળ્યું. એ વખતે નાસી છૂટીને હિંદ પહોંચી જવાનો પ્રયાસ મેં કર્યો નહોતો.

૧૯૪૩મા મિંગાલાડોમમાં ક૦ જિલની ટુકડી જાપાનીઓએ કેદ કરી હતી હું પણ એમાંનો એક હતો. એમને શા માટે કેદ કરવામાં આવ્યા હતાં તે હું જાણતો નથી.

સ૦- ક૦ જિલની ટૂકડી શા માટે ઊભી કરવામાં આવેલી? જ૦- જિલની ટુકડી ઊભી કરવાના સંપૂર્ણ કારણો હું જાણતો નથી, પણ મને જે કામ સોંપવામાં આવ્યું હતું તે હું જણાવી ચૂક્યો છું.

સ૦- આરાકાનમાં તમે જે કામ કરેલું તે ક૦ જિલની ટૂકડીનું કામ હતું ?

જ૦– એ વખતે હું આ૦ હિં૦ ફો૦ માં હતો પણ જાપાનીઓએ આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ સરકારનો સ્વીકાર ન કર્યો ત્યાં સુધી મેં કામ કર્યું નહોતું. લડાયક હિલચાલમાં આ૦ હિં૦ ફો૦ના કોઈ સિપાહીએ સીધો ભાગ લીધો નહોતો. મને આરાકાન મોકલવામાં આવ્યો ત્યારે આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ સરકારે અંગ્રેજો કે અમેરિકનો સામે લડાઈ જાહેર કરી નહોતી. ઝિયાવાડી જાગીરમાં મને આ૦ હિં૦ ફો૦ની તાલીમ-છાવણી ખોલવા માટે મોકલવામાં આવેલો.

૧૯૪૪ના ઑક્ટોબરમાં હું સેનગુપ્તાને મળેલો, નાસી ને હિંદ પહેાંચી જવાની ઇચ્છા મેં દર્શાવી નહોતી. બારમી ગેરીલા સૈનિકો સાથે મારે કાંઈ સંપર્ક નહોતો. ૧૯૪૪ની આખરમાં અને ૧૯૪૫ની શરૂઆતમાં મેં અંગ્રેજોને માહિતી પૂરી પાડેલી એ વાત ખોટી છે. અમે કેપ્ટન બ્રાઉનને કેદ પકડ્યા ત્યારે હું એમને મળેલો. હું અંગ્રેજોને માહિતી આપવા રહીશ એવું મેં કે૦ બ્રાઉનને કહ્યું નહોતું, પણ એક બરમા સાથે મારે સંપર્ક હતો. ઝિયાવાડી જાગીર, આ૦ હિં૦ ફો૦ અને કામચલાઉ સરકારને બચાવવા મેં એક યુક્તિ કરેલી. બરમી સૈનિકોને મેં કહેલું કે જાગીરમાં ફક્ત એક ઇસ્પિતાલ છે અને સંરક્ષણની કેાઈ હરોળો એ વિસ્તારમાં નથી. આ માહિતી આપવા માટે મને એક હજાર રૂપિયા મળેલા એ વાત ખોટી છે.

સ૦- ઝિયાવાડી જાગીર કોની માલીકીની હતી એ તમે જાણો છો? જ૦– એ એક હિંદીની માલિકીની હતી. એનું નામ હું નથી જાણતો. અમારી સરકારે એ જાગીરનો કબજો લીધો કારણ કે એ હિંદી ત્યાં હાજર નહોતો.

સ ૦- એ માત્ર જમીન હતી કે જાગીર ?

જ૦- તમને ઠીક પડે એ તમે એને કહી શકો છો.

સ૦– એ જમીનનો કબજો તમારી સરકારે ક્યારે લીધો એ તમે અદાલતને જણાવો એમ હું ઇચ્છું છું.

જ૦– ૧૯૪૪ના જૂનના આશરામાં અમે એ જાગીરનો કબજો ત્યાં કામ કરતા વ્યવસ્થાપક પાસેથી લીધો હતો અને તે પછી પણ એમણે કામ કરવું ચાલુ રાખેલું. સરકારે એમને અમુક સત્તાઓ આપેલી. પરમાણંદ નામના એક ભાઈ એ વખતે વ્યવસ્થાપક હતા. આગળ જતાં એ સરકારના પૂરવઠા-ખાતાના પ્રધાન બન્યા અને ગંગાપ્રસાદ નામના બીજા એક ભાઈને એ જાગીરના અને ખાંડનાં કારખાનાંના વ્યવસ્થાપક નીમવામાં આવ્યા હતા.

સ૦- આપણે ચોખવટ કરી લઈએ. સરકારે એનો કબજો લીધે તે પહેલાં એ જાગીર નહોતી પણ જમીન હતી.

જ૦– હું ત્યાં ગયા ત્યારથી એ જાગીર કહેવાતી. અગાઉ એ જાગીર કહેવાતી કે જમીન તે હું જાણતો નથી.

૧૯૪૩ના ઓગસ્ટમાં હું ત્યાં ગયો ત્યારે એ ઝિયાવાડી જાગીર હતી. એનો રાજા એક રાયબહાદુર હતો. એ હિંદુસ્તાન ભાગી ગયેલો એ જાગીરનો સરકારે કબજે લીધો તે પછીની વ્યવસ્થા વિષે હું જાણું છું. તે પહેલાનું હું કાંઈ જાણતો નથી.

સ૦- એ એક જાગીર હતી, એના એક રાજા હતા અને એ હિંદુસ્તાન નાસી ગયેલા એ તમે ક્યાંથી જાણ્યું ?

જ૦ – ત્યાં એક રાજ મહેલ હતો અને મેં રાજ મહેલ જોયો હતો. એ રાજા હજી હિંદમાં જીવતા છે. સ૦- આ જમીન તેના માલિકે કામચલાઉ સરકારને આપેલી?

જ૦– મને એટલી ખબર છે કે જાપાનીસ સરકાર અને અમારી સરકાર વચ્ચે એક કરાર થયેલો કે ભાગી ગયેલા હિંદીઓની માલિકીની તમામ માલમિલકતનો કબજો અમારી સરકાર લઈ લેશે.

સ૦- આ બારમામાં હતું ?

જ૦— હા.

સ૦– અને ૧૯૪૪ના જૂનમાં જાપાનીઓ આખા બરમાનો લશ્કરી કબજો ધરાવતા હતા ?

જ૦— હા.

સ૦– ઝિયાવાડીની જાગીર સહિત ?

જ૦– મેં એક વાર કહ્યું કે એ અમને આપવામાં આવી હતી.

સ૦- કોના તરફથી ? જાપાનીઓ તરફથી ?

જ૦– મે એકવાર કહ્યું છે કે અમારી સરકાર અને જાપાનીસ સરકાર વચ્ચે આખા પૂર્વ એશિયા અંગેનો એક કરાર થયેલો હતો, અને એમાં બરમાનો સમાવેશ પણ થતો હતો. એ કરારની રૂએ અમારી સરકારે આ જાગીરોનો કબજે લીધો હતો.

સ૦– સાચી વાત એ છે કે ઝિયાવાડીમાં આ૦હિં૦ફો૦એ સ્થાપેલી એક તાલીમ-છાવણી ત્યાં હતી.

જ૦– હા, આ૦હિં૦ફેા૦ માટે લોકોને તાલીમ આપવા માટેની એક તાલીમ-છાવણી ત્યાં હતી.

શ્રી ભુલાભાઇની ફેરતપાસમાંઃ-

સ૦- જાપાનીસ યુદ્ધનેમો અંગે કર્નલ સાઈટોએ તમને આપેલી સમજણની વાત તમે કરતા હતા. હિંદુસ્તાન સંબંધે કર્નલ સાઈટેાએ તમને કહેલી યુદ્ધનેમો શી હતી ?

જ૦– કે હિંદુસ્તાન સમેત આખા પૂર્વ એશિયાની આઝાદી માટે જાપાન લડી રહ્યું છે.

: ૧૭ :
૧૩ મી ડિસેંબર : ગુરુવાર

હિંદી સરકારના સામ્રાજ્ય-સંબંધ ખાતાના શ્રી નંદાએ અદાલતમાં કેટલાક સત્તાવાર આંકડા રજુ કર્યા. એમણે કહ્યું કે, જાપાન સાથેની લડાઈ શરૂ થઈ તે અગાઉ સત્તાવાર આંકડા મુજબ બરમામાં ૧૦,૧૭,૮૨૫ હિંદીએા હતા, મલાયામાં લગભગ ૮,૦૦,૦૦૦ હતા, થાઈલેંડમાં ૬૫,૦૦૦. હિંદી-ચીનમાં ૬,૦૦૦, હોંગકોંગનાં ૪,૭૪૫, ડચ ઈસ્ટ ઈંડીઝમાં ૬૫,૦૦૦, જેટલા અને જાપાનમાં લગભગ ૩૦૦ હિંદીએા હતા.

ઊલટ તપાસમાં એમણે જણાવ્યું કે સરકારી દફતરમાંની માહિતી મુજબ જાપાન સાથેની લડાઈ પછી જાપાનમાં માત્ર પ૪ હિંદીઓ રહ્યા હતા. જાપાન લડાઈમાં ઊતર્યું તે પછી આ બધા દેશોમાંથી કેટલા કેટલા હિંદીઓ બહાર નીકળી ગયા હતા તેના આંકડા એમની પાસે હતા નહિ.

તે પછી જમના વિસ્તારના વડા મથકના 'એ. એ. જી.' લેફ૦ ક૦ સ્કવેરની જુબાની આવી. ૧૯૪પની ૧૫મી જુલાઈએ લંડન રેડીઓ ઉપરથી લશ્કરી દળો માટેના કાર્યક્રમમાં એક બ્રોડકાસ્ટ થયેલો તેની વડા મથકના સિમલા વિભાગમાં સત્તાવાર રીતે જે નોંધ થઈ હતી તે એમણે રજુ કરીઃ–

'એ વાતની હવે પૂરતી સાબિતિ મળી ચૂકી છે કે ફ્રાંસમાંનાં જર્મન દળો ફ્રેંચ સામના દળના સભ્યોને દેશદ્રોહીઓ ગણે છે એ અંગે મિત્ર આક્રમણકારી સેનાના વડા મથકેથી સેનાપતિ આઇઝનહોવરને નામે કરાયેલી એક જાહેરાતમાં નીચેના ચાર મુદ્દાઓનો સમાવેશ થાય છે: (૧) સેનાપતિ કેનીંગના અંકુશ હેઠળના ફ્રાંસની અંદરનાં ફ્રેંચ દળો એ એક લડાયક દળ છે અને મિત્ર આક્રમણકારી સેનાનું એ એક અંગ છે. (૨) 'માકી'ને નામે ઓળખાતું ફ્રાંસની અંદરનું આ દળ દુશ્મન સામે ખુલ્લેખુલ્લું લડે છે અને સેનાપતિ આઈઝનહોવર તેને પોતાના કાબુ હેઠળનું એક લશ્કર ગણે છે. (૩) સામના-દળો સામેના કોઈ પણ વેર વાળવાના સિતમોથી યુદ્ધકાનૂનોનો ભંગ થાય છે: જેનું પાલન કરવા જર્મની બંધાયેલું છે. (૪) સેનાપતિ આઇઝનહોવરના કાબુ હેઠળના દળના કોઈપણ સૈનિક સામે કરાયેલા સિતમો ના કરવૈયાને શોધી કાઢવાની દરેક કોશિશ કરવામાં આવશે. આ દિશામાં પગલાં લેવાઈ પણ ચૂક્યાં છે. ગુનેગારોનો ઇન્સાફ તરત જ તોળવામાં આવશે.'

૧૮ મી જુલાઈએ એક જાહેરાત દ્વારા બર્લિન રેડીઓએ એનો જવાબ એમ આપ્યો કહેવાય છે:-

'લંડન રેડીઓએ બ્રોડકાસ્ટ કરેલી એક જાહેરાત મારફત ફ્રેંચ સામના-દળોને એક લડાયક સેનાનું કાયદેસરનું સ્વરૂપ આપવાનો સેનાપતિ આઈઝનહોવરે પ્રયાસ કર્યો ને. વિલ્હેલ્મસ્ટ્રાસ્સ ( જર્મન સરકારની વડી કચેરી )માંથી જવાબદાર મંડળેાએ તેના જવાબમાં આ નિવેદન આપ્યું છે: મિત્ર સેનાપતિએ કરેલો આ પ્રયાસ ગેરવાજબી છે. કાયદેસરની ફ્રેંચ હકૂમતની સામે ફ્રેંચ સામના દળ બળવો કરે છે અને આવા ગુનાં માટે મોતની સજા ઠરાવતા ફ્રેંચ કાયદાનો ભંગ કરે છે. ફ્રેંચ સામના-દળની પ્રવૃત્તિઓ એ રીતસરની લડાઈ નથી, પણ કબજો ધરાવતી સત્તા સામે હલકટ હુમલાખેરી છે. આ રીતે રીતસરના લશ્કરના અધિકારો સામના-દળે ગુમાવ્યા છે.'

બચાવ પક્ષના અગિયારમા સાક્ષી કૅ૦ અરસદે જણાવ્યું કે–

'સિંગાપુરના પતન પછી તમામ હિંદી અફસરો-સિપાહીઓને કર્નલ હંટે જાપાનીઓના હાથમાં સોંપી દીધા પછી મેજર ફ્યુજીવારાએ ભાષણ કરતાં કહેલું કે: સિંગાપુર અને મલાયામાં જાપાનીસ સેનાએ મિત્ર લશ્કરને હરાવ્યું છે અને હવે જાપાનીસ દળો બરમા તરફ આગળ વધી રહ્યાં છે. પૂર્વ એશિયામાંનાં તમામ રાષ્ટ્રો આઝાદ અને સ્વતંત્ર થાય એવી જાપાનીઓની ઇચ્છા છે. સ્વતંત્ર હિંદુસ્તાન વિના દૂર પૂર્વમાંનો સંયુક્ત-આબાદી-વિસ્તાર સલામત ન રહી શકે તેથી જાપાનીઓ હિંદને આઝાદ બનેલું જોવા માગે છે. તે સિવાય જાપાનીઓની હિંદ અંગે બીજી કોઈ મુરાદ નથી અને એ દિશામાં હિંદીઓને તમામ મદદ કરવા જાપાનીઓ તૈયાર છે. તમે બધા હિંદીઓ છો અને હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે તમારે પણ કાર્ય કરવું જોઈએ. અમે તમને યુદ્ધકેદીઓ ગણતા નથી. અમને લાગેવળગે છે ત્યાંસુધી તમે સ્વતંત્ર છો અને એ રીતે હું તમને કૅ૦ મેાહનસીંધના હાથમાં સેાંપી દઉં છું. તમે અમારા તાબામાં હતા અને અમારા હુકમનું જે રીતે પાલન કરતા તે રીતે એમના હુકમનું પણ પાલન કરજો.

તે પછી કૅ૦ મોહનસીંઘે ભાષણ કર્યું કે: “મલાયાની લડાઈમાં હિંદી લશકરને લડવાની તક મળી નથી કારણ કે એ લડાઈ સાવ ટૂંકી હતી. ઉપરાંત પાયદળને મદદ કરનારાં બીજા શસ્ત્રો કે વિમાનો પણ એની પાસે હતાં નહિ, હિંદી લશ્કરની આબરૂ આ રીતે એાછી થઈ છે. પોતાની સ્વતંત્રતા માટે લડવાનો સમય હિંદીઓ માટે આજે જ આવી પહોંચ્યો છે. અત્યાર સુધી હિંદુસ્તાન પાસે પોતાનું સશસ્ત્ર દળ નહોતું, પણ હિંદની મુક્તિ માટે લડનારું એક સશસ્ત્ર દળ ઊભું કરવાની તક આજે આપણી સામે જ પડી છે.” એ સભામાં હિંદી લશ્કરની ઘણી ટુકડીઓ સહિત ૪૦ થી ૫૦ હજારની હાજરી હતી.

કૅ૦ સેહગલ કે જેમને હું છેલ્લા ૧૨-૧૩ વર્ષથી એાળખતો હતો અને બીજા ઉપરી અફસરો સાથે ચર્ચા કર્યા બાદ મેં ૧૯૪૨ના જુલાઈમાં આ૦ હિં૦ ફો૦માં જોડવાનો મહત્વનો નિર્ણય કર્યો. ત્યાં સુધી રાજકારણમાં કે હિંદની રાજકીય આબાદીમાં મને ઝાઝો રસ નહોતો કારણ કે મને એ જાતનું જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. વળી, ૧૯૩૬માં હું હિંદી લશ્કરમાં જોડાયો ત્યારે મને લાગ્યું કે હિંદી લશ્કરમાં રાજકારણને પ્રોત્સાહન અપાતું નથી અને તેથી હું એનાથી દૂર રહેલો.

આ એક એવો મોટો સવાલ હતો કે હું એનો નિર્ણય એકલે હાથે ન કરી શક્યો. મારા મિત્રો સાથેની ચર્ચા પછી અમે એકમતે ઠરાવ્યું કે એ સંજોગોમાં અમારા બધાની વફાદારી અમારા દેશ પ્રત્યેની હતી. મને અને મારી સાથે ચર્ચા કરનારા અફસરોને લાગ્યું કે જો સિંગાપુર અને મલાયામાંના ઉચ્ચ અફસરો આ૦ હિં૦ ફો૦માં નહિ જોડાય તો કદાચ જાપાનીઓ હિંદી યુદ્ધકેદીઓનો ગેરલાભ ઉઠાવશે. અમને એમ પણ થયું કે જો અમે અમારી પોતાની જ એક ફોજ ઊભી કરી હોય તો જાપાનીઓ ઉપર પણ અમારું કાંઈક વજન પડે અને એ રીતે મલાયામાંના હિંદીઓ ઉપર કોઈ પણ જાતના જુલમ ગુજારતાં જાપાનીઓને અમે અટકાવી શકીએ. ચીનાઓ એંગ્લો-ઇંડિયનો, અને મલાયાવાસીઓ ઉપર જાપાનીઓ શું વિતાવતા હતા તે અમે જોયું હતું. આ૦ હિં૦ ફો૦માં જોડાવાની જો હિંદીઓ ના પાડે તો સિંગાપુર અને મલાયામાંની આખી હિંદી વસતીને કદાચ સહન કરવું પડે એમ હતું.

પણ પછી એ સવાલ ઊભો થયો કે અમે આ૦ હિં૦ ફો૦માં જોડાઈએ તો હિંદુસ્તાનમાંના અમારા દેશભાઈઓ ઉપર એની કેવી અસર થશે ? હિંદુસ્તાનમાં કોંગ્રેસે પોતાની જાતને જાપાનીઓની દુશ્મન જાહેર કરી હતી એ અમે જાણતા હતા. તેથી અમને થયું કે જાપાનીઓને મદદ કરવા બદલ અમને દેશદ્રોહીઓ તો નહિ ગણવામાં આવે ને ? અમારી દલીલો કાંગ્રેસ સ્વીકારશે કે નહિ એ વિશે અમારા દિલમાં શંકાઓ પેસવા માંડી. પણ પછી અમને લાગ્યું કે કોંગ્રેસને જો એ વખતનાં સંજોગો સમજાવાય, અને જો હિંદના લોકોને અમે એવી ખાતરી આપીએ કે આ૦ હિં૦ ફો૦ એ તો હિંદી અફસરોના ફરમાન ઉઠાવતી એક ફેાજ છે. અને એ કાંઈ જાપાનીઓનું રમકડું નથી, અને એ ફોજ એક માત્ર હિંદની મુક્તિ મેળવવાના કારણસર જ ભરતી કરવામાં આવી છે, તો કોંગ્રેસ અને હિંદના લેાકો અમારાં કાર્યો સમજી શકે એવી શકયતા હતી...

૧૯૪૨ના ડિસેંબરમાં, હિંદી સ્વાતંત્ર્ય સંધની કાર્યવાહક સમિતિના પ્રમુખ રાશબિહારી બોઝની હાજરીમાં જ પહેલી આ૦હિં૦ ફો૦ના વડા સેનાપતિ મોહનસીંગની ધરપકડ કરવામાં આવેલી, તે પછી પહેલી આ૦ હિં૦ ફો૦ વિખેરી નાખવામાં આવેલી. અને તે પછીનાં બે-ત્રણ અઠવાડિયાં સુધી આ૦ હિં૦ ફો૦ના સિપાહીઓ પોતાની જાતને યુદ્ધકેદીઓ માનતા હતા. પણ જાપાનીઓએ એમને યુદ્ધકેદીઓ તરીકે પાછા સંભાળવાની ના પાડી અને કહ્યું કે, અમે તમને સ્વતંત્રતા આપી હતી અને તમે રાજ્યની સામે કાંઈ ગુનો નથી કર્યો તેથી અમે તમને યુદ્ધકેદીઓ ગણી શકીએ નહિ.

રાશબિહારી બોઝ અને કર્નલ ઇવાકુરુ નામના એક જાપાનીસ અફસર સાથે લાંબી ચર્ચાઓ કર્યા બાદ પહેલી આ૦ હિં૦ ફો૦ના ઉચ્ચ અફસરોએ બીજી આ૦ હિં૦ ફો૦માં ચાલુ રહેવાનું નક્કી કર્યું. એમ નિર્ણય થયો કે બીજી આ૦ હિં૦ ફો૦માં સંપૂર્ણપણે સ્વેચ્છાપૂર્વકની ભરતી કરવી અને પોતાની ઇચ્છા બીજી આ૦ હિં૦ ફો૦માં રહેવાની છે કે નહિ તે પહેલી આ૦ હિં૦ ફો૦ના દરેક સભ્યને પૂછવું.......હિંદી લશ્કરની જુદી જુદી શાખાઓ જે કાર્ય કરે છે તે આ૦ હિં૦ ફો૦માંની એના જેવી શાખાઓ પણ બજાવતી.”

સ૦ - ફરિયાદપક્ષ તરફથી એવો આરોપ કરવામાં આવ્યો છે કે પહેલી કે બીજી આ૦ હિં૦ ફો૦માં ભરતી કરાવવા માટે બળજબરીના રસ્તાઓ અજમાવવામાં આવતા હતા. એ સાચું છે?

જ૦ - પહેલી કે બીજી આ૦ હિં૦ ફો૦માં ભરતી કરવા માટે કેાઇ બળજબરી વાપરવામા આવ્યાનું મારી જાણમાં નથી.

તે પછી શ્રી ભુલાભાઈએ જાહેર કર્યું કે બચાવપક્ષની જુબાની પૂરી થઇ છે. ડૉ. લક્ષ્મી, ટોકીઓથી બેાલાવાયેલા બીજા બે જાપાનીસ અફસરો અને બીજા કેટલાક સાક્ષીઓની જુબાનીઓ રજૂ કરવાનું બચાવપક્ષે માંડી વાળ્યું.