લીલુડા વનનો પોપટો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મારે તે આંગણે આંબો મ્હોરિયો
આંબલિયાના બહોળા તે પાન
કે લીલુડા વનનો પોપટો

ત્યાં બેસી પોપટ રાણો ટહૂકિયા
જગાડ્યા ત્રણે ય વીર
કે લીલુડા વનનો પોપટો

મેડિયું માયલા મોટાભાઈ જાગિયા
અમારી મોટી તે વહુના કંથ
કે લીલુડા વનનો પોપટો

ઓરડા માયલા વચેટભાઈ જાગિયા
અમારી વચલી તે વહુના કંથ
કે લીલુડા વનનો પોપટો

ઓસરી માયલા નાનાભાઈ જાગિયા
અમારી નાની તે વહુના કંથ
કે લીલુડા વનનો પોપટો

ત્રણે એ તો જાગીને શું કરીયું ?
રાખ્યો મારા માંડવડાનો રંગ
કે લીલુડા વનનો પોપટો

મારે તે આંગણે લીમડો ફાલિયો
લીમડાના પાંખેરા પાન
કે લીલુડા વનનો કાગડો !

ત્યાં બેસીને કાગો રાણો કળકળ્યા
ઓટલે સૂતેલ જમાઈ જાગિયા
કે લીલુડા વનનો કાગડો !

જાગીને જમાઈએ શું કરીયું ?
જાગીને ઠાલાં ફડાકા મારિયા
કે લીલુડા વનનો કાગડો !