લીલુડી ધરતી - ૧/સુખિયાં ને દુખિયાં

વિકિસ્રોતમાંથી
← રોટલાની ઘડનારી લીલુડી ધરતી - ૧
સુખિયાં ને દુખિયાં
ચુનીલાલ મડિયા
પાણી ડહોળાયાં →






પ્રકરણ બાવીસમું

સુખિયાં ને દુખિયાં


ગુંદાસરની ધરતી માથે ઓતરાચિતરાના તડકા પડતા હતા. આખો ગિરનાર ડુંગર ધગધગતા સૂરજમાં તપતો હતો અને અડખેપડખેની ધરતીને તપાડતો હતો. ચારે દિશાએથી ઊની બળબળતી લૂ વરસતી હતી. ઝાડ પરના માળામાંથી ચકલાંનાં પોટાં ગરમીમાં બફાઈ બફાઈને નીચે પટકાતાં હતાં. તડકો ખાઈને ઢોરઢોંખર આફરી જતાં હતાં. માણસના પેટમાં લૂ પેસી જાય તો એ લોહીની એક જ ઊલટી ભેગો ઊકલી જાય એવો આકરો તાપ તપતો હતો.

બપોર થતાં જ ગામમાં સોપી પડી ગયો હતો અને સીમ આખી સૂનકાર થઈ ગઈ હતી. દૂર દૂર, જે દિશામાં નજર નાખો એ દિશામાં ઝાંઝવાં દેખાતાં હતાં. ચોગરદમ રેલાઈ રહેલી આવી ધગધગતા લાવા જેવી આગમાં ઓઝતને કાંઠે આખી સીમમાં તો ક્યારનાં સાંતી છૂટી ગયાં હતાં પણ હાદા પટેલની વાડીમાં હજી કિચૂડ કિચૂડ કોસ ચાલી રહ્યો હતો. ઓલાણે જતાં બળદનાં વરત ઉપર ગોબર હીંચતો જતો હતો અને સામે ભાત લઈને ઊભેથી સંતુ એને વિનવી રહી હતી :

‘હવે તો સાંતી છોડ્ય ! હવે તો હાંઉ કર્ય !’

ગોબર આવી વિનવણીને ગણકારતો નહોતો.

‘આખી સીમનાં સાંત છૂટી ગ્યાં. સૌએ રોટલા ય ખાઈ લીધા—’

‘હવે ચાર કોહ ઠલવી લઉં, પછી છોડી નાખું—’  ‘નથી ઠલવવા ચાર. ભલે થોડુંક કાલ્ય સારું બાકી રિયે.’

‘પણ કોહ આખા ભરાય છે જ ક્યાં ! માંડ અધઝાઝેરે પાણી પૂગે છે. અધૂકડા અધૂકડા ઠલવું છું એટલે બમણા ખેંચવા પડે ને !’

‘એટલા હવે કાલ્ય ખેંચજે.’

‘કાલ્ય પણ ક્યાં આખા છલોછલ ભરાવાના હતા ? ઓણ સાલ વાવમાં પાણી વહેલેરું ખૂટી રિયું છ. સરવાણી હંધી ય બંધ.’

‘તો પૉર સાલ ખેંચજે.’ સંતુએ હસતાં હસતાં કહ્યું. ‘પણ અબઘડી તો વરત છોડ્ય ઝટ !’

છતાં ય ગોબર વિશ્રાન્તિ લેવા તૈયાર ન થયો ત્યારે સંતુએ નજીકના ક્યારામાં પડેલું દાતરડું ઉપાડ્યું: ‘છોડશ કે હવે આ ઓરસંગે મેલું વાઢ ?’

‘વરત ઉપર વાઢ મેલીશ ? તો તો હું સીધો વાવમાં જ ભૂહકીશ !’

‘તો પછી સીધોસમો સમજી જા ની ?’ સંતુ બોલી. ‘તને તો ભૂખ નહિ લાગી હોય પણ આ બચાડા ઢાંઢાની તો મૂંગા જીવની તો દયા ખા ! જોતો નથી, ઈના પેટમાં ભૂખના કેવડા મોટા ખાડા પડ્યા છે !’

‘ભૂખ તો અટાણે તને લાગી છે, ને બહાનું ઢાંઢાનું કાઢશ !’

‘એમ ગણવું હોય તો એમ ગણ્ય. પણ હવે પોરો ખા તો તારો પાડ !’

એક વધારે કોસ ઠલવીને ગોબરે વારત છોડ્યું ને સંતુએ થાનકને છાંયડે જઈને ભાથ છોડ્યાં, ઘાસ છાયેલ છાપરીની વળીમાં ભરાવી રાખેલી ટાઢા હિમ જેવા પાણીની ભંભલી ઉતારી. થાળામાં હાથ−મોઢું ધોઈને ગોબર આવી પહોંચ્યો અને સતીમાની મૂર્તિ સન્મુખ બન્નેએ તાંસળીમાંથી રોટલાનું બટકું ભાગ્યું.

‘થાનક ઉપર છત્તર બવ વધતા જાય છે !’ નાનકડી દહેરીમાં ભીડ કરી રહેલાં સંખ્યાબંધ છત્તર જોઈને ગોબરે ટકોર કરી.

‘હજી તો બેચારનો વધારો થાવો બાકી છે.’ સંતુએ કહ્યું.

‘હજી વધારો થાશે ? કોણે માનતા માની છે ?’

‘ગામમાં ઘણા ય દખિયા જીવ છે. આતા પાસે આવીને છાનાછપના દાણા જોવરાવી જાય છે, આંયકણે અસૂરસવારમાં આવીને નળિયેર વધેરી જાય છે, ઘીના દીવા કરી જાય છે—’

‘કોણ ? રઘોબાપો ?’

‘રઘાબાપાની તો હંધી ય માનતા સરખીસમી ફળી ગઈ છે. એને તો હવે ઘીના દીવા સિવાય કાંઈ કરવાપણું નથી રિયું. દર સોમવારે સાંજે ગિરજાપરસાદ દીવો કરી જાય છે.’ સંતુએ કહ્યું. ‘પણ બીજાવે ઘણાં યે તો છાનીછપની માનતાઉં માની રાખી છે.’

‘છાનીછપની ? કોણે ?’

‘ગિધેકાકે માની છે. ને સામેથી ઝમકુકાકીએ ય માની છે–’

‘શેની માનતા ?’ ગોબરને સંતુના રાંધેલા સ્વાદિષ્ટ શાકરોટલા કરતાં ય આ માનતાઓ અંગેની વિગતોમાં વિશેષ રસ પડ્યો.

‘ગિધોકાકો ઘરઘરણું કરવાના વેંતમાં છે.’

‘ઈ તો આજ છ મૈનાથી બીજી કરવાની માથાકૂટમાં પડ્યો છે, ને રોજ ઊઠીને શાપરની ખેપું ઉપર ખેપું કરી રિયો છ—’

‘પણ એમાં કાંઈક વિઘન આવ્યું’તું, એટલે હવે સતીમાને એક છત્તર ને દીવા માન્યા છે—’

‘ભોગ લાગ્યા સતીમાના, કે એણે આવી આવી માનતાઉં પૂરી કરાવવી પડે—’

‘પણ ઝમકુકાકીની માનતા તો વળી ગિધાકાકા કરતાં ય વધારે વિચિત્ર છે—’

‘શું છે ?’ ગોબરે પૂછ્યું. ‘ગિધોકાકો ઝટપટ મસાણ ભેગો થઈ જાય એની માનતા માની છે ?’

‘ના રે, એને મસાણ ભેગા કરવા સારું ઝમકુકાકીને કાંઈ માનતા થોડી માનવી પડે ? ઈ તો રોજ વાતચીતમાં ય એના વરને “મૂઆ મસાણિયા” કહીને બરકે છે—’

‘તો પછી બીજી વળી કઈ વાતની માનતા માની હશે ? ઝમકુકાકી આવી મોંઘારતમાં છત્તર ઘડાવવાનું ખરચ કાંઈ અમથું અમથું તો નહિ જ કરે ને ?’

‘મૂઉં મને બોલતાં ય શરમ આવે છે.’ સંતુએ કહ્યું.

‘મારા સિવાય બીજું કોઈ સાંભળે એમ નથી એટલે બોલી નાખ્ય !’

‘આ સામાં સતીમા બેઠાં છે ને, હાજરાહજૂર !’

‘ઈ તો સાગરપેટાં છે, ને વળી એના કાન સાચા ન હોય, એટલે કાંઈ સાંભળેકારવે નહિ. તું તારે બોલી નાખ્ય ઝટ !’

‘ઝમકુકાકીએ ગામ આખા કરતાં સાવ સવળી જ માનતા માની છે. બીજા બધાં ય તો જણ્યાંની આશાએ સતીમાને સેવે છે –પણ ઝમકુકાકીની વાત સંચોડી નોખી જ છે. ઈ બચાડાં હવે સેંતકનાં જણ્યાંથી કાઈ ગ્યાં છે ને, એટલે એવી માનતા માની છે કે હવે ભગવાન મને નવાં જણ્યાં ન આપે તો સતીમાની મૂર્તિ ઉપર મોટું બધું છત્તર ચડાવીશ !’

સાંભળીને ગોબરને હસવું પણ આવ્યું, તે સાથોસાથ દુઃખ પણ થયું. બોલ્યો : ‘બચાડી બાઈ બવ દખિયારી છે !’

‘દખિયારી તો છે, પણ કાંઈ આવી માનતા તી મનાતી હશે ?’ સંતુએ કહ્યું, ‘માણસ છૈયાંછોકરાં સારુ તો પાણા એટલા દેવ કરીને પૂજે, દાનપુણ્ય કરે ને, ધરમધ્યાન કરે, જપતપ કરે ને આ ઝમકુકાકી તો સામેથી આવી માનતા માને કે મને હવે જણ્યાં ન થાય તો સતીમાને છત્તર ચડાવું !’

‘સૌનાં સુખદુઃખ સરખાં નો હોય ને ?’

‘પણ આવું દુઃખ તો કોઈનું નો જોયું. ઓલ્યાં સમજુબા ઠકરાણાંએ તો શાદૂળભાની રખ્યા કરવા સતીમાને છત્તર ચડાવ્યું—’

‘તો ય સતીમા પરસન ક્યાં થ્યાં ? શાદૂળિયો જલમટીપમાં ટિપાઈ ગ્યો ને ?’

‘ઈ તો એના પાપે એને જલમટીપ જડી. રૂપલી રબારણ ને ગોળીએ વીંધી નાખી’તી, તી ઉપરવાળો એને મેલે ખરો ? આંહીનાં કર્યાં આંહી જ ભોગવવાનાં છે.’

‘એટલે તો કહું છું ને, કે ખોટાં કામમાં કે ખોટી માનતામાં સતીમા પ૨સન થાય જ નહિ—’

‘રઘાબાપા ઉપર તો મા ત્રુઠમાન થ્યાં જ ને !’ સંતુએ કહ્યું. ‘એણે ઓલ્યું ડાબા હાથ કોર્યનું છત્તર ચડાવ્યું. ઈ લેખે લાગ્યું. ગિરજાને ખોળે લીધા પછી રઘો ડોસો કેવો સુખી થઈ ગ્યો છે ? એમ તો જુસ્બા ઘાંચીની વવે પણ સતીમાની માનતા રાખી’તી— એને જણ્યાં નો’તાં ઊઝરતાં એટલે—’

‘જુસ્બા ઘાંચીની વવે સતીમાની માનતા કરી ? મસલમાન ઊઠીને સતીમાને માને ?’

‘એમાં હિંદુ શું ને મુસલમાન શું ? ઈ તો મન મનની આસ્થાની વાતું છે. ઘણાં ય હિંદુ પીરને મલીદો નથી ચડાવતાં ?– ને તાજિયા નીકળે તંયે નાળિયેર નથી વધેરતાં ? આ જુસ્બાની વવ મરિયમને જણ્યાં થઈથઈને મરી જાતાં’તાં, એકે ય ઊઝરે જ નહિ. પછી એણે ગામમાં સૌનું સાંભળીને સતીમાની માનતા રાખી, ને આ ફેરે છોકરો મજાનો ઊઝરી ગ્યો !’

‘તો તો બચાડા જુસ્બા માથે છત્તર ઘડાવવાનું ખરચ આવી પડ્યું !’ ગોબરે કહ્યું.

‘છત્તર ઘડાવવાનું ખરચ તો વેલુંમોડું તારે માથે ય આવવાનું છે !’ સંતુએ મર્મવાક્ય ઉચ્ચાર્યું.

‘મારે માથે ય ?’ આરંભમાં ગોબર કશું સમજ્યો નહિ. ‘મારે માથે ય છત્તર ઘડાવવાનું ખરચ ?’ ‘હા, મેં માનતા માની છે.’

‘શેની ? શેની માનતા ?’

‘આ ગામ આખું માને છે એવી જ. બીજી કઈ વળી ?’ સંતુએ સહેજ લજ્જા અનુભવતાં કહ્યું. ‘આ ગામ આખાનાં માણસ આવીઆવીને આપણી થાનકે છત્તર ઝુલાવી જાય, ને એકલી હું જ ન ઝુલાવું ?’

પત્નીની ઉક્તિનો ધ્વન્યાર્થ સમજાતાં ગોબર મનમાં ને મનમાં હસી રહ્યો : ‘મારે માથે ય તું છત્તર-ઘડામણીનું ખરચ નાખીશ ખરી, એમ ને ?’

‘શું કામે નો નાખું ?’ રોટલાના બટકા પર શાક ચડાવીને મોંઢામાં મૂકતાં સંતુએ કહ્યું.

‘હું એક તો હાથભીડમાં રહું છું; આ હોળીએ ગિરનાર ઉપર ગાડાંમોઢે નાળિયેરની હોળી કરી આવ્યો–એમાં તું આવા ખરચ કરાવશ ?’ ગોબરે મજાકમાં કહ્યું.

‘પણ અબઘડીએ જ તારે માથે ખરચ ક્યાં આવી પડ્યું છે તી ચોફાળ ઓઢવા બેઠો છ ?’ સંતુએ ત્રાંસી આંખે કૃત્રિમ રોષ ઠાલવ્યો.

‘તોય, ખરચ આવવાનું હોય તંયે મને આગોતરું કે’જે ખરી, એટલે હું એની તેવડ્યમાં રહું.–’

‘કહીશ—’

‘બોલ્ય જોઈ, કે’દિ કહીશ ?’ ગોબરે સૂચક પ્રશ્ન પૂછ્યો.

‘ઈ તો જે દિ’ માનતા ફળે તે દિ’ જ કે’વાય ને ?’ સંતુએ સરળતાથી ઉત્તર આપ્યો.

‘માનતા કે’દિ’ ફળશે ?’

‘તને ખબર્ય !’ કહીને સંતુએ ગોબરના સાથળ ઉપર મીઠા રોષથી ચૂંટી ખણી.

પતિપત્ની મૂંગાં થઈ ગયાં. બન્ને જણાં, ભવિષ્યની એક સંભવિત ઘટનાની પોતપોતાની રીતે કલ્પના કરી રહ્યાં અને એમાંથી ઉદ્‌ભવતો એક તીવ્ર રોમાંચ અનુભવી રહ્યાં.

‘રોટલો ખાઈ રહીને ભંભલીમાંથી પાણી પીતાં પીતાં સંતુને એકાએક માંડણિયો યાદ આવતાં એણે પૂછ્યું :

‘આ માંડણ જેઠને તી થિયું છે શું ? સેંથકની દાઢી વધારીને ફરે છે તી શું સારા લાગે છે ?’

‘એનું બચાડાનું મગજ ક્યાં ઠેકાણે છે ? ગાંજો ફૂંકીફૂંકીને ગાંડો થઈ ગ્યો—’

‘પણ કણબીનો દીકરો ઊઠીને દાઢી ઉગાડતો સાંભળ્યો છે મલકમાં ક્યાંય ?’

‘ગાંડાં માણસને કાંઈ ગમ હોય ? એણે તો હવે એક જ વેન લીધું છે કે શાદૂળિયાને ઝાટકે મારવો છે !’

‘ને શાદૂળિયો તો જલમટીપમાં ટિચાણો !’

‘પણ માંડણિયો તો કિયે છ કે હું જેલમાં જઈને ય એને વીંધી આવીશ.’

‘સાવ વાયલ થઈ ગયો છ ! શાદૂળિયો છૂટો ફરતો’તો તે દિ’ તો એની હાર્યે એક નાકે સાસ લિયે એવી તો ભાઈબંધી હતી. તે દિ’ તો શાદૂળના ખવાહ જેવા થઈને ફરતો ને મારી વાંહે એને ભુરાયો કરતો’તો. હવે ઈ જેલમાં પુરાણા પછે જ એને ઝાટકે દેવાનું સૂઝ્યું ?’

‘ધૂની માણસ છે. એને મગજમાં ઘૂરી ચડવી જોઈએ.’ ગોબરે કહ્યું.

માંડણના હૃદયમાં શાદૂળ પ્રત્યેનો ઈર્ષ્યાગ્નિ પેટાવનાર પેલી નાજુક વાયકાનો ગોબરને ખ્યાલ નહોતો. સંતુને પણ તે દિવસે દરબારના ડેલીએ અસૂરું થયા બદલ ઊજમ જોડે વડછડ થઈ ગયેલી અને છાસનો કળશો ભરવા આવેલી ઝમકુએ શાદૂળનો નામોલ્લેખ સાંભળીને જે અહેવાલ અજવાળીને મોઢે આપેલો, એ આકસ્મિક રીતે માંડણના કાન સુધી પહોંચ્યો છે એ હકીકતની જાણ નહોતી તેથી પતિપત્ની બંને, માંડણના આ વિચિત્ર વર્તાવની દયા ખાઈ ૨હ્યાં હતાં.

‘હવે ઈ મરેલા માણસને વળી મારવાનું વેન લઈને માંડણ જેઠ શું કામે હેરાન થાતા હશે ?’ સંતુએ કહ્યું. ‘જલમટીપનો કેદી તો આમેય જીવતોય મૂવો જ ગણાય ને !’

‘પણ માંડણિયો તો કિયે છ કે ઈ જલમટીપ ભોગવીને વીસ વરસે છૂટીને આવશે. પછીય એને જમૈયો પરોવી દઈશ ! શાદૂળિયાનું જીવતર ધૂળધાણી કર્યા વિના હું નહિ જંપુ !’

‘ગાંડો રે ગાંડો ! એનું બચાડાનું જીવતર ધૂળધાણી કરવામાં જીવા ખવાહે શું બાકી રાખ્યું છે તી વળી માંડણિયે પૂરું કરવું પડે ?’ કહીને સંતુએ ઉમેર્યું : ‘જીવલે પણ કરીને કાંઈ ! ખોટી સાક્ષી આપવાને બહાને દરબાર પાંહેથી સારીપટ નાણાં ખંખેર્યાં. હંધો ય ગુનો પોતાની માથે ઓઢી લીધો ને અંત ઘડીએ ફરી બેઠો ! સરકારનો સાક્ષી થઈ બેઠો ને શાદૂળભાને પુરાવી દીધો ! બચાડાં સમજુબાનું જીવતર કડવું ઝેર કરી મેલ્યું. ઠકરાણાંએ કેટલી આશાએ સતીમાને માથે આ છત્તર ચડાવ્યું હશે !’

‘પણ મેં તને કીધું ને, કે ખોટાં કામમાં ને ખોટી માનતામાં સતીમા ફળે જ નહિ–’ ગોબરે ટકોર કરી. ‘શાદૂળિયે ખૂન કર્યું જ ’તુ તો એની સજા એણે ભોગવવી જ પડે—’

પણ શાદૂળને સાંપડેલા કવિન્યાયમાં કે એની જનમટીપની યાતનાઓમાં સંતુને હવે બહુ રસ રહ્યો નહોતો. એના સ્ત્રીહૃદયની સહાનુભૂતિ તો અત્યારે વારે વારે સમજુબા ઠકરાણાં તરફ જ વળતી હતી. એ બોલી :

‘ભૂધર મેરાઈની વવે હમણાં ઓળીપો કર્યો ને ડેલીએ લાદ લેવા ગઈ’તી, તંયે કિયે છ કે સમજુબા એની મોઢે કાંઈ રોયાં છે, કાંઈ રોયાં છે ! રાતે પાણીએ રોઈ રોઈને કે’તાં’તાં કે જીવલે ખવાહે અમારું નખોદ કાઢી નાખ્યું !’

‘એમાં જીવલાનોય બવ વાંક કાઢવા જેવું નથી.’ ગોબરે બાતમી આપી. ‘આમાં તો ભાયાતે ભાયાતુંનાં વેર કામ કરી ગ્યાં છે.’

‘કેવી રીતે ?’

‘તખુભા બાપુને ને વાવડીવાળા વાજસૂરવાળા ભાયાત વચ્ચે આજ ચાર ચાર પેઢીથી વેર હાલ્યાં આવે છે. તી કિયે છે કે વાજસૂરવાળે ઠેઠ રાજકોટની જેલમાં જઈને જીવલા ખવાહને ફોડ્યો; તખુભા બાપુએ આંહીથી બંધાવ્યા’તા એના કરતાંય બમણાં રૂપિયા આપીને જીવલા પાસે ખૂટામણ કરાવ્યું. સોનું દેખીને તો સૌ ચળે ! સાચી સાક્ષી દઈ દીધી—’

‘તને ક્યાંથી ખબર્ય પડી આ હંધીય ?’ સંતુએ કુતૂહલથી પૂછ્યું.

‘જેરામ મિસ્ત્રી વાત લઈ આવ્યો છે. ઈ ગામોગામ કારખાનાંમાં ફરે, ને વળી પાછો પોતે ભણેલગણેલ રિયો, એટલે આવું હધુંય જાણી આવે—’

છેક રોંઢો નમતાં સુધી પતિપત્નીએ ગામનાં સુખદુઃખની આવી સમીક્ષા કર્યા કરી. ઊજમ એને પિયર ગઈ હોવાથી સંતુને ઘરકામ માટે ઝટ ઝટ ઘેર પહોંચવાની ય ઉતાવળ નહતી. ખાંડિયાબાંડિયા બળદોએ પણ સારા પ્રમાણમાં નીરણ ખાઈને ઘેઘૂર વડલાને છાંયડે લાંબી ઊંઘ ખેંચી કાઢી. પણ સંતુને આજે માંડ કરીને સાંપડેલા એકાંતમાં આરામ લેવાની ઇચ્છા જ નહોતી. એણે તો ગામનાં સુખિયાં–દુખિયાં માણસોની યાદીમાં પોતાની નાનપણની એક સહિયરને સંભારી.

‘અરેરે, મને તો મારી જડકીની દયા આવે છે !’

‘કઈ જડકી ?’

‘નથુબાપાની જડી ! નો ઓળખી ? અજવાળીમાની જડાવ—પણ એનું હુલામણું નામ જડી રાખ્યું છે—’

‘હં...હં..., ઓળખી ! અજવાળીમાની જડી ! હા, તી એને વળી શું દખ આવી પડ્યાં છે ?’

‘અમારા અસ્ત્રીની જાત્યનાં દખની તમને ભાયડા માણહને શું ખબર પડે ?’ કહીને સંતુએ વળી પોતાની સહીપણી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી : ‘અરેરે, બચાડી નાની બાળ ઉપર કેવા દખના ડુંગરા આવી પડ્યા !’

‘શું થઈ ગયું ? પણ કાંઈ ખબર્ય પડે ?’

‘ખબર્ય તો હજી કોઈને નથી પડી, ને પાડવા જેવી ય નથી. જડીનું બચાડીનું જીવતર રોળાઈ જાય એવી વાત થઈ ગઈ છે.’ કહીને સંતુએ અહીં સુનકારભરી સીમમાં ય હળવે સાદે સ્ફોટ કર્યો : ‘બચાડીને મૈના છે...’

‘હેં ?’

‘હા, લગન તો હજી પૉર સાલ થવાનાં છે, ને બચાડી બાપને ઘેર જ બેજીવસુ—’

‘કેમ કરતાં—?’

‘વાએ કમાડ બિડાઈ ગ્યા જેવું થઈ ગ્યું—’

‘પણ પાપ કોનું ?’

‘ગામવાળું કોઈ નથી. આ તો પરગામથી—’

‘પરગામવાળું ? કોણ—’

‘ઓલ્યો ખરેડીનો સામતો આયર નો આવતો—’

‘હા, નથુબાપાની હાટે બેહીને સોનું ઘડાવતો–’

‘ઈ જ. ઈ જ, મૂવો !’

‘પણ હમણાંનો આણી કોર્ય ફરકતો લાગતો નથી—’

‘હવે શું મોઢું દેખાડે મૂવો ? બચાડી પારેવડી જેવી જડકીની જિંદગી રોળી નાખી રોયાએ–’

‘પણ માબાપને કાંઈ સનસા નહિ આવ્યો હોય ?’

‘નથુબાપા બચાડા વિશ્વાસુ માણહ ને સામત આયર એટલે ખરેડીનો ગામધણી : સામટું સોનું લઈને ઘડાવવા આવે તી દન આથમ્યા લગણ રોકાય. વારે ને ઘડીએ એના સારું જડી ચા ઊકાળે. કોઈ વાર અસૂરું થાય તો સામતો વાળુ કરવા ય રોકાઈ જાય. ઘ૨ જેવો નાતો... એમાં અજવાળીમાને વેમ નહિ રિયો હોય... ને થાવાકાળ થઈ ગ્યું—’ કહીને સંતુએ ઉમેર્યું : ‘બચાડી જડી પરમ દિ’ છાશનો કળશો ભરવા આવી તંયે મારી આગળ ખોબો પાણીએ રોઈ—’

‘હવે રોવા બેઠે શું વળે ?’

‘એટલે તો મને અટાણે મનમાં કયું નો વિચાર આવ્યા કરે છે કે આ સતીમા ગામ આખાના દુખિયા જીવનાં દુઃખ ટાળે છે, તો મારી જડીની આ હૈયાહોળી કોઈ રીતે ઠારે કે નહિ ? થાનકની દિશામાં ભાવભરી નજરે તાકી રહીને સંતુએ પૂછ્યું. અને પછી જાણે સતીમા જોડે જ સંવાદ કરતી હોય એ ઢબે બોલી રહી—

‘મા ! તમારી માનતા માનનારાંને સહુને તમે સુખી કરો છો. તમે તો રઘાબાપા જેવા પાખંડી માણસ ઉપરે ય પરસન થિયાં છો, તો મારી જડી જેવી નોધારીને નહિ ઉગારો ?’

પત્નીની ભાવુકતા અને ભોળપણ જોઈને ગોબર મનમાં ને મનમાં હસી રહ્યો.

***

રાતે વાળુપાણીથી પરવારીને ગોબર રોજના રાબેતા મુજબ બજારમાં બીડીબાકસ લેવા નીકળ્યો અને સંતુ ને ઊજમ ઓસરીમાં દૂધનાં દોણાં ઠારતાં બેઠાં હતાં ત્યાં ઝમકુ ચિંતાતુર ચહેરે ખડકીમાં પ્રવેશી અને ફરિયાદ કરી રહી :

‘મૂવો મસાણિયો હજી લગણ ઘીરે ગુડાણો નથી.’

ગિધો વહેલી સવારમાં શિરામણ કરીને શાપર ગયેલો. સાંજ સુધીમાં પાછા ફરવાનું કહી ગયેલો, પણ અંધારું થઈ ગયા છતાં એનાં પગલાં સંભળાયાં નહિ તેથી ઝમકુને ચિંતા થવા લાગેલી.

‘આવી પૂગશે... જરાક અસૂરું થઈ ગયું... મારગમાં જ હશે.’ આવાં આવાં આશ્વાસનો એને મળ્યાં, છતાં મોડી રાત સુધી ગિધાનાં દર્શન ન થયાં તેથી ગોબરે ગામમાંથી પાંચસાત માણસોને જગાડ્યા.

‘મૂવાને ઘરમાં તો સોરવતું જ નથી. કેમ જાણે ઘર એને બટકાં ભરતુ હોય !—’ આવી આવી ફરિયાદ કરતી ઝમકુ રાત આખી જાગતી બેઠી રહી.

ગામમાં પણ રઘા જેવા પારકી છઠ્ઠીના જાગતલ માણસો ગુંદાસરના સીમાડા સુધી તપાસ કરી આવ્યા, પણ ગિધાના કાંઈ વાવડ ન મળ્યા તેથી ગામ આખાને એની ચિંતા થવા લાગી. વિશેષ તો હમણાં હમણાં એક દીપડો આ તરફની સીમમાં બહુ હળી ગયો હતો, અને એ વેજલ રબારીની એક ગાયનું લેાહી ચાખી ગયેલો તેથી એની દાઢ વકરેલી... પરિણામે, સૂરજ આથમ્યા પછી સીમમાં કોઈ અવરજવર નહોતું કરતું. રાતવાસો રહેવા જનારા સાથીઓ પણ વહેલા વહેલા ખેતરે પહોંચી જતા ને રાત આખી તાપણાના મોટા મોટા ભડકા કરીને સાવધ રહેતા. આવી સ્થિતિમાં ગિધો રાત આખી બહાર રહ્યો તેથી ગામલોકોને વિશેષ ચિંતા થવા લાગી.

‘પીટડિયાના પગમાં જ ભમરો !’ ઝમકુ રોતી રોતી પણ પતિદેવને ગાળો દઈ રહી, ‘રોયાનો ટાંટિયો જ ઘરમાં ન ટકે ને ! સવાર પડે ને હાલ્યો શાપર ! સવાર પડે ને આ બાંધ્યો કોથળો ને આ હાલ્યો શાપરને કેડે !... હવે લેતો જા મારા રોયા ! ઓલ્યો તારો બાપ દીપડો કોળિયો કરી ગ્યો હશે !’

સવાર પડતાં જ રઘાએ હટાણે જનાર ખેડૂતો મારફત શાપરના વેપારીઓને ત્યાં પૂછપરછ કરાવી. ગામમાંથી કાસમ પસાયતાએ પણ તાલુકે શંકરભાઈ ફોજદારને જાણ કરી. મુખી ભવાનદાએ ‘ગામનો જણ ખોવાણો’ એમ સમજીને તરત તપાસ આદરી દીધી.

પણ બીજે દિવસે સાંજે શાપરથી સમાચાર આવ્યા કે ગિધો અહીં દેખાયો જ નથી !

બીજી આખી રાત ઝમકુ રોતી રહી ને અડધું ગામ જાગતું રહ્યું : પણ બીજા દિવસની સવાર સુધી પણ કશા સમાચાર ન મળ્યા તેથી તો ગામ આખાને ચિંતા પેઠી : ‘ગિધો ગ્યો ક્યાં ?’

*