લીલુડી ધરતી - ૨/આઠ ગાઉ આઘી કાઢો

વિકિસ્રોતમાંથી
← ઠાકરદુવારે લીલુડી ધરતી - ૨
આઠ ગાઉ આઘી કાઢો
ચુનીલાલ મડિયા
દલ્લી દેખો, બમ્બઈ દેખો ! →





પ્રકરણ ચૌદમું
આઠ ગાઉ આધી કાઢો

સંતુની ચીસ સાંભળીને ચોરામાં એકઠી થયેલી આખી મેદની ચોંકી ઊઠી. આ અણધાર્યા પરિણામે થોડી ક્ષણ તો વાતાવરણમાં સોપો પાડી દીધો.

ગામના મોવડી તરીકે આ કિસ્સાના ન્યાયાધીશ બનેલા મુખી સંતુના સડસડી ગયેલા હાથ જોઈને સ્તબ્ધ થઈ ગયા. પરપીડનવૃત્તિથી પ્રેરાઈને આ આખું કૌભાંડ ઊભું કરનાર જીવો ખવાસ પણ આ કમકમાંપ્રેરક દૃશ્ય જોઈને થોડી વાર તો કંપી ઊઠ્યો.

ફણફણતા તેલના અગ્નિદાહનો સ્પર્શ થતાં જ સંતુના હાથમાં એવી તો અસહ્ય વેદના ઊઠી હતી કે એના મોઢામાંથી આપોઆપ કાળું બોકાસું નીકળી ગયું અને તુરત આંખે અંધારાં આવી જતાં એ લથડિયું ખાઈ રહી હતી ત્યાં જ બાજુમાં ઊભેલી ઊજમે એને ઝીલી લીધી. એના ફડફોલી ઊઠેલા લાલચોળ હાથનાં કાંડાં જોઈને ઘણું ય લોકોના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ.

ઠાકરદુવારના ધર્મસ્થાનકમાં જ ધર્મના નામે જે પાખંણ્ડલીલા ભજવાઈ ગઈ એ જોઈને વહેલી પરોઢથી રામધૂન મચાવી રહેલા રધાની આંખમાંથી બોર જેવડું આંસુ ખર્યું.

પાષાણ હૃદયના જીવાએ સંતુના માસૂમ ચહેરા પર ઊપસી આવેલી વેદના વાંચી, પણ રઘાની જેમ અનુકમ્પા આંસુ સેરવવાનો શોખ એને પાલવે એમ નહોતો. તેથી જ એણે એકાદ ક્ષણ અરેરાટી અનુભવીને તુરત પોતાના અંતરમાં ફૂટતી અનુકમ્પાનો પ્રતિકાર  કરવા જ ઉગ્ર અવાજે બરાડો પાડી દીધો: :

‘થઈ ગ્યું પારખું ! સુરજદાદાની સાખે ને ગામ આખાની નજર નીચે પારખું થઈ ગ્યુ!’

પણ ગામલોકો તો સંતુનો આ સ્વર સાંભળીને જ એવાં તો સ્તબ્ધ થઈ ગયાં કે જીવાએ ઉચ્ચારેલા આ તહોમતનામામાં સૂર પુરાવવા જેટલી એમનામાં સ્વસ્થતા જ નહોતી. તેઓ તો કરુણ સિસકારા બોલાવી રહેલી ને ઊજમના બાહુમાં ઢગલો થઈને પડેલી. સંતુની અગનવેદનાના ઉપચાર સૂચવવામાં જ રોકાયાં હતાં.

‘હાથ ઉપર ચૂનાની આશ નિતારીને રેડો—’

‘ના ના, દીવેલ ચોપડો, એટલે ફડફોલા બેસી જાય—’

‘ગાલાવેલા થાવ મા ! આ કાંઈ રોટલો ચોડવતાં તાવડીની ઝાળ અડ્યાનો ફડફોલો નથી કે ફૂંક માર્યા ભેગો બેસી જાય. આ તો બે ય હાથ ભડથાં થઈ ગ્યા છે. એને તો શાપરને દવાખાને પાટો જ બંધાવવો પડશે—’

પાપી ઉપર પિસ્તાળ પાડવાને બદલે લોકો એના ઉપર આવો પ્રેમ વરસાવી રહે એ જીવાને કેમ કરીને પોસાય ? એણે ફરી વાર ત્રાડ નાખી :

‘પારખુ થઈ ગ્યું છે ને આપણો વે’મ સાચો પડ્યો છે. કેમ બોલ્યો નહિ ઓઘડભાભા ?’

‘હવે આમાં બોલવાની જરૂર જ ક્યાં રઈ છે ?’ રતાંધળા ઓઘડભાભાએ કહ્યું. ‘આંધળું માણહે ય ભાળે એવું દીવા જેવું દેખાયું છે કે મારી મેલડી માનો કોપ સાચો છે. બાઈનું પા૫ છતુ થઈ ગ્યું... એના પેટમાં પારકાનું ઓધાન—’

સાંભળીને કેટલાક શ્રેતાઓએ મોઢેથી ડચ ડચ ડચકારા બોલાવીને આ પાપિણી પ્રત્યે તુચ્છકાર દર્શાવ્યો. બીજાં કેટલાંક ઓઘડભૂવાના આ ધોકાપથી ન્યાય પ્રત્યે શંકા સેવીને મૂગાં રહ્યાં અને બાકીનાં તો હજી પણ સંતુની અગનવેદના ઓછી કરવા માટે વિવિધ ઉપચાર જ સૂચવતાં રહ્યાં. ભૂધર મેરાઈનો વલ્લભ તો તાબડતોડ દીવેલ લેવા દોડી ગયો.

ચાર-પાંચ જુવાનિયાઓ તો આ ૨જમાંથી ગજ થઈ પડેલ કરુણ ઘટના નિહાળીને ઉશ્કેરાઈ ગયા, અને જીવાની આ જોહાકી સામે ખુલ્લો વિરોધ કરી રહ્યા.

‘બરકો શાપરથી શંકરભાઈ ફોજદારને. નખાવો આ ઓઘડિયાને હાથકડી—’

‘જીવા ખવાહને જેલમાં જ પુરાવવો પડશે—’

હવે રતાંધળા ઓઘડની આંખ ઊઘડી ગઈ. બોલ્યો :

‘હાથકડી પેરાવવાની સગી ? મેલડી રૂઠશે તો જાઈશ ઘી’હોડાં કૂટતો—’

જીવાએ પણ સંભળાવી :

‘જેલ જેલ શું કરી રિયા છો ? જેલું તો બવ જોઈ નાખી !’

જુવાનિયાઓએ સામું સંભળાવ્યું :

‘ઈ તો શાપરથી શંકરભાઈ ફોજદાર આવશે તયેં ખબર્ય પડશે કે કેટલી વીહુંએ સો થાય છે—’

‘શાપરથી ય આઘેરો જા ની !’ જીવાએ ગર્વોક્તિ ઉચ્ચારી. ‘શંકરભાઈથી ય ઊંચેરો પૂગ્ય ની ! રાજકોટ જઈને મોટા સુપ્રિન્ટેન્ડેન્ટને તેડી આવ્ય, જા ! ગૂંજામાં ગાડીભાડું ન હોય તો મારી પાંહેથી લેતો જા !’

આખા જમેલામાં ત્રણ વ્યક્તિઓની સ્થિતિ વિષમ હતી. રામનામના ઉચ્ચાર જોડે જ સંભળાયેલી સંતુની કાળી ચીસ સાથે રઘાની આંખમાંથી જે પ્રથમ અશ્રુ સર્યું હતું એનો પ્રવાહ અસ્ખલિત ચાલી રહ્યો હતો. પોતે આ પાખંડીઓનું પ્યાદુ બની બેઠા છે, એવી પ્રતીતિ થતાં મુખી ભવાનદાને ભયંકર વસવસો થઈ રહ્યો હતો. સંતુની ચીસ સાંભળીને જ એમના હૃદયમાં ચિરાડ પડી હતી અને એ અનાથ યુવતીની યંત્રણા જોઈને તો મુખીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. આવી જ એક ત્રીજી વ્યક્તિ હતી ઊજમ. આજ સુધીમાં સંતુ ઉપર કલંકારોપણ કરવામાં જેણે કશી ય કમીના રાખી નહોતી; એ જેઠાણી અત્યારે સંતુનું દારુણ દુઃખ જોઈને પીગળી ગઈ હતી અને મન મૂકીને રડી હતી. વેદના સંતુ અનુભવતી હતી અને એને રુદન વાટે વાચા જાણે કે ઊજમ આપી રહી હતી.

‘હુઉઉ... હુઉઉ... હુઉઉ...’ હાથકડી, જેલ, ફોજદાર વગેરેની વાતો સાંભળીને ઓઘડને એકાએક શૂર ચડ્યું; એ ફરી ધૂણવા લાગ્યો.

‘હુઉઉઉ... હુઉઉઉ...’ કરીને એણે મેલડીનાં ગીતો ગાવા માંડ્યાં. એ સટીક ગીતની એકેકી તૂક વચ્ચે ઓઘડ પોતે જ ઊપજાવી કાઢેલી મલ્લિનાથી ઉમેરવા લાગ્યો :

‘હું મારી સાત સૈયરું હાર્યે રથમાં બેહીને રમવા નીકળી’તી તયેં આ પારકાં ઓધાનવાળીએ મને અભડાવી.’

અને મેલડીના સાક્ષાત્કારની ખાતરી કરાવવા ઓધડે સિફતપૂર્વક મોઢામાંથી નાડાછડી કાઢી આપી અને ચપટી ચોળીને એમાંથી કંકુ પણ વેર્યું અને પછી હૂક... હૂક... હૂક કરીને મોટે હાકોટે ધૂણવા માંડ્યું.

ફરી ભીરુ લોકો ભાવુક બની ગયા અને આ પાખંડી ભૂવાને મેલડી પ્રમાણીને પ્રણિપાત કરી રહ્યાં.

ઓઘડને આ અંધશ્રદ્ધાળુ લોકોની રગ હાથમાં આવી કે તુરત એણે ગીતની તૂક વચ્ચે ગદ્ય-ટિપ્પણ ઉમેરી દીધું :

‘મને અભડાવનારીનો ઓછાયો મારા થાનકથી આઠ ગાઉ આઘો કાઢો—’

‘કાઢશું મા ! કાઢશું; આઠ શું અઢાર ગાઉ આઘી કાઢી આવશું.’ ડોસાંડગરાંઓએ પાઘડીઓ ઉતારી ઉતારીને ઓઘડને દંડવત્‌ નમસ્કાર કરતાં કોલ આપ્યો અને પછી યાચના કરી :

‘તમે કે’શો એમ કરશું. પણ હવે ભલાં થઈને ગામ ઉપર દિયા કરો, કોપ સંકેલો, મેઘરાજાને છૂટો મેલો ને પૂછ–મૂછ ઉપરથી ભાર ઉતારો !’

ઓઘડે શરતો મૂકી, ને માગણી કરી :

‘મારો મલીદો !’

‘ચડાવશું ચડાવશું !’ એકસામટા કોલ આવી પડ્યા. ‘તમે મહેર કરો એનાથી મલીદો શું મોંઘો છે ? ગાડરું કિયો તો ગાડરું ને બોકડો માગો તો બોકડો વધેરી દઈએ—’

હવે મેલડીએ વધારે શરતો મુકી :

‘સુવાસણને હાથે ને ગવતરીને દૂધે મારું થાનક ધોવરાવો—’

‘સવા મણ દૂધે નવરાવશું. પછે છે કાંઈ ?’

હવે જુવાનિયાઓની ધીરજનો અંત આવ્યો.

‘એલાવ, બરકો હાદા પટેલને; કરાવો આ ઓઘડિયા ઉપર ફોજદારી—’

‘પણ હાદો પટેલ છે ક્યાં ? ડેલીએ તો કળાતા નથી—’

ઊજમે રડતાં રડતાં જ કહ્યું :

'ઈ તો સતીમાને થાનકે જઈને બેઠા છે, તે સંતુની રખ્યા કરવાનો ને પારખામાં પાર ઊતારવાનો જાપ કરે છે—’

‘પારખામાં પાર ઊતરી ગઈ સોંસરવી !’ હવે જીવાએ ઘા કર્યો. ‘પાપ તો અંતે પીપળે ચડીને પોકાર્યા વિના રિયું ? આમ કોઈ વાત માનતા નહોતા, ને આ હજાર માણહની હરૂભરૂમાં ઘડો ફૂટી ગ્યો. અટાણે કાં સતીમાં આડા હાથ દેવા ન આવ્યાં ? મેલડી મા તો હાજરાહજૂર છે. એની પાસે તો ચોખીફૂલ વાત. ભલ ભલા લખપતિની ય લાજશરમ ન રાખે. મેલડી મા તો માણસની માલીપાનો અરીસો. જેવું હોય એવું નજરોનજર દેખાડી દિયે !’

ઓઘડભાભા તરફથી આરોપીને સજા ફરમાઈ રહી અને ન્યાયની દેવડીમાં પલટાઈ ગયેલા આ ઠાકરદુવારના ગભારામાં લોખંડની જાળીની આડશે બિરાજતા ઠાકોરજી આ ન્યાયનું નાટક નિહાળી રહ્યા.

*