લીલુડી ધરતી - ૨/કળોયું કકળે છે ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સતનાં પારખાં લીલુડી ધરતી - ૨
કળોયું કકળે છે ?
ચુનીલાલ મડિયા
ઠાકરદુવારે →
પ્રકરણ બારમું
કળોયું કકળે છે ?

૨ઘા મહારાજને ખબર પડી કે સંતુ અગ્નિપરીક્ષા માટે તૈયાર થઈ છે ત્યારે એ બ્રહ્મપુત્રનો પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો:

‘ઈ પરીક્ષા કરનારાં છે કોણ ? ઈ પાપપુન્યનાં પારખાં લેનારા શું ભગવાનના દીકરા થઈ આવ્યા છે ?’

શાપર જઈને જોરદાર જુબાની આપી આવ્યા પછી માંડમાંડ શાંત થયેલો રઘો ફરી અશાંતિ અનુભવી રહ્યો. ગામના ખટપટિયાઓ પ્રત્યેના એના આવેશો અને આવેગો માંડ કરીને શમ્યા હતા એ ફરી પાછી ઉગ્ર બની ગયા.

‘તમે કાંઈ ધરમરાજાના અવતાર છો તી કોઈના ધરમઅધરમનાં પારખાં કરવા બેઠા છો ? અરે, ધરમરાજા પણ એક વાર જરાક ખોટું બોલી ગયા’તા, એમાં એના રથનું પૈડું વેંતએક હેઠું ઊતરી ગ્યું’તું—’

પણ ગામ આખું જ્યારે પરપીડનના આનંદમાં ગુલતાન હતું ત્યારે રઘાનો આ વિરોધ કોણ કાને ધરે ? લોકોને તો એક જ ચિંતા હતી : મેલડીના કોપને કારણે વરસાદ બંધાઈ ગયો છે. સંતુએ મેલડીનું થાનક અભડાવ્યું છે, એટલે ગુંદાસર ઉપર માતાનો કોપ ઊતર્યો છે. પૂછ ને મૂછ ઉપર ભાર છે, તેથી પંચાણભાભો પંચકમાં જ ભરખાઈ ગયો છે, અને હવે પાંચ ‘પ’ નામધારીઓએ એની પાછળ પાછળ જવું પડશે. વળી, મૂછની જેમ જ પૂછ ઉપર પણ ભય હોવાથી ગામનું ઢોરઢાંખર ટપોટપ મરવા માંડશે. અને  આ બધી આપત્તિઓના મૂળમાં સંતુ−શાદૂળનો દુરાચાર જ જવાબદાર છે. સંતુ પોતે ભલે ને આ આરોપનો ઈનકાર કર્યા કરે, અને પોતે મોટી સતી સાવિત્રી હોવાનો દાવો કર્યા કરે, પણ એના સતીત્વની સાબિતી શી ? એની સાખ તો એકમાત્ર એનો પતિ જ પૂરી શકે; પણ ગોબર તો ગારદ થઈ ગયો. ને શાદૂળ જનટીપમાં જઈ બેઠો. હવે તો એનું પારખું કરવાનો એક જ રસ્તો રહ્યો છે : ધગધગતા તેલના તાવડામાં હાથ બોળી જુવે; જો એના પેટમાં કાંઈ પાપ નહિ હોય તો ફડફડતા તેલમાં ય એના હાથને ઊની આંચ નહિ આવે; ધગધગતું તેલ એના આંગળાંને અડશે ય નહિ, ને જે કાંઈ પાપ કર્યું હશે તો હાથ સડસડી જશે ને ધડ કરતુંકને બધું છતું થઈ જાશે.

૨ઘાએ કહ્યું :

‘આવાં સતનાં પારખાં તો સતજગમાં સાચાં પડતાં હશે; આ હળાહળ કળજગમાં તો કડકડતી તલની કડામાં બિચારી છોકરીના હાથ ફડફોલી ઊઠશે.’

સામેથી જવાબ મળ્યો :

‘તું શું કામે ઠાલો પારકી ચંત્યા કરીને દૂબળો પડશ ?’

રઘાનો વળતો જવાબ હતો :

‘ગામની વહુદીકરી ઉપર આવાં વીતક વિતાડવાની મુખત્યારી તમને કોણે લખી દીધી છે ? કોરટ દરબારનાં કામ તમે માથે લઈ લેનારાં છો કોણ ?’

પણ પરિસ્થિતિ એક તરફ રામ ને બીજી બાજુ ગામ જેવી હતી. એમાં રઘાની વાત કોણ સાંભળે ?

‘ગામ આખા ઉપર કોપ ઊતર્યો છે તંયે મેલડીને રીઝવવાના ધરમના કામમાં આડી જીભ વાળનારો તું કોણ ?’

ચારે બાજુથી રઘા સામે પડકાર ઊઠ્યો. એના ઉપર હેત્વારોપણો પણ થવા લાગ્યાં :  ‘હવનમાં હાડકાં નાખનારો તું રઘલો નંઈ, રાખહ છો—’

‘ગામ આખાનું નખોદ કઢવી નાખીને પંડ્યે ન્યાલ થઈ જવાની તારી દાનત છે.’

‘આમાં તારું પંડ્યનું જ કાંક દાળમાં કાળું લાગે છે. નીકર નંઈ નાત્યનો, નંઈ જાત્યનો ને સંતુનો મોટો વાલેશરી તું શેનો થઈ બેઠો છો ?’

‘સંતુનું ઉપરાણું લઈને પોતાનાં જ કો’ક કાળાંધોળાં ઢાંકતો લાગ છ—’

રઘાને લાગ્યું કે લોકલાગણી સામે ટક્કર ઝીલવી મુશ્કેલ છે, ત્યારે એણે મુખીને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ એણે જોયું કે ભવાનદા તો આ કિસ્સામાં કુહાડાના હાથા જ બની રહ્યા છે. ત્યારે એ સીધો હાદા પટેલ પાસે જઈ પહોંચ્યો અને આવી ધોકાપંથી પરીક્ષામાં સંતુને સાથ નહિ આપવા દેવાની વિનંતી કરી.

લાંબી માથાઝીક ચાલી. રઘાને સમજાયું કે આ પારખું કરાવવામાં હાદા પટેલનો વિરોધ તો મારા કરતાં વધારે ઉગ્ર છે, છતાં એ ભદ્રિક જીવ લોકલાગણીના જુવાળ સમક્ષ લાચાર થઈને બેઠા છે.

‘સંતુ કેમે ય કરી માનતી નથી. હું જેમ જેમ ના કહેતો જાઉં છું, એમ એમ ઈ તો વધારે વેન લેતી જાય છે કે મારાં પારખાં કરી લેવા દિયો, ને માથેથી કલંક ઉતારવા દીયો—’

‘બાપુ ! આ કળજગમાં આવાં પારખાં સાચાં ન પડે !’ રઘાએ કહ્યું.

‘પણ સંતુને તો સતીમા ઉપર આસ્થા છે. ઈ કિયે છ કે સતીમાં મારી રખ્યા કરશે—’

‘બાપુ ! પણ તાવડાના ફણફણતા તેલમાં હાથ બોળાય તંયે ફડફડ ફડફોલ્લા ઊઠશે તંયે સતીમા આડા હાથ દેવા નઈ આવે—’  ‘ઈ તો હું ય કહી કહીને થાક્યો કે સતનાં પારખાં આવી રીતે ન થાય. પણ સંતુ કેમે ય કરી સમજતી જ નથી. કિયે છ કે મારા કારણે આખા ઘર ઉપર કાળું કલંક આવે, એના કરતાં મારું પારખું કરી લેવા દિયો—’

સાંભળીને રઘો નિરાશ થયો. તરણોપાય તરીકે એણે કમાડની આડશે ઊભીને ખુદ સંતુને જ સમજાવવાનો પ્રયત્ન કરી જોયો. રડમસ અવાજે એણે આજીજી, વિનંતી, કાકલૂદી સુદ્ધાં કરી જોઈ.

‘દીકરી ! આ ભામણ ડોસાનું કહેવું માની જા; આવી દાધારંગી થા મા... ગામના માણસનું બોલવું ગણકારાય નહિ... ઈ તો બે ગાઉ આઘાં હાલે ને બે ગાઉ પાછાં ય હાલે... આવી આકરી અગનપરીક્ષા રે’વા દે—’

પણ સંતુ પાસે તો એક જ ઉત્તર હતો :

‘ઓઘડભાભે ડાકલાં વગાડીને કીધું છે કે કડામાં હાથ બોળનારીએ કાંઈ પાપ નહિ કર્યું હોય તો ધગધગતું તેલ એનાં આંગળાંને અડશે ય નહિ... સાચને આંચ ન હોય... હાથ બોળનારીનાં સત્‌ સાચાં હશે તો મેલડીમા એની રખ્યા કરશે—’

‘બાપુ ! આ કળજગમાં કોઈ જ મેલડી આડા હાથ દેવા નવરી નથી બેઠી. ફણફણતા તેલમાં હાથ બળીને ભડથું થઈ જાશે—’

‘નહિ થાય, નહિ થાય !’ સંતુ હિંમતભેર કહેતી હતી, ‘મેં સામે હાલીને હાથ બોળવાની હા કહેવરાવી છે. હવે પારોઠનાં પગલાં ભરું તો મારા દશ્મન રાજી થાય, ને ઓલ્યું કાળું કલંક કાયમનું થઈ જાય. ના ના, હવે તો ભગવાનને ભરોહે મેલડીનો કોપ ઊતારવો જ દિયો—’

સંતુનું જિદ્દી વલણ જોઈને રઘો વધારે બેચેન બન્યો. જીવા ખવાસે જુક્તિપૂર્વક ઓઘડભાભાને ધુણાવીને આ પારખા માટે મંગળવારનું ‘મૂરત’ કઢાવ્યું હતું. એ મંગળવારની આગલી રાતે રઘાને ઊંઘ ન આવી. એને થયું કે બે-ચાર માથાભારે માણસોને  હાથે ગામની એક નિર્દોષ ગૃહિણીની નાલેશી થઈ રહી છે. ભોળુડાં ગામલોકો મેલડીના કોપની તર્કટી વાતોથી ભરમાઈને આ નાલેશીમાં સાથ આપી રહ્યાં છે. આ વહેમી માણસોએ ઘૂઘરિયાળાની વાતોથી ભોળવાઈ જઈને પાલી પાલી ખીચડાનાં અને પવાલું પવાલું કુલેરનાં નિવેદ ઝારી નાખ્યાં છે. એમને વધારે ભડકાવવા માટે જીવા ખવાસે ગામના પિયાવામાં પૂતળાં નંખાવ્યાં છે. આ બધા કૌભાણ્ડના મૂળમાં સમજુબાનો દોરીસંચાર રહેલો છે એમ સમજાતાં રઘો ઠકરાણાંને સમજાવવા બલકે સંતુ માટે દયા યાચવા—જવા તૈયાર થયો. એક હાથ ગિરજાને ખભે ટેકવીને અને બીજા હાથે લાકડીનો ટેકો લઈને એ ખોડંગાતો ખોડંગાતો દરબારની ડેલીએ જઈ પહોંચ્યો.

થોડા સમયથી ઠકરાણાં જોડેનો પોતાનો નાતો બગડ્યો હોવાથી અત્યારે એમની સમક્ષ દયા યાચવા જતાં રઘાનો પગ ભારે તો લાગતો જ હતો, છતાં એણે સંતુની લાજ રક્ષવા સારુ અત્યારે લાચાર બનીને ડેલીના ઊંબરે પગ મૂક્યો. જે ઓરડે જતાં એને કોઈ અટકાવનાર જ નહોતું ત્યાં આજે ઊંબરામાં જ ઓટા ઉપર પંચાણભાભાના અનુગામી અને જીવાના દૂરના પિતરાઈ પુનશીએ રઘાને પડકાર્યો.

‘બાને કે’, બે વાત કરવી છે.’ રઘાએ રજા માગી.

‘બાના હકમ વન્યા ડેલીમાં કોઈને ગરવાની ના છે.’

‘તો બાનો હકમ લઈ આવ્ય, જા !’ રઘાએ કહ્યું.

પુનશી અંદરને ઓ૨ડે ગયો અને થોડી વારમાં જ પાછો આવ્યો.

‘બાને અટાણે ટાણું નથી—’

‘પણ મારે બે મિલટ જ વાત કરવી છે.’

‘બે શું, અડધી મિલટની ય ફુરસદ નથી, અટાણે !’ પુનશીએ કહ્યું. ‘બાપુના મંડવાડ ટાણે ઠાલો કકળાટ કરવો રેવા દિયોની—’

‘મારે બાપુની ય ખબર્ય કાઢવી છે. ઘણા ય દિ’ થ્યા સુવાણ્ય  નથી પૂછી.’ રઘાએ કહ્યું. ‘જા, ફરી દાણ બાને કે’ કે રઘામા’રાજ ઉંબરે ઊભા છે—’

પુનશી ફરી બબડાટ કરતો કરતો ઓરડે ગયો.

રઘો ઉત્સુક બનીને સમજુબાના ઈજનની રાહ જોઈ રહ્યો.

પુનશી પાછો આવ્યો ત્યારે એના મોઢા ઉપર વધારે કરડાકી દેખાતી હતી. બોલ્યો :

‘ઘરમાં મંદવાડ ઘેરાણો હોય તંયે કચકચ કરવા શું કામ આવ્યો છ. એમ બા કિયે છ.’

‘કચકચ કરવા નથી આવ્યો, બા !’ હવે રઘાએ ઠકરાણાં છેક અંદરને ઓરડે સાંભળે એવા મોટા અવાજે બોલવા માંડ્યું,‘હું તો અટાણે નિયા માગવા આવ્યો છું—’

ઓરડાના પેટાળમાંથી જ અવાજ આવ્યો :

‘નિયાના સગલા ! માથે ઊભો રહીને માથાં વઢાવનારા માંયલો તું શું મોઢે નિયા માગવા આવ્યો છો ?’

‘બા ! હુ મારે કામે નથી આવ્યો; ગામની એક નોધારી નિયાણીનો નિયા કરાવવા આવ્યો છું—’

‘જા રે જા, નિયાણીનો મોટો વાલેશરી ન જોયો હોય તો !’ ઓરડેથી અવાજ આવ્યો, ‘આંઈ કોને ઊઠાં ભણાવવા આવ્યો છો ?’

આવા ઉપરાઉપરી જાકારા મળવા છતાં યે રઘો નિરાશ ન થયો. એણે વધારે આર્જવભરી વાણી ઉચ્ચારી :

‘બા ! તમારી રાંકડી રૈયત વતી વાત કરવા આવ્યો છું, ગામનું જ એક કળોયું બચારું કકળી રિયું છે. એના ઉપર અટાણે વેળ પડી છે. તમે તો રૈયતનાં માવતર. તમારી દીકરી ઉપર દિયા નહિ કરો તો ઈ ગભૂડીની હત્યાનું પાપ ગામ આખા ઉપર ચડશે—’

‘ઈ ગભુડી તો ઓલી સગા ધણીને ગૂડી નાખનારી જ કે બીજી કોઈ ?’ ઓરડેથી પડકાર થયો, ‘એના પાપે તો ગામ ઉપર મેલડી કોપી છે ને મે’ બંધાણો છે—’  ‘ના, બા ! ના. એના ધણીને ગૂડનારો તો ઓલ્યો માંડણિયો ઈ જેલમાં બેઠો મજો કરે મૂળાને પાંદડે. સંતુ તો બચારી ગવતરીના દાંત જેવી સોજી છે—’

‘સોજીના સગલા !’ સમજૂબાનો વળતો જવાબ આવ્યો, ત્યાં તો અંદરને ઓરડેથી એક પૌરુષી ખુંખારો સંભળાયો. ગળે ગળફો આવ્યો હોય ને ખખરી કાઢવા ખુંખારવું પડે એવો કોઈનો દબાયેલ અવાજ ઊઠ્યો અને રઘાના કાન ચમક્યા. હજી તો એ અવાજ ખુંખારનારની પૂરેપૂરી પરખ કરે ત્યાં તો ઠકરાણાંએ એકાએક ઉગ્રતાથી એને પોંખવા માંડ્યો : ‘એલા શું કામે આયાકણે ઊભો છે ? કિયો ગરાસ દાટ્યો છે તારા ડોહાનો ? પુનશીડા ! મેલ્ય એક પાણો આ ધૂતારા ઉપર... નીકળ્ય ડેલીમાંથી... તારું મોઢું કાળું કર્ય ઝટ...’

સાંભળીને રઘો ડઘાઈ ગયો. ઠકરાણાંને એકએક શું થઈ ગયું ? અણધારી કમાન કેમ કરતાં છટકી ? હમણાં સુધી તો સંતુની વગોવણી કરવામાં મશગૂલ હતાં. એ આમ અચાનક કોપાયમાન કેમ થઈ ગયાં ? ઠકરાણાંનો આ ભેદી મિજાજ જોઈને રઘો એવો તો બેબાકળો થઈ ગયો કે સંતુનો મુકદ્દમો લડવાનું માંડી વાળીને એ સહસા જ ગિરજાના ખભા પર હાથ ટેકવીને ડેલી બહાર નીકળી ગયો.

*