લીલુડી ધરતી - ૨/ઝમકુનો કોયડો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← મારી આંખનાં રતન લીલુડી ધરતી - ૨
ઝમકુનો કોયડો
ચુનીલાલ મડિયા
જીવતરનાં થીગડાં →પ્રકરણ વીસમું

ઝમકુનો કોયડો

ઊજમના ઉદ્વેગનો પાર નથી. સંતુએ સડસડતા તેલની કડામાં હાથ બોળ્યા એ ઘડીથી જ એની આંખ ઊઘડી ગયેલી. તાવડામાં ઊકળતા ધગધગતા તેલની અગનઝાળ સંતુને લાગી હતી પણ એની વેદનાની ચોટ જાણે કે ઊજમે અનુભવી હતી.

આંખના પલકારામાં જ ઊજમને સમજાઈ ગયું કે સંતુ સાચી છે, હું ખોટી છું; સંતુ ઉપર કલંકારોપણ કરવામાં મેં ભૂલથાપ ખાધી છે. મારી સ્ત્રીસહજ શંકિત મનોદશાએ સંતુને પારાવાર અન્યાય કર્યો છે. વહેમીલા લોકમાનસથી ભરમાઈને મેં દેરાણીને દુષ્ટાતિદુષ્ટ લેખી. એનાં સતનાં આવાં આકરાં પારખાં થયાં ત્યાં સુધી મારી આંખ જ ન ઊઘડી ? મારી આંખ ઉપર પાખંડનાં એવાં તે કયાં ઘેરાં પડળ બાઝ્યાં હતાં કે એને ઓગાળવા માટે ઊકળતી કડાની જ્વાળાની જરૂર પડી ?

ઊજમ પોતાના એકલીના જ અપરાધનું નહિ પણ અજ્ઞાનતિમિરાંધ આખા ય ગામના અપરાધનું પ્રાયશ્ચિત્ત કરી રહી છે. અગ્નિદિવ્યની વેદના સંતુએ સહન કરી છે, પણ અશ્રુપ્રવાહ ઊજમની આંખમાંથી વહી રહ્યો છે. દેરાણીના સડસડી ગયેલા અને હાથ ઉપર સવારસાંજ એ પાટાપિંડી કરે છે ને મનમાં ને મનમાં વસવસો અનુભવે છે. હાય રે, હું તે કેવી જડભરથ કે તારા જેવી જોગણીના અવતાર સમીને ઓળખી જ ન શકી ? હું એવી તે કેવીક કાચા કાનની કે હંધાય ગામગપાટાને સાવ સાચા જ માની લીધા ? એક બાજુ ઊજમ આ ઉદ્વેગ અનુભવી રહી હતી ત્યારે સંતુના ચિત્તમાં અગ્નિદિવ્યના પ્રયોગ પછી એક નવી વ્યથા જન્મી હતી. અગ્નિદિવ્યની કસોટીમાં પોતાના હાથ સાચે જ સળગી ગયા તેથી આજ સુધીની સઘળી ખુમારી એ ખોઈ બેઠી. આટલા દિવસ, પોતે તદ્દન નિષ્કલંક છે એમ બેધડક કહી શકતી હતી, એ મનોદશા, એ મિજાજ અને વિશેષ તો એ અંગેની એની આત્મશ્રદ્ધા આ અગ્નિપ્રયોગમાં ઓગળી ગયાં.

શંકાશીલ ગામલોકોએ સંતુનાં સતનો દર્શનીય પુરાવો માગ્યો, ભોળુડી સંતુએ પોતાની સચ્ચાઈ પર મુસ્તાક રહીને એ મહાભયંકર પરીક્ષામાંથી પસાર થવાની તૈયારી બતાવી. અગ્નિ પોતાના ગુણધર્મને વળગી રહ્યો અને સંતુ એ પરીક્ષામાં નિષ્ફળ પુરવાર થઈ. તુરત એની શારીરિક વ્યથા સાથે, એથી ય અદકી મનોવ્યથા શરૂ થઈ : હું સાચે જ અપરાધી હોઈશ ? મેં સાચે જ પાપ કર્યું હશે ? મને તો કાંઈ કરતાં કાંઈ એવું સાંભરતું નથી, કે જેનો મારે ભગવાનને ઘેર ગ્યા પછી જબાપ આપવો પડે. મારું મન તો અરીસા જેવું ચોખુંફૂલ હતું, એટલે તો મેં સસરા જેવા સસરાની આજ્ઞા ઉથાપીને ય તેલની કડામાં હાથ બોળ્યા. મને તો પાકી ખાતરી હતી કે મારાં બે ય કાંડાં હળવાફૂલ રહેશે ને એને કાંઈ નહિ થાય. પણ આ તો દસે ય આંગળાં ભડથું શેકાય એમ શેકાઈ ગ્યાં. હાય રે ! આ તો હું હાથે કરીને માથા ઉપર આળ વહોરી આવી. હવે હું ગામમાં શું મોઢે કહી શકીશ કે ગોબરને, મેં નથી માર્યો, મારાં ઓધાન મારા ધણીનાં જ છે, શાદૂળનો મેં ઓછાયો ય નથી લીધો !....

એક અણઆચર્યા અપરાધનો ડંખ સંતુના અંતરને કરકોલી ૨હ્યો. સદા ય પ્રફુલ્લ અને પ્રસન્ન રહેતી આંખમાં ભાવિનો કોઈક પ્રચ્છન્ન ભય આવી ભરાયો. નીતર્યા પાણી જેવું નિર્મળ હાસ્ય જાણે કે સદાયને માટે વિલુપ્ત થઈ ગયું. એની જગ્યાએ એક ઘેરો વિષાદ ઘર ઘાલી બેઠો.

સંતુનાં વાણી-વર્તનમાં એકાએક પલટો આવી ગયો. ઊકળતી કડામાં કકડી ગયેલાં કાંડાંની શારીરિક વેદના તો અસહ્ય હતી જ; પણ એથી ય વધારે અસહ્ય તો ‘હું અપરાધી ઠરી’ એવી લાગણી માંથી જન્મતી માનસિક વેદના હતી. ફડફોલી ઊઠેલા હાથના જખમ તો ઘરગથ્થુ ઉપચારો વડે ધીમે ધીમે રુઝાવા લાગ્યા, પણ સંતુને કાળજે લાગેલો ઘા તો કેમેય કરીને રુઝાય જ નહિ. ઊલટાની, દિવસે દિવસે એની માનસિક વેદના તીવ્રતર બનતી રહી.

પોતે અતિઉત્સાહમાં અને વધારે પડતી આત્મશ્રદ્ધામાં આપમેળે જ વહોરી લીધેલ અગ્નિપરીક્ષામાંથી પરિણમેલી આ અંતરની વેદનાનું નિદાન કરવાનું કોઈનું ગજું નહોતું. એની ભયભીત આંખો અને બહાવરું વર્તન જોનારાઓ એમાંથી જુદો જ અર્થ તારવવા લાગ્યાં.

‘માણસ બેબાકળું થઈ જ જાય. કાચો રંડાપો જીરવો સહેલ છે ?’

‘બચાડીને વે’ વિનાની વ૫ત્ય પડી છે. હજી એની ઉમ્મર શું ને વાત શું ! હજી એણે જંદગી થોડી જોઈ કે’વાય ?’

‘ઈ વાત લીલો સાંઠો કે’વાય, કાચો રંડાપો કાઢવો સહેલ નથી.’

આવી આવી પ્રાસ્તાવિક માર્મિક ટકોર કરીને લોકો હળવેકથી મમરો મૂકતાં :

‘ઈ તો આછું પાતળું ગોતી લેતાં આવડવું જોયીં, મારી બૈ !’

‘આછું પાતળું શું કામે ને ગોતે ? ભર્યું ભાદર્યું ન ગોતે ? હજી તો સાવ નછોરવી છોકરી છે–’

સંતુના ભાવિ અંગે એના હિતેચ્છુઓ આવી વણમાગી વિચારણાઓ કરી રહ્યા હતા ત્યાં જ એક વિચિત્ર ઘટના બની ગઈ.

રોજના રાબેતા પ્રમાણે ઠુમરની ખડકીએ છાશનો કળશ ભરવા આવેલી ઝમકુએ એની જૂની આદત મુજબ ઠૂઠવો મૂક્યો.

ગિધાના મૃત્યુ પછી આવી પ્રાણપોક મૂકવાનું ઝમકુને હવે કોઈ જ પ્રયોજન નહોતું રહ્યું, તેથી ઊજમે આશ્ચર્ય અનુભવીને આજના રુદનનું કારણ પૂછ્યું.

રુદનનું પ્રયોજન સીધેસીધું નિવેદિત કરવાને બદલે ઝમકુએ તો જાણે કે પોતાની આત્મકથા જ આરંભી :

‘હું તો જલમદખિયારી... મારાં કરમમાં સુખનો રોટલો લખ્યો જ નથી... હું તો બાળોતિયાની બળેલ... મહાણમાં ય મારાં લાકડાં ટાઢાં નહિ થાય...’

‘મહાણમાં પૂગવાની આટલી બધી શી ઉતાવળ આવી છે ?’ ઊજમે પૂછ્યું.

‘ઓલે ભવ દુઃખનાં પોટલાં જ લખાવીને આવી હઈશ, પછી સુખનો રોટલો ક્યાંથી જડે ? હું તો જલમદખિયારી—’

‘પણ થ્યું શું ? વાત તો કરો, ઝમકુભાભી ?’ ઊજમે પૂછ્યું. ‘ગિધોભાઈ પાછા થ્યા કેડ્યે તો તમારે કોઈ વાતનો ઉદરાવો નથી રિયો—’

‘ભૂત મરે તો પલિત જાગે; એમ એક સોણે ક્યાં રાત્ય પૂરી થવાની હતી ?’

ઝમકુની આ મર્મવાણી સાંભળીને ઊજમને થયું કે વાત કાંઈક વિશેષ ઊંડી છે. શૂન્યમનસ્ક બેઠી રહેતી સંતુને પણ આ ભેદી રુદનમાં રસ પડ્યો.

‘ઝમકુભાભી ! તમે તો હવે જાતી જંદગીમાં આવી ઉપાધિ મેલીને ભગવાનનું નામ લ્યો.’

‘મેં તો ઘણી ય ઉપાધિ મેલી દીધી છે. પણ ઉપાધિ મને ક્યાં મેલે એમ છે ? ભૂત મરે તો પલિત જાગે.’

ઝમકુની ઉક્તિઓમાં વારંવાર પુનરાવર્તન પામ્યા કરતા આ ભૂત–પલિતના તકિયાકલામે ઊજમને અને સંતુને ભડકાવી મૂક્યાં. એમને થયું કે ઝમકુના મનની વાત કાંઈક ઝીણી છે.

‘તમારે શું દુઃખ છે ?’ ઊજમે ઔપચારિક આશ્વાસન આપ્યું.

‘ભગવાનનાં દીધાં ઘેરોએક જણ્યાં છે. વળી દેનારે ગોઠણ સમી જાર્ય દીધી છે, એટલે ઈ પાંતીની ય ચંત્યા નથી. તમતમારે આવી હંધી ય હાયવોય મેલીને મૂળાને પાંદડે મજો કરો ની, ઝમકુભાભી !’

‘રોયો દામલો મને ક્યાં સુખ લેવા દિયે એમ છે ?’ કહીને ઝમકુએ સગા ભાઈ દામજી ઉપર દાઝ કાઢી. ‘વાંઝિયો મને ઘરઘાવવાની વાત કરે છે ! મરી ગ્યાનું મૂળ જાય !’

સાંભળીને ઊજમ-સંતુને એવો તો આંચકો લાગ્યો કે ફાટી આંખે ઝમકુ તરફ તાકી જ રહ્યાં. અને ઝમકુની જીભ વણબોલાવી પણ પીપળાના પાનની જેમ ઊપડી :

‘આ હું ગલઢે ગઢપણે ઘરઘરણું કરું ઈ તો શોભતું હશે મલકમાં ? મૂવા દામલાને જરા ય વચાર નહિ થ્યો હોય ? આ હું આટલાં જણ્યાંની મા ઊઠીને નાતરે જાઉં તો મનખ્યો મારી ઠેકડી જ કરે કે બીજુ કાંઈ ? ને હેં બૈ ! સાચું કહેજે, ‘નાતરે જાનારી પોતાની આંગળીએ પણ કેટલાંક જણ્યાંને લઈ જાય ? ગાડું એક છોકરાં આંગળિયાત થઈને જાય, એવું તી ક્યાંય મલકમાં ય સાંભળ્યું છે...? પણ દામલાની મૂવાની દાનત જ ખોરી ટોપરા જેવી. માલીપાથી એમ કે હું છૈયાંછોકરાને લઈને કો’કના રોટલા ઘડવા જાઉં તો મારા વરની હંધી ય કમાણીનો પોતે ધણી થઈ બેહે. પણ હું એમ ક્યાં કાચી છું કે આ ઊતર્યે કાળે ઉજાણી જેવું ઘરઘરણું કરું ? એક તો મારા જીવતરમાં ધૂળ પડે ને ગામને જોણું થાય... ના રે બૈ ! દામલો મર ની મને રોજ ઊઠીને કીધા કરે ? પણ મારે તો મારાં પેટનાં જણ્યાંનો વચાર કરવો કે નહિ ? નખોદિયા દામલાને મારાં જણ્યાંની શેની દયા આવે ! ઈ તો વાટ જ જોઈને બેઠો છ કે કે’દી ઝમકુ નાતરે જાય, ને કે’દી હું ઘરમાં સંજવારી કાઢી લઉં. પણ હું એવી હૈયાફૂટી છું કે મારા ધણીની કરી કમાણી હંધી ય દામલાના હાથમાં જવા દઉં ?...’

ઊજમ અને સંતું તો આ અસંબદ્ધ પ્રલાપ સાંભળીને વધારે વિસ્મય અનુભવી રહ્યાં. ઝમકુ શું કહેવા માગે છે, એના મનમાં શી યોજના રમી રહી છે, એ જ સમજાયું નહિ. ગિધાના આકસ્મિક મૃત્યુ પછી નોધારી બની ગયેલી, બહેનની સારસંભાળ લેવા માટે દામજી આવેલો, પોતે અંગત અગવડો વેઠીને પણ એણે ગિધાના વેપારવહીવટનો પથારો સંકેલેલો; આવા માઠા વરસમાં માંડી જ વાળવી પડે એવી કેટલીક ઉઘરાણીઓ પણ કુનેહપૂર્વક પતાવેલી. દામજી આવતાં નિરાધાર ઝમકુને એક ઓથ થઈ પડેલી અને નબાપાં બાળકોને શિરછત્ર સમું ઢાંકણ મળી રહેલું. આવો વહાલસોયો ને સાચદિલ ભાઈ હવે ઝમકુને બળજબરીથી બીજું ઘર કરવા પ્રેરી રહ્યો છે કે એમાં એ નડતરરૂપ બની રહ્યો છે ?

ઝમકુએ કરેલો લાંબો અસંબદ્ધ વાર્તાલાપ સાંભળનારના મનમાં આવી શંકા ઊઠે એ સ્વાભાવિક હતું.

‘મૂવાની કંજુસાઈ તો જુવો, કંજુસાઈ !’ ઝમકુએ વળી પાછો પ્રલાપ શરૂ કર્યો. ‘મારે આંગણે બે મહીમે’માન આવે ઈ ય દામલાને ન ગમે. હેં બૈ ! આપણે ઘર માંડીને બેઠાં હોઈએ પછી કોઈ સગાંસાંઈ તો આવે કે ન આવે ? સાચું કે’જો. હવે ઈ ટાણે આવનારને સાવ રોટલા શાક થોડાં ખવરાવાય ? મીઠું રાંધણું તો રાંધવું જ પડે ને મારી બૈ ! હવે એમાં ઘી વવરાય તો મારા ધણીની કમાણીનું વવરાય, પણ દામલાનો જીવ માલીપાથી લચુપચુ થાય.’ કહીને ઝમકુએ આ આખાં ય જીવનનાટકનું ભરતવાક્ય ઉચ્ચાર્યું : ‘ભલા, આવા ભાઈ હાર્યે ભેગું રે’વું કેમ કરીને પોહાય ?’

આ વેળા તો ઊજમ–સંતુ વધારે વિસ્મય અનુભવી રહ્યાં.

એ વાત સાચી હતી કે ગિધાના મત્યુ પછી ઝમકુને આંગણે મહેમાનોની ભીડ વધી હતી. સગાંઓને પણ છાંટ ન નાખનાર ગિધો જીવતો ત્યાં સુધી તો ભાગ્યે જ કોઈ નાતીલાં એને ઊંબરે ચડેલાં. પણ એના મૃત્યુ પછી કારજ વગેરે નિમત્તે ઝમકુને રાંધણિયે જે તાવડો ચડેલો એ તો કાણ–કૂટણાં ને કારજ પણ પતી ગયા પછી ઊતરવા પામેલો નહિ; બલકે, લોકાચાર અનુસાર જે શોકના દિવસો ગણાય એ દરમિયાન, તો ઝમકુને આંગણે મહીમહેમાનો ને મિષ્ટાન્નોનો મારો જ ચાલેલો. તાવડામાં લોટ સાથે ઘી શેકાય ત્યારે એની નાક ભરી દેતી સેાડમ નવેળામાં થઈને ઠુમરની ખડકી સોંસરવી શેરીમાં પૂગતી અને ત્યારે પડોશીઓ ટકોર પણ કરી લેતાંઃ ‘ગિધો જીવતાં તો ઝમકુડીનું પેટ બાળીને ગ્યો છ, પણ હવે તો બચાડી ધરાઈને ધાન ખાશે.’

‘હાય રે ! આજે મારો ધણી જીવતો હોત તો મારે આવા એશિયાળા દી તો ન આવત !’ ઝમકુએ આખા સંભાષણને અંતે ફરી વાર આરંભમાં મૂકેલો એવો જ ઠૂઠવો મૂક્યો. ‘માથાનો મોડ ગ્યો ને હવે મારે છતી મૂડીએ માગ્યો રોટલો ખાવાનું ટાણું આવ્યું. હવે તો ભગવાન ઝટઝટ તેડું મોકલે તો આમાંથી છૂટું...’

ઝમકુની પતિવિયાગની વ્યથા, પરાવલંબની વેદના તથા સંસાર પ્રત્યેના નિર્વેદ અંગેનાં આ ત્રિવિધ કથનો એકીશ્વાસે ઉચ્ચારણ પામ્યાં તેથી ઊજમના મનમાં રહેલો ગૂંચવાડો વધારે ગૂંચવાયો. આ સ્ત્રી ખરેખર શું કહેવા માગે છે ? પતિવિયોગથી એને વ્યથા થઈ છે કે આનંદ થયો છે?

સામાન્યતઃ સૂનમૂન બનીને બેઠી રહેતી સંતુને પણ ઝમકુની આ કથની કોયડા સમી લાગી. આ વિધવા ગૃહિણીનું માનસ–વહેણ કઈ દિશામાં વહી રહ્યું છે ?

‘દામલો મર ની મને કીધા કરે કે નાતરે જા. પણ મારે જીવતરને થીગડું મારીને નાતમાં નાક નથી કપવવું.’

ઝમકુએ વળી મૂળ વાતનો તંતુ સાંધ્યો તેથી ઊજમને કશોક વહેમ આવ્યો.

સંતુ ભયભીત નજરે એના તરફ તાકી રહી.

‘હું હવે કાંઈ નાની બાળ થોડી છું કે બીજું ઘર કરવા જાઉં ? આ સંતુ કાલ્ય સવારે નાતરે જશે તો શોભશે, પણ મારે તો ઢગલોએક જણ્યાં—’

‘શું ? શું બોલ્યાં ઝમકુભાભી ?’ સાંભળીને સંતુએ ત્રાડ નાખી.

ઊજમે પણ ઝમકુના આ વિધાન સામે અણગમો વ્યક્ત કર્યો.

‘બાપુ ! મેં તો જેવી સાંભળી’તી એવી વાત કરી, એમાં આટલાં આકરાં શું કામે થઈ જાવ છો ?’ ઝમકુ બોલી.

‘ક્યાંથી વાત સાંભળી ?’ ઊજમે પૂછ્યું.

‘કોણ છે ઈ વાત કરનારું ? નામ પાડો તો જીભ ખેંચી લઉં—’ સંતુએ પડકાર કર્યો.

‘બાપુ ! આ તો કાનને દોષ છે. આંગળીનો કરડો સમો કરાવવા નથુબાપાની હાટે ગઈ’તી, તંયે દુકાનની માલીપા અજવાળીમા શાક મોરતાં મોરતાં વાત કરતાં’તાં કે સંતુ કો’ક શાપરવાળા પટેલના ઘરમાં બેસે છે—’

‘શાપરવાળા પટેલના ઘરમાં ? બેહાડે નહિ એની પંડ્યની જ દીકરી જડકીને !’ ઊજમે સંભળાવી.

‘બચાડી જડીને શું કામ સંભારો છે ?’ સંતુએ શાંત અવાજે ટકોર કરી. ‘ઈ વળી મારા કરતાં ય વધારે દખિયારી છે—’

‘માડી ! મને ય માન્યામાં તો ન આવ્યું, એટલે મેં અજવાળી માને પૂછ્યું કે સંતુ તો પૂરે દી’એ છે ને કેમ કરીને કોઈનાં ઘરમાં બેસે ?’ તો અજવાળીમાં બોલ્યાં, ‘કોઈ તો છોકરાંને આંગળીએ લઈ ગઈ એમ ગણાશે—’

‘મરે રાંડ કાળમુખી !’ સંતુને બદલે ઊજમે અજવાળીમાને સંભળાવી.

સંતુ આવી ઉદ્વેગકારક વાતોથી કંટાળી તેથી એણે તુરત ઊભાં થઈને છાશનો કળશો ભરીને ઝમકુના હાથમાં સોંપ્યો ‘લ્યો ઊઠો ઝટ, તમારે અસૂરું થાશે.’

‘સાંભળ્યું કારવ્યું હંધું ય પેટમાં જ રાખજો, હો માડી ! ઠાલું બોલ્યું બાર્ય પડે ને રાંધ્યું વરે પડે.’ આવી ઠાવકી શિખામણ આપીને છાશનો કળશો સાડલાના સંગટા તળે ઢાંકીને ઝમકુ આખરે ખડકી બહાર નીકળી ત્યારે એની પીઠ તરફ તાકી રહેલી ઊજમના મનમાં પ્રશ્ન ઊઠ્યો.

‘આ ઝમકુડી ભોળુડી છે કે કપટી ?’

પણ ઊજમને આ પ્રશ્નનો ઉત્તર એમ સહેલાઈથી મળી શકે એમ નહોતો.

*