લીલુડી ધરતી - ૨/વસમો વેરાગ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સૂરજ ઊગતાં પહેલાં લીલુડી ધરતી - ૨
વસમો વેરાગ
ચુનીલાલ મડિયા
ડાઘિયો રોયો →
પ્રકરણ પચીસમું

વસમો વેરાગ

એક અઠવાડિયા સુધી તો કોઈ માનવા તૈયાર નહોતું કે માંડણ ગામ છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે.

‘ઘરમાં જ પુરાઈ રિયો હશે—’

‘ભlo હશે તો ભૂતેસરમાં પડ્યો પડ્યો ગાંજો ફૂંકતો હશે—’

‘રંગીભંગી માણસનું ભલું પૂછવું ! એને તો ઘર ને સીમ હંધું ય સરખું—’

એક અઠવાડિયા સુધી તો ઓળખીતાઓ એને ઘેરે સવારસાંજ તપાસ કરતાં રહ્યાં, ને અજવાળીકાકીને પૂછતાં રહ્યાં.

‘માંડણિયો છે ઘરમાં ?’

‘ભજનમંડળીમાંથી પાછો આવ્યો કે નહિ ?’

‘કે પછી ચરસની ગોળી ચડાવીને ઘેનમાં ઘોરતો નથી ને ?’

અજવાળીકાકી આ સહુ પૃચ્છકોને ટૂંકો જવાબ આપતાં :

‘ભાઈ ! અમે એને ભાળ્યો નથી.’

લાગલાગટ આઠ દિવસ સુધી માંડણ ક્યાંય દેખાયો જ નહિ; બજારે ન નીકળ્યો, જીવા ખવાસની હોટલને ઉંમરે ન ફરક્યો, ભૂતેશ્વરની જગ્યામાં ચલમ ફૂંકવા પણ ન ગયો, ત્યારે ગામલોકોને થયું કે જુવાન ક્યાંક ગામતરે ગયો છે.

‘પણ ક્યાં ગયો છે ? કયે ગામ ગયો છે ? ગામતરું પણ કેટલુંક લાંબું ? કઈ હૂંડી વટાવવા ગયો છે ?’

આ પ્રશ્નોના ઉત્તર ક્યાંયથી મળે એમ નહોતા. ‘મારે વાલીડે ફરી દાણ કાંઈક કબાડું કર્યું લાગે છે. ઈ વન્યા આમ ગામમાંથી પોબારા ગણી જાય એવો પોમલો ઈ જણ નથી.’

‘હશે કાંઈક દાળમાં કાળું. ગામમાં રે’વું જ ભોંયભારે થઈ પડ્યું હશે, એટલે હાલી નીકળ્યો હશે.’

‘ક્યાંક સાંપટમાં સલવાણો હશે, એટલે આઘોપાછો થઈ ગયો છે. માથેથી ભાર ઓછો થાશે એટલે આફુડો પાછો આવતો રે’શે.’

મુખી ભવાનદાએ તો કંટાળીને ટકોર કરી પણ ખરી :

‘એલા, આ ગામનું શું થાવા બેઠું છે ? રોજ ઊઠીને કો’ક રાત્ય લઈને ભાગે છે, રોજ ઊઠીને ભાગે છે ! ઓલી ઝમકુડીનો માંડ કરીને સગડ કાઢ્યો, ત્યાં તો આ માંડણિયો ભાગ્યો. હું તી કેટલાંકના સગડ સાચવવા બેસું ! પગેરાં કાઢનારો મૂળગરિયો એક ને ભાગનારાં ઝાઝાં—’

ગામમાં બનતી કોઈ પણ ઘટના વિશે બેફામ ટીકાટિપ્પણો કરનારાં અજવાળીકાકીની જીભ આ વખતે સાવ સિવાઈ ગઈ છે. વિચિત્રતા તો એ થઈ છે કે માંડણના એક ફળિયે જ રહેનારાં પડોસી તરીકે, બધી જ પૂછપરછ ફરતી ફરતી આખરે અજવાળીકાકીને આંગણે આવી ઊભતી અને એમને હોઠે તો માંડણિયાના ઘર પર ટિંગાતા ખંભાતી તાળા જેવું જ એક અદૃષ્ટ તાળું લાગી ગયું હતું.

‘ભગવાન જાણે ક્યાં ગયો હશે. આવડો મોટો મલક પડ્યો છે. માંડણિયો તો એકલપંડ્યે માણસ, એને ઉલાળ–ધરાળ થોડા હોય ? એને તો કાંધે કોથળો ને મલક મોકળો... ઊતરી ગયો હશે ક્યાંક આઘો આઘો—’

અજવાળીકાકીના મોઢામાંથી આવાં પોપટવાક્યો સિવાય એક અક્ષર પણ વધારે સાંભળવા મળતો નહોતો, ત્યારે પારકી વાતો વાવલવામાં પાવરધી વખતીડોસીએ પોતાની જીભ બે–લગામ છૂટી મૂકી દીધી હતી. એના ઉપજાઉ ભેજાએ એક ગોળો ગબડાવ્યો : ‘ઈ તો સંતુએ એનું ઘર માંડવાની ના પાડી એટલે માંડણને રીસ ચડી છે.’

‘પોતાની પરણેતરને સળગાવી દીધી, ને ગોબરિયાને પૂરો કરી નાખ્યો, પછી ઈના મનમાં સોળ આની ખાતરી હતી કે સંતુ મારા રોટલા ઘડશે. સંતુએ કાંઈ કાનસરો આપ્યો નહિ એટલે કુંવર થઈ ગ્યા હાલતા—’

પાણીશેરડે ઘણા દિવસથી કૂથલી માટે કોઈ ઉત્તેજક વિષય જ નહોતો. વળી વખતીએ મૂકેલી આ કલ્પના સારા પ્રમાણમાં ચગી.

‘આ તો માંડણિયે ઓલ્યા જૂના વારાના ભાટ–ચારણ જેવું ત્રાગું કર્યું કેવાય.—’

‘ને હવે તો સંતુ સામી જઈ ને માંડણને આંગણે હેલ્ય ઉતારે તો જ કુંવરનાં રિસામણાં છૂટે—’

‘બાપુ ! પણ આવાં ત્રાગાં કે રિસામણાં તો ક્યાંય મલકમાંય સાંભળ્યાં છે ?’

‘પણ આ તો બાળાપણની પ્રીત... ને એની નીંગઠ ગાંઠ્યું કેમે ય કરીને છૂટે જ નહિ–’

આમ, લોકકલ્પનાનું વહેણ સાવ જુદી જ દિશામાં ચડી ગયું એથી અજવાળીકાકી બહુ રાજી થયાં. માંડણના ગુમ થવા પાછળનું ગુપ્ત પ્રયોજન ગોપિત જ રહેવા પામ્યું. પેલી પાછલી રાતે ડાઘિયા કૂતરાએ ભસીને જે અકળામણ ઊભી કરેલી અને માંડણે એ વિકટ પરિસ્થિતિમાંથી જે માર્ગ કાઢેલો એની કોઈને ગંધ સુધ્ધાં આવી શકી નહિ.

અને એવામાં વળી એક રસિક સમાચાર આવ્યા.

બન્યું એમ, કે ગામમાંથી પરભો ગોર એના કોઈક દૂર દૂર વસતા યજમાનનાં શ્રાદ્ધસરામણાં કરવા ખભે ખાલી ખડિયો નાખીને તુલસીશ્યામ ગયેલો. થોડા દિવસ બાદ એ યજમાનનાં દાપાં-દક્ષિણા ને અખિયાણાં વડે ફાટફાટ થતો ખડિયો ખાંધે નાખીને પાછો આવ્યો ત્યારે એણે વાવડ આપ્યા :

‘માંડણિયાને ભાળ્યો—’

‘ક્યાં ? કિયે ઠેકાણે ?’

‘તળસીશામની જીગામાં—’

‘હોય નહિ. તારો કાંઈક જોવાફેર થઈ ગયો હશે—’

‘ઈ ઠૂંઠિયાને નજરોનજર ભાળ્યો ઈ ખોટું ? ઠૂંઠિયાં માણહ મલકમાં કેટલાંક હોય ?—’

‘પણ ઈ કરતો’તો શું ?’

‘એણે તો સાવ ભભૂત ચોળી નાખી છે. પાંચસાત મૂંડકાં ભેગો સાજે હાથે બેઠો બેઠો બાટી શેકવતો’તો—’

‘સાચે જ ?’

‘હા. મેં કીધું કે હાલ્ય ગુંદેહર, તારી વાટું જોવાય છે—’

‘હા. પછી ? શું કીધું એણે ?’

‘એણે કીધું કે હમણાં નહિ આવું—’

‘હા... માળો સાચે જ રિસામણે ગ્યો લાગે છ—’

‘મેં કીધું કે હમણાં નહિ આવ્ય તો કે’દી આવીશ ? મૂરત–બૂરત જોવું પડે એમ છે ? તો મારા ટીપણામાંથી સારું જોઈને મૂરત ગોતી દઉં—’

‘પછી ? પછી શું બોલ્યો ?’

‘ઈ તો કિયે કે હું મારું ટાણું થાશે એટલે આફૂડો આવીને ઊભો રૈશ—’

હવે વખતીને પોતાના અનુમાનની અણધારી પુષ્ટી મળી રહેતાં એ વધારે ચગી.

હું નો’તી કે’તી કે માંડણિયે ભેખ લઈ લીધો છે ? મારી વાત કોઈ માનતાં નહોતાં, પણ હવે આ પરભો ગોર કિયે છે, ઈ સાંભળો !’

હવે માંડણના સંસારત્યાગને વાજબી ઠરાવનારાઓ પણ નીકળી આવ્યા.

‘માનો કે ન માનો, પણ ઠુમરના ખરડાને જ આવું વરદાન છે; એના કુટુંબમાં દર બીજી–ત્રીજી પેઢીએ એકાદ જણ તો વેરાગી થાય જ.’

‘જુવોની, આ હાદા પટેલની ત્રીજી પેઢીએ એના ગલઢા ઘરમા પટેલ સતીમાના ગોઠિયા થ્યા’તા, ને ગઢપણમાં એણે ગરનાર ઉપર ચડીને સમાધ લીધી’તી. ઈ પછે દેવશીએ વેરાગ લીધો, ને હવે આ માંડણિયે માથું મુંડાવ્યું.’

‘ઈ તો ઠુમરના ખોરડાને જ વરદાન લાગે છે, નીકર આમ આટલા બધા જણ હાથમાં બેરખા લઈને બેહી જાય ?’

‘તમે મર ઠેકડી કરો, પણ આ તો પુણ્યશાળી ઘરનાં એંધાણ ગણાય. સંસારની માયામમતા છોડવી કાંઈ રમત વાત છે ?’

માંડણના ગૃહત્યાગનું ગુપ્ત કારણ ન જાણનારાઓ તો એમાં દૈવી રહસ્યનું પણ આરોપણ કરી રહ્યાં :

‘ભાઈ ! આ સતીમાનું થાનક સાચવવું કાંઈ સહેલ વાત નથી. ઈ તો વારેઘડીએ એના ગોઠિયાના ભોગ માગે. નીકર, એક જ કુટુંબમાંથી આટલા બધા જણે વેરાગ લેવો પડે ?’

***

પરભા ગોરે ગામમાં આવીને કોઈ જાણે નહિ એ રીતે હાદા પટેલને વાત કરેલી :

‘માંડણિયે કેવરાવ્યું છે કે મારી કાંઈ ફકર્ય કરશો મા. સારે વરસે મારાં ખેતરવાડી સંભાળજો, ને મારા ખોરડાનો વેમ રાખજો. હું મારું ટાણું થયે પાછો ગામમાં આવીશ—’

‘પણ ઈ ભગવાં પે’રીને બેઠો છે, ઈ પાછાં ઉતારશે કે નહિ ?’ હાદા પટેલે ચિંતાતુર અવાજે પરભા ગેારને પૂછેલું.

‘ઈ તો ભગવાન જાણે. પણ ગામમાં તમારા સિવાય બીજા કોઈને જાણ ન થાય એમ કહીને કે’વરાવ્યું છ ખરું, કે મારી હંધી ય માલમિલકત હાદોકાકો સંભાળી લ્યે. હું ટાણું થ્યે આવી પૂગીશ.’

ઊજમ મારફત સંતુને આ ગુપ્ત સમાચારની જાણ થઈ ત્યારે એ વિચારમાં પડી ગઈ.

‘શું કામે માંડણ જેઠે આવો વેરાગ લઈ લીધો હશે ? ભજનમંડળીમાં બેસીબેસીને એને આ વેરાગ લાગ્યો હશે ?... માથું મુંડાવ્યું ઈ તો જાણે કે ઠીક; પણ “પાછો ટાણાસર આવી પૂગીશ” એમ કહેવરાવ્યું એનો અરથ શું ? કિયે ટાણે ઈ પાછા આવશે ?’

ઊજમને પણ આ રહસ્ય સમજાતું નહોતું. માંડણ પણ દેવશીને જ પગલે પગલે સાધુ થઈ ગયો કે શું ? દેવશીના તો જીવ્યામૂવાના કાંઈ વાવડ જ ન આવ્યા, પણ માંડણે ટાણાસર આવી પૂગવાનું કહેણ મોકલ્યું છે, એ કહેણ સાચું પડશે ખરું ? કે પછી આ ખોરડાને કોઈ એવો શાપ છે કે એના જણ ઘરનો ઉંબરો છોડે એ પાછો આવે જ નહિ ?

દિવસો સુધી સંતુ આ ઘટનાનું રહસ્ય ઉકેલવા મથી રહી. માંડણે ભરબજાર વચ્ચે નથુસોનીને સંભળાવેલું : ‘સંતુ તો મારી મા છે.’ એ વાક્ય એને યાદ આવતું રહ્યું, અને રહસ્ય ઉકેલાવાને બદલે વધારે ગૂંચવાતું રહ્યું.

માંડણ જેઠે મને ભરબજારે મા કહી છે એ સાચું હશે ? કે પછી ગામના દેખતાં એણે એવો દેખાવ કર્યો હશે ? એના મનમાં હજી ય કાંઈક મેલ તો નહિ ભર્યો હોય ને ? અટાણે તો વસમો વેરાગ લઈને બેઠા છે, પણ વળી ટાણાસર પાછા આવવાનું કિયે છે. તી આવીને વેરાગ ઉતારી નાખશે ? ભગવાં ઉતારીને પાછા સંસારી થાશે ? ને સંસારી થાશે તો વળી પાછા મારી ઉપર નજર માંડશે કે પછી મને તો સાચોસાચ માને ઠેકાણે જ ગણશે ?

આવી આવી ગૂંચો મગજમાં લઈને એક દિવસ સંતુએ ઢોર બાંધવાની ગમાણમાં પોતાનો ખાટલો ઢાળ્યો.

*