લખાણ પર જાઓ

લીલુડી ધરતી - ૨/સગડ

વિકિસ્રોતમાંથી
← જીવતરનાં થીગડાં લીલુડી ધરતી - ૨
સગડ
ચુનીલાલ મડિયા
ડાઘિયો ભસ્યો →




પ્રકરણ બાવીસમું

સગડ

ઝમકુ ગાયબ થતાં ગુંદાસરમાં દેકારો બોલી ગયો. દામજી બહાવરો બનીને બહેનની શોધ માટે જે ફાંફાં મારતો રહ્યો એ જોઈને મુખીને દયા આવી. એમણે તાબડતોબ પોતાની ઘોડી છોડી અને ભુધર મેરાઈના વલ્લભને આજુબાજુની સીમમાં તપાસ કરવાની વિનતિ કરી.

‘ભાઈશા’બ ! ગોત્ય કરાવો તો તો તમારા જેવો ભલો ભગવાને ય નહિ !’ દામજી દીનભાવે બેસી રહ્યો. ‘ઘરમાંથી હંધુંય લીંપીગૂંપીને લઈ ગઈ છે, તી આ છ છોકરાંનાં પેટ હું કેમ કરીને ભરીશ ?’

દુકાનમાં અક્તા જેવું કરી નાખીને વલ્લભ સવારથી બપોર સુધી ગુંદાસરની આખી સીમ ખૂંદી વળ્યો. મુખ્ય ગાડાં–મારગ ઉપરાંત કાચા આડા-કેડા પણ જોઈ આવ્યો. છેક રોટલાટાણે એ વિલે મોઢે પાછો ફર્યો.

‘ક્યાં ય સગડ જડતો નથી.’

સાંભળીને સહુ નિરાશ થયાં.

‘એલા કોઈને પૂછ્યું–કારવ્યું ? કોઈએ ક્યાંય ભાળી હોય તો ખબર્ય—’

‘જેટલાં માણહ સામાં જડ્યાં ઈ હધાંયને પૂછતો આવ્યો છું. કોઈને કાંઈ વાવડ નથી—’

‘આ અચરજ કોને કે’વું ? એટલી વારમાં હંધા ય સીમડા કેમ કરીને વળોટી ગઈ હશે !’ ‘પગે હાલતું માણહ કરી કરીને ય કેટલા ગાઉનો પલ્લો કરી શકે ?’

‘કે પછી ગામમાં જ ક્યાંક છાનીછપની સંતાઈ બેઠી છે ?’

‘ગામમાં એને કોણ સંઘરે ? ને ગામમાં ને ગામમાં કેટલા દી’ અદીઠી રિયે ?’

ભવાનદાની મતિ મૂંઝાઈ ગઈ : ‘નક્કી, આ કિસ્સામાં કશોક ભેદ છે !’

દામજીએ તો હવે બહેનના નામની રીતસર પ્રાણપોક જ મૂકી. એ બિચારો દુન્યવી જીવ ઝમકુ કરતાં ય વિશેષ તો એની જોડે પગ કરી ગયેલા દરદાગીના ને જબરી રોકડ રકમને રોતો હતો.

‘ભાગી તો ગઈ, પણ વાંહે પેટનાં જણ્યાંવને ભભૂત ચોળાવતી ગઈ ! બચુડિયાં બચાડાં ખાશે શું ?’

મુખીની મૂંઝવણ વધી રહી હતી. એવામાં વખતી ડોસી વગડો કરીને માથે સૂકાં અડાયાંનો સૂંડલો મેલીને ગામમાં પ્રવેશી.

જાગતું પડ ગણાતી વખતીએ મુખીની મૂંઝવણમાં વધારો કરે એવા સમાચાર આપ્યા :

‘હાથિયે પાણે મેં સાંઢિયાનાં પગલાં ભાળ્યાં—’

‘સાંઢિયાનાં ? સાંઢિયાનાં પગલાં ?’ સહુને કૌતુક થયું.

આટઆટલા પંથકમાં કોઈ માલધારીને આંગણે સાંઢિયો હતો જ નહિ.

‘વશવા ન બેહતો હોય તો હાથિયે પાણે જઈને નજરોનજર જોઈ આવો.’ વખતીએ કહ્યું, ‘ઘી પીધેલ લાપસી જેવી ભોંયમાં કોઈએ નિરાંતે બેહીને આળખ્યાં હોય એવાં ચોખાંફૂલ પગલાંની ભાત્ય કળાય છે.’

તુરત શંકા ઊઠી :

‘ઝમકુ સાંઢિયે બેહીને ભાગી હશે ?’

‘પણ તો પછી હાથિયે પાણે જ શું કામે ને પગલાં કળાય ?’  ગામના પાદર લગણ સાંઢિયો કેમ ન આવ્યો હોય ?’

ગૂંચનો કશો ઉકેલ આવવાને બદલે એ વધારે ગૂંચવાતી ગઈ.

હવે મુખીની ધીરજ હાથ ન રહી. સત્વર ઊભા થયા, ‘હાલો હાથિયે પાણે—’

અને તરત એમણે હુકમ છોડ્યો :

‘બરકો મૂળગરિયાને’ મૂળગર બાવાનો બાપ રામગર પગી હતો. ભલભલાં ભેદી પગલાં ઓળખવામાં અને પગેરું કાઢવામાં એ પાવરધો હતો. આજે રામગર તો મરી પરવાર્યો હતો, પણ મૂળગરને પિતાની હયાતી દરમિયાન પગેરાં કાઢવાની થોડીઘણી તાલીમ મળેલી, તેથી મુખીએ એને યાદ કર્યો.

કાસમ પસાયતાને મુખીએ ખબર આપી, વલ્લભ જેવા બેચાર સેવાભાવી જુવાનિયા પણ તૈયાર થયા.

અને બહુ મોડું થાય અને પગલાં ભૂંસાઈ જાય એ પહેલાં મુખી અને કાસમ પસાયતાની સરદારી તળે નાનું સરખું હાલરું હાથિયે પાણે હાલ્યું.

વખતીની વાત સાચી નીકળી. ઓઝતને કાંઠે હાથિયા પાણા પાસે કાંઠાની જમીન ભરડેલા ઘઉં પાથર્યા હોય એવી સમથળ હતી. અલબત્ત, અરધા દિવસ સુધી ગાડાંગડેરાં, ઢોરઢાંખર તથા માણસોની સારી અવરજવર થઈ ચૂકી હોવાથી જાતજાતનાં ને ભાતભાતનાં પગલાં ઊપસી આવ્યાં હતાં. પણ એ સહુની વચ્ચે ઊંટનાં વિલક્ષણ આકારનાં પગલાં જુદાં જ તરી આવતાં હતાં.

‘સો ભાત્યનાં પગલાંમાં ય સાંઢિયાનાં પગલાં અછળતાં ન રિયે.’ કહીને મૂળગરે વખતીના અહેવાલનું સમર્થન કર્યું અને સાથે સાથે ગામલોકની શંકાઓને વધારે ઘેરી બનાવે એવું નિરીક્ષણ પણ કર્યું.

‘સાંઢિયાનાં પગલાં આ પાણા લગણ આવ્યાં છે, ને પાણેથી પાછાં વળતાં વરતાય છે.’

‘આનો અર્થ શું ? ગઈ રાતે કોઈ માણસ સાંઢિયે ચડીને હાથિયા પાણા સુધી આવ્યો હશે ? ઝમકુ ઘેરથી પગપાળી નીકળીને હાથિયે પાણે પહોંચી હશે ? અગાઉની કોઈ સંતલસ મુજબ બંનેએ આ સ્થળે મળવાનું નક્કી કર્યું હશે ?

‘સાંઢિયો આપણી સીમમાં આવે જ શું કામે ને ?’

'આ કાસમ પસાયતાનું જ સાવ પોલાળું છે, નીકર અજાણ્યો સાંઢિયો ગામની સીમમાં આવીને જાતો રિયે શેનો ? આજ તો ઝમકુડીને ઉપાડી ગ્યો, કાલ સવારે ગામ લૂંટાઈ જાશે તો ય ખબર્ય નહિ પડે.’

અને પછી તો વખતીએ ગામમાં વાત વહેતી મૂકી દીધી : ‘ઝમકુડી તો સાંઢિયો પલાણીને ભાગી ગઈ !’

‘આનું નામ જ અસ્ત્રીચરિતર ! દીઠ્યે તો બચાડી કેવી ગરીબડી જેવી લાગતી’તી ! પણ પેટનાં જણ્યાંની ય દયા ન આવી ને રાત્ય લઈને નીકળી પડી !’

’આનું નામ જ કળજગનાં એંધાણ. મા–છોરું વચાળે હેતપ્રીત ન રિયે, એનું નામ જ કળજગ. આમાં ઉપરવાળો વરસાદ તો શેનો વરસવા દિયે ? માણહ જાત્યનાં આવાં કૂડાં કરતક જોતાં તો બાર બાર વરહના સળંગ દકાળ પડવા જોઈએ.’

‘છપનિયા કાળમાં આવું થ્યુ’તું, એમ નજરે જોનારા ઓઘડ ભૂવો કિયે છે. ઈ કાળમાં માવડીએ સગાં છોકરાંને વછોડ્યાં’તાં ગવતરીએ પોતાનાં વાછરું વછોડ્યાં’તાં... આનું નામ જ કળજગનાં એંધાણ !’

આ ‘કળજગનાં એંધાણ’થી મુખી એવી તો ભોંઠ૫ અનુભવી રહ્યા હતા કે એમણે કાસમ પસાયતાને તાકીદ કરી કે પાતાળ ખોદીને ય ઝમકુનું પગેરું કાઢો.

દામજીએ રીતસરની ફરિયાદ નોંધાવ્યા પહેલાં જ કાસમે ખાસ કાસદ મોકલીને તાલુકે ફોજદાર કચેરીએ ખબર આપી દીધા હતા. શંકરભાઈએ લગભગ આખા પંથકના પોલિસ પટેલોને સાબદા કર્યા હતા, પણ ક્યાંયથી ઝમકુના સગડ જડતા નહોતા.

દામજીએ ગામેગામના નાતપટેલો પર પત્ર લખીને, બહેન કોના ઘરમાં બેઠી છે એની તલાશ કરાવી જોઈ, પણ ગામેગામથી ‘કાંઈ વાવડ નથી’ એવા નિરાશાજનક ઉત્તરો આવતાં લોકોના મનમાં વળી એક નવી શંકા ઊઠી :

‘ઝમકુ જીવતી હશે કે મરી ગઈ હશે ?’

‘ભેગું સામટું સોનું ને જ૨ – જોખમ લઈને ભાગી છે, તી મારગમાં કોઈએ ઘડોલાડવો તો નહિ કરી નાખ્યો હોય ?’

‘આંહીથી કોઈ એને આંબાઆંબલી દેખાડીને ભોળવી ગ્યું હોય ને પછી હંધો ય દરદાગીનો લૂંટીને બચાડીને ઓઝતના પટમાં દાટી દીધી હોય તો ?’

અને પછી તો ચારે ય બાજુથી હતાશ થયેલો દામજી નાના બાળકની જેમ રડવા લાગ્યો. એનાં તથા ગિધાનાં નબાપાં ને નમાયાં બાળકોની રોકકળ જઈને મુખીને દયા આવી અને એમણે તુરત બાજરાની એક ગુણ તથા જૂના ગોળનું એક માટલું મોકલી આપ્યું. ઝમકુએ જતાં પહેલાં ગિધાની લગભગ બધી જ ઊઘરાણી વસૂલ કરી લીધી હતી, છતાં હજી ઠુમરની ખડકી અને બજારમાં ભાણ ખોજાની દુકાન ગિધાએ ગિરવી રાખેલાં એની વસૂલાત બાકી રહી હતી. આ રકમ પણ વસૂલ કરીને પોતાની સાથે લઈ જવા માટે ઝમકુએ તકાદા તો બહુ કરેલા, પણ આ માઠા વરસમાં કોઈ પાસે રોકડની છૂટ ન હોવાથી એટલી સ્થાવર અસ્કયામત બચી જવા પામેલી.

‘આ તો ઝમકુડીનાં જણ્યાંવનાં નસીબે જોર કર્યું, તો વળી આટલું રોટલાનું સાધન હાથમાં રૈ ગ્યું. નહિ તો શકોરું લેવાનો વારો આવત બચાડાંવને—’

પણ આ અનાથ બાળકોને ખરેખર હાથમાં શકોરું લેવા દે એટલું દઠ્ઠર કે દયાહીન આ ગામ નહોતું. અલબત્ત, નાનીમોટી બાબતોમાં લોકો ઈર્ષા, અસૂયા, ખટપટ, હોંસાતૂંસી, કૂથલી અને નિંદાખોરી વગેરેથી પીડાતાં હતાં. કોઈ કોઈ વાર અંગત સ્વાર્થથી પ્રેરાઈને તેઓ અમાનુષિતાની હદે વર્તતાં. છતાં એકંદરે જનપદનો આત્મા હજી જાગૃત હતો, માનવતા છેક મરી પરવારી નહોતી.

તેથી જ, મુખીએ બાજરાની ગુણ ને ગોળનું માટલું મોકલાવ્યાં કે તુરત ગામ આખાએ ઝમકુનાં અનાથ બાળકોને પોતાનાં ગણીને અપનાવી લીધાં. સહુએ પોતાના ગજાસંપત પ્રમાણે મદદ કરવા માંડી. કોઈ પોતાની વાડીએથી ઊતરેલું શાકપાંદડું આપી જાય, તો કોઈ કઠોળનો ઢગલો કરી જાય. હાદા પટેલે તાજેતરમાં પૂંજિયા ઢેઢ પાસે વેજું વણાવેલું એમાંથી બાર હાથ ગિધાનાં બાળકોને વેતરી આપ્યું. અલબત્ત, ગિધાએ એક વેળા જમાવેલ ધમધોકાર વેપાર તો હવે ફરી હાથ કરવાનું શક્ય જ નહોતું; છતાં, દામજી જેમતેમ કરીને ‘રોટલા કાઢતો થાય, એ ઉદ્દેશથી મુખીએ એને ગામના ચોરાની માલિકીની એક નાનકડી ઓરડી કાઢી આપી, અને ત્યાં ચપટી મૂઠી માલ ભરીને દામજીને નાનીસરખી હાટડી મંડાવી દીધી. જીવા ખવાસની જબરજસ્ત દુકાનની સ્પર્ધામાં આ બાબા જેવડી હાટડી ટકવી મુશ્કેલ હતી છતાં દામજીને સુપાત્ર જાણીને લોકોએ સહકાર આપવા માંડ્યો.

આમ, નાનપણમાં જ માબાપથી વિખૂટાં પડેલાં આ બાળકો પર ગામ આખું વાત્સલ્ય વરસાવી રહ્યું હતું. એવામાં જ માંડણિયો તાલુકાની જેલમાંથી છૂટીને આવ્યો.

આવતાંની વાર જ માંડણિયે તોપના ધડાકા જેવા સમાચાર આપ્યા :

‘ઝમકુ તો સતાપરવાળા શિવાભારથીના ઘરમાં બેઠી છે.’

‘તને કોણે કીધું ? તને ક્યાંથી વાવડ ?’

‘સતાપરનો એક ખાંટ ખૂનના કેસમાં તાલુકાની જેલમાં આવ્યો, એણે વાવડ દીધા.’

*