વધાવો રે આવિયો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ધરતીમાં બલિહારી બે જણાં,
એક ધરતી બીજો આભ, વધાવો રે આવિયો
આભે મેહુલા વરસાવિયા
ધરતીએ ઝીલ્યાં છે ભાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક ઘોડી બીજી ગાય, વધાવો રે આવિયો
ગાયનો જાયો રે હળે જૂત્યો
ઘોડીનો જાયો પરદેશ, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સાસુ ને બીજી માત, વધાવો રે આવિયો
માતાએ જનમ આપિયો
સાસુએ આપ્યો ભરથાર, વધાવો રે આવિયો

ધરતીમાં બલિહારી બે જણાં
એક સસરો બીજો બાપ, વધાવો રે આવિયો
બાપે તે લાડ લડાવિયા
સસરાએ આપી લાજ, વધાવો રે આવિયો

ચાક વધામણી