વનવૃક્ષો/આમળી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અરણિ વનવૃક્ષો
આમળી
ગિજુભાઈ બધેકા
બહેડાં →


એક હતું ઝાડ; એનું નામ પછી કહીશ. એ ઝાડ ઊંચું હતું; એનાં પાન ખીજડાનાં પાન જેવાં હતાં.

દિવાળી ગઈ ને કારતક મહિનો બેઠો. આમળી ઉપર નાનાં નાનાં આંબળાં આવ્યાં, ને થોડા દિવસમાં મોટાં થયાં.

ઝાડે ઝાડે આંબળાં વીણનાર પહોંચ્યા ને ટોપલેટોપલા ભરી આંબળાં બજારે લાવ્યા.

“લેવા છે કોઈને ધોળાં મોટાં આંબળાં ?”

એક જણ આવ્યો ને શેર આંબળાં લીધાં; બીજો જણ આવ્યો ને બશેર લીધાં; ગાડીમાંથી વાણિયો ઊતર્યો ને પાંચ શેર આંબળાં ખરીદ્યાં; મોટરમાંથી કોક મોટું માણસ ઉતર્યું ને બધાં ય આંબળાં ખરીદી લીધાં.

બેચાર પગે ચાલતા સાધારણ માણસો આવ્યા ને આંબળા માગ્યાં. આંબળાંવાળાએ કહ્યું : “ભાઈ ! આજ તો આંબળાં ખપી ગયાં; પેલા મોટરવાળાએ બધા લઈ લીધાં. કાલે આવજો; કાલે આવવાનો છું.

આંબળાં ખરીદાઈને કેટલે ય ઘરે પહોંચી ગયાં એક ઘરે એનું શાક કર્યું; કાચી કેરીનું શાક થાય એમ આંબળાંનું પણ શાક કર્યું. આંબળાને બાફવું પડ્યું, વઘારમાં વઘારાવું પડ્યું અને પછી મીઠું મરચું વગેરે મસાલાથી મશાલાવું પડ્યું. હોંશેહોંશે આંબળાંના શાકને ઘરના બધા લોકોએ ખાધું.

બીજા ઘરમાં આંબળાનો મુરબ્બો થવા લાગ્યો. ચાસણીમાં બાફેલાં આંબળાંને નાખ્યાં, ને ખાટાં આંબળાંને ગળ્યાં બનાવ્યાં. જરા જરા તાજા મુરબ્બાને ચાખી બાકીનો મુરબ્બો શેઠાણીએ કાચની બરણીમાં ભરાવ્યો. શેઠાણી કહે : “જરા ગળશે, એટલે પછી છોકરાઓ ને ખવરાવીશું.”

ત્રીજા ઘરમાં આંબળાંની ત્રીજી દશા થઈ. એ ઘર જીવન બનાવનારનું હતું. જાતજાતની દવાઓ સાથે આંબળાંને મેળવી તેનું ‘આંબળાંનું જીવન’ બનાવ્યું ને વેચવા માટે બાટલીઓમાં ભર્યું. બાટલીઓ ઉપર ચિઠ્ઠી મારી : “શુદ્ધ આંબળાંનું જીવન.”

એક જ જંગલનાં આંબળા અને ઝાડઝાડનાં આંબળાં ટોપલામાં ભેગાં થયાં હતાં ને ભેગાં બેઠાં આરામ કરતાં હતાં; ત્યાંથી તે છુટાં પડયાં ને જાતજાતની દશા પામ્યાં.

પણ હજી એની વાત અધૂરી છે. ચોથું ઘર વૈદનું હતું. વૈદે આંબળાંને સૂકવ્યાં. સૂકાં આંબળાંને ખાંડીને ભૂકો કર્યો ને ‘આંબળાનો અવલેહ’ બનાવ્યો.

પણ નાનાં નાનાં સૂકાં આંબળાંના તો માત્ર કટકા જ કર્યા ને ઘણા દિવસ સુધી તે વૈદનાં છોકરાંએ મુખવાસ તરીકે ખાધા.

લીલું આમળું કે સૂકું આંબળું ખાધા પછી પાણી પીવાની મજા પડે છે. પાણી મીઠું મીઠું ને ગળ્યું ગળ્યું લાગે છે. છોકરાંઓને તો આવું જ ગમે, એટલે આંબળાં ખાતાં જાય ને પાણી પીતાં જાય.

વૈદરાજે સૂકાં આંબળાંનો ભૂકો કરાવ્યો ને હરડાં ને બહેડાંના ભૂકા સાથે સરખે ભાગે મેળવીને ત્રિફળાં બનાવ્યા. ત્રિફળાં એટલે ત્રણ જાતનાં ફળ.

વૈદની દુકાને કોઈ આવ્યું ને ત્રિફળાં માગ્યાં. ત્રિફળાંને પાણીમાં પલાળી રાત આખી રાખી બીજે દિવસે ગળેલ પાણીને આંખ ઉપર છાટ્યું. એ બિચારાની આંખ નબળી હતી.

આંબળાનું ઝાડ હતું; આપણા દેશમાં થતું હતું. વરસે વરસે શિયાળો આવતો હતો; ઝાડે ઝાડે આંબળાં થતાં હતાં અને આંબળે આંબળે એનું નસીબ માંડ્યું હતું. એક ઉપર મુરબ્બો, બીજા ઉપર શાક, ત્રીજા ઉપર જીવન, ચોથા ઉપર આંખે છંટાવું, ને પાંચમાં ઉપર મુખવાસ.


આ પણ જુઓ

વિકિપીડિયા
વિકિપીડિયામાં આમળાંને લગતો લેખ ઉપલબ્ધ છે.