વનવૃક્ષો/ખીજડો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← બાવળ વનવૃક્ષો
ખીજડો
ગિજુભાઈ બધેકા
રૂખડો →


ખીજડો સીમમાં તેમ જ ગામની અંદર ઊગે છે.

અમારી શેરીના એક દવેના ફળિયામાં ખીજડો ઊગ્યો હતો.

નાનપણમાં છોકરીઓ લોકગીતો ગાતી હતી તેમાં નીચેની લીટી આવતી હતી :--

"ખીજડે ચડીને વાટ જોઈશ
મોરી સંગલાલ."

છોકરાઓ ખીજડે ચડવાના શોખીન હોય છે. ખીજડા ઉપર શીંગો થાય છે તેને સાંગરો કહે છે; સાંગરો ખાવામાં ફિક્કીગળી લાગે છે.

છોકરીઓ છાણ વીણવા જાય છે ત્યારે ખીજડા નીચે છાણના સૂંડલા મૂકી ખીજડે ચડી સાંગરો ખાય છે. નાની છોકરીઓ ખીજડો હલાવીને નીચે પડેલી સાંગરો વીણે છે; ઉપર ચડેલી છોકરીઓ ખોળો ભરી સાંગરો નીચે લાવે છે. અને ભાંડરડાં માટે ઘરે લઈ જાય છે.

દિશાએ જવા નીકળેલા છોકરાઓ સાંગરો ખાવા ચડી જાય છે, તેમ નિશાળમાંથી નાસી આવેલા છોકરાઓ પણ સાંગર ઉડાવવા આવે છે.

ખીજડાનું ઝાડ બહુ આકર્ષક કે રળિયામણું નથી. પાંદડાં ઝીણાં અને લીલાં ભૂખરાં હોય છે. ડાળો બટકણી હોય છે. થડની છાલ થોડાં થોડાં તડિયાં તડિયાંવાળી હોય છે.

ખીજડાનું બીજું નામ શમીવૃક્ષ છે. મહાભારતના પાંડવોએ વનવાસમાં જતી વખતે પોતાનાં હથિયારો ખીજડા પર સંતાડ્યાં હતાં. આજે પણ ક્ષત્રિયો દશેરાને દિવસે શમીપૂજન કરે છે; ઝાડને સિંદૂરનું ત્રિશૂળ કરે છે અને તેને પગે લાગે છે. કેટલાએક રાજાઓ સવારી કાઢી દશેરાને દિવસે શમી પૂજવા જાય છે.

વાઘરીનું માનીતું ઝાડ બાવળ, ચમારનું આવળ, બ્રાહ્મણનું પીપળો, કુંભારનું આંબલી, જોગીઓનો વડ, એમ રજપૂતનું શમીવૃક્ષ કહેવાય. એમ કહીએ તોપણ ચાલે કે પીપળો પવિત્ર ઝાડ અને ખીજડો બહાદુર ઝાડ.

આ પણ જુઓ

વિકિપીડિયા
વિકિપીડિયામાં ખીજડોને લગતો લેખ ઉપલબ્ધ છે.