વનવૃક્ષો/બોરડી

વિકિસ્રોતમાંથી
← જાળ્ય વનવૃક્ષો
બોરડી
ગિજુભાઈ બધેકા
ગાંડો બાવળ →



બોરડી


ઘરમાં કાશીબોર આણેલાં. બબુએ બોર ખાઈને વાડામાં ઠળિયો નાખેલો; કોઈના જાણવામાં નહિ કે ચોમાસું આવશે ત્યારે ઠળિયામાંથી બોરડી ઊગશે. પણ ચોમાસું આવ્યું, મેઘ ગાજ્યો ને વરસાદ પડ્યો. વાડા આખામાં ખડ ઊગી નીકળ્યું. એમાં પેલો ઠળિયો પણ ઊગેલો. પણ ખડમાં કોણ જુએ ? તડકા પડ્યા ને ખડ સુકાયું. વિજુભાઈ દાતરડી લઈ ખડ કાપવા બેઠા ત્યાં પેલી બોરડી આવી. એ મનમાં કહે: "કાંઈ નહિ. બોરડી ભલે ઊગતી. વાડો છે ને મહીં બોરડી થાય તો એને ઠીક બોર આવશે."

ગંગા અને જમનાએ નાનો સરખો ક્યારો કર્યો. બબુ રોજ બોરડીને પાણી રેડે ને નવાં નવાં પાંદડા ગણે. પર ચારછ માસમાં તો બોરડી વધી પડી. એટલાં બધાં પાંદડાં કે બબુ ગણી યે ન શકે !

બોરડી વાડામાં હતી. બકરું ય ત્યાં આવી શકે તેમ નહોતું. એટલે બે વરસમાં તો બોરડી વિજુભાઈ જેવડી થઈ ગઈ ! ત્રીજે વરસે દોઢી થઈ ને થાંભલી જેવડું થડ થયું.

બધાં વિચાર કરતાં હતાં કે હવે બોરડીને બોર ક્યારે આવશે ? ત્યાં તો શિયાળો આવ્યો ને બોરડીને મોર આવ્યો; મોર ખર્યોને ઝીણાં ઝીણાં બોર આવ્યાં; પહેલાં તો રાઈ જેવડાં બોર હતાં, પછી મગ જેવડાં થયાં; પછી ચણા જેવડાં, પછી વાલ જેવડાં, પછી નાની ખારેક જેવડાં અને પછી તો અસલ કાશીનાં બોર જેવાં બોર થયાં.

ક્યારે બોર પાકે ને ક્યારે બોર ખવાય ? પણ નાનાં છોકરાં કાંઈ ધીરજ રાખે ? એ તો કાચાં ને કાચાં બોર ખાવા માંડે; પણ પોતાની મેળે ચડાય નહિ ને કાચાં બોર ખવાય નહિ. બોરે બોરડી ભરાઈ ગઈ ને કાચાં બોર પાકી પડ્યાં. ઊંચી બોરડી નીચી નમી. રોજ પાંચપચીસ બોર ખરી પડે તે નાનાં છોકરાં ઉપાડી લે. વિજુભાઈ હાથ લાંબો કરે ને પાંચપચીશ બોર ઉતારે. બેચાર મોઢામાં મૂકે ને પાંચદસ બોર ઘરમાં લાવે. સવારબપોર પંખીઓ આવે તે પચીશપચાસ બોર ચાખે.

વાડાની બોરડીને બહુ બોર આવ્યાં. ઘરમાં ય ખાય, પાડોશીને ય આપે, અને વળી પંખીઓ ય ચાખે. પણ તો ય બોર એટલાં ને એટલાં !