વર તો ગિરિધરવરને વરીએ

વિકિસ્રોતમાંથી
વર તો ગિરિધરવરને વરીએ
મીરાંબાઈ



વર તો ગિરિધરવરને વરીએ


વરમાળા ધરી ગિરિધર વરની, છૂટે છેડે ફરીએ રે, રાણાજી!
વર તો ગિરિધરવરને વરીએ રે.
વર તો ગિરિધર વરને વરીએ, સુણોને લાજ કોની ધરીએ!
લાજ કોની ધરીએ, રાણા! કોના મલાજા કરીએ રે? ... રાણાજી! વર.
કાગડાની બુદ્ધિ કાઢી નાખી, માણેક મોતી ચરીએ રે,
સોના રૂપા સઘળાં તજીએ, ધોળાં અંગે ધરીએ રે ... રાણાજી! વર.
ચીરપટોળાં સઘળાં તજીએ, તિલક-તુલસી ધરીએ રે,
શાલિગ્રામની સેવા કરીએ, સંતસમાગમ કરીએ રે ... રાણાજી! વર.
હરતાંફરતાં, સ્મરણ કરીએ, સંતસંગતમાં ફરીએ રે,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ ચિત્ત ધરીએ રે ... રાણાજી! વર.