વસન્તની વનદેવી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વસન્તની વનદેવી
ઝવેરચંદ મેઘાણી
(ઢાળ : ક્હાન ! ત્હારે તળાવ, રૂમઝૂમતી રમવા નીસરી રે )


આજ ફાગણને ફાગ, રૂમઝૂમતી રમવા નીસરી,
રમવા નીસરી દુ:ખડાં વીસરી રે.

આજ ફૂલડાને ફાલ ફૂલવન્તી રમવા નીસરી,
રમવા નીસરી મન મીઠાં કરી રે.

આજ ખેતર મોઝાર અન્નદેવી રમવા નીસરી,
રમવા નીસરી, કણ ખોબા ભરી રે.

આજ ગલને ગુલાલ છાટન્તી રમવા નીસરી,
રમવા નીસરી મુખ રાતાં કરી રે.

આજ કેસૂડાં ડાળ, રંગરેલી રમવા નીસરી,
રમવા નીસરી પટકૂળ કેસરી રે.

આજ આંબાને મ્હોર મધુવન્તી રમવા નીસરી,
રમવા નીસરી, કરમાં મંજરી રે.

આજ દખણાદે દ્વાર, મદઘેલી રમવા નીસરી,
રમવા નીસરી, પવનની પાંખડી રે.

આજ દરિયાને તીર, અલબેલી રમવા નીસરી,
રમવા નીસરી, જળની મોજડી રે.

આજ કિલકિલ ટહુકાર કોયલડી રમવા નીસરી,
રમવા નીસરી, મદભર આંખડી રે.

આજ પુનમને આભ, અનહદમાં રમવા નીસરી,
રમવા નીસરી ઉર ચાંદો ધરી રે.

આજ સૂરજને તાપ સળગન્તી રમવા નીસરી,
રમવા નીસરી,ઝગમગ ઓઢણી રે.

આજ કરતી અંઘોળ નદીઓમાં રમવા નીસરી,
રમવા નીસરી, ભીંજવે ચૂંદડી રે.

આજ આવળને ફૂલ, પથ ભૂલી રમવા નીસરી,
રમવા નીસરી, પીળુડી પાંભરી રે.

આજ કાંટાની વાડ્ય વીંધાતી રમવા નીસરી,
રમવા નીસરી, નવલી વેલડી રે.

આજ પંખીને માળ હીંચન્તી, રમવા નીસરી,
રમવા નીસરી, સુણતી બન્સરી રે.

આજ કૂંપણને પાન પગદેતી રમવા નીસરી,
રમવા નીસરી, કુંકુમ પાથરી રે.

આજ મેંદીને છોડ મલકન્તી રમવા નીસરી,
રમવા નીસરી, નખલા રંગતી રે.

આજ સોળે શણગાર શોભન્તી રમવા નીસરી,
રમવા નીસરી સુખભર સુંદરી રે.

આજ વનદેવી નાર, નવ ખંડે રમવા નીસરી,
રમવા નીસરી વિભુની ઈશ્વરી રે.