વસુંધરાનાં વહાલાં દવલાં/૧૭.સેક્રેટરી

વિકિસ્રોતમાંથી
← ૧૬.એ આજ કેવડો હોત! વસુંધરાનાં વહાલાં દવલાં
૧૭.સેક્રેટરી
ઝવેરચંદ મેઘાણી
૧૮.છેલ્લું કરજ ચૂકવવા- →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


17

સેક્રેટરી


લાલકાકા ' બૈરું ' લાવ્યા તે વાતને ત્રંબોડા ગામમાં એક દસકો વીત્યો છે, પણ ગામમાં પ્રવેશ કરતી વેળાની લાલકાકાની મનકામના ફળી નથી. ' જોઈ રાખો દીકરાઓ; તમારા ઘરેઘરને વટલાવી મારું ! ' એ હતી લાલકાકાની વૈર-વાંછના.

આજ દસ વર્ષથી ' ચંપાભાભુ ' અથવા ' ચંપાકાકી 'નું વડીલપદ પામેલી જુવાન તેજુ કોઈ સગાને ઘેર જમવા કે રાંધવા ગઈ નથી. ન્યાતના જમણવારા એણે ત્યજ્યા છે. આવ્યાની પહેલી જ સાંજે એણે સંબંધીઓનું નોતરું એમ કહી પાછું ઠેલ્યું હતું કે ' હું મરજાદી માબાપને ઘેર ઊછરી છું, ને આટલી મરજાદ પાળવા માગું છું કે મારી ખીચડી મારે હાથે જ ચડાવી લઈશ. તમારા કાકાને સુખેથી જમવા લઈ જાવ. '

" રમવા-જમવા જેવડી કોડભરી વહુવારુને વળી આવા મરજાદ શા, ભાભુ ? " ભત્રીજાઓએ અને ભત્રીજા-વહુઓએ આવીને પગે હાથ નાખ્યા.

" ના બેટા, માબાપના ઘરનું નીમ તો નહિ છોડું. સંસાર સ્વામીનો ને ધરમ માવતરનો. "

લાલકાકા તો આભા જ બની ગયા. રાત પડી. એણે તેજુને એકાંતે પૂછ્યું : " આ શું આદર્યું ? ક્યાં માવતરનો કુળધરમ ? "

" બાપે પોતે જ પાળેલો ને પળાવેલો. એણે મને તો નથી કહ્યું, પણ એ તાવમાં લવેલો, કે બાઈ, તારા બાળનું ઓતમ ખોળિયું હું નહિ અભડાવું. કોઈક મરણના શ્વાસ લેતી સ્ત્રીને એણે આ કોલ દઈને મોંએ પાણી આપ્યું હશે એમ મને લાગે છે. વાત તો સાંભરતી નથી, પણ હું મોટી થઈ ત્યારથી એણે મારો ચૂલો અભડાવ્યો નથી. મારા લજ્ઞની વાત નીકળતી કે તુરત એ દંગાઓમાંથી રાત લઈને ભાગતો. એનું શીખવ્યું હું આજ શીખતી નથી, પણ મારા લોહીમાં એ વાત મળી ગઈ છે, કોઈને હું છતી આંખે અભડાવીશ નહિ. તમને રાંધણું કરી દઈશ, શાક-દાળમાં મીઠું તમે તમારે હાથે જ નાખજો. "

" એક જ વાતે તારું વ્રત પાળવા દ‌ઉં. " લાલકાકાએ વધુ જિકર કરાવવાનું વ્યર્થ સમજીને એ ' નીમ 'ને સત્કાર્યું.

" કહ્જો. "

" કે મારી થાળી તો તારે જ કરવાની છે. મીઠું નાખતાં મને આવડતું હોત તો જિંદગી જ કેમ મીઠા વગરની રહી જાત ? ને હું વટલાયે હવે કોને નાહવા-નિચોવવાનું છે ? મારી પાછળ કોણ રહેવાનો છે ? "

તેજુ આ છેલ્લા વાક્યમાં રહેલી ઊંડી મનોવેદના માપી શકી. લાલકાકાની એકની રસોઈનું મીઠું એને જ હાથ રહ્યું.

ને પછી મોડી રાતે તેજુને ઓરડો ભળાવી પોતે સૂસવતી ટાઢમાં પણ પાછલા વાડામાં પથારી કરી. રોજેરોજ કરતાં એ વાતને એ વ્રતોને આજે દસ વરસ વહી ગયાં છે, ને ગામમાં એનો કુળધર્મ દાખલારૂપે દેવાય છે : ' દ્વારકાધીશની પડોધમાં એના માવતરનું ગામ છે. ને બાઈ, આપણે ગુજરાતમાં એકાદ તીરથ, ત્યારે કાઠિયાવાડ્યને આંગણે તો હરિનાં ધામ પારંપાર. કુળધરમ તો કાઠિયાવાડનો જ, હોં બા ! "

ત્રંબોડા ગામ નહોતું ગામડું તેમ નહોતું શહેર. ગામડાનો ગુણ નહોતો રહ્યો, ને શહેરના તમામ અવગુણો રગરગમાં પ્રવેશી ગયા હતા. દૂધના હાંડા ભરી ભરીને ગામડિયાં આવતાં ને હૉટેલોના તાવડામાં ને ડેરીનાં પીપોમાં ઠાલવી પાછા વળતાં. તેજુ બારીએથી જોયા કરતી ને પાણીનો લોટો પીવા આંગણે અવતી મહિયારીઓને વાતો પૂછતી.

' અમારાં છોકરાંને માટે છાશ જેટલુંય ન રાખીએ, બા ! દૂધ-છાશનો કજિયો કરે તો ચોખાનો લોટ ડોઈને ચપટી મીઠું કાં ખાંડ ભેળવી ભોળવી લઈએ.'

મહિયારીઓ વહી જતી ને તેજુના અંતરમાં એક જ વ્યથા મૂકી જતી, કે સગા પેટનાંનેય છાશ ન પાનારાં લોક મારો છોકરો આ ઉનાળાની બળબળતી લૂનો માર્યો છાશ છાશ કરતો હશે તેને તો ક્યાંથી આપતાં હશે ? એને મોંએ છાશ કેવી રીતે પહોંચાડું ?

તેજુની વિદ્યા ખોટી હશે કે સાચી ? પણ એ વિદ્યા આ હતી : ગામપરગામનાં તરસ્યાંઓને હું જ છાશ પાઉં, એ વાટે મારાને મોંએ પરભુ પહોંચાડશે, ને નહિ પહોંચાડે તોપણ મારું શું જવાનું છે ? જનારું તો ગયું જ છે ના ! દૂઝણાની પળોજણમાં દા'ડો તો નીકળશે.

" એક ભેંસ બાંધશો આંગણે ? " એણે લાલકાકાની પાસે વાત મૂકી.

" રૂપિયા ક્યાંથી લાવું ? એકાદ દાગીનોય જો રહ્યો હોત તો વટાવી કાઢત. ધંધામાં તો કસ નથી. "

તેજુએ પોતાની વિદ્યા યાદ કરી જોઈ. ન્યાતની નાનકડી છોકરીઓ તો આવી આવીને માથું ખાઈ જતી કે, ભાભુમા, તમારી છાતીએ છે એવાં છૂંદણાં ક્યાં છૂંદાવીએ ? પણ એ કસબ ઉપર તો પાણી મૂકેલ છે. વાણિયાની કુળવધૂ એ કસબ કરે તો ક્યાંક ઉઘાડી પડી જાય.

બીજો કસબ એને યાદ આવ્યો. એ પણ સોયનો જ કસબ હતો. જે સોય જીવતાં માનસોના દેહ ઉપર ફૂલ-વેલ્યો ને મોરલા-પોપટ ચડાવી શકતી તે સોય કાપડનાં નિર્જીવ કટકા માથે પણ જીવતું જગત હીરને દોરે સરજાવી શકતી. હીર ન હોય તો ઊતરેલાં લૂગડાંની કટકીઓ પણ કામ આપી શકે. બ્રહ્મા જેવો દેવ માટીના લોચામાંથી રૂડાં હાલતાં-બોલતાં માનવી નિપજાવવા બેઠો છે, એને કાંઈ ઓછી વપત પડતી હશે ? નાક, કાન ને હોઠના કટકા માપીને માપીને કેવાં ચોંટાડે છે બેઠો ! રૂપરૂપની પૂતળીઓ મેલે છે માતાઓના ઉદરમાં. લાંબા દા'ડા અમસ્થા ખેંચતો હશે બાપડો એ સદાકાળનો રાંડેલો !

ઘરમાં તપાસ્યું. ત્રીસ-ચાળીસ વર્ષથી જે ઘરમાં સ્ત્રી જેવું કોઈકુટુંબીજન નહોતું તે ઘરમાં રંગીન કપડાંના લીરા પણ ક્યાંથી હોય ? તેજુએ દૂધ વેચવા આવનારી મહિયારીઓ પાસેથી બે-પાંચ ગાભા મગાવી લીધા.

ચાર દિવસ પછી એણે લાલકાકાની સામે એક ચંદરવો ગાદલાં પર ઢાંકેલો ધ્રી દીધો.

" અરે ! " લાલકાકાએ યાદ કર્યું : આવા પુરાતન કસબ પર તો આંહીં શે'રનાં સરૈયા અવાયા પડે છે. "

" તો હીરનાં આંટલાં અને રાતાં આસમાની ચોળિયાંના કટકા લાવી આપશો ? "

એ સોય, એ હીરદોરા, ને ચોળિયાંના ટુકડાએ એક દસકાના સમયપટ પર ગુજરાતણોએ કદી ન જોયેલી ને ન જાણેલી ફૂલ-સૃષ્ટિ ઉતારી છે, ને તેમાંથી એક ભેંસનો ખીલો બંધાયો છે. મહીં વલોવીને પરાયાં બાળકોને કંઠે તેજુ છાશ રેડે છે. પારકા કંઠનો એ ધોરિયો પોતાના બાલકને મોંએ પહોંચશે એવી આસ્થા ભલે મૂરખાઈભરી હો, પણ હસવા યોગ્ય ન હજો, કેમ કે આ આસ્થાની સરવાણી એક માના હૈયામાંથી ફૂટેલી હતી.

સાઠ વર્ષના લાલકાકાની દુકાને તેજુની કારીગરીની થપ્પીઓ પડી છે. એમાંથી અક્કેક અક્કેક કરીને નંગ લાલકાકા ઠેકાણે પાડે છે. ખરીદી જનારાઓ આવા જરીપુરાણા ભરતકામનાં મોં-માગ્યાં દામ કેમ આપી જાય છે એની લાલકાકાને ગમ નથી. એ નમૂના રૂપનગરની મહેલાતોમાં શોભા-સણગારો બનવા જાય છે. જિલ્લાની રાજધાની રૂપનગરની કલામુગ્ધ અથવા કલાદંભી લક્ષ્મીનંદિનીઓ તેજુની સોયમાંથી ટપકતાં આ ભરત બતાવી પરદેશી પરોણાઓના અહોભાવ મેળવતી હતી. મુંબઈ-અમદાવાદના કલા-શિક્ષકો તેજુની કારીગરીમાંથી અજંતા-યુગની કે જિપ્સી જીવનની રંગરેખાઓ પકડવા મથતા હતા. તે વાત જો કોઈએ તેજુને કે લાલકાકાને કહી હોત તો તેઓ પોતાની મશ્કરી માનત. ખરીદી કરી જનારા કોઈએ લાલકાકાને આ કીમિયો બતાવ્યો નહિ. દલાલી એ એકમાત્ર જે દેશનો ધંધો બનેલ છે તે દેશના મૂઠીભર મૂળ સર્જકોને-શોધકોને સીધાં બજારો સાથે સંબંધ ન બાંધવા દેવાં એ જ પેટગુજારાનો કરુણ કીમિયો બન્યો હતો.

" કેમ, લાલકાકા ! " કહેતાં એક જુવાને આવીને એક દિવસ ટેકણ માંડ્યું.

" ઓળખો છો કે ? " મોં વકાસી રહેલા લાલકાકાની સામે એની આંખો નાચી રહી.

એની સિગારેટના ધુમાડાએ એની ને લાલકાકાની વચ્ચે એક પડદો કરી નાખ્યો હતો. એ ધુમાડાના પડદાને પોતાના હાથ વતી બાજુએ કરી નાખવા મથતાં મથતાં લાલકાકાએ નિહાળી જોયું.

" ક્યાંઈક દીઠો તો જણાય છે. આપ...મામલતદાર સાહેબ..."

છટાદાર અને ચમકદાર પ્રત્યેક પુરુષ અમલદાર જ હોઈ શકે એવી મૂંઝાયેલી મતિવાળા લાલકાકાને જુવાને પોતાની ઓળખ આપી.

" હું રસિકચંદ્ર, તમે મને ભૂલી ગયા છો-ભૂલી જ જાઓ ને ! "

" ક્યાં હતા, ભાઈ ? "

" હું પાંચ વર્ષથી પરદેશ હતો. "

" શા કામ માથે ? "

" હું સેક્રેટરીનું જ કામ કરું છું. એ મારી સ્પેશ્યાલિટી- એટલે કે મારી ખાસ તાલીમ છે. "

" સારું ભાઈ, હું રાજી થાઉં છું, બેસો ને ! "

" અમારું કામ, કાકા, પૂજારીનું છે. તમારાં દેવસ્થાનોમાં દેવ હોય, હજાર વર્ષ સુધી પથ્થરરૂપે પડી રહેવાના. પણ પૂજારી જડે તો ? તો ત્યાં તીર્થસ્થાન ખડું કરી આપે કે નહિ ? "

' તીર્થસ્થાન ' શબ્દ લાલકાકાને હવે બહુ પ્રિય નહોતો રહ્યો.

" આ નમૂનો તમારી દુકાનનો ? " કહેતાં એણે લાલકાકાની સામે એક કાગળ પરનું ચિત્ર ધર્યું, એ કાગળમાં એક ભરતકામની આકૃતિ હતી.

" હા, લાગે છે તો અમારો જ. "

" હો ! હો. " જુવાને નિઃશ્વાસ નાખ્યો : " શી વાત કરવી દેશના હુન્નર-ઉદ્યોગની ! દેવસ્થાનો છે, પણ પૂજારીઓ ક્યાં છે ? "

" પૂજારીની શી વાત કરો છો, ભાઈ ? "

" તમે જાણો છો, આ નમૂનો મને ક્યાંથી મળ્યો છે ? "

" હું શી રીતે જાણું ? "

" આ નમૂનાના ભરતકામની આજ કેટલી જરૂર પડી છે તે તમે શું જાણો ? શા માટે પાણીને મૂલે કાઢી નાખો છો ? કારણ કે તમારી પાસે કોઈ સેક્રેટરી નથી. આ જુઓ પેલો જોગી પાંચ પગાળી દેવ-ગાયને લઈ હાટડે હાટડેથી આ પૂજાના પૈસા ઉઘરાવે છે. એનું નામ સેક્રેટરી. પાંચ પગ એ તો ગાયનું કુલક્ષણ ગણાય, પણ સેક્રેટરીએ એ અપલક્ષણને ઈશ્વરનો ખાસ ચમત્કાર મનાવ્યો છે. "

લાલકાઅ તો આ વાક્‌છટાથી ચકિત બની રહ્યા.

" આ દુકાનનો ફોટો પાડી લ‌ઉં તો તમને વાંધો નથી ને ? મારે તમને સુપ્રસિદ્ધ કરવા છે. "

" રે'જો, હું લગાર કપડાં પહેરી લ‌ઉં. "

" નહિ નહિ, જેવા બેઠા છો તેવા જ બેસી રહો. "

ને રસિકચંદ્રે ક્યારે કેમેરો કાઢ્યો, ક્યારે ચાંપ દબાવી તે સમજ્યા વિના લાલકાએ ફક્ત રસિકચંદ્રનું ' થેંક્યુ ' અને રસિકચંદ્રનુંબંકી મરોડવાળું ઝૂકવું જ જોયું. રસિકચંદ્રે વાગ્ધારા ચલાવી : " આપણા લોકોને ધંધો કરતાં આવડતો નથી. બહુ બહુ તો તે છાપામાં જાહેરાતો છપાવે છે. આપણને આપણી જ કિંમત કરાવતાં આવડતી નથી. આપણી સ્ત્રીઓ ધૂળમાંથી ધાન કરીને બતાવતી તે આપણે ભૂલી ગયા માટે જ આ કંગાલિયત ફાટી નીકળી છે. અમેરિકાના જગત-પ્રદર્શનમાં હું આપણા ચિત્રોડા ગામના ભરવાડને તેડી જઈ એની બાર બાર ફીટ લાંબી મૂછો બતાવી આવ્યો. એમાં મેં એને ન્યાલ કરી નાખ્યો. એ બેઠો ચિત્રોડામાં. જોઈ આવો, ગાયો, ભેંસો ને ઘેટાંની લપ જ જતી રહી એની જિંદગીમાંથી ! "

લાલકાકાએ એક સમૃદ્ધ વૃદ્ધાવસ્દ્થાની હરિયાળિ કલ્પના કરી. આ જુવાન પર એનું દિલ ઝૂક્યું.

" તમારા કસબનું આજે ' પ્રોપર પ્રિઝેન્ટેશન ' નથી, એટલે કે એને કોઈ સફાઈથી રજુ કરનાર સેક્રેટરી નથી. તમારા એક બે નમૂના મારા હાથમાં આવ્યા ત્યારથી હું એ જ ચિંતા કરું છું. "

" કેમ કરીએ તો સારું થાય, હેં ભાઈ ? " લાલકાકાએ વધુ જીવ પરોવ્યો.

" નો હમ્‌બગિંગ ! મારે કાંઈ લોકોને આ પરભુની ગાયવાળા બાવાની પેઠે ઇંદ્રજાળમાં નથી ઉતારવા. દેશની સમૃદ્ધિ ને સંસ્કારમયતા જ હું અજવાળે આણવા માગું છું. મને તમે જો આટલી મંજૂરી આપો, મારાં કાકીની તેમ જ એ જે સોયદોરાથી કામ કરે છે એની પણ એક છબી પાડવાની, તો હું તમારું કામ હાથ ધરું. "

" પણ એ માનશે નહિ. " લાલકાકાએ મુશ્કેલી ધરી.

" તમારે એને કશું જ કહેવાનું નહિ. હું એને સમજાવી લઈશ. "

પહેલાં તો લાલકાકાના હૃદયે આંચકો ખાધો. પણ લાલચ જબરી હતી. વળી આજ સુધી અંધકારમાં જ પડી રહેલ તેજુને મુલક-મશહૂર બનાવવાનો આ સુયોગ હતો. લાલકાકા રસિકચંદ્રને પોતાના ઘરે લઈ ગયા.

" જુઓ, બહેન ! " રસિકચંદ્રે કેમેરો કાઢતાં કહ્યું : " તમે ગભરાશો નહિ. હું તમારી કરીગરીને યોગ્ય ન્યાય અપાવવા માગું છું. અમે તામારી છબી પાડવા આપશો ? ને તમે આ કસબ કયા પ્રદેશમાંથી, કોની પાસેથી, કેવી રીતે હાથમાં કર્યો તેની મને એક ટૂંકી જ હકીકત લખાવશો ? "

તેજુને ગભરાટ છૂટ્યો. આ કોઈ નવું તર્કટ રચાતું લાગે છે. મારો પત્તો મેળવવાની કોઈ પેરવી ચાલી રહી છે કે શું ?

" ભાઈ, મારી પાસે કાંઈ કહેવા જેવું નથી, ને મારા મોંમાં શું બળ્યું છે ? "

" તમે ભૂલો છો, બહેન ! " સેક્રેટરી રસિકચંદ્રે સમજ પાડી : " પાંચ જ મહિના થયા, બહેન પાંચ જ મહિના. જંગલમાં હેરાન હેરાન ફરતાં'તાં, ને રોટલાના ટુકડા વાસ્તે ગજબ જાનજોખમી રમઓ કરતાં'તાં એ બે છોકરાં : આપણી જ ગામ-ભાગોળે એ ડોસો ઘેલાં કાઢતો કાઢતો પોતાનાં બે છોકરાંને ઊંચા દોરડા પર નાચ નચાવતો હતો. પંદર વરસનો છોકરો ને દસ વરસની છોકરી દોર ઉપર શી કમાલ કરતાં'તાં ! છોકરી બેઉ આંખે આંધળી ગાતી ગાતી હાથમાં લાંબો વાંસ અધ્ધર રાખીને દોર પર નાચે, છોકરો સામી બાજુએ ઊભો ઊભો દોરને ભયાનક જોરથી ધુણાવે, અને એંસી વર્ષનો મદારી મોટી રીંછણ સાથે લોહીલુહાણ બાથંબાથી કરે, અરે, છોકરાનાં નોઢા માથે અખૂટ હાસ્યનો ઝરો ચાલ્યો જાય, એ એક હસવાની સિદ્ધિએ જ રૂપનગરનાં કલાપ્રેમીઓને ગાંડાતૂર કરી મૂક્યાં છે. આંહીં એ છોકરાને બેફાટ હસતો દેખીને લોક દાંતિયાં કરતાં હતાં. એનું સાચું મૂલ અમે રૂપનગરમાં કરાવ્યું છે. હજુ પાંચ જ મહિના પહેલાંની વાત છે."

તેજુ એકાગ્ર બનીને સાંભળી રહી.

" એ છોકએરા-છોકરીના પોશાક પર રૂપનગર ઓછું ઓછું થઈ ગયું છે. એનાં વસ્ત્રોની ભાત ત્યાં જડતી નથી. એનાં એ વસ્ત્રો અમે જેની પાસેથી લીધાં તેને ગોત્યો. તેણે બીજાને ગોત્યો. એમ ગોતતાં ગોતતાં મેં તમારો પત્તો મેળવ્યો છે. એ તમારી કારીગરીને શોધતો શોધતો આંહીં પહોંચ્યો છું. રૂપનગરનાં થિયેટરમાં મારે તો જાહેરાત કરવી છે કે ' હસતા કુમાર અને અંધ કુમારી'ના પોશાક મેં ક્યાંથી મેળવ્યા છે. "

" છોકરો હસતો'તો, હેં ભાઈ ? " તેજુએ ગળતે મોંએ આ પ્રશ્ન પૂછ્યો.

" અહોરાત એ તો હસ્યા જ કરે છે. એક વાર દોર તૂટ્યો ને પોતે પડ્યો તોપણ મોં પર તો મલકાટનો મલકાટ. ઈશ્વરી જ બક્ષિસ. રૂપનગર ગાંડું તૂર : ચિત્રકારો એના સ્કેચ દોરે, જુવાન છોકરા-છોકરીઓ પોતાની સોનેરી ચોપડીઓમાં એના અક્ષરો લખાવવા આવે. બાપડો નિરક્ષર, લખે તે શું ? પોતાના હોઠ ચાંપીને છાપ પાડી આપે, ને અંધી છોકરી પોતાની આંસુભરી આંખો કાગળ પર ચાંપી આપે. રૂપનગરને ઘેલું બનાવ્યું છે. પણ મારે તો હજુ રાજ-રજવાડામાં એને લઈ જવાં છે. મોટામાં મોટી એક નાઈટ પંદર દિવસ પછી રૂપનગરને આપવાની છે. આંધળાં છોકરાંના વિદ્યાલયના લાભાર્થે એ બેનિફિટ નાઈટ થવાની છે. કદાચ કલેક્ટર સાહેબ પણ પધારશે. માટે તમારી પાસેથી આ ભરત ખરીદવા આવ્યો છું, ને સાથોસાથ તમને પણ સુપ્રસિદ્ધ કરવાં છે, બહેન ! તમારી ચીજોની માંગના ઢગલા થશે. "

" એ હસ્યા જ કરતો'તો ? કેટલાં વરસનો લાગ્યો, ભાઈ ? "

" પંદર જેટલાં. "

અજાણ્યા રસિકચંદ્રને આવા પ્રશ્નો પૂછતી બાઈ વિચિત્ર લાગતી.

" ને છોકરી કેમ રોતી'તી ? "

" રોવાના જ પૈસા મળે છે ને ! પેલાના ન બિડાતા હોઠ પર હાથ ફેરવતી છોકરી ઊંચા દોર પર નાચે, ગાય ને રડે, ત્યારે તો મેદની આખી રડવા લાગે છે, બહેન ! તમને જોવાનું દિલ હોય તો હું લઈ જવા તૈયાર છું. ત્યાં કલેક્ટર સાહેબની પાસે હું તમને રજૂ કરવા પણ શક્તિમાન છું, કેમ કે તમે ત્મારા ભરતકામમાં જે પશુપક્ષીઓ ને માણસોની આકૃતિઓ ઉતારો છો તે બધાંની જાત જ જુદી છે. એ તો ' જિપ્સી 'ઓનું જ જગત. એ ઓલાદ જ આપણા દેશમાં જડતી નથી. જેની ઓલાદ જડે નહિ તેની જ આકૃતિનાં મૂલ મોઘાં છે.

તેજુનું મોં વિચારના અકલિત અંધકારમાં કશુંક શોધતું હતું. રસિકચંદ્રે એ મોંને કેમેરામાં ઉતાર્યું. પછી એણે વિદાય લીધી.લાલકાકા ને તેજુ એકલાં પડ્યાં.