વા'લાજીનું વદન નિહારું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વા'લાજીનું વદન નિહારું
પ્રેમાનંદ સ્વામી


   વે'લેરી ઊઠીને વા'લાજીનું વદન નિહારું,
         જોઈને કમળમુખ દુઃખ દૂર વિસારું રે ટેક

   વદન વા'લાજીનું અતિ સુખકારી,
         નીરખી નીરખી જાઉં હું તો સરવસ્વ વારી રે... ૧

   મુખડું જોયા વિના પાણીયે ન પીવું,
         પ્રાણજીવનને હું તો જોઈ જોઈ જીવું રે... ૨

   પ્રાણજીવન જોવા મેં તો જનમ ધર્યો છે,
         જૂઠો રે સંસારિયો સર્વે ત્યાગ કર્યો છે રે... ૩

   પ્રેમાનંદના સ્વામીને કાજે મેલ્યાં છે,
         સંસારિયાં સઉ બળતામેં દાઝે રે... ૪