વાટ જુએ છે મીરાં રાંકડી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.

મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે,
સેવા કરીશ દિન-રાતડી રે...ઊભી.

ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે...ઊભી.

પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે,
ઘેબર જલેબી તલ-સાંકળી રે..ઊભી.

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
એલચી દોડા ને તજ પાંખડી રે..ઊભી

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે,
રમવા આવો તો જાય રાતડી રે...ઊભી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
જોતાં ઠરે છે મારી આંખડી રે..ઊભી.