વિનાશકાળે વિપરીત બુદ્ધિ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સીતા સમાણી સતી કોણ શાણી
પતિ-પ્રતિજ્ઞાય સદા પ્રમાણી
કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી
વિનાશકાળે વિપરીત બુદ્ધિ

કેવા હતા કૌરવ કાળજ્ઞાની
કુસંપમાં પાછી કરી ન પાની
કપાઈ મૂઆ દ્વેષ સહિત ક્રોધી
વિનાશકાળે વિપરીત બુદ્ધિ

નિપુણતા ન્યાય વિષે ધરાવી
નળે સુકીર્તિ જગતમાં જમાવી
ગુમાવી ગાદી દ્યૂતને વળુંધી
વિનાશકાળે વિપરીત બુદ્ધિ

યદુપુરી યાદવ યાદ આણો
સુરા વિષે જીવ ભલો ભરાણો
મૂઆ મૂકી સર્વ શરીર શુદ્ધિ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ

રૂડો હતો રાવણ શાસ્ત્રવેત્તા
નવે ગ્રહો નિકટમાં રહેતા
હરી સીતા કષ્ટ લહ્યું કુબુદ્ધિ
વિનાશકાળે વિપરીત બુદ્ધિ