વિવેક રાખો તમે સમજી ચાલો

વિકિસ્રોતમાંથી
ગંગાસતીના ભજનો
ઝીલવો જ હોય તો રસ
ગંગાસતી



વિવેક રાખો તમે સમજી ચાલો


વિવેક રાખો તમે સમજી ચાલો,
ને વસ્તુ રાખો ગુપત રે
મુખના મીઠા ને અંતરના ખોટા,
ને એવાની સાથે ન થાજો લુબ્ધ રે ... વિવેક.

અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું,
જેને રે'ણી નહીં લગાર રે,
વચન લંપટ ને વિષય ભરેલા
ને એવાની સાથે મેળવવો નહિ તાર રે ... વિવેક.

અહંતા મમતા આશા ને અન્યાય
ને ઈર્ષા ઘણી ઉરમાંય રે,
એવા માણસને અજ્ઞાની ગણ્યા,
ને પોતાની ફજેતી થાય રે .... વિવેક.

દાઝના ભરેલા ન દુબજામાં પુરા,
ને નહિ વચનમાં વિશ્વાસ રે
ગંગા રે સતી એમ બોલ્યાં
ને તમે એવાથી પામજો ત્રાસ રે ... વિવેક.