વિશ્વદેવીનું ગાન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
વિશ્વદેવીનું ગાન
અરદેશર ખબરદાર
(ઢાળ : ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મ્હારી ચુંદલડી!)


<poem> કોટિ-કોટિ મ્હારા જ્યોતિઝબકાર, હો ! ભીંજે મ્હારી આંખલડી ! તો ય હૈયે મ્હારે ઉંડેરા અંધાર હો ! ભીંજે મ્હારી આંખલડી !

જોગી છૂપાયો મ્હારો જોગગુફામાં, વાટ હું જુગજુગ જોતી રે ! ઝીણા ઝીણા કો એના આવે ઝબૂકલા, જોતી જોતી ને રહું રોતી : હો ! ભીંજે૦

એક ઉઘાડું મ્હારી આંખ તપેલી, બીજી ઉઘાડું અમી ઝરતી રે; ઉઘાડું-ઢાંકુ એવી અંતરની દેવડી નેવે નેવે એ રહે નીતરતી : હો ! ભીંજે૦

આવે આવે ને શમે જુગજુગનાં સોણલાં, પલકે દીઠાં-અણદીઠાં રે; જોગી છૂપાયો મ્હારી પાંપણની ધારમાં સરતાં આંસુ ત્યાં મ્હારાં મીઠાં : હો ! ભીંજે૦

હીરાગૂંથી છે મ્હારી ઘેરી રસ ચૂંદડી, ધનગૂંથી છે મ્હારી માળા રે: ખૂંચે શણગાર જેને હૈયે સૂનકાર હો: રહેતા શે જોગી એ નિરાળા ? હો ! ભીંજે૦

આઘા આઘા છે તો ય પંથ છે પાસે, અદીઠ તો ય વાયુ જેવા રે; અળગી રાખીને સદા અળગા રહે હસતા: એ રે જોગી શે મ્હારા એવા ? હો ! ભીંજે૦

આવો, આવો રે, જોગી ! હૈયા કોલાવો ! તપી તપીને નેણાં તૂટ્યાં રે; સંધ્યાના જેવાં સૌમ્ય તેજે રેલાવો ! રહીએ અખંડ અણછૂટ્યાં ! હો ! ભીંજે૦