વીજળી
વીજળી અરદેશર ખબરદાર |
<poem>
આભની લાડલી કન્યકા રે !
આવડા શા રૂપ ઝબકાર રે ? વીજલડી !
કોનાં તે કાળજાં કાપશે રે?
ઉભી અમરની અટારિયે રે, દે છે ઝૂકાવી જગપાર રે, વીજલડી ! કોનાં૦
વનની ઘટાં શાં વાદળે રે, હીંચે આ ત્હારાં હિંડોળ રે, વીજલડી ! કોનાં૦
આંજે જગતની આંખડી રે, ઉંચા ત્હારા રંગમ્હેલ રે, વીજલડી ! કોનાં૦
ઉઘડે અજબ અંગવેલડી રે, ઉઘડે અજબ તુજ રૂપ રે, વીજલડી ! કોનાં૦
ઉભર્યા શા આભને અંતરે રે, જાણે કો' જ્યોતિના કૂપ રે, વીજલડી ! કોનાં૦
આભલે આભલે ઉડતી રે, વીંધે ત્હારી તું રસવાટે રે, વીજલડી ! કોનાં૦
ફેંકે શાં બાણ તુજ મોહનાં રે, ઉતરે ન કો ઉરઘાટા રે! વીજલડી ! કોનાં૦
એકાકી આભને ગોખલે રે ત્હારા શા વહ્નિના વિલાસ રે ! વીજલડી ! કોનાં૦
ભયથી જગત ભડકાવતું રે, ઉતરે ત્હારૂં અટ્ટહાસ્ય રે,વીજલડી ! કોનાં૦
મેહુલિયો મામ્ડે મોરચા રે, વીંધી કૂદે તું ત્હેને શિર રે, વીજલડી ! કોનાં૦
પલકી પતંગિયું પળે પળે રે, એવી ઉડાડે તું અધીર રે, વીજલડી ! કોનાં૦
મસ્તીલી વ્યોમની પંખિણી રે, અંખડિયે ભરી કશી જ્વાળ રે ! વીજલડી ! કોનાં૦
દિલને દઝાડી હાસવું રે, એવા શા આગના ઉછાલ રે ? વીજલડી ! કોનાં૦
કેવડિયા જેવી ધારીલી રે. ઝાલશે કોણ ત્હારી પાંખ રે ? વીજલડી ! કોનાં૦
તેજીલો કંથ કોણ આવશે રે ? લાજે લપાશે કેવી આંખ રે ? વીજલડી ! કોનાં૦