વીણવો હોય તો રસ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત;
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ ... વીણવો.

આ રસ-પાત્ર અગમ અપાર છે પાનબાઈ,
કોઈને કહ્યો નવ જાય;
એ રસ હું તમને બતાવું પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય .... વીણવો.

આ અજર રસ કોઈથી જરે નહિ પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી પાનબાઈ!
ત્યારે લેર સમાય ... વીણવો.

આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે, ત્યાં તો
નિરખ્યા ત્રિભુવનનાથ ... વીણવો.