વીરક્ષેત્રની સુંદરી/કામવિકારનાં પ્રાબલ્યના પુરાણપ્રસિદ્ધ દૃષ્ટાંતો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રાજાનો વિશ્વાસ કરવો નહિ વીરક્ષેત્રની સુંદરી
કામવિકારનાં પ્રાબલ્યના પુરાણપ્રસિદ્ધ દૃષ્ટાંતો
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
સૂર્યજિત ભારતી તપસ્વી  →


કામવિકારના પ્રાબલ્યનાં પુરાણપ્રસિદ્ધ દૃષ્ટાંતો

(૧) સર્વ દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ મનાય છે. એ મહાદેવ એકવાર તપશ્ચર્યા કરતા હતા ત્યાં સર્વ દેવોએ મળીને કામદેવને મોકલી આપ્યો. કામદેવ ત્યાં જઈને તેમની તપશ્ચર્યામાં વિક્ષેપ કરવા લાગ્યો એથી કોપાયમાન થઈને મહાદેવે કામને બાળીને દગ્ધ કરી નાખ્યો.

(૨) તે જ પ્રમાણે સુરપતિ ઇન્દ્ર કામવિકારને આધીન થઈને કપટથી અહલ્યા સાથે વ્યભિચાર કરવાથી ગૌતમના શાપથી તેના શરીરમાં સહસ્ત્ર ભાગો થઈ ગયા અને સ્વર્ગલોકના રાજ્યથી તે ભ્રષ્ટ થયો એટલુંજ નહિ, પણ નિર્દોષ અહલ્યાને પણ સાઠ હજાર વર્ષો પર્યન્ત શિલાના અવતારમાં રહેવું પડ્યું.

(૩) બ્રહ્મદેવ પૂર્વે પંચમુખી હતા, પરંતુ તેમનું અંત:કરણ પોતાની કન્યા વિશે જ સકામ થવાથી તેના એક શિરનો પાત થયો.

(૪) બ્રહ્મદેવનો પુત્ર નારદ બ્રહ્મચારી હોવા છતાં એકવાર કામવશ થયો અને દ્વારિકામાં શ્રીકૃષ્ણ પાસે જઈને કહેવા લાગ્યો કે:- “હુ કામપીડિત થયો છું, તો આપની પાસે સોળ હજાર સ્ત્રીઓ છે, તેમાંથી એક સ્ત્રી મને આપો !” એના ઉત્તરમાં શ્રીકૃષ્ણે કહ્યું કે;-“જે સ્ત્રી પાસે હું ન હોઉં, તે સ્ત્રી તારે લઈ જવી.” નારદ સર્વ સ્ત્રીઓનાં મંદિરોમાં ભટકયો, પણ કૃષ્ણ વિનાનું એક પણ મંદિર તેના જોવામાં ન આવ્યું અર્થાત્ પરમેશ્વરની વ્યાપકતાનો તેને સાક્ષાત્કાર થયો. ત્યાર પછી શ્રીહરિની અગમ્ય માયાથી સ્નાનકાળમાં તે નારદની નારદી થઈને તેણે સાઠ હજાર વાલખિલ્યપુત્રોને જન્મ આપ્યો.

(૫) વિશ્વામિત્રે લોહપિષ્ટ ભક્ષીને સાઠ હજાર વર્ષોપર્યન્ત ઘોર તપશ્રર્યા કરીને બ્રહ્માંડને ડોલાવવા માંડ્યું એથી કદાચિત એ મારા ઇન્દ્રપદને લઈ લેશે એવા ભયથી સુરપતિ ઈન્દ્રે તેની તપશ્ચર્યાના પુણ્યનો ક્ષય કરવા માટે મેનકા નામક અપ્સરાને મોકલી, તેના મોહમાં લપટાઈ ઋષિ વિશ્વામિત્ર શ્વાનના રૂપે ઇન્દ્રની સભામાં ગયો અને પોતાની પરમ દુ:સાધ્ય ત૫શ્ચર્યાનો કામવિકારમાં પડી નાશ કરી નાખ્યો.

(૬) ચંદ્રે ગુરુગૃહમાં વિદ્યાભ્યાસ કરતી વેળાએ કામાસક્ત થઈને ગુરુપત્ની સાથે વ્યભિચાર કર્યો અને તેથી તેને શાશ્વત કલંક લાગી ગયું જે અદ્યાપિ સર્વના જોવામાં આવ્યા કરે છે.

(૭) રાવણે મદનેાન્મત્ત થઈને સીતાનું હરણ કર્યું તેથી લંકા ભસ્મીભૂત થઈ અને શ્રી રામચંદ્રના હસ્તે પુત્રપરિવારસહિત પોતે પણ નષ્ટ થઈ ગયો.

(૮) વાલીએ પોતાના બંધુની તારા નામક સ્ત્રીનું હરણ કરવાથી તે રામચંદ્રજીના હાથે મરાયો અને કિષ્કિંધાનું રાજ્ય, તારા જેવી સુંદર પત્ની અને અંગદ જેવા ચતુર પુત્ર, એ સર્વથી તે વંચિત થયો.

(૯) ભસ્માસુરને શિવ પાસેથી એવો વર મળ્યો હતો કે, તે જેના મસ્તક પર હાથ મૂકે કે તે ત્યાં જ બળીને ભસ્મ થઈ જાય. એથી તે એટલો બધો ફાટી ગયો કે, સર્વથી અજેય થઈ ગયો. ત્યાર પછી મોહિનીના સૌન્દર્યને જોઈ કામાસક્ત થઈને જેવી રીતે મેાહની નાચી તેવી રીતે પોતે પણ નાચવા લાગ્યો અને કામભ્રાંતિથી ભાન ભૂલી પોતાનો હાથ પોતાના મસ્તક પર મૂકીને ભસ્મીભૂત થઈ ગયો.

(૧૦) દુર્યોધને પાંડવોની મહાપતિવ્રતા પત્ની દ્રોપદીમાં કામવાસના રાખી કપટદ્યુતના યોગે તેને પાંડવો પાસેથી જીતી લીધી અને તેને સભામાં લાવી પોતાની સ્ત્રી થવાનું કહ્યું, પણ તેણે તે વાર્તા અમાન્ય કરવાથી દુઃશાસન દ્વારા તેનાં વસ્ત્રો ખેંચાવી તેની વિડંબનાનો ઉદ્યોગ આદર્યો. પરંતુ ઇશ્વરકૃપાથી તેના તે સર્વ ઉદ્યોગો - પ્રયત્નો વ્યર્થ થયા અને કુરુક્ષેત્રમાં પોતાના બંધુ, અાપ્ત, સુહૃદ્ અને મિત્રોસહિત યુદ્ધ કરીને અંતે હસ્તિનાપુર જેવા રાજ્યથી અને પોતાના પ્રાણથી પણ તે વંચિત થઈ ગયો.

(૧૧) તેજ પ્રમાણે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા તે વેળાએ વિરાટ રાજાનો શ્યાલક કીચક દ્રોપદીમાં કામાસક્ત થવાથી નૃત્યશાળામાં ભીમની ગદાથી નરકમાં વિદાય થઈ ગયો.

(૧૨) દ્રોપદીના મનમાં કર્ણ વિશે જરાક દુર્ભાવના આવતાં તેના અલૌકિક પાતિવ્રત્યને સદાને માટે દૂષણ લાગી ગયું.

(૧૩) શૃંગીઋષિએ જન્મથી કદાપિ સ્ત્રીને જોઈ જ નહોતી તથાપિ તેને પણ રંભા આદિ અપ્સરાઓ ભ્રમાવીને પુત્રકામેષ્ટિ યજ્ઞ માટે દશરથ રાજાને ત્યાં લઈ આવી હતી.

(૧૪) પલાશ નામક ઋષિ કામાતુર થવાથી અરવલીના હસ્તે માર્યો ગયો હતો. મહિરાવણની સ્ત્રી ચંદ્રપ્રભા રામચંદ્રમાં વિષયાસક્ત થઈ અને તેથી તેણે પોતાના પતિના મરણનો ભેદ તેને જણાવી તેના હાથે પતિનો ઘાત કરાવી પોતાના હાથે જ પોતાને વૈધવ્ય દશામાં લાવી મૂકી.

(૧૫) ભૃગુઋષિની કન્યા દેવયાની વિષયાંધ થવાથી પોતે વિપ્રદુહિતા હોવા છતાં ગુરુપુત્ર કચની પરમ આયાસથી પ્રાપ્ત કરેલી મૃત સંજીવની વિદ્યાને શાપના પ્રભાવથી નિષ્ફળ કરી પોતે ક્ષત્રિયની પત્ની થઈ હતી.

(૧૬) પરશુરામની માતા રેણુકા જલચરોની ક્રીડાને જોઈને કામુક થઈ હતી, એ વાર્તા જમદગ્નિએ સાંભળતાં પરશુરામના હસ્તે તેનો ઘાત કરાવી નાખ્યો હતો.

તેમજ કથાકલ્પતરુમાંથી હું એક બીજી વાર્તા કહી સંભળાવું છું અને તે આ પ્રમાણે છે: