વીરક્ષેત્રની સુંદરી/ડો. રામચંદ્રનો અનંગભદ્રાને બેાધ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
વીરક્ષેત્રની સુંદરી
ડો. રામચંદ્રનો અનંગભદ્રાને બોધ
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વીરક્ષેત્રની સુંદરી →


પ્રસંગ ૧ લો

અનંગભદ્રાને બોધ

ઈ. સ. ૧૮૩૭માં સિંધ હયદરાબાદના રાજ્યની વ્યવસ્થા કરવા માટે કચ્છ ભુજના રેસીડંટ સાહેબ સર હેન્રી પોટિંજર ત્યાં પધાર્યા હતા, તે વેળાયે તેઓ મને પણ પોતાના પ્રાઇવેટ ડૉક્ટર તરીકે પોતાની સાથે લેતા ગયા હતા. ત્યાં ત્યાર પછી મીરસાહેબે તેમની પાસેથી મને પોતાની તહેનાતમાં રાખવા માટે માગી લીધો હતો.

સિંધ હયદરાબાદના નિવાસી ક્ષત્રિય-લુહાણા-જાતિના ધનાઢ્ય વ્યાપારી પ્રિયતમદાસની તે સમયમાં ત્યાં બહુ જ ખ્યાતિ અને કીર્તિ પ્રસરેલી હતી. એની અનંગભદ્રા નામની એક કન્યા હતી. તે અષ્ટાદશ વર્ષીય બાળા સ્વરૂપમાં અત્યંત સુંદર હોઈને અત્યારે યૌવનરૂપ વસંતોદ્યાનમાં વિહરતી હતી. તેને કામોદ્ભવ રોગની બાધા થઈ હતી, અને તેના યોગે બુદ્ધિમાં ભ્રષ્ટતાનો સંચાર થતાં તે ઉન્માદિની બની ગઈ હતી. તેના એ રોગનો નાશ કરવા માટે તેના પિતા તથા શ્વશુર આદિએ પુષ્કળ દ્રવ્ય ખર્ચીને ઐાષધ તથા મંત્ર તંત્ર ઇત્યાદિ અનેક ઉપચારો કર્યા, પરંતુ એમાંના એક પણ ઉપચારનું યોગ્ય પરિણામ ન થયું અને તેનો ઉન્માદ દિવસે દિવસે વધારે અને વધારે વધવા લાગ્યો. એક દિવસે મીર નૂરમહમદની કચેરીમાં આવીને તે બન્ન શાહૂકારોએ પોતાની પીડાનો સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો, અને કહ્યું કે;– “આપની તહેનાતમાં કંપની સરકારના વૈદ્યરાજ જે ડોકટર રામચન્દ્ર છે, તેમના હાથે બાઈનો ઉપચાર કરાવવો, એવા હેતુથી અમે આપની સેવામાં સાદર થયા છીએ. જો એમના ઉપચારથી બાઈને આરામ થશે, તો આ૫ને મરણોન્મુખ અબળાને જીવનદાન કરવાના પુણ્યની પ્રાપ્તિ થશે.” તેમનું આવું દીનતાયુક્ત ભાષણ સાંભળીને મીર સાહેબે મને તે બાળાનો ઉપચાર કરવાની આજ્ઞા આપી દીધી. તે ગૃહસ્થોની સાથે તેમને ઘેર જઈને મેં તે બાળાની પ્રકૃતિની પરીક્ષા કરી જોઈ, તેનાં આરકત નેત્રોને જોતાં મારો એવો નિશ્ચય થયો કે, કામજ્વરની અધિક વૃદ્ધિ થવાથી તે ભ્રમિષ્ઠા થઈ ગઈ છે, આવા અનુમાનથી મેં તેને વાંતિકારક અને રેચક ઔષધિ આપી. એથી તેના ઉન્માદનો લોપ થતાં તે શુદ્ધિમાં આવી અને સારી રીતે વર્ત્તવા લાગી.

એ પછી એક દિવસ પ્રિયતમદાસ પોતાની કન્યા સહિત પાલખીમાં બેસીને મારે ઘેર આવ્યો. ત્યાં અનંગભદ્રાને મેં એકાંતમાં બોલાવીને પૂછ્યું કેઃ–“જે રોગે આટલા કાળ સુધી તમારા શરીરનો ગ્રાસ કર્યો હતો તે રોગ કયો અને તે શા કારણથી આવ્યો, તે કૃપા કરીને જણાવશે કે ? વૈદ્યને રોગનું સત્ય નિદાન જણાય, તો તે સત્વર રોગને દૂર કરી શકે છે, એ તો તમે જાણતાં હશો જ, એટલે વધારે કહેવાની અગત્ય નથી.”

અનંગભદ્રા જેવી રૂપસુંદરી હતી તેવીજ શારદાસુંદરી પણ હતી, અર્થાત્ તેનો વિદ્યાભ્યાસ પણ બહુજ ઉત્તમ પ્રકારનો હતો. તેણે મારા આંતરિક ભાવના મર્મને જાણીને ઉત્તર આપ્યું કે;-“ડોક્ટર સાહેબ ! એ એક મહા ગુપ્ત વાર્ત્તા છે; એટલા માટે કોઈવાર અવકાશ મેળવી અહીં આપની પાસે એકલી જ આવીને એ રોગનું નામ અને તેનું નિદાન હું આપને જણાવીશ.”

એ પછી તે દિવસે તે પિતા અને પુત્રી ઐાષધ લઈને પોતાને ઘેર જવાને ચાલ્યાં ગયાં, એ પ્રમાણે ઐાષધોપચાર કરતાં કરતાં બહુ દિવસ વીતી ગયા અને મારી સાથેનો પ્રિયતમદાસના કુટુંબને પરિચય દૃઢ થતો ગયો.

અચાનક એક દિવસ કૃષ્ણ ચતુર્દશીની રાત્રે સુભાગિની નામની પોતાની દાસીને પોતાના પલંગમાં સુવાડી અનંગભદ્રા પોતે પુરુષનો વેશ ધારીને કટિભાગમાં શસ્ત્ર લટકાવી મારા નિવાસસ્થાનમાં આવી લાગી અને મારા સેવકને જાગૃત કરી મારા શયનમંદિરમાં આવી પલંગ પાસેની કુરસીમાં બેસી ગઈ. થોડીકવાર વિશ્રાંતિ લઈને પછી તેણે મને જગાડ્યો. જાગૃત થવા પછી તેને જોઈને આ કોઈ મોટા સરદારનો પુત્ર છે એમ ધારીને એકદમ ઊઠીને હું તાજીમતવાજીમ કરવા મંડી ગયો, અને દેશના સંપ્રદાય પ્રમાણે કુશળ સમાચાર તથા નામ આદિ પૂછ્યા પછી 'આટલી મોડી રાત્રે આપના અહીં પધારવાનું શું પ્રયોજન છે ?' એવો તેને પ્રશ્ન પૂછ્યો.

તેણે ઉત્તરમાં હાથ જોડીને જણાવ્યું કે:-“ડોકટર સાહેબ ! હું અબળા છું અને મારૂં નામ અનંગભદ્રા, તે દિવસે મેં આપને મારા રોગનું નામ અને નિદાન જણાવવાનું વચન આપ્યું હતું, તે વચનના પાલન માટે આજે પ્રસંગ સાધીને હું આપની પાસે આવી છું. હું આપની આજ્ઞાધારિણી દાસી હોવાથી અત્યારે મારા દુ:ખની કથા સાંભળીને સુખની પ્રાપ્તિનો જો કોઈ ઉપાય હોય તો તે બતાવવાની અવશ્ય કૃપા કરશો !”

તેની આવી નમ્રતાયુક્ત વાણી સાંભળીને મેં અત્યંત ભયભીત થઈને અનંગભદ્રાને પૂછ્યું કે;-“તમે અબળા હોવા છતાં પુરુષનો વેશ ધારીને આટલાં દૂર એકલાં અને તે પણ વળી અડધી રાતે ચાલ્યાં આવ્યા, એ તમારૂં મહા ઘોર કર્મ જ કહી શકાય ! કારણ કે, અહીંની અત્યારની મુસલમાન રાજસત્તા હિંદુ સ્ત્રીઓના સંબંધમાં સર્વથા નિર્દય અને અનુકંપારહિત છે. જે સ્ત્રીને પોતાના પ્રાણ અને પોતાની પ્રતિષ્ઠાની જરા પણ ભીતિ ન હોય, તે સ્ત્રી જ આવા કર્મ માટે આવા સમયમાં પોતાના ગૃહમાંથી એકલી બહાર નીકળવાનું સાહસ કરી શકે. તમે એક મહા ભાગ્યવાન્ અને કુલીન પિતાનાં પુત્રી હોવા ઉપરાંત મારા જાણવા પ્રમાણે વિદ્યા અને કળામાં પણ કુશળ છો, છતાં વિકારને વશ થઈ અવિચારથી વિના કારણ પ્રાણ અને પ્રતિષ્ઠા ઉભયને પોતાના હાથે જ નાશ કરવાને તત્પર થયાં છો, એ જોઈને મારા આશ્ચર્યનો અવધિ થાય છે. તમારા માટે આ વર્તન યોગ્ય નથી. તમારી કથા સાંભળ્યા વિના જ મારો તમને એ ઉપદેશ છે કે, તમે અત્યારે અને આ ક્ષણે જ અહીંથી પાછાં જાઓ અને ઘર ભેગાં થાઓ ! અત્યારે જો કોઈ તમને અહીં જોશે, તો સાથે મારી આબરૂના કાંકરા થઈ જશે, સમજ્યાં?”

“ડોકટર સાહેબ ! હું એવી વ્યવસ્થા કરીને આવી છું કે, ઘરમાં મારા ન હોવાની પ્રભાત પર્યન્ત કોઈને કશી પણ જાણ થઈ શકે તેમ નથી, એટલે કોઈ આવશે અને આપની આબરૂ જશે, એ વિષે આપે જરાપણ ભીતિ રાખવાની નથી. વૈદ્યરાજ ! આપ અન્ય અનેક રોગોની પરીક્ષા કરી તેમના યોગ્ય ઉપચારો કરી શકો છો, પણ અત્યારસુધીમાં મદનરોગની પરીક્ષા કરી તેનો યોગ્ય ઉપચારથી શમાવનાર કોઇ૫ણ વૈદ્ય, હકીમ કે ડોક્ટર મારા જોવા કે સાંભળવામાં આવ્યો નથી. કેટલીકવાર મનનો ઉભરો બહાર કાઢી નાખવાથી એ મદનરોગની કાંઈક શાંતિ થાય છે, એમ કેટલાક અનુભવીઓનું કહેવું છે અને તેથી એ ઉભરો આજે આપની આગળ કાઢી નાખી શાંતિ મેળવવાના ઉદ્દેશથી જ હું આટલું સાહસ કરીને અહીં આવી છું. એટલે હવે કૃપા કરીને મને નિરાશ ન કરો અને મારી વાર્તા શાંભળી લ્યો.” અનંગભદ્રાએ પ્રાર્થના કરી.

હું કાંઈક વિચારમાં પડી ગયો અને થોડીવાર પછી હિંમત લાવીને બોલ્યો કે:–“અનંગભદ્રા ! ચિન્તા નહિ. જો ઉભરો કાઢી નાખવાથી આ૫ના એ રોગની શાંતિ થતી હોય અને આપને સુખ મળવાનો સંભવ હોય, તો ભલે મને પોતાની ગુપ્ત વાર્તા કહી સંભળાવો. જો આ પરોપકાર કરતાં મારા શિરપર કોઈ સંકટ આવશે, તો તેને પણ હું આનંદથી સહન કરીશ.”

“મોટો ઉપકાર !” એમ કહીને અનંગભદ્રા આગળ વધી કહેવા લાગી કે:-“ડોકટર સાહેબ ! એ તો નિસર્ગનો એક નિયમ જ છે કે, શરદઋતુમાં શીતળતાની, નિદાઘમાં ઉષ્ણતાની, વસંતમાં વનશોભાની અને વર્ષાકાળમાં જળવૃષ્ટિની ઉત્પત્તિ થવી જ જોઈએ - એ જ પ્રમાણે યૌવનકાળમાં સ્ત્રી અને પુરુષ - ઉભયના મનમાં મદનવિકારની જાગૃતિ થવી પણ નિસર્ગના નિયમ અનુસાર અને સ્વાભાવિક જ છે, તેમાં પણ પુરુષ કરતાં સ્ત્રીમાં મદનવિકારની વિશેષતા હોય છે અને યોગ્ય કાળમાં જો તેની શાંતિનું સાધન ન મળે, તો સ્ત્રીને માટે એ વિકારની પીડા મહા અસહ્ય હોવાથી ઉન્માદ જેવા ભયંકર રોગોનું કારણ થઈ પડે છે. હું એક તરુણ, સુંદર અને નવયૌવના નારી છું અને મારામાંનો મદનવિકાર એટલો બધો વધી ગયો છે કે હવે હું તેને દબાવી શકતી નથી. મારા પતિને કોણ જાણે શા કારણથી મારા પ્રતિ અભાવ અને તિરસ્કાર થઈ ગયો છે એટલે તેમના સંયોગથી શાંતિ મળવાનો સંભવ આકાશપુષ્પસમાન છે. અર્થાત્ હવે જેને અજ્ઞ જનો વ્યભિચાર કહે છે અને હું સ્વચ્છંદાચાર કહું છું, તે માર્ગમાં સંચાર કર્યા વિના મારો છૂટકો થવાનો નથી !”

“શિવ ! શિવ ! ! આ શું બોલ્યાં – તમારા જેવી કુલીન આર્ય કન્યા વ્યભિચારના નરકમાં જશે અને વેશ્યા પ્રમાણે સ્વચ્છંદાચાર કરશે ! કદાપિ ન માની શકાય !” મેં ઉદ્ગાર કાઢ્યા.

“જો અત્યંત ક્ષુધાતુરને સારાં ભોજન નથી મળી શકતાં, તો પછી નિરુપાય થઈને ચણામમરા કે અભક્ષ્ય ભક્ષ કરીને પણ તે પોતાની ક્ષુધાનું શમન કરે છે અને જીવનને ટકાવે છે ! એ શું આપ નથી જાણતા ! ક્ષુધાની વેદનાને બુભુક્ષિત જ જાણે છે, પ્રસવની વેદનાને પ્રસૂતા જ પ્રમાણે છે અને મદનની વેદનાને વિરહિણી નવયોવના જ પિછાને છે; અન્ય મનુષ્યોને એની કલ્પના માત્ર પણ હોઈ શકતી નથી. કેટલાક લોકો પરોપદેશે બહુ પાંડિત્ય બતાવે છે, પણ પોતા પર એવો પ્રસંગ આવતાં નરકની નદીમાં ડુબકી લગાવે છે, એ વળી એક આ વિશ્વનું વિલક્ષણ આશ્ચર્ય છે. મારા અભિપ્રાય પ્રમાણે તો જગતમાં અસ્તિત્વ ધરાવતા સર્વ વેગોમાં મદન વિકારનો વેગ અત્યંત પ્રબળ છે અને એને અટકાવવાને કોઈ પણ સ્ત્રી કે પુરુષ સમર્થ નથી. એટલા માટે જ શ્રી ભર્તુહરિ જેવા યોગીશ્વરો પણ કહી ગયા છે કે;–

'मत्तेभकुंभदलने भुवि संति शूराः
केचित्प्रचंडमृगराजवधे‌ऽपि दक्षाः ।
किंतु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य,
कंदर्पदर्पदलने विरला मनुष्याः ॥'

“આ પૃથ્વીમાં મદોન્મત્ત ગજરાજનાં કુંભસ્થલોને દલનાર અનેક શૂરવીરો વિદ્યમાન છે, અને તેવા જ પ્રચંડ મૃગરાજ સિંહને વધ કરનાર મનુષ્ય પણ અનેક મળી આવે છે; પણ બળવાનો સમક્ષ આ વાર્તા હું બળપૂર્વક ઉચ્ચારું છું કે, કંદર્પ-કામદેવ-ના દર્પને દળનાર તો કોઈ વિરલા મનુષ્યો જ હશે !' અર્થાત્ મહાન શૂરવીર અને નરપુંગવો પણ એ કામદેવના દર્પનો પરિહાર કરી શકતા નથી અને તેના વેગને આધીન થઈ વિકારના પ્રવાહમાં તણાઈ જાય છે, તો પછી એવા પ્રબળ કામદેવના શૂરસંધાન સમક્ષ મારા જેવી એક કોમળાંગી અને કોમળહૃદય નવયૌવના નારી કેટલીકવાર ટકાવ કરી શકે, એનો આપ પોતેજ વિચાર કરી શકો એમ છો ! “પ્રફુલ્લ પુષ્પના નવીન મધુને ચાખનાર જો ભોગી ભ્રમર ન હોય, તો પછી પુષ્પનો ઉપયોગ શો ? શું ઈશ્વર ઉદ્યાનમાં પુષ્પને નિર્માણ કરે છે તે સદાને માટે અનાઘ્રાત રહી, કરમાઈ છેવટે નીચે પડીને ધૂળમાં મળી જવા માટે જ કે ? મારી એવી ધારણા નથી.” અનંગભદ્રાએ વાદ કર્યો.

“એ સર્વ ભાગ્યની લીલા છે, ભાગ્યના પ્રતાપથી એક પુષ્પ દેવના મસ્તકે વિરાજે છે, અને એક અરણ્યગત કુસુમ અજ્ઞાતાવસ્થામાં અને અનાઘ્રાત રહી છેવટે ખરી પડી ધૂળમાં મળી જઈને વાયુના ઝપાટાથી આમતેમ ઊડે છે.” મેં ભાગ્યના કારણને આગળ ધર્યું .

“ડોકટર સાહેબ ! જડ વસ્તુઓની કદાચિત ભાગ્યના પ્રતાપથી સારી કે નઠારી અવસ્થા થતી હશે, પણ ચેતનવાન અને બુદ્ધિવાન્ મનુષ્યની અકારણ એવી દુર્દશા થાય એ કદાપિ સંભવતું નથી. મારો તો એવો જ અભિપ્રાય છે કે;–

“જુનું હય ખ઼બ્ત હય તકદીરસે નાહક ઝગડતે હયં;
હમ આપ હી અપને હી કરનેસે બનતે ઔર બિગડતે હયં !”

અનંગભદ્રાએ દૈવવાદનો પ્રતિકાર કરીને યત્નવાદનું સમર્થન કર્યું.

“પરંતુ અનંગભદ્રા ! તમે કોઈપણ પ્રકારનું આડું પગલું ભરશો, અને તેનો પ્રકાશ થતાં એ વાત તમારા પિતા તથા શ્વશુરના જાણવામાં આવશે, તો તમારી શી દશા થશે, એનો તમે કાંઈ વિચાર કર્યો છે ખરો કે ? તેઓ તમને પોતાના ઘરમાંથી સદાને માટે સંબંધના બંધનો તોડી કાઢી મૂકશે, કદાચિત જીવથી મારી પણ નાખે !” મેં એક બીજા ભયનું દર્શન કરાવીને તેના મનને શાંત કરવાનો યત્ન આદર્યો.

“જો તેઓ મને ઘરમાંથી કાઢી મૂકશે, તે કોઈ યોગ્ય વયના, સુંદર અને મનોહર યુવકને મારા યૌવનવસંતપ્રફુલ શરીરોપવનનો માળી બનાવી તેની સાથે ગમે તો અન્ય સ્થાને ચાલી જઈશ અને સંસારસુખનો મરણ પર્યન્ત યથેચ્છ આસ્વાદ લઈશ. જો તેઓ મારી નાખશે, તો પણ તે મારા માટે સારું જ થવાનું; કારણ કે, આ મદનના અગ્નિની આંતરિક જ્વાળાથી ધીમે ધીમે બળીને ભસ્મીભૂત થવું એના કરતાં એકવારનાં મરીને ચિતાપર ચઢી બળી જવું, એ વિશેષ ઉત્તમ છે.” અનંગભદ્રાએ એકદમ છેલ્લા પાટલાપર બેસીને જવાબ આપ્યો.

“હાય રે, મદન ! હાય ! ! તું સ્ત્રી અને પુરુષોને વિકારવશ કરી આટલી સીમા પર્યન્ત નિર્લજ્જ તથા સાહસી બનાવે છે, એમ અત્યાર સુધી અનેકવાર સાંભળ્યું તો હતું, પણ આજે એનો પ્રત્યક્ષ અનુભવ – અરે સાક્ષાત્કાર થયો ! વિદ્વાન અને બુદ્ધિમાન જનો જે કામ અને કનકના મોહની અત્યંત નિન્દા કરી ગયા છે તે અક્ષરે અક્ષર સત્ય છે. આ શ્લોકનો આશય અત્યારે મારાં નેત્રો સમક્ષ મૂર્તિમાન્ થઈને ઊભો રહે છે !” એમ કહી મેં નીચેના શ્લોકનો ઉચ્ચાર કર્યો;–

"वेधा द्वेधा श्रमं चक्रे कामेषु कनकेषु च ।
तेषु तेष्वप्यनासक्तः साक्षाद्भर्गो नराकृतिः॥"

“અર્થાત્-સૃષ્ટિકર્તા બ્રહ્મદેવે આ જગતમાં કામવિકાર અને ધન એ બે અત્યન્ત મોહકારક વસ્તુઓ નિર્માણ કરી છે; અર્થાત્ જે પુરુષ એમનામાં આસકત થતો નથી તે પુરુષ સાક્ષાત ઈશ્વરનો જ અવતાર છે !” તે જ પ્રમાણે જે સ્ત્રી એ બન્ને વસ્તુઓમાં મુગ્ધ ન થાય, તો મારી ધારણા પ્રમાણે તેને પણ નારીરૂપધારિણી સાક્ષાત્ પરમેશ્વરી જ કહી શકાય. વ્યભિચારિણી વનિતા વેશ્યા કિંવા પિશાચિની કહેવાય છે. તો તમે પિશાચિની મટીને દેવી કિંવા પરમેશ્વરી શા માટે નથી થતાં વારૂ ?”

“બ્રહ્મચારિણી કિંવા ષંઢપ્રકૃતિ પરમેશ્વરી કરતાં મદનવિલાસિની પિશાચિનીના અવતારને હું અધિક આદરણીય માનું છું, એટલા માટે !” અનંગભદ્રાએ પોતાના હઠને વળગી રહીને પણ તે પ્રમાણેનું જ ઉત્તર આપ્યું.

મેં કહ્યું કે;-“અનંગભદ્રા ! અત્યારે ઉન્માદવશ થવાથી તમારા બુદ્ધિપ્રભાવ અને સારાસાર વિચારનો લોપ થયો છે, એટલે અત્યારના તમારા વિચારોને હું વિચાર તરીકે સ્વીકારી શકતો નથી. જયારે આ વિકારનો ઉન્માદ દુર થશે અને શાંતિનો આવિર્ભાવ થશે તે વેળાયે આ પોતાની ભૂલ પોતાની મેળેજ તમારા જાણવામાં આવી જશે. મારો તો એવો જ અભિપ્રાય છે કે, બુદ્ધિમાન પુરુષે પરનારીમાં અને બુદ્ધિમતી વનિતાએ પરપુરુષમાં લંપટ થઈને વ્યભિચાર કર્મમાં પ્રવૃત્ત થવું, એ કદાપિ ઉચિત કિંવા ઇચ્છવા યોગ્ય નથી, કારણ કે, અવિચારી સ્ત્રીપુરુષ પોતાના તારણ્યમાં વિકારને વશ વર્તી કામને આધીન થઈ મોટા મોટા અનર્થપાત કરી બેસે છે. પ્રથમ એ દુષ્ટ બુદ્ધિનો સંચાર થાય છે અને ત્યાર પછી તેમાંથી બીજા પણ અનેક વ્યસનો ઉત્પન્ન થઈ સદાને માટે ગળે બાઝી બેસે છે. શાસ્ત્રમાં જ્યાં જ્યાં પણ ષડ્‌રિપુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, ત્યાં ત્યાં સર્વના અગ્રણી અને મહા ધુરંધર શત્રુ તરીકે એ દુષ્ટ કામદેવના નામનો જ નિર્દેશ કરાયલે છે. કામ, ક્રોધ, મોહ, મદ અને લોભ આદિમાંના એક પણ દુર્ગુણનો વાસ જેનામાં હોય, તેનામાં એ સર્વ દુર્ગુણોનો ન્યૂનાધિક પ્રમાણમાં નિવાસ હોવોજ જોઈએ, એવો નિયમ જ છે. એટલા માટે વિચારશીલ સ્ત્રીપુરૂષોને એના સંગથી વિસંગ રહેવામાંજ લાભ છે. કારણ કે, ભૂતકાળમાં એ વિષયાધીનતાના યેાગે અનેક સ્ત્રી પુરૂષોનાં શિરપર કેવાં કેવાં સંકટો આવ્યાં હતાં અને તેમની કેવી દુર્ગતિ થઈ હતી, એ ઘટનાને ગત કાળનો ઇતિહાસ સપ્રમાણ સિદ્ધ કરી બતાવે છે. એ વ્યભિચારના યોગે સ્વજન, પ્રતિષ્ઠા, ધન અને કેટલીકવાર પ્રાણ સુદ્ધાંનો વિયોગ થાય છે કિંવા નાશ પણ થઈ જાય છે. તેમજ યત્કિંચિદ્ વિષયસુખની લાલસામાં લપટાયાથી ચિરકાલીન પારમાર્થિક સુખનો અસ્ત થઈ જાય છે. એટલા માટે કુલીન કામિની અને પવિત્ર- ચરિત્ર પુરુષોએ એ દુર્વ્યસનનો ત્યાગ કરીને સન્માર્ગનાં પ્રવાસી થવું, એમાં જ તેમનું પરમ કલ્યાણ છે !"

અનંગભદ્રા વિલક્ષણ મુખમુદ્રા કરીને તિરસ્કારદર્શક સ્વરથી બોલી;-

“મુઝકો માલૂમ હય જન્નત કી હકીકત લેકિન;
દિલકો ખુશ કરને કો સાહિબ, યે ખિયાલ અચ્છા હય !”

મેં પુનઃ મારા ઉપદેશના પ્રવાહને આગળ વહેવડાવીને કહ્યું કે:- “અનંગભદ્રા ! તમે કહો છો કે, પિતૃગૃહ તથા શ્વશુરગૃહને ત્યાગીને સ્વતંત્ર કિંબહુના સ્વચ્છંદ થવું અને પરપુરુષના સમાગમમાં રહી મનોગમતાં સુખો ભેાગવી, નારીદેહની સાર્થકતા કરવી; પરંતુ એમ કરવું તે શૂળી પરના મિષ્ટાન્ન પ્રમાણે મહા અનર્થકારક છે. જેઓ આવું અશ્લીલ વર્તન કરે છે, તેઓ એમાં સુખ છે કિંવા દુઃખ છે, એ બીજાને જણાવવા માટે અવશિષ્ટ રહેતાં જ નથી. કારણ કે, જો કોઈ દીન જન એ દુષ્ટ કર્મ કરે છે, તો તે તેના પ્રાણને હરે છે; અને જે કોઈ ધનાઢ્ય કિંવા ભૂપતિ પણ એ કુકર્મ આચરે છે, તો તે તેની પ્રતિષ્ઠા તથા લક્ષ્મી ઈત્યાદિનો અલ્પ સમયમાં જ નાશ કરી નાખે છે. કદાચિત હજારોમાંથી કોઈ જીવતું બચી પણ જાય છે, તો તે પણ છેવટે દારિદ્ર્ય તથા ઉપદંશ આદિ રોગોને આધીન થઈ રીબાઈ રીબાઈને મૃત્યુના પંથે પડી જાય છે. તલવારનો ઘા એક માસમાં રૂઝાય છે, પરંતુ આ વિષયસુખનો ઘા જન્મજન્માંતરે પણ રૂઝાતો નથી; એટલું જ નહિ, પણ તે મનુષ્યને આ લોકમાં અપકીર્તિ અને પરલોકમાં નરકવાસને પાત્ર બનાવી દે છે. કારણ કે, આ કર્મ અત્યંત નિંદ્ય હોઈને નાશકારક છે, એટલા માટે એનો કોઈએ પણ અંગીકાર ન જ કરવો. જેવી રીતે ધગધગતા અંગારાને હાથમાં લીધાથી હાથ બળવા માંડે છે અને તે બુઝાઈ જાય છે એટલે હાથને કાળો કરતો જાય છે; તે જ પ્રમાણે એ વ્યસન ઉભય લેાકમાં વિનાશનું જ કારણ થઈ પડે છે. અનંગભદ્રા ! આ સંકટ એક વાર મારા પર પણ આવ્યું હતું, તે હું તમને કહી સંભળાવું છું, માટે મારી એ આપવીતી વાર્તાનું તમે આશા છે કે ધ્યાન અને એકાગ્રતાપૂર્વક શ્રવણ કરશો, એમાંથી તમને બહુ બહુ જાણવાનું મળી આવશે.”

એમ કહીને મેં મારા પોતા પર વીતેલી એક ઘટનાની કથાનો નીચે પ્રમાણે આરંભ કર્યો;–