વીરક્ષેત્રની સુંદરી/પરનારી વિષયક કવિ શામળભટના છપ્પા

વિકિસ્રોતમાંથી
← વ્યભિચારના નિષેધ સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણો વીરક્ષેત્રની સુંદરી
પરનારી વિષયક કવિ શામળભટના છપ્પા
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
કામીજન વિષે છપ્પા →


પરસ્ત્રી માત સમાન
પરસ્ત્રીવિષયક કવિ શામળ ભટના છપ્પા

પરનારીશું પ્રીત, દેહમાં દુ:ખ ઘણેરૂં;
પરનારીશું પ્રીત, થાય અઘ અતિ અનેરૂં:
પરનારીશું પ્રીત, ખરે તનમાં ક્ષય રોગ;
પરનારીશું પ્રીત, ભાગ્યહીણાના ભોગ;


પરનારી સાથે પ્રીત છે, પડિયો પા૫પ્રસંગમાં;
કવિ શામળ ભટ સાચું કહે, ઉચાટ ઉપજે અંગમાં. ૧


પરનારીશું પ્રીત, તેને ભેાજન નવ ભાવે;
પરનારીશું પ્રીત, સુખ નિદ્રા નવ આવે;
પરનારીશું પ્રીત, હરી સેવા નવ સૂજે;
પરનારીશું પ્રીત, બુદ્ધિ સારી નવ બૂઝે;


એ પાપરુપ પરનાર છે, અપજશ ઉપજે આપના;
શામળ પ્રીત પરનારશું, બોળે બોંતેર બાપના. ૨


પરનારીશું પ્રીત, નવે ગ્રહ તેને રૂઠ્યા;
પરનારીશું પ્રીત, અગ્નિ વરસાદ જ વૂઠ્યા;
પરનારીશું પ્રીત, પનોતિ લોહને પાયે;
પરનારીશું પ્રીત, જરૂર ન સ્વર્ગે જાયે;


પરનારીકેરી પ્રીતથી, અગ્નિ અાંચ નિત્ય નિત્ય ખમે;
શામળ કહે સાચું માનજે, ગુણવંતાને નવ ગમે. ૩


અગ્નિ આગળ ધૃત, તરત ઉકળે તે તાપે;
માનનિ આગળ મરદ, રહે ક્યમ આપે આપે;
તસ્કર આગળ દ્રવ્ય, કહે દીઠું કયમં મૂકે;
તેતર બાજનિ પાસ, ચેટ કરતાં નવ ચૂકે;


લોભી આગળ લક્ષ્મી અને, જુવતિ પાસ નર જે હશે;
કવિ શામળ કહે સોબત મળે, જરર લાજ તેની જશે;

અગ્ની ઉપર ઉદક, ઉકળતાં વાર ન લાગે;
દારૂને દેવતા, મળે ભડકો થઈ ભાગે;
તરણી ઊગ્યે તિમિર, તુરત નિરખંતાં નાસે;
તડકો પડતાં ટાઢ, પડેલી ન રહે પાસે;


પ્રમદાની આગળ ત્યમ પુરુષ, એકાંતે જો એ મળે;
શામળ કહે જે સત્યવાદિયો, તેય લૂણ જળમાં ગળે. ૫


સો કાયર એક શૂર, નાસતાં તે પણ નાસે;
જેને સંગતિ જૂઠ, જૂઠનો બેસે પાસે;
કાજળ કેાટડિમાંહિ, પ્રવિણ પૂરો થઈ પેસે;
રાખે શુભ સંભાળ, ડાઘ તેને પણ બેસે;


પ્રમદાસંગે પણ પુરુષ તે, કામવિવશ થાયે સહી;
શામળ કહે સજ્જન પુરુષ તો, પરિસ્ત્રિ પાસ વસે નહી. ૬


શિવ સરખાય સમર્થ, ભોળવ્યા ભિલડી રાણી;
ઇંદ્ર અહલ્યા નાર, ગયો જ્યાં છે ગોરાણી;
તરુણી તારાસાથ, વિવેકી વાળિ વળુંધ્યો;
બૃહસ્પતીની નારિ, તેહશું શશી શશી સલુંધ્યો;


કામાને સંગે કોટિધા, પવિત્ર થયા કુપાત્ર છે:
શામળ કહે શામા આગળે, માનવિ તે કુણ માત્ર છે. ૭


પરસ્ત્રિથી સુખ હાણ, પરસ્ત્રી સંગે પાપ;
પરસ્ત્રિ નરકનિ ખાણ, ત્રિવિધના ઉપજે તાપ;
પરસ્ત્રિગત પ્રભુ દૂર, પરસ્ત્રી ગૂણ ઘટાવે:
તે તાતી તરવાર, કોઈ દિન શીશ કટાવે;


પરનારીને જે પરહરે, તે ડહાવા કહેવાય છે;
શામળ પરનારી સંગથી, જિવનું જોખમ થાય છે. ૮


પરસ્ત્રિ પાપનું વૃક્ષ, બીજ છે ઝેરજ કેરૂં;
પરસ્ત્રિ શોકનું સદન, પરસ્ત્રી દુ:ખ અનેરૂં ;

પરસ્ત્રિ રગરગ રોગ, પરસ્ત્રી જ્વરવત જાણો;
પરસ્ત્રિ શૂળી સાત, અધિક એથી ઉર આણો;


પરનારિ પિંડ હરનાર છે, પરસ્ત્રિ છે પરતક્ષ છરી;
શામળ પરનારી સંગથી, નથિ બેઠો નર કો ઠરી. ૯


પરનારીશું સ્નેહ, પુરે નર તે તો પાપી;
પરનારીશું સ્નેહ, સદા તે શિવનો શાપી;
પરનારીશું સ્નેહ, રામ તેને તો રૂઠ્યો;
પરનારીશું સ્નેહ, તેહનો દહાડો ઊઠ્યો;


પરનારી સાથે સ્નેહ તો, દુખ કુંગર ડોલ્યા સદા:
શામળ કહે સુખ સ્વપને નહી, કષ્ટ વિકટ ન ટળે કદા. ૧૦


પરનારીશું પ્રીત, કાળ ચંદ્રમા કહાવ્યો;
પરનારીશું પ્રીત, એ જ ઘર અપજશ આવ્યો:
પરનારીશું પ્રીત, દેહ તેની તો દહિયે;
પરનારીશું પ્રીત, પનોતી લોહનિ હઇયેઃ


દુખ દરીદ્રદાવાનળ બળે, ઘણા કષ્ટના ગરકમાં;
શામળ પ્રીતી પરનારની, નિશ્ચે નાંખે નરકમાં: ૧૧


પરનારીશું પ્રીત, કામ સારૂં નવ સૂજે;
પરનારીશું પ્રીત, પ્રભૂને તે નવ પૂજે;
પરનારીશું પ્રીત, ધર્મ પણ તે નવ ધારે;
પરનારીશું પ્રીત, હોડમાં તે તો હારે;


અપજશ અણલેખે એહનો, અહંકાર અન્યા ઘણો;
શામળ કહે સુખ પરવરિયું, પ્યાર થયો પરસ્ત્રી તણો. ૧૨


પરનારીશું પ્રીત, પંડ પરવશ છે તેનો;
પરનારીશું પ્રીત, જીવ જોખમમાં જેનો;
પરનારીશું પ્રીત, રીત તેની નહિ રૂડી;
પરનારીશું પ્રીત, બુદ્ધિ તેની તો બૂડી;

છે પરનારી પાળી સમી, કાયરોગ એ કારમો;
શામળ પરસ્ત્રી વશ જે પડ્યો, તેને ચંદ્રમા બારમો. ૧૩


પરનારીશું પ્રીત, અલછ તેને તો પેઠી;
પરનારીશું પ્રીત, દશા રાહુની બેઠી;
પરનારીશું પ્રીત, પિશાચનિ પીડા સહિયે;
પરનારીશું પ્રીત, વિઘન ત્યાં કોટિક કહિયે;


પરનારી કેરી પ્રીતથી, ગદ્ધાઈના ગરકમાં;
કવિ શામળ ભટ સાચું કહે, નિશ્ચે જાશે નરકમાં. ૧૪


પરનારીશું પ્રીત, લોકમાં લજ્જા જાય!
પરનારીશું પ્રીત, લછ લૂટી લે રાય;
પરનારીશું પ્રીત, બાપની લાજ ન બૂઝે;
પરનારીશું પ્રીત, સત્યની વાત ન સૂઝે;


નહિ રામનામ હૃદયે રહે, પીછે નહિ તે પુન્યમાં;
શામળ પરસ્ત્રીની પ્રીતથી, શબવત હીંડે શૂન્યમાં. ૧૫


પ્રીત વિના પરનાર, સ્નેહ ન કરે તે સાથે;
પ્રીત વિના પરનાર, હોડથી નાવે હાથે;
પ્રીત વિના પરનાર, જોરથી કોઈ નવ જીતે;
પ્રીત વિના પરનાર, છત્રપતિ છે પણ છી તે;


વળિ પ્રીત વિના પરનારિ તે, વશ વરતી થાયે નહી;
શામળ સંપૂર્ણ સ્નેહથી, શામા વશ થાયે સહી. ૧૬


પરસ્ત્રિ સંગે પાપ, બહુસ્ત્રિ હત્યા બેસે;
પરસ્ત્રિ સંગે પાપ, નરક કુંડે નર પેસે;
એક પત્નિ શ્રીરામ, દિલે પોતાને દાખી;
સત્યવતિ સીતાય, રીત ઘણિ રૂડી રાખી;


બુદ્ધી નિધિ બીજાં બાપડાં, કામજીત કો નવ થયાં;
તે જન્મ મરણ જોખમ જરા, કોટિ વિધન કવિયે કહ્યાં. ૧૭

છાનો ન રહે ચોર, રહે નહિ છાની ચાડી;
છાનું ન રહે પાપ, અકલ ફેલાવે આડી;
છાનો ન રહે મેહ, રહે નહિ છાની રહેણી,
ન રહે છાનું પ્રભાત, તથા કીરતી કે કહેણી;


છાની ન રહે વિદ્યા ભણી, સુગંધિ છાની નવ રહે;
ત્યમ પ્રીત છાનિ પરનારશું, છાનિ ન રહે શામળ કહે. ૧૮