વીરક્ષેત્રની સુંદરી/પોપટની વાર્તા

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ગુણવાન શ્વાન વીરક્ષેત્રની સુંદરી
પોપટની વાર્તા
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
રાજાનો વિશ્વાસ કરવો નહિ  →


પોપટની વાર્તા

પૂર્વે રાજપુરી નામક નગરીમાં રાજા ધનપાળ રાજ્ય કરતો હતો. તેની પાસે એક ઘણો જ સારો પોપટ હતો. તે નિત્ય રાત્રિના સમયે નાના પ્રકારની કથાઓ સંભળાવી રાજાના મનનું રંજન કરતો હતો. એક દિવસ તેનું પાંજરું દેવડીએ ટાંગેલું હતું અને પાસે જ એક વડનું ઝાડ હતું. તે વૃક્ષપર સાયંકાળે કેટલાક પોપટ આવીને બેઠા અને તેઓ તે પાંજરામાંના પોપટને જોઈને કહેવા લાગ્યા કે;“સમુદ્રપારના બેટમાં આપણા રાજાનાં લગ્ન છે, એટલે તારે પણ ત્યાં આવવું જોઈએ.” તે પોપટે રાત્રે વાર્તા સંભળાવીને રાજાને પ્રસન્ન કર્યો અને તેની પાસેથી બે માસની રજા લઈને તે પેલા બેટમાં ગયો. ત્યાંનો લગ્નસમારંભ આટોપાઈ ગયા પછી પાછા ફરતી વેળાએ રાજા માટે તે એક અમૃતફળ ત્યાંથી લાવ્યો, રાજા પાસે આવી ત્યાનો સંપૂર્ણ વૃત્તાંત જણાવી તેણે કહ્યું કે: “હું બહુ દૂરથી આ અમૃતફળ આપને માટે લઈ આવ્યો છું, માટે એનું આપ પોતે જ ભક્ષણ કરો !” પરંતુ રાજાને તેના વચનમાં વિશ્વાસ ન બંધાયાથી તે ફળ તેણે ગોખલામાં મૂકી દીધું. કર્મધર્મસંયોગે રાત્રિના સમયે તે સ્થળે એક કાળો નાગ આવ્યો અને તે એ અમૃતફળમાંના અમૃતનું શોષણ કરી તેના સ્થળે તેમાં વિષ રેડી ગયો. પ્રાતઃકાળ થતાંજ રાજાએ પોતાના એક પ્રિય સેવકને તેમાંનું અડધું ફળ ખવડાવ્યું અને તે ખાતાંની સાથેજ ઉલ્ટી કરીને તે સેવક તત્કાળ મરી ગયો, આ બનાવને જોઈને રાજાને લાગ્યું કે;-“પોપટ આ વિષફળ ખાસ મને મારી નાંખવાને માટે જ લઈ આવ્યો હતો, પણ મારાં મોટાં ભાગ્ય કે મેં તે ખાધું નહિ અને બચી ગયો !” ક્રોધના આવેશમાં તેણે પોપટને પકડીને તરત મારી નાખ્યો અને એક સેવકને બોલાવીને કહ્યું કે; -“આ વિષફળને ગામ બહાર લઈ જઈને જમીનમાં દાટી દ્યો !” સેવકે રાજાની આજ્ઞા પ્રમાણે એક નિર્જન સ્થાનમાં તે ફળ દાટી દીધું. કેટલાક દિવસ પછી તે ફળમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થયું અને તેમાં ઉત્તમ ફળો આવીને પાકવા પણ લાગ્યાં, પણ લોકોમાં એ વૃક્ષ વિશે એવો ભય વ્યાપી ગયો હતો કે, “એ ફળને જે ખાશે તે અવશ્ય મરી જ જશે!” તેથી એના ફળને કોઈ હસ્તસ્પર્શ પણ કરતું નહોતું, એવામાં બનાવ એવો બન્યો કે, એક વૃદ્ધ સ્ત્રી અને વૃદ્ધ પુરુષ પોતાનો પુત્ર કૃતજ્ઞ નીકળવાથી અને તેથી તે ખાવાને રોટલો ન આપતો હોવાથી જીવનનો કંટાળો આવતાં મરી જવાનો વિચાર કરીને ત્યાં આવ્યાં અને બંનેએ તે વૃક્ષનાં ફળો ખાધાં. પણ એથી મરવાને બદલે તેઓ તરુણ અને સ્વરૂપસુંદર થઈને પાછાં પોતાને ઘેર આવ્યાં, જેમણે આ બનાવ પ્રત્યક્ષ જોયો હતો તેમણે દોડતા જઈને આ સમાચાર રાજદરબારમાં રાજાને પહોંચાડ્યા. રાજાએ તત્કાળ ત્યાં આવી તેમાંનું એક ફળ એક રોગિષ્ટ મનુષ્યને આપ્યું અને તે ફળ ભક્ષતાં જ તેના રોગનો લોપ થઈ તેને દિવ્ય દેહ પ્રાપ્ત થયો. રાજાને આવો શાક્ષાત્કાર થવાથી તે પોતાના પ્રજ્ઞ પોપટને મારી નાખવા માટે મહા શોક કરવા લાગ્યો. પણ એ શોકનો શા ઉપયેાગ વારૂ ?

એ જ પ્રમાણે હે સુંદરી ! તું પણ પશ્ચાતાપ પામીને મારા માટે શોક કરીશ અને છેવટે મારા જીવના બદલામાં રાજા તારો જીવ પણ લેશે. એટલા માટે કૃપા કરીને “મને છોડી દે - તું પણ જીવ અને મને પણ જીવવા દે !” પરંતુ એ ઉપદેશને ધ્યાનમાં ન લેતાં વેશ્યા તેને મારવા માટે ઉઠી, એટલે વળી પાછો રાજકુમાર કહેવા લાગ્યો કે;- 'રમણી ! હજી થોડીક રાત બાકી છે, માટે એક કથા હજી પણ સાંભળી લે અને ત્યાર પછી જે કરવાનું હોય તે કરજે.' મદનમોહિનીએ આજ્ઞા આપવાથી તે નીચેની કથા સંભળાવવા લાગ્યો–