વીરક્ષેત્રની સુંદરી/બ્રહ્મકુમાર અને ચંદ્રપ્રભા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિકારવશ કનૈયાલાલ વીરક્ષેત્રની સુંદરી
બ્રહ્મકુમાર અને ચંદ્રપ્રભા
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વસુકુમારી  →


બ્રહ્મકુમાર અને ચન્દ્રપ્રભાની કથા

પૂર્વે કાશ્મીર નામક નગરમાં ચંદ્રચૂડ નામનો રાજા રાજ્ય કરતો હતો, તે રાજાની એક કન્યા હતી અને તેનું નામ ચંદ્રપ્રભા હતું. એ કન્યા તરુણ થઇ હતી અને ગ્રીષ્મ તથા વસંત કાળમાં પોતાની સખીઓ સાથે પોતાના ખાસ ઉદ્યાનમાં તે ફરવા અને સૃષ્ટિ સૌન્દર્યનું અવલોકન કરવાને નીકળતી હતી. એકવાર એક તરુણ બ્રાહ્મણ પ્રવાસીએ તેના ઉદ્યાનમાં ભોજન બનાવી જમવા અને વિશ્રાંતિ લેવા માટે છાવણી નાખી. વસંત ઋતુના દિવસો હતા, એટલે તે જમીને એક વિશાળ વૃક્ષની શીતળ છાયામાં શીતળ વાયુના સ્પર્શથી નિદ્રાધીન થઈ ગયો. એટલામાં પોતાની સખીઓ સાથે ફરતી ફરતી રાજકુમારી ચંદ્રપ્રભા ત્યાં આવી લાગી, અને ત્યાં ઊભી રહી ગઇ. સખીઓના પરસ્પર વાર્તાલાપના ધ્વનિથી તે બ્રહ્મકુમારની નિદ્રા ઊડી ગઇ અને જેવી તેણે આંખો ઊઘાડી કે એક મહાસુંદર અને મનોહર નવયૌવના નારી પોતાની સામે ઊભેલી તેના જોવામાં આવી. તેને જોતાં જ બ્રહ્મપુત્રને મૂર્છા આવી ગઇ. તે તરુણ બ્રાહ્મણ એવો તો મનોહર અને સુંદર હતો કે, તેને જોતાં રાજકુમારીના મનમાં પણ તત્કાળ મોહનો ઉદ્ભવ થવાથી તે પણ મૂર્ચ્છિત થઇને પૃથ્વીપર પછડાઇ પડી. રાજકન્યાને તો તેની સખીઓએ જલસિંચન અને વીજનવાયુથી સાવધ કરી અને ત્યારપછી તેને પાછી મહાલયમાં લઇ જવામાં આવી, પરંતુ બ્રાહ્મણપુત્રની શુશ્રુષા કરનાર કોઇ ન હોવાથી તે તો અદ્યાપિ જેમનો તેમ મૂર્ચ્છામાંજ પડ્યો હતો. એટલામાં દૈવયોગે કામરૂપદેશના શશિદેવ અને મૂળદેવ નામના બે મહાવિદ્વાન બ્રાહ્મણો ત્યાં આવી લાગ્યા. મૂળદેવ તે મૂર્ચ્છિત બ્રાહ્મણને જોઇ શશિદેવને કહેવા લાગ્યો કે, “હે શશિ ! આ મનુષ્ય અહીં આવી દશામાં કેમ પડ્યો છે વારૂ !” એટલે શશિદેવે ઉત્તર આપ્યું કે, “બંધો ! એને કોઇ મનોમોહિની કામિનીએ ભ્રૂધનુષ્યમાંથી નેત્રશરનું સંધાન કરી ઘાયલ કરી નાંખ્યો છે.” એટલે મૂળદેવ બોલ્યો કે, “આ પોતે આવો સુંદર હોવા છતાં મોહાશક્ત કેમ થયો વારૂ ? કદાચિત એને જેણે પોતાના કટાક્ષબાણથી વીંધી નાખ્યો છે, તે સુંદરી એના કરતાં પણ વિશેષ સુંદર હશે, એવી કલ્પના સહજ કરી શકાય છે. અહાહા ! તે કેવી અને કેટલી બધી અલૌકિક સુંદરી હશે ! ઠીક, પણ આ અસહાય તરુણને આપણે સાવધ તો કરવો જ જોઇએ.” એમ કહીને તેના મુખ અને નેત્રો પર જલસિંચન કરી મૂળદેવે તેને હાથનો આધાર આપી સાવધતામાં લાવીને બેઠો કર્યો. શુદ્ધિ આવી ને જુએ છે તો તે લલનાનો ત્યાંથી લોપ થએલો હોવાથી તેને સર્વ શુન્યવત્ દેખાયું. માત્ર બે પુરૂષો ત્યાં ઊભેલા તેને મંદ મંદ દેખાયા. તે સાવધ થઈને બેઠો તો ખરો, પણ લલનાને ન જોવાથી હૃદયમાં બહુજ ખિન્ન થઇ ગયો. મૂળદેવે તેને પૂછ્યું કે;–“ભાઇ ! તારી આવી દશાનું કારણ શું છે?” તો તરુણ વિપ્ર કહેવા લાગ્યો કે-“તમારાથી મારા દુઃખનું નિવારણ થઇ શકે તેમ તો છેજ નહિ, એટલે પછી તમને મારા હૃદયની વેદના ખેાલી બતાવવાથી શો લાભ !” એ સાંભળીને મૂળદેવે આશ્વાસન આપ્યું કે;–“જો અમને તારા દુ:ખનું ખરેખરૂં કારણ તું જણાવીશ, તો અવશ્ય અમે અમારાથી બની શકશે તેટલો તે દુઃખના નિવારણનો ઉપાય કરીશું.” આ પ્રમાણેનું આશ્વાશન મળવાથી તે તરુણના મનમાં બહુજ સંતોષ થયો અને તેથી તેમણે પોતાના રાજકન્યા સાથેના દૃષ્ટિમિલનનો સમસ્ત વૃત્તાંત સંભળાવીને છેવટે કહ્યું કેઃ– “મહારાજ ! જો મને એ રમણીરત્નની પ્રાપ્તિ નહિ થાય, તો હું તેના વિયોગમાં ઝૂરી ઝૂરીને સત્વર જ મરી જઇશ, કારણ કે, તેનાં નયનબાણો મારા હૃદયને ભેદીને પાર નીકળી ગયાં છે. મારા હૃદયમાં એ બાણોનો એવો તો ઊંડો અને કારી જખમ થઇ ગયો છે કે જ્યાં સુધી કોઇ મહા કુશળ વૈદ્ય ન મળે, ત્યાં સુધી તે કદાપિ રૂઝાય તેમ નથી. જે વૈદ્ય મારા એ જખમને રૂઝાવશે, તેનો હું સદાને માટે ગુલામ થઇ રહીશ, તેનો મરણ પર્યન્ત આભાર માનીશ અને તેની સર્વ પ્રકારની સેવા કરીશ.” મૂળદેવે કહ્યું કે- “ભાઈ ! અત્યારે તો તું અમારી સાથે ચાલ, પછી અમે પ્રયત્ન કરીને તેની સાથે તારો મેળાપ કરાવી આપીશું. છતાં જો અમારો પ્રયત્ન સફળ નહિ જ થાય, તો તને દ્રવ્યની પ્રાપ્તિ કરાવી આપીને સંતુષ્ટ કરીશું.” તરુણ બ્રાહ્મણે કહ્યું કે;–“ઈશ્વરે સૃષ્ટિમાં અનેક પ્રકારનાં રત્નો ઉત્પન્ન કર્યા છે, પરંતુ તેમાં સ્ત્રી રત્ન જેવું ઉત્કૃષ્ટ બીજું એક પણ રત્ન નથી. સ્ત્રીના સુખ માટે પુરુષો અનેક પ્રકારનાં દુઃખ આનંદથી ભોગવે છે. જે ગૃહમાં સ્ત્રી નથી તે ગૃહ સ્મશાન તુલ્ય મનાય છે અને સ્ત્રીહીન પુરુષની અન્ન, વસ્ત્ર, અલંકાર કિંવા સુખોપભોગ આદિમાં જરાપણ રૂચિ હોતી નથી. કરોડોની દૌલત હોય અને સ્ત્રી ન હોય, તો તે સંપત્તિ સર્વથા વ્યર્થ છે. સ્ત્રીને પુરુષનો સહવાશ ન હોય અને પુરૂષને સ્ત્રીનો સમાગમ ન હોય, તો બન્નેમાંથી કોઇને પણ સુખ હોતું નથી. ધર્મનું ફળ દ્રવ્ય છે, દ્રવ્યનું ફળ સુખ છે અને સુખનું ફળ સાધ્વી સ્ત્રી છે, જ્યાં સ્ત્રી અને પુરુષનો પરસ્પર પ્રેમ હોતો નથી, ત્યાં સુખ હોય જ કયાંથી ? પ્રેમહીન દંપતીનો સમય દુ:ખમાં જ વીતી જાય છે.”

“તમારી જે ઇચ્છા હશે તે પૂર્ણ કરવામાં આવશે.” મૂળદેવે કહ્યું.

“મને જે કશાની પણ અપેક્ષા હોય, તો તે એ સ્ત્રી રત્નની જ છે !” તરુણ બ્રાહ્મણે તેનું તેજ ઉત્તર આપ્યું.

મૂળદેવ તેને વળી પણ આશ્વાસન આપીને પોતાની સાથે લઈ ગયો અને ત્યારપછી તેણે બે મંત્રગુટિકાઓ સિદ્ધ કરી. તેમાંની એક ગુટિકા તે તરુણ બ્રાહ્મણને આપી મુખમાં ધારણ કરવાનું કહ્યું. એ ગુટિકાના યોગે તે તરુણ સુંદરીના અવતારમાં ફેરવાઈ ગયો અને બીજી ગુટિકાને પોતે પોતાના મુખમાં ધારણ કરવાથી મૂળદેવ પોતે એંસી વર્ષના વયનો વૃદ્ધ બ્રાહ્મણ બની ગયો. ત્યાર પછી તે વૃદ્ધ તે કૃત્રિમ બાળાને લઈને રાજગૃહમાં જઈ લાગ્યો. તે સમયે રાજા સભામાં બેઠો હતો ત્યાં જઈ તેને આશીર્વાદ આપીને વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે:- “આપ ભૂપતિ સર્વ પ્રાણીના પ્રતિપાલક અને સંરક્ષક છો, એટલે હું આપ પાસેથી ભિક્ષા માગું છું કે, મારી આ પુત્રવધૂને તેનાં પિયરિયાયાંથી તેડી લાવવાને ગયો હતો એટલામાં પાછળ અમારા ગામમાં મહામારિકાનો ઉપદ્રવ થવાથી આખું ગામ ઉજ્જડ થઈ ગયું -કેટલાંક મરી ગયાં અને બાકીનાં ધાસ્તીથી દેશદેશાંતરમાં ચાલ્યાં ગયાં છે. અર્થાત્ મારી સ્ત્રી અને મારો પુત્ર કયાંક ચાલ્યાં ગયાં છે કે મરી ગયાં એનો જ્યાં સુધી વિશ્વાસપાત્ર શોધ ન મળે, ત્યાં સુધી મારી આ તરુણ પુત્રવધૂને આ૫ પોતાના રાણીવાસમાંની સ્ત્રીઓ સાથે રહેવાની વ્યવસ્થા કરી આપો, મારા ઉપર આપનો એથી અત્યંત આભાર થશે.”

બ્રાહ્મણનું આવા પ્રકારનું ભાષણ સાંભળી રાજા વિચારમાં પડી ગયો કે; “જો આ તરુણ અને અત્યંત રૂપવતી રમણીને હું મારા મહાલયમાં રાખીશ, તો એના કારણથી આગળ જતાં અનેક પ્રકારનાં વિધ્નો ઉત્પન્ન થશે; અને જો નહિ રાખું તો બ્રાહ્મણ મહા દુ:ખી થઈને ક્રોધથી શાપ આપશે, તો મારું નખ્ખોદ કાઢી નાખશે !”

છેવટે ઇચ્છા કે અનિચ્છાથી રાજાએ તે વૃદ્ધ બ્રાહ્મણની સ્નુષાને પોતાના અંતઃપુરમાં રાખવાની વ્યવસ્થા કરી આપી અને રાજકુમારી ચંદ્રપ્રભાને બોલાવીને કહ્યું કે;-“આ બાઈ બ્રાહ્મણ કન્યા હોવાથી એને તું પોતા પાસે રાખીને એની બધી રીતે સંભાળ રાખજે; કાંઈ પણ પંક્તિપ્રપંચ રાખીશ નહિ, ખાતાં, પીતાં, ચાલતાં, બેસતાં, સૂતાં, અમને રમતાં એને એક નિમેષ માત્ર પણ પોતાથી જુદી કરીશ નહિ.” પિતાની આ આજ્ઞાને મસ્તકે ચઢાવી પ્રેમથી બ્રાહ્મણકન્યાનો હાથ ઝાલી તેને રાજકુમારી આદરપૂર્વક પોતાના મહાલયમાં લઈ ગઈ. ત્યાં નાના- પ્રકારનાં ભોજનથી ક્ષુધાને તૃપ્ત કરી બન્ને નવીન સખીએ પલંગ પર સાથે સૂઈ ગઈ.

શય્યામાં ઉભયનાં અંગોનો સ્પર્શ યોગ થવાથી અને બન્ને બાળાઓ તારુણ્યમાં આવેલી હોવાથી તેમના શરીરમાં કામાગ્નિ પ્રદીપ્ત થયો. આવો રંગ જોઈને બ્રાહ્મણકન્યા રાજકુમારીને પૂછવા લાગી કે;- “સખી ! તને સર્વ વસ્તુઓની અનુકૂળતા હોવા છતાં તું આટલી બધી શરીરે કૃશ કેમ થઈ ગઈ છે, એ જણાવીશ ? આપણે સમાન વયના છીએ એટલે હૃદયની વાત કહેવામાં કશો વાંધો નથી, પછી તો જેવો તારો વિચાર અને તારે મારામાંનો વિશ્વાસ !”

“મારા અંતરમાં આટલા બધા વૈભવવિલાસ હોવા છતાં જે એક અસહ્ય વેદના નિરંતર થયા કરે છે, તે કોઈને કહી કે બતાવી શકાય તેવી નથી.” રાજકુમારીએ નિ:શ્વાસ નાખીને કહ્યું.

“પણ સખી, જો મને પોતાની એ વેદના જણાવીશ, તો તેને ટાળી તને સુખી કરવાના પ્રયત્ન કરી શકીશ, એવી મારી પાસે એક અલૌકિક કળા છે, ગમે તેવી પણ હું બ્રાહ્મણકન્યા છું, એ તારે ભૂલી જવાનું નથી. આગળના ઋષિમુનિઓ કેવા ચમત્કારો કરી શકતા હતા, એ તો તું જાણે જ છે." બ્રાહ્મણકન્યાએ આગ્રહ કર્યો. “બહેન ! બે ચાર દિવસ પૂર્વે હું મારા વસંતોપવનમાં મારી સખીઓ સાથે લટાર મારવાને ગઈ હતી, ત્યાં અચાનક એક સુંદર તરુણ પુરુષ મારા જોવામાં આવ્યે અને હું મોહથી મુગ્ધ બની મૂર્છિત થઈ ગઈ. મારી સખીઓ મને અહીં લઈ આવી અને તેનાથી મારો વિયોગ થઈ ગયો. તે ઘડીથી મારૂં મન તેનામાં એટલું બધું પરોવાઈ ગયું છે કે હું લગભગ ગાંડી જેવી જ બની ગઈ છું. મને જોઈને તેને મૂર્છા આવી ગઈ અને તેને જોઈને મને મૂર્ચ્છા આવી ગઈ. મને તો સખીઓએ સાવધ કરી મહાલયમાં પહોંચાડી, પરંતુ તે બિચારો જીવતો રહ્યો કે મરી ગયો, એના મને કશા પણ સમાચાર મળી શક્યા નથી. તેના અલૌકિક રૂપને જોવા પછી આ વસ્ત્રાલંકાર અને વૈભવવિલાસ મને વિષતુલ્ય ભાસે છે, એ પુરુષના ઉપભેાગ સમક્ષ આ રાજસત્તા પણ તુચ્છ છે !” રાજકુમારીએ પોતાના દુ:ખનું કારણ કહી બતાવ્યું.

“વારૂ, ત્યારે જો તે પુરુષને અત્યારે અને આ ઘડીયે જ અહીં બોલાવી તેની સાથે તારો મેળાપ કરાવી આપું, તો મને ઈનામ શું આપીશ વારૂ ? આવી સેવાનું ઈનામ પણ તેવું જ મોટું મળવું જોઈએ.” વિપ્રકન્યા બોલી.

“જે વસ્તુ માગીશ, તે હું આપીશ અને તે ઉપરાંત મરણ- પર્યન્ત તારાં ચરણોની દાસી થઈને તારી પ્રત્યેક આજ્ઞાનું પાલન કરીશ !” રાજકુમારીએ પોતાના માનને ત્યાગીને અત્યંત નમ્રતા દર્શાવી. બ્રાહ્મણકન્યાએ મુખમાંથી ગુટિકાને કાઢી લેતાંજ તેનો પુરુષાવતાર પાછો આવી ગયો. તેને પુરુષના અવતારમાં પોતા સમક્ષ ઊભેલો જોઈ હૃદયમાં આનંદનો ઉછાળો આવવા છતાં લજ્જાથી રાજકુમારી અધોવદના થઈને ઊભી રહી. એ પછી બન્નેએ ત્યાં ગાંધર્વ લગ્નનો વિધિ કર્યો અને તેઓ પતિપત્નીના સંબંધથી એક બીજા સાથે સદાને માટે સંધાયાં. માત્ર શય્યાશાયીના સમય વિનાના બીજા સમયમાં તે તરુણ બ્રાહ્મણ મુખમાં ગુટિકા રાખી સ્ત્રીના અવતારમાંજ રહેતો અને નિશા સમયે પુરુષ થતો હતો, એવી રીતે નાના પ્રકારના ભોગ ભોગવતાં કેટલોક કાળ વહી ગયા અને ત્યાર પછી રાજકુમારી ગર્ભવતી થઈ. એકવાર પ્રધાનને ત્યાં લગ્નનો પ્રસંગ હતો ત્યાં રાજકન્યા સાથે તે વિપ્રકન્યા પણ ગઈ. તેને જોઈને પ્રધાન પુત્ર કામાસક્ત થયો અને પોતાના પ્રિય મિત્રને કહેવા લાગ્યો કે;-“આ સુંદરીએ આજે મને એવો તો ઘાયલ કરી નાખ્યો છે કે એના સમાગમ વિના સર્વ કાંઈ મને નરકવાસ સમાન જ ભાસ્યા કરે છે. જો આ અબળાની મને પ્રાપ્તિ નહિ થાય, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ !”

લગ્નવિધિની સમાપ્તિ થતાં રાજા, અન્ય અધિકારીઓ અને સાધારણ અસાધારણ નિમંત્રિત જનો તેમજ સ્ત્રીઓ પોતપોતાને સ્થાને જવાને ચાલ્યાં ગયાં. પ્રધાનપુત્રે તો સર્વ ભોગવિલાસ અને તે સાથે ખાનપાન સુદ્ધાનો પણ ત્યાગ કરી દીધો. તેના પ્રિય મિત્રે આ બધી બાબત તેના પિતાને જણાવી એટલે પ્રધાને રાજા પાસે આવીને પ્રાર્થના કરી કે;-“મહારાજ ! આપના મહાલયમાં જે કન્યા છે, તે મારા પુત્રને આપીને તેના પ્રાણ બચાવો; નહિ તો મારા એકનો એક પુત્ર અવશ્ય અકાળ મૃત્યુને વશ થઈ જશે.”

“પ્રધાનજી ! તમે આજે ગાંડા તો નથી થયા ને ? એક તો એ બ્રાહ્મણકન્યા હોવાથી આપણને પૂજ્ય છે અને વળી જો હું એમ કરૂં, તો મારા શિરપર વિશ્વાસઘાતનો દોષ પણ આવી પડે. તમે ચતુર, બુદ્ધિમાન્, વિચારશીલ અને ન્યાયપરાયણ છો, એટલે આવી અયોગ્ય વાણી તમારા મુખમાંથી તો ન જ નીકળવી જોઈએ. આ યોગ થવો સર્વથા અશકય અને અસંભવનીય છે.” રાજાએ પ્રધાનની વાર્ત્તા સાંભળીને ધર્મનું ભાન કરાવ્યું.

પ્રધાન નિરુત્તર થઈને પાછો ઘેર આવ્યો અને રાજાએ આપેલું ઉત્તર પિતાના મુખથી સાંભળી પ્રધાનપુત્ર નિરાશ અને આકુળવ્યાકુળ થઈ ગયો. ત્યાર પછી વળી એકવાર સભામાં જઈને બીજા અધિકારી તથા રાજકર્મચારી જનોએ રાજાને પ્રાર્થના કરી કે;–“મહારાજ ! એ બ્રાહ્મણકન્યા પ્રધાનપુત્રને આપી રાજ્યને સુરક્ષિત કરો, તો વધારે સારૂં; કારણ કે, વિરહાગ્નિનો ભય અસહ્ય થવાથી પ્રધાનપુત્ર મરવાની અણી પર આવી લાગ્યો છે, જો એનું કાંઈ અશુભ થઈ જશે, તો વૃદ્ધાવસ્થામાં પુત્રમરણના આધાતથી પ્રધાનજીનો પણ પરલેાકનાશ થઈ જહે; કારણ કે, પ્રધાનજીના પ્રાણ એ પુત્રના આધારે જ ટકી રહ્યા છે, જો પ્રધાનજીનો અંત થશે, તો રાજ્યને ચલાવવાનો સર્વ ભાર અત્યારે આપણા શિરપર આવી પડશે; કારણ કે એવો દક્ષઃ બીજો પ્રધાન અત્યારે જ મળી શકે તેમ નથી. આ સર્વ કારણોથી આપે અમારી આ પ્રાર્થનાનો રાજ્યના કલ્યાણ માટે સ્વીકાર કરવો જ જોઈએ. એ વૃદ્ધ બ્રાહ્મણ પોતાની એ પુત્રવધૂને અહીં મૂકી ગયો તેને ઘણા દિવસ વીતી ગયા છે, એથી અનુમાન કરી શકાય છે કે તેનાં સ્ત્રીપુત્ર આદિનો અવશ્ય નાશ થએલો હશે અને એમ થયું હશે તો તે પાછા આવવાનો પણ નથી, છતાં ધારો કે તે આવ્યો, તો તેને યથેચ્છ ધન આપી પૂર્ણ સંતુષ્ટ કરી તેના પુત્રને જો તે જીવતો હશે તો બીજી કન્યા પરણાવી દઈશું.”

આ વાર્ત્તા રાજને ગળે ઊતરતાં તેણે બ્રાહ્મણસ્નુષાને સભામાં બોલાવીને પ્રધાનપુત્રની તેનામાંની આસકિતનો સમગ્ર વૃત્તાન્ત કહી સંભળાવ્યો, એટલે તે સાંભળીને વિદુષી બ્રહ્મતનયા કહેવા લાગી કે; “મહારાજ! આપ એ તો જાણો જ છો કે: વ્યભિચારથી સ્ત્રીના ધર્મનો નાશ થાય છે, અધર્મના આચરણથી ધન નષ્ટ થાય છે અને ગાય જો એકલી જ અરણ્યમાં જાય તો અવશ્ય તેના જીવનનો અંત આવી જાય છે. આજે મારૂં સુંદર અને અલૌકિક સ્વરૂપ મારા જ નાશનું કારણ થઈ પડ્યું છે. એક તો હું અબળાજાતિ છું અને મારા પક્ષમાં કોઈ બીજો બોલનાર પણ નથી, એટલે પછી નિરાધારતાનો સંહાર થાય, એમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. અત્યારે તો મારા માતા, પિતા, ગુરુ, શ્વશુર, બંધુ કે આપ્ત જે ગણું તે કેવળ આપજ છો. મારો ઈશ્વર વિના બીજો કોઈ પણ આધાર નથી. અત્યારે 'દીકરીને ગાય દોરે ત્યાં જાય !' એ નિયમ પ્રમાણે આપના વચનને માન આપી વર્તવા વિના મારો છૂટકો થવાનો નથી, એ હું સારી રીતે જાણું છું. છતાં મારી એટલી પ્રાર્થના છે કે, મારી સાથે લગ્ન કર્યા પહેલાં પ્રધાનપુત્રે મારી એક બે ઇચ્છાઓને આધીન થવું અને તે જો તેમ કરશે, તો હું આનંદથી આપની આજ્ઞાને આધીન થઈશ. મારી પ્રથમ ઇચ્છા એવી છે કે, હું જાતિની બ્રાહ્મણકન્યા હોવાથી અને તે પોતે ક્ષત્રિયપુત્ર હોવાથી આ સંબંધ અયોગ્ય હોવા છતાં એને બળાત્કારે યોગ્ય કરવાનો છે; એટલે તે જે તીર્થયાત્રા કરીને પવિત્ર થઈ આવશે, તે પછી હું તેના ગૃહમાં નિવાસ કરવાને જઈશ.”

રાજાએ પ્રધાનપુત્રને બોલાવીને બ્રાહ્મણકન્યાની ઇચ્છા જણાવી, એટલે બહુજ સંતુષ્ટ થઈને બેાલ્યો કે;–“ તીર્થયાત્રા કરી આવવામાં મને કશે પણ વાંધો નથી; કારણ કે, એમાં તો એક રીતે મારૂં પેાતાનું પણ કલ્યાણ સમાયલું છે. પરંતુ પ્રથમ એ સુંદરીએ મારા ગૃહમાં આવીને રહેવું જેઈએ.” રાજાની આજ્ઞા થવાથી નિરુપાય થઈને તે બ્રાહ્મણકન્યા રાજકુમારીના સમાગમને ત્યાગી પ્રધાનપુત્રના ગૃહમાં જઈને રહેવા લાગી.

ત્યાર પછી પ્રધાનપુત્રે તીર્થયાત્રાએ નીકળવાની તૈયારી કરી. જતી વેળાએ તેણે પોતાની આગલી સ્ત્રીને પિતા પાસે બોલાવીને ઉપદેશ આપ્યો કે;–“તમો બંને એક ચિત્તથી અને સંપસમાધાનથી રહેજો. એક બીજાના પ્રમાદ કે અપરાધને સહન કરવો અને પારકે ઘેર વધારે જવું નહિ.” આ પ્રમાણે ઉપદેશ આપીને તે તીર્થયાત્રા કરવાને ચાલ્યો ગયો.

તેના ગયા પછી રાત્રે તેની સ્ત્રી સૌભાગ્યસુંદરી અને નવીન સ્ત્રી બ્રાહ્મણકન્યા એક જ પલંગમાં પોઢેલી હતી. તેવામાં સૌભાગ્યસુંદરીને પોતાના પતિ પ્રધાનપુત્રનું સ્મરણ થતાં કામદેવે તેનાં હૃદયમાં વિકારની વ્યથા ઉપજાવી દીધી, તે વેળાએ તે બ્રાહ્મણકન્યાને – પોતાની સ૫ત્નીને સંબોધીને કહેવા લાગી કે:-“આ ક્ષણે હું કામાતુર થઈ છું, તો આ મારા આ કામજ્વરનો તા૫ કયા ઉપાયથી શાંત થઈ શકે એમ છે ?” “જો અત્યારે અને આ પગે જ તારો મનોરથ સિદ્ધ થઈ જાય, તો તેના બદલામાં તું મને શું આપે વારૂ?” બ્રાહ્મણકન્યાએ સ્હામો પ્રશ્ન કર્યો.

“તમારી જે ઇચ્છા હોય તે આપું એટલું જ નહિ, પણ જન્મારાની તમારી બેબદામની ગુલામડી બની જાઉં. પણ અત્યારે મારી એ મન:કામના ક્યાંથી અને કેવી રીતે સિદ્ધ થાય ? જેવી હું તેવાં તમે ?” સૌભાગ્યસુંદરીએ ઉદ્ગાર કાઢીને છેવટે નિરાશા દર્શાવી.

તેના આ શબ્દો સાંભળી બ્રાહ્મણકન્યાએ મુખમાંની ગુટિકાને બહાર કાઢીને પોતાના પુરુષના અવતારને ધારણ કરી લીધો અને તે સ્ત્રીને તેની ઇચ્છા પ્રમાણેને સંતોષ આપ્યો. એવી રીતે છ માસ પર્યન્ત તે પ્રધાનપુત્રના ગૃહમાં રહીને તે તરુણ બ્રાહ્મણે પોતાનો કાળ આનંદવિલાસમાં વીતાડ્યો. છ માસ પછી પ્રધાનપુત્ર તીર્થ યાત્રા કરીને પાછો આવ્યો એટલે લોકો તેના લગ્નની તૈયારીઓ ધામ ધૂમ સાથે કરવા લાગ્યા. આવા પ્રકાર જોઈ તે બ્રાહ્મણપુત્ર પોતાના મુખમાંથી ગુટિકા કાઢીને ત્યાંથી કોઈના જાણવામાં ન આવે તેવી રીતે પલાયન કરી ગયો અને તે બ્રાહ્મણ મૂળદેવને મળી સમસ્ત વૃત્તાંત કહી સંભળાવીને તેની ગુટિકા તેને પાછી આપી દીધી.

ત્યાર પછી તે વૃદ્ધ બ્રાહ્મણ પોતાના પુત્ર સહિત રાજા પાસે આવ્યો. રાજાએ તેને કુશળ સમાચાર પૂછ્યા પછી સવાલ કર્યો કે;– “ભૂદેવ! આપે આટલા દિવસ કયાં વીતાડ્યા અને કાંઈ સમાચાર પણ ન મોકલ્યા તેનું કારણ શું ?"

“મહારાજ ! હું મારા પુત્રને શોધવા માટે ગયો હતો. આ મારો પુત્ર બહુ દૂરના દેશમાં નીકળી ગએલો હોવાથી બહુ પ્રવાસ અને પરિશ્રમ કરીને હું એને આપની પાસે ખેંચી લાવ્યો છું. હવે કૃપા કરી મારી પુત્રવધૂને અમારે હવાલે કરી અમને વિદાય કરી દ્યો એટલે થયું.” રાજા ગભરાટમાં પડી ગયો અને નીચું મોઢું કરીને કહેવા લાગ્યો કે;–“મહારાજ, ધરાદેવ ! મને મારા અપરાધની ક્ષમા આપો !"

“રાજન ! તેં મારો શો અપરાધ કર્યો છે ? આટલા દિવસ મારી સ્નુષાનું રક્ષણ કર્યું એ તો મારા પર તારો એક મોટામાં મોટો ઉપકાર જ છે કે જેનો બદલો મારાથી કદાપિ આપી શકાય તેમ છે જ નહિ.” બ્રાહ્મણે આશ્ચર્યચકિત થઈને કહ્યું.

એ પછી જ્યારે રાજાએ તેની ગેરહાજરીમાં બનેલા બનાવનો સધળો વૃત્તાંત તેને કહી સંભળાવ્યો, ત્યારે તે બ્રાહ્મણ મહા સંતપ્ત થઈને બોલ્યો કે –“મારા આ અંધયષ્ટિકાસમાન પુત્રને પોતાની સ્ત્રીમાં અત્યંત અનુરાગ હતો, અને તે એટલો બધો કે હવે તે મારો એ પુત્ર પત્નીના વિયોગથી મરી જ જવાનો. અરે અનાચારી રાજન વૃદ્ધાપકાળમાં મારો તો શસ્ત્ર વિના જ ઘાત કરી નાખ્યો. હું આ અન્યાય વિષે ઈશ્વર આગળ પોકાર કરીને નિત્ય તને શાપ આપતો રહીશ ! જો બ્રાહ્મણના શાપથી બચવું હોય, તે તારી સ્નુષાને લાવ મારા પુત્ર આગળ હાજર કરી દે અને અમને આ પા૫પુરીમાંથી વિદાય કર. જો એમ ન જ બની શકે, તો મારા પુત્ર સાથે તારી રાજકન્યાનો લગ્નસંબંધ કરી આપ !”

રાજાએ શાપના ભયથી બ્રાહ્મણની ઇચ્છા પ્રમાણે પોતાની રાજકુમારીને તેના પુત્ર સાથે પરણાવી દીધી. ત્યાર પછી તે તરુણ બ્રાહ્મણ કેટલાક દિવસ સાસરિયાંનાં સુખો ભોગવીને પછી પોતાની પત્નીને લઈ પોતાની જન્મભૂમિમાં ચાલ્યો ગયો.

આ પ્રમાણેની કથા સંભળાવ્યા પછી મેં કહ્યું કે;-“ભદ્રે ! સારાંશ એટલો જ કે, તે બ્રાહ્મણકુમાર પ્રમાણે જ મને એ સ્ત્રીના પ્રેમનો ઉન્માદ લાગી ગયો. છે. અર્થાત્ તેના સદ્ભાગવયેાગે જેવી રીતે પરોપકારી બ્રાહ્મણ મૂળદેવ અચાનક ત્યાં આવી લાગ્યો, અને તેના મનોરથને અદ્ભુત ગુટિકા દ્વારા પૂર્ણ કરી તેના પ્રાણને બચાવ્યા, તેવી રીતે આજે મારા મનોરથને પૂર્ણ કરી તમે મારા જીવન નું રક્ષણ કરો. હવે અમે બન્નેનાં ગળાં અને છરી બન્ને તમારા હાથમાં છે, એટલે મારો કે તારો એ માત્ર તમારો જ અધિકાર છે. આનાથી વધારે હવે મારાથી કાંઈ પણ બોલી શકાય તેમ નથી.”

તે દક્ષ દાસી કહેવા લાગી કે;-“ડોકટર સાહેબ ! જો આ નિંદ્ય કર્મ પ્રકાશમાં આવશે, તો તે આપણ ત્રણેનો એક સાથે અપ્રતિષ્ઠા સહિત નાશ કરી નાખશે. માત્ર એક ક્ષણના સુખની લાલસા માટે પોતાની શાશ્વત પ્રતિષ્ઠા અને અમૂલ્ય માનવી જીવનને નાશ કરવો, એ શું વિચારશીલતા કહેવાય કે ? અનો ગહન વિચાર કરવો, એ તમારૂં કર્તવ્ય છે. વળી મારી તો એટલી બધી હાનિ થવાનો સંભવ છે કે, મારે અન્ન અન્ન કરીને ભૂંડા હાલે મરવું પડશે અને તમારો પણ અનેક પ્રકારે અપાય થવાનો. અર્થાત્ આ નાદમાં ન પડતાં જો આ નગરને ત્યાગીને ચાલ્યા જાઓ, તો તમારો મોટો ઉપકાર - હું એવું જાણીશ કે, જાણે તમેજ મને અને મારી શેઠાણીને નવીન જીવન આપ્યું ! છતાં જો હઠને ત્યાગવાની તમારી ઇચ્છા ન જ હોય, તો હું આજે જ આ બધી વાત મારા શેઠને જણાવી દઈશ અને તેથી સત્વર જ પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ તમને પ્રાપ્ત થઈ જશે !”

અનંગભદ્રા ! તે દાસીનાં આવાં કઠોર વચનો સાંભળીને હું તો વળી વધારે અને વધારે લંપટ થતો ગયો અને પાછો તેને બે હાથ જોડી પ્રાર્થના કરતો કહેવા લાગ્યો કે:-“ભદ્રે ! અમે બન્ને કામક્ષુધાથી વ્યાકુળ થએલાં માટે મનોરથસિદ્ધિરૂપ ફળને આપનાર આશાવૃક્ષ માત્ર તમે જ છો. જો તમેજ અમારાં મારનાર થશો, તો પછી અમારો ઉદ્ધાર બીજા કોઈથી પણ થવાનો નથી. આવી કઠોરતાને ધારણ ન કરતાં જે વસ્તુની ઇચ્છા હોય તે વસ્તુ તત્કાળ અમારી પાસેથી માગી લ્યો અને એકવાર અમે બન્નેનો એકાંતમાં મેળાપ કરાવી આપો. એથી ઇશ્વર પણ તમારા પર પ્રસન્ન થશે.”

અનંગભદ્રા ! મેં ઇચ્છિત વસ્તુ માગી લેવાનું જણાવતાં જ તે દાસીનું મન કાંઈક પીગળ્યું અને તેથી તે કઠોરતાને ત્યાગીને બોલી કે:–“પ્રથમ મને જે કાંઈ આપવાનું હોય તે આપો અને તે સાથે મારી શેઠાણી અલકનંદાબાઈને તમે નસાડીને લઈ નહિ જાઓ એ માટેનું ધર્મસાક્ષીથી વચન આપો. ત્યારપછી હું તમને ત્યાં સ્ત્રીના વેશમાં લઈ જઈશ અને તમારી મનોરથસિદ્ધિનો યોગ મેળવી આપીશ.” મેં મારી પ્રિયતમાને કોઈ અન્ય સ્થળે લાવવાનો તેને બહુ આગ્રહ કર્યો, પણ મારા તે આગ્રહને જરા પણ ધ્યાનમાં ન લેતાં તેણે કેવળ એટલો જ જવાબ આપ્યો કે-“કૃપા કરીને અત્યારે હવે આ૫ પોતાને સ્થાને ચાલ્યા જાઓ. હું શેઠાણી પાસે જઈ તેમનો આ વિષયમાં શો અભિપ્રાય છે તે જાણી લઈને સંધ્યાકાળે પાછી તમને મળીશ.” તેનું આ ઉત્તર સાંભળીને હું મારા નિવાસસ્થાનમાં ચાલ્યો આવ્યો.

દાસીએ શેઠાણી પાસે જઈને તેને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યારપછી કહ્યું કેઃ–“હવે જો તમને કોઈ યુક્તિ સૂઝતી હોય, તો કોઈ નિમિત્ત બતાવીને અત્યારે જ ઘરમાંથી બહાર નીકળી પડો એટલે થઈ જાય આજે ને આજે જ મનોરથની સિદ્ધિ. ધર્મના કાર્યમાં નકામી ઢીલ શા માટે થવી જોઈએ ?”

“સખી ! અત્યારે તો તેવું મારાથી કાંઈ પણ કરી શકાય તેમ નથી. પરંતુ આજે મેં મારા પતિને કહેલું છે કે, મારા પેટમાં આજે પાછો ભયંકર દુ:ખાવો થઈ આવ્યો છે, એટલે આ કારણથી તું જઈને ડોકટરને અહીં ઉપચાર કરવાના નિમિત્તથી લઈ આવ, પણ હા - ઠીક યાદ આવ્યું, કારણ કે, તે અહીં આવશે, તો પણ મનોરથની સિદ્ધિ તો નહિજ થાય; કારણ કે, ડોકટરને કેટલીકવાર રોકી શકાય ? જો તે વધારે વાર રોકાય તે અવશ્ય કોઈના મનમાં શંકા આવી જાય અને તત્કાળ ભેદનો પ્રકાશ થાય તો જીવતાં મુવા જેવું થાય ! ત્યારે હવે પ્રિયકરને મળવાને બીજો શો ઉપાય કરવો ?” આમ બોલીને તે મહા ચિંતામાં પડી ગઈ. “ચિંતા ન કરો, એની વ્યવસ્થા હું કરી લઇશ.” એ પ્રમાણે શેઠાણીને આશ્વાસન આપી તે દાસી મારી પાસે આવી અને ત્યાંનો વૃત્તાંત મને સંભળાવી સ્ત્રીવેશ ધારણ કરવાની સૂચના કરી દીધી. તે બનાવટી ચેાટલો સાથે લાવી હતી તે મેં ટોપી પ્રમાણે માથા પર ધારણ કરી લીધો, હાથમાં તેની શેઠાણીની સોનાની બંગડીઓ પહેરી લીધી અને ત્યાર પછી સ્ત્રીનાં વસ્ત્રો, ઘાઘરો, કમખો અને સાલ્લો ઇત્યાદિ પણ ધારણ કરી લીધાં. એ વેશમાં જ્યારે દાસી સાથે હું મારી મનોહારિણીનાં દ્વાર પર જઇ પહોંચ્યો, તે વેળાએ ત્યાં દેવડી પર એક વૃદ્ધ પુરુષ હુક્કો ગગડાવતો બેઠો હતો, તેણે દાસીને પૂછ્યું કે;-“બાઈ ! તારી સાથે આ બીજી સ્ત્રી કોણ છે વારૂ ?"

“આ દાયણ છે અને હાલમાં જ નવી નવી અમદાવાદથી આવી છે. આપણાં બાઇ સાહેબનું પેટ આજે કેટલાક દિવસથી દુ:ખ્યા કરે છે એટલે તેમના ઉપચાર માટે આ બાઇને બોલાવવામાં આવી છે.” આ જવાબથી તેનું સમાધાન થઇ ગયું અને અમો બન્નેએ તત્કાળ ગૃહમાં પ્રવેશ કર્યો.

એ વેળાએ સૂર્યનો અસ્ત થવા સાથે કામીજનોને પ્રિય નિશાદેવીની સત્તાનો આરંભ થઇ ગયો હતો. મારી મનોમોહિની પ્રથમથીજ પૂર્ણ શૃંગાર સજીને મારા આગમનની માર્ગપ્રતીક્ષા કરતી બેઠી હતી. તેણે મને સ્ત્રીના વેશમાં પણ તત્કાળ ઓળખી લીધો અને દાસીની જરા પણ લજ્જા ન રાખતાં તેના દેખતાં જ તે દોડીને એકદમ મારે ગળે બાઝી પડી. તે દાસીને કહેવા લાગી કે;–“જેના માટે આજે દીર્ઘકાળથી હું આતુર થઇ રહી હતી તે વસ્તુ આજે માંડમાંડ હાથમાં આવી છે, તો હવે એ લુચ્ચી બાઇને અહીંથી પાછી ન જવા દેવાની બરાબર તારે ખબરદારી રાખવી !” એમ કહીને તે મને પોતાના પલંગ પર લઇ ગઇ અને દાસીને એક રૂપિયો આપી મીઠાઇ લાવવાનું કહ્યું. દાસી મીઠાઇ લાવવા માટે લહરીપુરાના બજારમાં ચાલી ગઇ. ઊતાવળમાં ભાન ન રહેવાથી એારડાનાં બારણાં અંદરથી વાસ્યા વિના જ તે પલંગ પર મારી પાસે આવીને બેસી ગઇ. અમે બન્ને મસ્તીતોફાનમાં મચેલાં હતાં એટલામાં તેનો પતિ શસ્ત્રાસ્ત્ર ધારણ કરીને બહાર ગયો હતે તે અકસ્માત અમે બન્નેની આગળ આવીને ભૂત પ્રમાણે ઊભો રહ્યો. તેને જોતાં જ મારી બુદ્ધિનો લોપ થઇ ગયો અને બોબડી બંધ થઇ ગઇ. મે ગભરાટમાં ઊતાવળથી ઊઠીને માથાપર સાલ્લો એાઢી લીધો અને મનમાં દેવદેવતાનાં સ્મરણનો આરંભ કરી દીધો. હું મનમાં જ ઇશ્વરને કહેવા લાગ્યો કે:- “પ્રભો ! જો અત્યારે મારો જીવ બચાવીશ, તો હવે પછી કોઇવાર પણ હું આવો અપરાધ કરીશ નહિ!” એ વેળાએ મારા મનમાં એવો સંશય પણ આવ્યો કે, “દાસીએ એકવાર એવો ઉદ્ગાર કાઢ્યો હતો કે, “હું આ વાત મારા શેઠને કહી દઇશ,” એટલે કદાચિત તે જ રાંડ મીઠાઇ લેવા જતાં એને આ બધા ભેદ જણાવતી ગઇ હશે !” હું આવા તર્કવિતર્ક કરતો હતો એટલામાં તો સુંદરીના પતિએ તેને પૂછ્યું કે;– “હવે પેટનો દુ:ખાવો કેમ છે ?” એના ઉત્તરમાં તે સમયસૂચક સુંદરીએ સમતોલતા જાળવીને નમ્રતાથી જણાવ્યું કે;-“આ અમદાવાદથી નવી આવેલી સુયાણી હમણાં મારૂં પેટ તપાસતી હતી. એનો અભિપ્રાય એવો છે કે, મારે રજસ્વલા થવાનો સમય પાસે આવ્યો છે, તેથી જ આ દુ:ખાવો થાય છે, પણ ઇલાજ કરવાથી તે મટી જશે !” ત્યાર પછી તેના પતિએ મને પૂછ્યું કે;– “દાઇ ! આની પ્રકૃતિમાં બીજો કાંઇ વધારે બગાડો તો નથી ને ?” હું કાંઇ પણ ઉત્તર ના આપતાં સ્તબ્ધ થઇને બેસી રહ્યો. એટલે મારી વકીલાત કરતી તે સુંદરી બોલી કે;–“આ બાઇ બહુજ લજ્જાળુ હોવાથી પરપુરુષ સાથે વધારે વાતચીત કરતી નથી. માટે એને ન બોલાવશો.” આ ઉત્તર સાંભળીને તે પાસેના બીજા મકાનમાંની પોતાની બેઠકમાં ચાલ્યો ગયો.

અનંગભદ્રા ! તે સમયમાં મારા આનંદ અને ઉત્સાહનો ક્યાં અને કેવી રીતે લોપ થઇ ગયો, એનું વર્ણન હું કરી શકતો નથી. તે સ્ત્રી મહાચતુર હોવાથી અમો બન્ને એ સંકટમાંથી પાર પડી ગયાં, નહિ તો ત્યાં બન્નેનાં મડદાં થવાનો જ કાળ આવી લાગ્યો હતો. મેં અનન્ય ભાવથી ઇશ્વરની પ્રાર્થના કરી, તેથી જ મારો બચાવ થયો. એટલામાં તો દાસી બજારમાંથી પાછી આવી અને તે પણ આ વૃત્તાંત સાંભળીને બહુ ગભરાટમાં પડી ગઇ. ત્યાર પછી સ્નાન આદિ કરીને અમે ત્રણેએ સાથે બેસી બજારની મીઠાઇને ઇન્સાફ આપ્યો. એ પછી નાના પ્રકારનાં વિનોદાત્મક ભાષણોમાં અમે આખી રાત વીતાડી દીધી. ઉષઃકાળ થતાં હું તે સુંદરીને અનેક પ્રકારે વિનવી પુન: આવવાનું આશ્વાસન આપી દાસીને સાથે લઇ જવા માટે ઘરમાંથી બહાર નીકળ્યો. મહા આનંદસહિત હું દાસીને ઘેર ગયો અને ત્યાં સ્ત્રીવેશનો ત્યાગ કર્યા પછી એકવારનો ક્ષેમકુશળતાથી મારા પોતાના નિવાસસ્થાનમાં જઇ પહોંચ્યો. પ્રભાતકાળ થતાં જ તે સુંદરી પણ સર્વ સાહિત્ય લઈને શિવના પૂજન માટે શિવાલયમાં આવી અને પૂજા કરી મારાં દર્શનનો લાભ લઇ પાછી પોતાને ઘેર ચાલી ગઇ.

અનંગભદ્રા ! એ પછી ઉત્તરોત્તર અમો આશકમાશુકનો પ્રેમ વધારે અને વધારે ગાઢ થતો ગયો. કેટલીકવાર હું સ્ત્રીનો વેશ ધારીને તે મોહિનીના મંદિરમાં જતો હતો અને કેટલીકવાર તે પોતાની દાસીને ત્યાં આવીને મને પોતાના સમાગમનો લાભ આપતી હતી. બીજી વિશેષતા એ કે, મેં મારી નોકરી છોડી દીધેલી હોવાથી અને મારી પાસે જે કાંઈ હતું તે ખર્ચીને પૂરું કરી નાખવાથી હું પૈસા વગરનો ભીખારી બની ગયો હતો. આ ભેદ તેના જાણવામાં આવતાં તેણે મને એક હજાર રૂપિયા પોતાના ખાનગી ભંડારમાંથી લાવી આપ્યા અને તે ઉપરાંત દાસીના હાથે રોજ કાંઇ ને કાંઇ મોકલ્યા કરતી હતી કે જેથી મને કોઇ પણ પ્રકારનો ત્રાસ ભોગવવો ન પડે. આવી રીતે કેટલોક કાળ વીતી જવા પછી તે સુંદરી દાસીને ત્યાં આવીને મને કહેવા લાગી કે;– “ડોકટર સાહેબ ! અહીંથી હવે તમે મને અને મારી આ વફાદાર દાસીને કોઇ બીજા દૂરના દેશમાં લઇ જાઓ; કારણ કે, તમારો એક પળ માત્રનો વિયોગ પણ હવે મારાથી સહી શકાતો નથી. મારા પતિના સદનમાં હવે હું એક ક્ષણને માટે પણ રહેવા ઇચ્છતી નથી; પછી ભલે એમ કરવાથી મારા પ્રાણ જાય કે રહે એની મને જરા પણ દરકાર નથી !”

તેનો આવો નિશ્ચય જાણીને હું અત્યંત ઉદાસ થઇ ગયો. મને એવા વિચાર આવ્યા કે;-“આ સ્ત્રી કુલીન્ અને ધનાઢ્ય ગૃહની છે અને હું સાધારણ સ્થિતિનો પુરુષ છું એટલે એના ખર્ચાનો ભાર મારાથી ઊપાડી શકાશે કે કેમ, એ એક શંકા જ છે, વળી જો એ એકવાર લજ્જાને ત્યાગી પોતાના ઘરમાંથી બહાર નીકળી, તો પછી મારા તાબામાં પણ ભાગ્યે જ રહેવાની. આના આવા રંગઢંગથી મારી આબરૂ પણ જશે અને મારાથી કાંઇ ધંધો પણ કરી શકાશે નહિ; એટલું જ નહિ, પણ જો કોઇ વાર એના જમદગ્નિ રૂપ પતિનો પત્તો મળશે, તો ગમે ત્યાં આવીને તે મારૂં માથું ધડથી એકદમ જુદુ કરી નાખશે !” આવા ભયથી હું તેને ઉપદેશના રૂપમાં કહેવા લાગ્યો કે:-

“આવી ક્રૂરતા મારાથી કદાપિ થઇ શકવાની નથી; કારણ કે, જો મનુષ્ય બીજાનું અશુભ કરવા ઇચ્છે છે, તેના અશુભની યોજના ઇશ્વર પ્રથમથી જ કરી રાખે છે. આ વિષયસુખની અતિશય લંપટતાથી આજસુધીમાં અનેક શ્રીમાન્ લોકોનો સર્વ પ્રકારે નાશ થઇ ગયો છે. તો પછી આપણા જેવાની શી કથા! એક ચમકતા પાષાણના કટકાને જો સુવર્ણમુદ્રિકામાં જડી દેવામાં આવે, તો તે હીરાની બરાબરી કરે છે, પણ જો તે સ્થાનભ્રષ્ટ થાય, તો પછી તેનું મૂલ્ય એક દમડીનું પણ અંકાતું નથી. એટલા માટે જો તમે આ ઘરમાંથી બહાર નીકળી જશો, તો એક શાહુકારની સ્ત્રીની જેવી દશા થઇ હતી તેવી દશામાં આવી પડશો અને મરણપર્યત આ પ્રમાદનો પશ્ચાત્તાપ કરવો પડશે.” “તે સ્ત્રીની શી દશા થઈ હતી અને તેને કેવોક પશ્ચાતાપ કરવો પડ્યો હતો, તે વિસ્તારપૂર્વક સંભળાવશો ?” મારી માશૂકે આતુરતાથી પૂછ્યું.

“મહા હર્ષથી સંભળાવીશ !” એમ કહીને તે કથાનો મેં આ પ્રમાણે પ્રારંભ કર્યોઃ-