વીરક્ષેત્રની સુંદરી/વીરક્ષેત્રની સુંદરી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ડો. રામચંદ્રનો અનંગભદ્રાને બોધ વીરક્ષેત્રની સુંદરી
વીરક્ષેત્રની સુંદરી
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
સોનીએ પ્રાણ કેવી રીતે ગુમાવ્યો ?  →


પ્રસંગ ૨ જો

વીરક્ષેત્રની સુન્દરી

“હું મારા યૌવનકાળમાં હતો તે સમયે અમુક કારણવશાત્ ગુજરાતમાંની ગાયકવાડ સરકારની રાજધાની વીરક્ષેત્ર - વડોદરા – માં કેટલાક સમયને માટે જઈ રહ્યો હતો. ત્યાં ફતેપુરામાં પ્રત્યેક શુક્રવારે મોટો બજાર ભરાય છે. એક શુક્રવારે મારા એક મિત્ર સાથે હું બજારમાં કાંઈક ખરીદી કરવા અને બજારની ચેષ્ટા જોવા માટે ગયો. અમે બજારમાંના એક સ્થાને ઊભા રહીને બજારમાં ચાલતી ધામધૂમને જોતા હતા એટલામાં અચાનક સ્હામેના એક બે મજલાના મકાન તરફ મારી દૃષ્ટિ આકર્ષાઈ. તે મકાનની ખુલ્લી બારીમાં એક તરુણ, સુંદર અને ચંદ્રવદના લલના પોતાની સખીઓ સાથે બેઠી હતી. તે પણ બજારની ધામધૂમ જોતી હતી. એવામાં અમારી ઉપર કહ્યા પ્રમાણે ચાર આંખો થઈ ગઈ. તેણે જ્યારે મારાપર દૃષ્ટિપાત કર્યો એટલે પછી હું પણ આગળ કરતાં અધિક એકાગ્ર દૃષ્ટિથી તેને તાકી તાકીને જોવા લાગ્યો. એથી તે જાણી ગઈ કે, 'આ પુરુષ મારામાં અવશ્ય મોહમુગ્ધ થએલો હોવો જોઈએ !' એમ ધારીને તેણે પ્રથમ તો મને આંખનો ઈશારો કર્યો અને તેથી હું એમ સમજ્યો કે, એનો બીજો કોઈ મિત્ર કિંવા પ્રિયકર આ બજારમાં હશે તેને એ ઈશારાથી બોલાવે છે. એમ જાણીને હું ત્યાંજ ઊભો રહી તે મિત્રને જોવા માટે ચારે તરફ મારી દૃષ્ટિને ફેરવવા લાગ્યો, પરંતુ તે ક્યાંય જોવામાં આવી શક્યો નહિ, એટલે પુનઃ મેં તે રમણી પ્રતિ નેત્રપાત કર્યો, અને પાછી તે ઈશારો કરવા લાગી એટલે પાછો હું વધારે ધ્યાનથી તેના મિત્રને શોધવાના કાર્યમાં પ્રવૃત્ત થયો, પણ પ્રત્યુત્તર આપનાર બીજો કોઈ પણ મળી આવ્યો નહિ. આવી સ્થિતિને જોઈને મારી સાથે જે મારે મિત્ર હતો, તેને ઉદ્દેશીને મેં કહ્યું કે;–'મિત્ર ! જરા જો તો ખરો – પેલી સ્હામી બારીમાં બેઠેલી રમણી આપણી તરફ જોઈ નેત્રસંકેતથી અને કરસંકેતથી પોતા પાસે મને બોલાવવાની ચેષ્ટા કર્યા કરે છે !” મારી આ વાર્તા સાંભળી તે સ્ત્રીને એકવાર નિહાળ્યા પછી તે કહેવા લાગ્યો કે,-“ભાઈ ! એ કોઈ કુલીન કામિની છે'; તમે ધારો છો તેવી દુરાચારિણી દેખાતી નથી. તમારા સમજવામાં ભૂલ થવાથી તમે વિના કારણ બિચારીને બદનામ કરો છો. કદાચિત્ અહીં તેનો કોઈ ઈષ્ટમિત્ર હશે તેનેજ તે બોલાવતી હશે ?” આ તેનું ઉત્તર સાંભળીને મેં તેને જણાવ્યું કે;–'આપણે એકવાર પાછા એની તરફ જોઈએ એટલે એના મનમાં જે ભાવ હશે તે તરત જ જણાઈ આવશે.'

મારા આ શબ્દો સાંભળીને તે વક્રદૃષ્ટિથી તે સુંદરીની ચેષ્ટાને જોવા લાગ્યો. તે લલનાએ અમારી તરફ જોઈને પાછો આગળની પેઠે જ લટકાથી ઈશારો કર્યો. હવે તે અમને જ બોલાવે છે એવો અમારો નિશ્ચય થવાથી અમે બન્ને ત્યાંથી સ્હામી બાજુએ જઈ તે મકાનની નીચે ઊભા રહ્યા. એટલામાં તે અને બીજી ત્રણેક સ્ત્રીઓ નીચે ઊતરી આવી અને બજારની ભીડમાં એકની પાછળ એક ચાલતાં તે લલનાએ એક ચમત્કારિક સંકેતથી સૂચના આપી કે, 'તમે મારી પાછળ પાછળ ચા૯યા આવો !' અમે તેની પાછળ ચાલતા થયા, અને એક ઠેકાણે લોકોની વધારે ભીડ હતી ત્યાં મેં તેને પડખે ચઢીને તેનો હાથ પકડી લીધો અને ભીડ એાછી થતી હતી ત્યાં પાછો છોડી દીધો. તેમની સાથે એક વૃદ્ધ સ્ત્રી હતી તે એક વિશિષ્ટ માર્ગમાં ચાલતી થઈ અને બાકીની બીજી સ્ત્રીઓ સાથે તે રમણી ઊભી સડક લઈને ચાલવા લાગી. આવી સ્થિતિ જોઈને મેં મારા મિત્રને તે વૃદ્ધા સ્ત્રીની પાછળ રવાના કરી દીધો અને હું પોતે તે સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અમે બધાં મદનને ઝાંપે આવી લાગ્યાં. એ વેળાયે સંધ્યાનો સમય થઈ ચૂકયો હતો અને મદનને ઝાંપે મહા પ્રભુજીની બેઠકમાં દર્શનાર્થે આવેલાં અને દર્શન કરીને પાછા વળેલાં ભક્ત સ્ત્રી પુરુષોનાં ટોળેટોળાં ત્યાંથી ચાલ્યાં જતાં હતાં. એ ભીડનો લાભ લઇ તે બીજી સ્ત્રીઓ સહિત પોતાના ઘરમાં પેસી ગઈ. હું તો તેને ત્યાં આમ તેમ શોધતો જ કાવરો બાવરો બનીને ઊભો રહ્યો. તે વૃદ્ધ સ્ત્રી પણ મિયાં મહંમદની વાડીથી મદનના ઝાંપા તરફ આવતા માર્ગમાં મારા મિત્રને થાપ આપીને ક્યાંક અદૃશ્ય થઈ ગયેલી હોવાથી તે પણ હું જ્યાં હતો ત્યાંજ અચાનક આવી લાગ્યો અને અમારે ન ધારેલો મેળાપ થઈ ગયો. અમે બન્ને તે ગલીમાં તેની શોધમાં આમ તેમ ભટક્યા, પરંતુ તે કામાક્ષી ક્યાંય અમારા જોવામાં આવી નહિ. રાત્રિનું આગમન થતાં મનુષ્યોની ભીડ ઓછી થઈ ગઈ એટલે પુનઃ અમે તે માર્ગ અને પાસેની ગલીઓમાંનાં એકે એક ઘર બહારથી તાકી તાકીને તપાસી જોયાં, પણ તેના વદનચંદ્રના દર્શનનો અમને લાભ ન મળ્યા તે ન જ મળ્યો. અમને આવી રીતે ઘણી વારથી ભટકતા જોઈને એક ઘરના દરવાજા પર એક ઘાંચણ ઊભી હતી તેણે અમને પૂછ્યું કે,– “શેઠિયા ! આટલા લાંબા વખતથી આ રસ્તાપર અને ગલીઓમાં ભટકીને તમે કોને શોધો છો વારૂ ?” મેં તેને જવાબ આપ્યો કે;– “બાઈ ! હું શુક્રવારમાંથી પાછો ફરતો હતો એટલામાં કોઈ શ્રીમંતની એક સુંદર વનિતા મને માર્ગમાં મળી અને તેના પોતાના બેાલાવ્યાથી હું તેની પાછળ પાછળ અહીં સુધી આવ્યો અને અહીં અચાનક અમારો વિયોગ થઈ ગયો. અર્થાત્ હું તેને જ શોધ્યા કરું છું, પણ તેનો ક્યાંય પત્તો મળી શકતો નથી !” એ સાંભળીને તે ઘાંચણે કહ્યું કે:-“તે સુંદર હતી એમ તમે કહો છો, એટલે તે સ્ત્રી આ મહલ્લાની તો નથી જ. તે કોઈ બીજા મહલ્લામાંની સેલાણી બૈરી હશે, અહીં હવા ખાવાને આવી હશે અને હવા ખાઈને પાછી પોતાને ઠેકાણે ચાલી ગઈ હશે. તેનો એ જવાબ સાંભળીને મેં જણાવ્યું કે:- “બાઈ ! તેના ગુણોને જાણવાની મારા મનમાં મેાટી ચટપટ લાગી રહી છે; માટે જો તું તેને શોધી આપીશ, તે હું મારી શક્તિ અનુસાર તને સંતુષ્ટ કરીશ, એટલું જ નહિ, પણ તારા આ ઉપકારને મરણપર્યન્ત ભૂલીશ નહિ.” મારી આ વાણી સાંભળીને તે કહેવા લાગી કે;-'તમે આવતી કાલે આ સ્થળે જ આવજો. હું તેનો શોધ કરીને જો તે મળશે, તો એંધાણી કરી મૂકીશ !” “તેણે આવી આશા આપવાથી હું મારે ઘેર આવ્યો અને આખી રાત નિદ્રાનો આસ્વાદ ન લેતાં તે સુંદરીના ધ્યાનમાં જ નિમગ્ન રહ્યો. જે કોમળાંગીના કોમળ કરને મેં મારા કરથી સ્પર્શ કર્યો હતો, જે નારી નેત્ર સંકેત કરી મારા મનને હરી ગઈ હતી અને જે મારી હૃદયેશ્વરી થયેલી છે, તે કોપનાના વદનચંદ્રના દર્શનનો લાભ મને ક્યારે મળશે એવા પ્રકારના વિચારોમાં જ મેં આખી રાત વીતાડી દીધી. પ્રાતઃકાળ થતાં જ ઊતાવળથી શય્યાનો ત્યાગ કરી મુખમાર્જનાદિથી મુક્ત થઈ મેં નવીન વસ્ત્ર ધારણ કરી લીધાં અને હાથમાં એક સુંદર લાકડી લઈને હું તે ઘાંચણના ઘર આગળ જઈ પહોંચ્યો. શિયાળાના દિવસ હોવાથી તે લાકડાની ધૂણી કરીને દરવાજા આગળ તાપતી બેઠી હતી. હું પણ તેની પાસે જઈને બેઠો અને યુક્તિના માર્ગમાંથી ધીમે ધીમે મુદ્દાની વાત પર આવીને મેં પૂછ્યું કે બાઈ ! કાલે રાત્રે મેં જે કામ કરવાનું તને કહ્યું હતું, તે થયું કે ? તેનો કાંઈ પત્તો મળ્યો કે કેમ ?” એના ઉત્તરમાં તે બોલી કે;-'અરે ભાઈ ! હજી તો ઘણાંક માણસો બિછાનામાંથી ઊઠ્યાં પણ નહિ હોય, એટલે મને તેનો અત્યાર પહેલાં કેવી રીતે પત્તો મળી શકે ? તમે તેના માટે એકવાર આંખો મળતાં જ આટલા બધા ગાંડાતૂર બની ગયા છે, એથી મને જણાય છે કે, રાતે તમને પૂરી ઊંઘ પણ નહિ જ આવી હોય !” મેં કહ્યું કે, “બાઈ ! આપણામાં એક કહેવત છે કે, અર્થને અક્કલ હોતી નથી અને કામાતુરને નિદ્રા આવતી નથી. અર્થાત્ અર્થુ, ચોર, જાર, ઠગ, પ્રપંચી અને અભિસારિકા તથા જારિણી આદિ વર્ગનાં સ્ત્રી પુરુષોની નિદ્રા અને બુદ્ધિ આદિનો કોણ જાણે ક્યાંય લોપ થઈ જાય છે, એટલે જો ગઈ રાતે મને નિદ્રા ન આવી હોય, તે તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. પરંતુ જે સુંદરીએ પોતાના કટાક્ષબાણથી મારા હૃદયને વીંધી નાખ્યું છે, જેના કટાક્ષબાણ અદ્યાપિ મારા હૃદયમાં સાલ્યા કરે છે અને જેણે મને ગાંડો બનાવી દીધો છે, તે સુંદરીનો એકાંતમાં મેળાપ થયા વિના મારા હૃદયને શાંતિનો સ્પર્શ થવાનો નથી. જો તે સુરસુંદરી નહિ મળે, તે અવશ્ય મારા પ્રાણ આ દેહમાંથી નીકળી જશે. એટલા માટે આ પરોપકાર કરીને તું મને જીવનદાન આપ.' મારી ઉન્માદદર્શક વાણીને સાંભળી તે કહેવા લાગી કે;–“ભાઈ ! અત્યારે ગુજરાતના ચાર મોટા શહેરોની સ્ત્રીઓના સ્વભાવ વિશે બોલાય છે, તેમાં વડોદરાની બાયડીઓ વિશે લોકોમાં એક કહેવત ચાલી રહી છે કે,

“અમદાવાદી હરામજાદી, ખંભાતી, ગોઝારી;
વડોદરાની વાંકી નારી, સુરતની લટકાળી ” ઇત્યાદિ.

એટલા માટે જો તમને બીજી કોઈ જોઈતી હોય, તો તમારી એ સુંદરી કરતાં હજારગણી વધારે રૂપાળી, નખરાળી અને લટકાળી અત્યારેજ લાવી આપું, તમે કહો છો તે સ્ત્રીનો કશો પણ વૃત્તાંત હું જાણતી નથી એટલે લાચાર છું. છતાં પણ આ બાબતને મારો અનુભવ જૂનો પુરાણો હોવાથી હું મારાથી બનશે તેટલો શોધ કરીશ.” તેનું આ પ્રકારનું ભાષણ સાંભળી હું અત્યંત ઉદ્વિગ્ન મનથી ત્યાંથી નીકળીને પાછો મારા નિવાસસ્થાનમાં આવી લાગ્યો.

ત્યાર પછી નિત્ય હું ત્યાં દિવસમાં બે ત્રણ વાર જતો અને તે સુંદરીને શોધવાની ચેષ્ટા કરતો; પણ તે ન મળવાથી હતાશ થઈને પાછો ચાલ્યો આવતો. એવી રીતે તેના ધ્યાનમાં પડવાથી દિવસે દિવસે મારા ખાનપાનમાં ભયંકર ઘટાડો થતો ગયો અને હું મહાઘોર દુઃખમાં આવી પડ્યો. જે નોકરી હતી તેમાંથી પણ મારૂં મન ઊઠી ગયું અને વરિષ્ઠ અધિકારીને રોજ ઠપકો મળવા લાગ્યો. એવા પ્રકારે કેટલાક દિવસ વીત્યા પછી એક દિવસ હું મદનના ઝાંપાથી ગોવાગેટ જવાના નિર્જન માર્ગ માં આવેલા એક શિવાલયમાં દર્શન કરવાને ગયો અને ત્યાં તે સ્ત્રી પણ પોતાની એક દાસી તથા બેત્રણ બ્રાહ્મણોને લઈને શિવનું પૂજન કરવાને આવેલી હોવાથી અચાનક તેની સાથે મારો મેળાપ થઈ ગયો. હું આનંદમાં આવીને તેના પૂજનકાર્યની સમાપ્તિ થાય ત્યાં સુધી આસપાસમાં ફરતો રહ્યો. તેના પૂજાકાર્યની સમાપ્તિ થતાં તે પોતાને ઘેર જવાને નીકળી એટલે હું પણ તેના નિવાસસ્થાનને જોવાની ભાવનાથી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તેણે મને કયારનોય જોયો હતો, એટલે પોતાના ગૃહમાં પ્રવેશ કરતી વેળાએ મને અંદર ન આવવાનો ઈશારો કરી દીધો અને હું આગળની પેઠે જ નિરાશ થઈને પાછો ચાલ્યો આવ્યો. હું મારા ગૃહમાં ચિંતાગ્રસ્ત થઈને બેસી રહ્યો. ત્યારપછી ભેાજનકાર્યની સમાપ્તિ થતાં મારા રહેઠાણમાંથી મારો બધો લબાચો ઉપાડીને તેને મળવાની આશાથી હું તે શિવાલયની પાસેનાજ એક સ્થાનમાં રહ્યો અને મારો ઘણો વખત શિવાલયનાં સભામંડપમાં બેસીને વીતાડવા લાગ્યો. તે દિવસે તે સુંદરીએ પોતાના સ્વામીને કહ્યું કેઃ–“મને ઉદરશૂળની વ્થયા હોવાથી મેં મહાદેવની એવી માનતા માની છે કે, હું નિત્ય શિવાલયમાં બે વાર આવીને તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જઈશ. એટલા માટે મારે દરરોજ શિવાલયમાં બે વાર તો જવું જ પડશે.” આ પ્રમાણેનું નિમિત્ત બતાવીને ને દિવસમાં બે વાર પૂજા સામગ્રીને લઈને આ જીવતા જાગતા મહાદેવ માટે શિવાલયમાં આવવા લાગી. પરંતુ તે શ્વશુરગૃહવાસિની હોવાથી અને તેની સાથે હંમેશ તેના એક બે નોકરો આવતા હોવાથી મારી જોડે બોલવાચાલવાનો પ્રસંગ તેને મળી શકતો નહોતો. વળી તે કુલીન પતિની પત્ની હોવાથી અન્યત્ર જવાની તેને આજ્ઞા નહોતી અને અધૂરામાં પૂરું તેનો પતિ જમદગ્નિનો અવતાર હોવાથી પતિને પણ તેના હૃદયમાં અતિશય ભય રહ્યા કરતો હતો. આ સર્વ પ્રત્યવાયો હોવાથી હું સભામંડપમાં તેના નિકટમાં ઊભો, રહી માત્ર તેના વદનવિધુનાં દર્શનથી નેત્રોની સાર્થકતા કરી શકતો હતો અને જ્યારે તે ઘેર જવા નીકળતી ત્યારે પાળેલા કૂતરા પ્રમાણે તેની પાછળ પાછળ જઈ તેને તેના ધર સુધી છેટેથી પહોંચાડી આવતો હતો.

કેટલાકોનો એવો અભિપ્રાય છે કેઃ-

“વેણ પદારથ વેણ રસ, વેણેવેણ મિલંત;
અણજાણ્યાથી પ્રીતડી, પ્રથમ વેણ કરંત !”

અને કેટલાકને વળી એથી વિરુદ્ધ એવા પ્રકારનો અભિપ્રાય

પણ જોવામાં આવે છે કે :-

“નેણ પદારથ નેણ રસ, નેણે નેણ મિલંત;
અણજાણ્યાથી પ્રીતડી, પરથમ નેણ કરંત !”

મને પોતાને તો નયનપદાર્થ અને નયનરસના યોગે અજ્ઞાત સાથે પ્રેમ બંધાયાનો સાક્ષાત્કાર થયો હતો. કારણ કે, અત્યાર સુધી તે સુંદરી સાથે પ્રત્યક્ષ સંભાષણનો પ્રસંગ મને મળી શક્યો નહોતો. ઉભયના હૃદયમાં જે આકર્ષણ થયું હતું તે માત્ર દૃષ્ટિદ્વારા જ થયું હતું. એ પ્રમાણે નિત્યની નેત્રપલ્લવી ભાષાનો વ્યવસાય ચાલવાથી ઉભયના મનમાંની મદનચેતના વધવા માંડતાં અન્નજલની રુચિનો ધીમે ધીમે લોપ થવા લાગ્યો. અંતે મેં નોકરી છોડી દીધી અને આખો દિવસ કુટ્ટિનીની નાના પ્રકારની પ્રાર્થના કરવામાં જ વીતાડવા લાગ્યો. બીજી તરફ તે સ્ત્રી કામાનલથી બળી બળીને કૃશ થઈ ગઈ. એટલે તેની દાસીએ તેને પૂછ્યું કે:- “બાઈ સાહેબ ! તમને સર્વ પ્રકારની અનુકૂળતા હોવા છતાં તમે દિવસે દિવસે સુકાતાં કેમ જાઓ છે, એનું કારણ કૃપા કરીને જણાવશો કે ?”

એનું ઉત્તર આપતાં તે વિરહિણી વનિતાએ નિ:શ્વાસ નાખીને જણાવ્યું કે:-“સખી ! દુ:ખની વાર્તા તો તેને જ કહેવાય કે જે તે વાર્ત્તા સાંભળીને દુ:ખનો પરિહાર કરી શકે, જે દુ:ખની કથા સાંભળીને મનમાં જ રાખી મૂકે, એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે અથવા તે સાંભળીને સ્હામે ફજેત કરે, તેવાને હૃદયની વાર્ત્તા ખોલી સંભળાવવાથી શા લાભ વારૂ ? પોતાના મુખથી પોતાનો ભેદ બીજાને કહી પોતાના હાથે જ પોતાની પ્રતિષ્ઠા ખોવી એના કરતાં તેલમાં અફીણ ધોળી રાતે પીને સવારમાં ભરી જવું શું સારૂં નથી કે ? હવે મારા દુઃખનો પરિહાર કરવાની શક્તિ તારામાં હોય પણ ખરી, છતાં તું એ પરોપકાર કરીશ કે નહિ, એનો કાંઈ વિશ્વાસ રાખી શકાય નહિ; એટલે તને કાંઈ પણ કહેવું તે અાંધળા આગળ રોઈને પેાતાની અાંખો ખેાવા જેવું જ થવાનું.”

શેઠાણીનું આવા પ્રકારનું ભાષણ સાંભળી દાસી દીનતાથી કહેવા લાગી કે;-“બાઈ સાહેબ ! આજ સુધીમાં મેં કોઈવાર પણ તમારી આજ્ઞાનું ઉલંધન કર્યું નથી અને હવે પછી કરવાની પણ નથી. મારા નિર્વાહનો સર્વ આધાર તમારી કૃપા પર જ રહેલો છે. માટે મનમાં સંશયને જરા પણ સ્થાન ન આપતાં તમને જે વેદના હોય તે મને વિશ્વાસપૂર્વક જણાવો એટલે હું અવશ્ય તેનો પરિહાર કરીશ.” દાસીના આવા અાશાજનક ઉદ્ગારો સાંભળી તે સુંદરી નમ્રતાથી બોલી કે;-“બહેન ! હું મારી ગુપ્ત વાર્ત્તા તને કહી સંભળાવું છું; પણ તે કોઈ ત્રીજા માણસને કાને ન જાય, એવું તું વચન આપતી હોય તો જ. વળી જો મારૂં તે કાર્ય તારા હાથે સિદ્ધ થશે, તે હું તને સંતોષ આપીશ અને તારો જીવનની અંતિમ ઘટિકા પર્યન્ત આભાર માનીશ.” આવાં મંજુલ વાકયો ઉચ્ચારી તે સુંદરીએ દાસીને વશ કરી લીધી અને તેની પાસેથી અભય વચન મેળવી પોતાનો ઈત્થંભૂત વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. ત્યાર પછી વધારામાં તેણે જણાવ્યું કે;–“મારા પિયરિયાંના ગામમાંનો મારો એક બાળસખા હાલમાં વડોદરામાં આવ્યો છે, તેને એક વાર આપણે ત્યાં બોલાવી તેનો ભોજનસત્કાર કરવો, એવી મારી પ્રબળ ઇચ્છા થએલી છે, એક પ્રકારે મને એનો ધ્યાસ જ લાગી ગયો છે. તેને જોતાં જોતાં લગભગ એક મહિનો થવા આવ્યો, અને તે સમયથી અત્યાર સુધીમાં અલંકાર, વસ્ત્ર, અન્ન, જળ અને અન્ય વિહાર આદિનો મને એટલો બધો તિરસ્કાર થઇ ગયો છે કે, કાંઈ પણ ગમતું નથી. હૃદયની અસ્વસ્થતા એટલી બધી વધી ગઈ છે કે નેત્રોએ નિદ્રાને દેશવટો આપી દીધો છે અને તેનો એકાંતમાં ક્યારે મેળાપ થાય, એ જ વિચાર રાત દિવસ હૃદયને ઘેરીને બેસી રહ્યો છે. વચ્ચે કેટલાક દિવસ સુધી અમારો મેળાપ થયો નહોતો એટલે હું મહા ચિંતામાં પડી ગઈ હતી. હવે કેટલાક દિવસથી દિવસમાં બે વાર માત્ર અમારૂં ચક્ષુમિલન થાય છે, પણ તેથી શાંતિ થવાને બદલે મારા શરીરમાં કામજ્વરનો અધિક તાપ થવા લાગ્યો છે. એટલા માટે જો તને મારા પ્રાણનો ખપ હોય, તો અમો બન્નેને એકવાર એકાંતમાં ગમે તે ઉપાય યેાજીને મેળાપ કરાવી દે, કે જેથી અમે ઉભયની વેદનાનો વિલય થાય અને બહુ દિવસની આશા સફળ થઈ જાય; એટલીજ તારી પાસેથી મારી નમ્ર યાચના છે, જો આ કાર્ય કરી આપીશ, તો અત્યારે તું મારી દાસી છે, પણ પછીથી હું જ તારી આજ્ઞાધારિણી દાસી થઈ રહીશ, રોજ તારા પગ ધોઈને પીશ !!”

શેઠાણીનાં આ વાક્યો સાંભળી દાસીના હૃદયમાં અત્યંત કોપનો આવિર્ભાવ થયો અને તે ચિત્તને કઠોર કરીને બોલવા લાગી કે;-“હવે પછી મારા આગળ આવી વાત કદાપિ કાઢશો નહિ, અને બીજા કોઈ પાસે પણ બોલશો નહિ, વળી એ વાર્ત્તાને સ્વપ્નમાં પણ તમે પોતેય હૃદયમાં સ્થાન આપશો નહિ. જો આ વાર્ત્તા ગૃહપતિના સાંભળવામાં કે જાણવામાં આવશે, તો તે તમારો, તમારા પ્રિયકરનો અને મારો એવી રીતે ત્રણેનો શિરચ્છેદ કરી નાખશે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. કારણ કે, આપના પતિનો સ્વભાવ બહુ જ ક્રોધિષ્ઠ અને અત્યંત નિર્દય છે, એ તો આપ જાણો જ છો. આ વાર્ત્તાનો ગંધ આવતાં જ તે ઘરબારની ધૂળધાણી કરી નાખશે. આજે બાર વર્ષની વાત પર તમારાં જેઠાણી એ જ કુકર્મના પરિણામે અકાળ મૃત્યુને વશ થયાં હતાં. તેનું કેવું વર્તન હતું, તે હું તમને સંભળાવું છું તે ધ્યાન આપીને સાંભળો.”

એમ કહીને તેની દાસીએ તેની જેઠાણીનો વૃત્તાન્ત નીચે પ્રમાણે સંભળાવવા માંડ્યો: