વીરક્ષેત્રની સુંદરી/વીરક્ષેત્રની સુંદરીનું પતન

વિકિસ્રોતમાંથી
← વ્યભિચારના દોષ અને પરિણામ વીરક્ષેત્રની સુંદરી
વીરક્ષેત્રની સુંદરીનું પતન
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વ્યભિચારના નિષેધ સંબંધી શાસ્ત્રોનાં પ્રમાણો →


પુન: પતનને પંથે

કેટલાક દિવસ પછી મારા મિત્રનો મારા પર એક પત્ર આવ્યો, અને તેમાં નીચેની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો હતોઃ–

“તમારી સુંદરી કાંઈક દુષ્કર્મ કરવાને તત્પર થઈ છે, એટલા માટે તમે પોતે સત્વર આવો અને બધો બનાવ પોતાની આંખે જોઈ જાએા." એ સમાચાર સાંભળી હું એક સપ્તાહની રજા લઈને ભરુચ ગયો અને ત્યાં આખા અંગે ભભૂત ચોળી ખાકી બાવાનો વેશ લઈને મારા મિત્રને ત્યાં જઈને એકાંતમાં તેના પિતાને મળ્યો. ત્યાર પછી રાત થતાં તે રંડાનાં સર્વ કૃત્યોને જોવા માટે હું છુપાઈને બેઠો - લગભગ એક પ્રહર જેટલો નિશાનો સમય વીતી ગયો હતો અને તે સુંદરી પોતાના ઉંબરામાં કોઈના આવવાની વાટ જોતી બેઠી હતી. એટલામાં તે જેની વાટ જોતી હતી તે તેનો જાર પણ આવી લાગ્યો, તેણે તેને ઘરમાં ઘાલીને દરવાજો બંધ કર્યો અને બન્ને જણ પલંગ પર પધાર્યાં. હું મારા મિત્રને લઈને ત્યાં જઈ પહોંચ્યો અને દરવાજો ઉધાડ કહીને સાંકળ ખખડાવી. તે વેળાએ તે નારીના મનમાં અત્યંત ગભરાટ થવાથી તેણે તે જારને સ્ત્રીને વેષ પહેરાવીને પલંગ પર બેસાડ્યો અને ત્યાર પછી દ્વાર ઊઘાડીને મને અંદર લીધો. તે વેશધારિણી સ્ત્રીનો પરિચય આપતી તે કહેવા લાગી કે;–“આ આપણા પાડોશીની સ્ત્રી છે. તે અહીં મારી પાસે બીજું કોઈ ન હોવાથી હમેશ સૂવાને આવે છે. બિચારી ઘણી જ ભોળી ને ભલી બાયડી છે !”

તેના આવા હડહડતા જૂઠાણાને જોઈને મારા કોપને અવધિ થઈ ગયો અને તેથી તે બનાવટી બાયડીનાં વસ્ત્રો ખેંચીને તેની બનાવટ તેના હાથમાં ખુલ્લી કરીને આપી દીધી. પછી તેમને મારકૂટ વગેરે કાંઈ પણ ન કરતાં માત્ર શબ્દોનો પ્રહાર કરીને જ મેં કહ્યું કે:-“તારા હાથે આ દુષ્કૃત્ય થયું એ ઘણું જ સારૂં થયું. ઘર છોડતી વેળાએ મેં જે બોધ આપ્યો હતો તે સર્વ વ્યર્થ થયો અને છેવટે તારા ભાગ્યમાં જે દુર્દશા લખાયેલી હતી તે જ તારી સ્હામે આવીને ઊભી રહી.” તે બહુજ શરમાઇને અને શોકાતુર થઈને કહેવા લાગી કે –“મને આ આટલા અપરાધની એક જ વાર ક્ષમા આપો; એટલે બીજી વાર હું કદી પણ આવી ભૂલ કરીશ નહિ.” એના ઉત્તરમાં હું બોલ્યો કે;-“ભ્રષ્ટ ભાર્યા ! ગમે તો પરણેલો હોય કે રાખેલો હોય, તોય કોઈ પુરુષ આવા સ્ત્રીના કુકૃત્યને સહન કરી શકે જ નહિ. એટલા માટે હવે મારી આશા છોડી દે જે; કારણ કે, હવે હું તને સ્વપ્નમાં પણ દૃષ્ટિગોચર થવાનો નથી. હવે તમે બન્ને આનંદથી મનગમતાં ભેાગ સુખને ભોગવ્યાં કરો !” આ પ્રમાણે કહી તત્કાળ હું ત્યાંથી નીકળીને મારી નોકરી પર જવાને ચાલ્યો ગયો.

અંતિમ પરિણામ

સુંદરીના તે નવા જારે કેટલાક મહિના સુધી તેના વિકારને શાંત કરી તેને દૃઢતાથી પોતાના મોહપાશમાં બદ્ધ કરી તેની પાસે જે કાંઈ પૈસા ટકા અને ઘરેણું ગાંઠાં હતાં તે બધાં કઢાવી લીધાં અને તે બધું પોતે જુગારમાં હારી ગયો. જ્યારે તે સ્ત્રી પાસે કાંઈ પણ ન રહ્યું ત્યારે તેને છોડીને તે કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો, તેનો કશો પત્તો જ કોઈને મળી શક્યો નહિ. નિર્વાહનું કાંઈપણ સાધન ન રહેવાથી તેણે નિરૂપાય થઈને ભરૂચમાં જ દુષ્કર્મની દુકાન ઉઘાડી અને વેશ્યાનો વ્યવસાય કરી તે પોતાનું પેટ ભરવા લાગી. એ ધંધામાં પડ્યા પછી થોડા જ દિવસમાં તેને ઉપદંશને વિકાર થયો અને તેથી તેનું શરીર કુરૂપ થઈ જવાથી કોઈ તેની સ્હામે દૃષ્ટિ પણ નાખતું નહિ, એવી અવદશા આવી લાગી. એક શરીરમાં ભયંકર રોગ અને બીજુ, ખાનપાન તથા ઐાષધોપચારનાં સાધનોનો વીસે વસા અભાવ એટલે રોગ અતિશય વધી જવાથી તેનાં અંગે અંગમાં ક્ષતો પડી ગયાં, તે ચુડેલ જેવી થઈ ગઈ, મહાદુઃખી થઈ અને અન્ન વિના ભૂખે મરવા લાગી, એ સમયમાં કેટલાક દિવસ સુધી ઘેર ઘેર ભટકી ભીખ માગીને તેણે પોતાના પ્રાણ ટકાવ્યા, પણ પછી સંધિવાયું થતાં જ્યારે ચાલવાની શક્તિનો પણ લોપ થયો, ત્યારે એક સાહેબનો ઢેઢ બટલર હતો તેની ઓરડીની પાછળ તેણે પોતાની છાવણી નાખી અને તે ઢેઢના એઠવાડ પર ગુજારો કરી મરણના દિવસની તે આતુરતાથી વાટ જોવા લાગી.


પરિણામે મૃત્યુ

કેટલાક કાળ પછી હું મારા મિત્રને મળવા માટે ભરૂચમાં આવ્યો અને તેણે મને તેની દુર્દશાની વાર્ત્તા સંભળાવતાં મનમાં કરુણા આવવાથી હું તેને જોવાને ગયો, તેનું સ્વરૂપ એવું તે કલાહીન થઈ ગયું હતું કે, તેના મુખપ્રતિ દૃષ્ટિપાત પણ કરી શકાતો નહોતો. આગળનાં સુખોનું સ્મરણ થતાં અમે બન્ને એક બીજાને જોઈને રડવા લાગ્યાં, ત્યાર પછી તે મહા પશ્ચાત્તાપથી કહેવા લાગી કે, જો મારૂં મરણ થયું હોત, તો આ દિવસો તો મારે ન જોવા પડત. ડોકટર સાહેબ ! આપ કૃપા કરી મને કોઈ વિષ આપીને મારી આ પીડાનો અંત લાવી નાખશો, તો આપનો મારાપર મોટામાં મોટો ઉપકાર થશે.” તેના આ શબ્દો સાંભળી અચાનક મારા અંતઃકરણમાં દયાનો આવિર્ભાવ થયો અને તેથી તેના મનનું અનેક પ્રકારે સાંત્વન કરી તેને થોડાક રૂપીયા પણ આપ્યા અને ઐાષધોપચાર પણ કરાવ્યો; પરંતુ તેનો રોગ રગેરગમાં પેસી ગયેલો હોવાથી મારા પરિશ્રમ વ્યર્થ ગયા અને રોગે તેના પ્રાણ લઈને જ તેને છોડી-મહાવ્યથા ભોગવીને તે અંતે મરી જ ગઈ !

અનંગભદ્રા ! એ ઉચ્ચ જાતિની અને કુલીન અબળા હતી તેમ જ તેના લાવણ્ય અને કળાકૌશલ્ય આદિમાં પણ કશી ન્યૂનતા નહોતી, છતાં પણ વ્યભિચારના દુષ્ટ વ્યસનને આધીન થવાથી આમજનોની છાયા, કીર્તિ અને સુખ આદિ સર્વ વસ્તુઓને ખોઈ બેઠી અને છેવટે આવી દુર્દશા ભોગવીને શ્વાન પ્રમાણે રસ્તામાં જ મરી ગઈ. અર્થાત્ એટલા માટે જ કહેવામાં આવે છે કે, સ્ત્રીનાં ચરિત્રોને ઈશ્વર પણ જાણતો નથી, તો પછી બિચારો મનુષ્ય તો ક્યાંથી જ જાણી શકે ? એટલા માટે જે તમે પણ એવું કુકૃત્ય કરશો, તો પરિણામે એવી જ દુર્દશા ભોગવશો. કેટલીક સ્ત્રીઓ તારુણ્યના મદમાં પોતાના ઘરબારને છોડી બહાર નીકળી જાય છે અને તેઓ જો કે પુષ્કળ ધન મેળવીને વિષયસુખનો યથેચ્છ આસ્વાદ લઈ શકે છે, છતાં અંતે તેમનો કોઈ પણ સહાયક કિંવા સંગી સાથી ન થવાથી દુર્દશા ભોગવીને જ મરણને વશ થાય છે. એટલું જ નહિ પણ ઐહિક તથા પારલૌકિક સુખથી વંચિત થઈને રૌરવ નરકમાં જઈ પડે છે. એ કારણથી, ઘરને છોડીને બહાર નીકળવાની કલ્પના માત્ર પણ કોઈ સ્ત્રી કરશે નહિ. સદાસર્વદા સુખદુઃખનો ભાર ઈશ્વરના શિરપર નાખીને તેના ભજનમાં નિમગ્ન રહેવું, એ જ આપણ સર્વનું પરમ કર્તવ્ય છે. હું એ પરસ્ત્રીપ્રેમનો સંપૂર્ણ અનુભવ લઈને પશ્ચાત્તાપ પામી ચૂક્યો છું અને પરમેશ્વરની કૃપાથી સર્વ સંકટોમાંથી પાર પડતાં હવે મેં એ દુર્વ્યસનનો સર્વથા ત્યાગ કરી દીધો છે. આ અંગ્રેજી રાજ્યમાં વ્યભિચાર કરનારને વધારે ભય નથી, છતાં જ્યાં એકની વસ્તુને બીજો છીનવી લે એટલે કલહ તો થવાનો જ અને જ્યાં કલહ થયો ત્યાં બેમાંથી એકનો નાશ પણ થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. જેવી આપની તેવી બીજાની પ્રિયા સમજવી.


અનંગભદ્રાને બેાધ

અનંગભદ્રા ! પશુ આદિકમાંની પણ કેટલીક જાતિઓના નર પોતાની સ્ત્રીને ત્યાગી પરસ્ત્રીનો સંગ કરતા નથી, કારણ કે, એથી લડાઈ થતાં પ્રાણનાશનો પ્રસંગ આવી લાગશે, એ તત્ત્વને તેઓ જાણતા હોય છે; તેમ જ તેમની માદાઓ પણ બીજા નર પશુ પાસે જતી નથી. પશુઓમાં બુદ્ધિ અને જ્ઞાન શકિતનો અભાવ હોવા છતાં તેઓ જે કર્મ કરતાં નથી, તે કર્મ વ્યભિચારી પુરૂષ અને વ્યભિચારિણી તથા વેશ્યા સ્ત્રીઓ કરે છે, એથી ખરી રીતે જોતાં તેએા પશુ કરતાં પણુ નીચ અને અધમ છે, એમાં લેશ માત્ર પણ સંશય નથી. ઈશ્વરે અને આપણા પૂર્વજોએ એવાં ઘોર કર્મોને અટકાવવા માટે સ્ત્રી પુરૂષના વિધિપૂર્વક લગ્નસંબંધની જે યોજના કરેલી છે, તેની જે કોઈપણ અવગણના કરે છે, તેનો અવશ્ય નાશ થવાનો જ એ સર્વ કારણોથી પતિ દરિદ્રી, જન્મરોગી કિંવા ગમે તેવો દુર્ગુણી હોય, તોપણ તેને ત્યાગીને આવા પ્રકારના ક્લેશો ભોગવવા એ તો કોઇપણ રીતે યોગ્ય નથી જ. અર્થાત્ તમે આટલી સંપત્તિ અને આવાં સુખો,ને જલાંજલિ આપીને સ્વૈરિણી થઈ બહાર નીકળી પડશે, તો અવશ્ય તમારે સર્વ પ્રકારે નાશ થઈ જશે. સત્ય વચન કહેવાનો મારો ધર્મ હું બજાવું છું, છતાં એ પ્રમાણે વર્ત્તવું કે ન વર્ત્તવું એનો આધાર તમારી પોતાની ઇચ્છા પરજ રહેલો છે."

મારો આ ઉપદેશ સાંભળી અનંગભદ્રા નમ્રતાથી પ્રાર્થના કરતી કહેવા લાગી કે;-“ડોકટર સાહેબ ! આપે વીરક્ષેત્રની સુંદરીનો પોતાના અનુભવમાં આવેલો જે વૃત્તાન્ત કહી સંભળાવ્યો, તે સાંભળીને મારા મનમાં અત્યંત ભય ઉત્પન્ન થયો છે અને મારા મનમાં જે ગૃહને ત્યાગી બહાર ચાલ્યા જવાનો વેગ ઉત્પન્ન થયો હતો, પરતંત્રતાને ત્યાગી સ્વતંત્ર થઈ યથેચ્છ વિષય સુખ ભોગવવાનો ઉન્માદ થયો હતો, તેના સ્થાનમાં હવે પશ્ચાત્તા૫ના યોગે વિરક્તતાનો આવિર્ભાવ થયો છે. કારણ કે, જ્યારે વીરક્ષેત્રની સુંદરી જેવી મહા ચતુર અબળાની પણ સ્વેચ્છાચારથી આવી દુર્દશા થઈ ગઈ, તો પછી મારા જેવી એક સાધારણ સ્ત્રીનો એ સ્વૈરગતિથી શહજમાં નાશ થઈ જાય, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. એટલા માટે હવે મારા પ્રાણ જશે, તો પણ હું ગૃહમાંથી આવી ભાવનાવડે પગ બહાર કાઢવાની નથી.”

તે પછી અનંગભદ્રા સ્વગૃહે પાછી ફરી હતી.

ડૉ. રામચન્દ્ર અને અનંગભદ્રાના સંવાદમાં વીરક્ષેત્રની સુંદરીની
કથા સમાપ્ત
રતિનાથની રંગભૂમિ અથવા ચપલા-ચરિત્ર-ચન્દ્રિકાનો
પ્રથમ ભાગ સંપૂર્ણ.
વિક્રમાદિત્ય અને સ્ત્રી ચરિત્રની વાર્તા દ્વિતીય ભાગમાં ચાલુ છે.