વીરક્ષેત્રની સુંદરી/વ્યભિચારના દોષ અને પરિણામ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← સૂર્યજિત ભારતી તપસ્વી વીરક્ષેત્રની સુંદરી
વ્યભિચારના દોષ અને પરિણામ
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વીરક્ષેત્રની સુંદરીનું પતન  →


વ્યભિચારના દોષ અને પરિણામ

અનંગભદ્રા ! એ દૃષ્ટાંતાત્મક વાર્તા સંભળાવીને મેં તે કામિનીને કહ્યું કે;–“જો ગુણવંતી ! તે તપસ્વીએ બહુ કાળ પર્યન્ત પરિશ્રમ વેઠીને જે ઈશ્વરની કૃપા મેળવી હતી, તેનો ક્ષણિક સ્ત્રીસમાગમના સુખ માટે, ઘડી બે ઘડી માટે તેણે મતિ બગાડી તેથી નાશ થઈ ગયો, એટલું જ નહિ, પણ તેનો પોતાનો પણ ઘાત થયો અને તે પણ વળી મહા અપ્રતિષ્ઠા સાથે. આ કારણથી જ પૂર્વના રાજાઓ દુષ્ટ વ્યભિચારકર્મ માટે અનેક પ્રકારની મહા ભયંકર શિક્ષાઓ આપતા હતા. કેટલાકો એ દુરાચારમાં પડેલી સ્ત્રીએાને નગ્ન કરી તેમનાં માથાં મુંડાવી નાખતા હતા અને ત્યાર પછી મસ્તક પર અંગાર અને લોહાનો ગરમ રસ ઢાળીને તેના પ્રાણ લેતા હતા. અથવા તો પ્રથમ તેને ગધેડા પર બેસાડી આખા ગામમાં ફેરવી ત્યાર પછી તેના પર પાષાણની વૃષ્ટિ વર્ષાવીને મારતા હતા. કેટલીક વ્યભિચારિણી વનિતાઓને નાક, કાન અને સ્તન કાપીને દેશપાર કરી દેવામાં આવતી હતી અથવા તે પીઠ પર ફટકા મારીને મરણ પર્યન્ત તેઓને ગુલામડી તરીકે પણ રખાતી હતી. વ્યભિચારી પુરુષને જો તેની પાસે સાધન હોય તો અત્યંત ધન લઈને નિર્ધન બનાવી મૂકવામાં આવતો હતો અને જો તે દરિદ્રી હોય તો તેની પાસેથી ગુલામનું કામ લેવામાં આવતું હતું. અથવા તો એવાં વ્યભિચારાસક્ત સ્ત્રીપુરુષોને લીલામ કરીને વેચી નાખવામાં આવતાં, કેટલાંકોના કપાળમાં ધગધગતા ખીલા ઠોકીને પ્રાણ લેવાતા, કિંવા બન્નેનાં ગુણસ્થાનો કાપી લેવામાં આવતાં અથવા તે બન્નેને જૂદી જૂદી જગ્યામાં પૂરીને ભૂખે મારવામાં આવતાં હતાં. કેટલાકોને હાથીના પગ તળે ચગદાવીને તો કેટલાકોને તોપના ગોળે ઉડાવીને નરકના માર્ગે ચઢાવતા હતા. એ પ્રમાણે વ્યભિચારની મહા ભયાનક શિક્ષાઓ થતી હોવાથી કેટલાંક સ્ત્રીપુરૂષો એવા પ્રસંગે ભયથી વિષપ્રાશન કરીને પોતપોતાના હાથે જ મરી જતાં હતાં. હાલમાં ઈરાન દેશમાં એવી રૂઢી છે કે, વ્યભિચારિણી સ્ત્રીની સુરવાલમાં એકાદ બે બીલાડાને પૂરી સૂરવાલનાં બન્ને મોઢાંને બંધ કરી દે છે અને પછી બહારથી બીલાડાને મારવા માંડે છે. એટલે તેઓ તે સ્ત્રીના શરીરના કોમળ ભાગને વિદારીને તત્કાળ તેના પ્રાણનો નાશ કરી નાખે છે. સુંદરી ! અંગ્રેજોના રાજ્યમાં સરકાર એવી ઘોર શિક્ષા આપતી નથી; તથાપિ એવી વ્યભિચારિણી સ્ત્રીઓના સંબંધીજનો બીજાના જાણવામાં ન આવે તેવી રીતે તેમના પર અસહ્ય સંકટોની વૃષ્ટિ વર્ષાવે છે. એટલા માટે વિષયવિશેનો તે જે હઠ પકડી રાખ્યો છે, તેને ત્યાગીને તું આપણા બંનેના પ્રાણની રક્ષા કર, કારણ કે, જેને પણ આ વ્યભિચારનો છંદ લાગી જાય છે, તેનો સંસાર પછી ધૂળમાં જ મળી જાય છે. કુબેરનો ધનભંડાર પણ આ કાર્ય માટે સંપૂર્ણ થતો નથી; જ્યારે રાંડને આપવા માટે દ્રવ્ય રહેતું નથી, ત્યારે વ્યભિચારી પુરૂષ ચોરી અને ખૂન જેવા ઘોર અપરાધ કરી કારાગૃહવાસી થાય છે કે ફાંસીને લાકડે લટકી જાય છે અથવા તો અન્ન અન્ન કરીને ભૂખમરાની હાલતમાં રસ્તામાં કે હોસ્પીટલમાં મરી જાય છે અને ઢેઢભંગીના હાથે જમીનમાં દટાય છે. જ્યાં સુધી તારૂણ્ય અને દ્રવ્ય એ બે સાધનો હોય છે, ત્યાં સુધી જ એ વિષય સુખની લાલસા રહે છે; જેમ જેમ વૃદ્ધાપકાળ આવતો જાય છે, તેમ તેમ એ મદનનો વિકાર શાંત થતો જાય છે. એવામાં જે તારુણ્યમાં ઉપદંશનો વ્યાધિ થઈ ગયો હોય, તે વૃદ્ધાવસ્થામાં મહાયાતનાએ ભેાગવીને પ્રાણ ત્યાગવા પડે છે. દ્રવ્ય, દારા, મિત્ર અને રાજ્યનો એક વાર નાશ થતાં, તે પુનરપિ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ સર્વ પુરૂષાર્થના સાધનરૂપ શરીરનો નાશ થતાં તેની પાછી કદાપિ પ્રાપ્તિ થઈ શકતી નથી. વૃદ્ધાવસ્થામાં કિંવા રોગના સમયમાં આત્માને ક્લેશ અને ત્રાસ ન ભોગવવા પડે, એટલા માટે વિચારશીલ જનો દ્રવ્યનો સંચય કરે છે. શાસ્ત્રમાં કહેલું છે કે, જો એવો જ પ્રસંગ આવી પડે, તો પોતાના આત્મરક્ષણ માટે દ્રવ્ય, ભાર્યા, પુત્ર અને પૃથ્વીના રાજ્યનો પણ ત્યાગ કરી દેવો. સુંદરી ! વિષયી મનુષ્યના આ સંસારમાં જેટલા શત્રુ હોય છે, તેટલા શત્રુ બીજા કોઈના પણ હોતા નથી. એટલા માટે અતિ મનોનિગ્રહ કરી અંત:કરણના પ્રવાહને દુગ્ધસમાન સત્કર્મોપ્રતિ વાળવો, એજ મનુષ્યમાત્રનું કર્તવ્ય છે. કામમદથી વ્યભિચારમાં પ્રવૃત્ત થવું યોગ્ય નથી. કારણ કે, એ દુર્વ્યસિનથી સ્વજાતિ દંડ, રાજદંડ અને અંતે દેવદંડ એવી રીતે મનુષ્યને ત્રણ ત્રણ મહાભયંકર દંડો ભોગવવા પડે છે. અર્થાત્ સ્વજાતિ, રાજા અને ઈશ્વરને નમીને વર્તવામાંજ કલ્યાણ છે. મનુષ્યને માટે ઈશ્વરે જે ભયોને નિર્માણ ન કર્યાં હોત, તો આ જગતમાં કોઈ પણ કોઈની દરકાર રાખત નહિ અને ચોરી, ચાડી, વ્યભિચાર અને હિંસા આદિનો સર્વત્ર પ્રચાર થતાં આ જગતને ક્યારનોય અંત આવી ગયો હોત, કદાચિત્ એ વ્યભિચાર કોઈ મનુષ્યના જોવામાં ન આવે, તો પણ સર્વવ્યા૫ક ૫રમાત્મા તે સર્વ ચેષ્ટાઓને જોયા જ કરે છે. દધિ, ધ્રુત, શર્કરા ઈત્યાદિ મદને ઉત્પન્ન કરનાર પદાર્થોને ભિક્ષવાથી જે ઈંદ્રિયોનું આકલન થતું હોય, તો તો પછી પર્વતો પણ સાગરમાં તરવા માંડશે. શાસ્ત્રમાં કહેલુંજ છે કે;–

नदीनां नखिनां चैव शृगिणां शस्त्रपाणिनाम् ।
विश्वासो नैव कर्त्तव्यः स्त्रीषु राजकुलेषु च ॥

અર્થાત્-'નદી, તીક્ષ્ણ નખોવાળાં વ્યાધ્ર અને રીંછ આદિ પશુઓ, શીંગડાંવાળાં પશુ, જેમના હાથમાં શસ્ત્ર હોય એવાં મનુષ્ય, સ્ત્રીઓ અને રાજાઓમાં કદાપિ કોઈએ વિશ્વાસ રાખવો નહિ !'

જેમની ઇન્દ્રિયો સ્વાધીન નથી હોતી, તેમના કુળનો નાશ થાય છે; જે લેાભી હોય છે, તેના ધર્મનો ક્ષય થાય છે; જે વ્યસનાધીન હોય છે, તેના વિદ્યાધનનો લોપ થાય છેઃ કૃપણના સુખનો સંહાર થાય છે; જેનો પ્રધાન અવ્યવસ્થિત હોય છે, તેના રાજ્યનો નાશ થાય છે; તરુણ સ્ત્રી અને ધનમાં જેમનો મોહ નહિ હોય, એવા પુરુષો આ જગતમાં બહુજ થોડા મળી આવવાના. જેવી રીતે પ્રજાપીડક રાજાનાં કુળ, ધન અને પ્રાણનો નાશ થાય છે, તે જ પ્રમાણે વ્યભિચારિણી વનિતાના સંસારનો સંહાર થાય છે: જે મનુષ્યના અંગમાં દયા, ક્ષમા, શાંતિ, વિવેક અને શીલ આદિ ગુણો હોય છે, તેના હૃદયમાં કોઈ પણ પ્રકારનો બાધ સત્વર ઠસાઈ જાય છે; ક્રોધિષ્ઠ અને દુર્જન એ ઉભયને અગ્નિ કરતાં પણ તીક્ષ્ણ ધારવા; પરોપકાર અને સત્ય ભાષણ સમાન કોઈ પુણ્ય નથી, વ્યભિચાર અને ચોરીથી બહુ જ ચેતીને ચાલવું અને જે સ્ત્રી પોતાના અમૂલ્ય પાતિવ્રત્યનું પાલન કરતી નથી, તેને તે જીવતી છતાં પણ મુએલી જ માની લેવી.

એ વ્યભિચારના પરિણામે સહસ્રાવધિ લોકો વ્યથા પામીને મરી જાય છે, પરંતુ કામી જનો બીજાઓની એ દુર્દશાને પ્રત્યક્ષ જોવા છતાં, ખેદનો વિષય છે કે, દુર્વ્યસનનો ત્યાગ કરતા નથી. વ્યભિચારના યોગે વડિલોપાર્જિત કિંવા સ્વયં સંપાદિત જે લક્ષ્મી હોય છે તેનો નાશ થાય છે: ગુરુ, માપિતા ઇત્યાદિકના નામને કલંક લાગે છે અને પોતાની અપકીર્તિ તો અવશ્ય થાય છે, એ વિશે તો કાંઈ કહેવાનું છે જ નહિ !

ઈંદ્રિયોને આપણા તાબામાં રાખવી જોઈએ, તેને બદલે જો આ૫ણે તેમના તાબામાં રહીએ, તો અવશ્ય પ્રાણ, ધન અને કીર્ત્તિનો નાશ થવો જ જોઈએ, એવો નિયમ છે. એ કામવિકાર એવો દુર્ધર છે કે, કૃષ્ણ સર્પ અને રાક્ષસ કોઈ પર ક્ષુબ્ધ થાય છે, ત્યારે તે એક જ વ્યકિતના પ્રાણનો તેઓ નાશ કરે છે, પરંતુ કામવિકારને આધીન થઈ અનુચિત કર્મનો આરંભ કરવામાં આવે તો ધન, કીર્તિ અને પ્રાણ એ ત્રણે વસ્તુઓનો ધીમે ધીમે નાશ થવા સાથે સમસ્ત કુલસહવર્ત્તમાન આ લોકમાં અપકીર્ત્તિ અને પરલોકમાં કુંભીપાક આદિ નરકની તે પ્રાપ્તિ કરાવે છે. આ મૃત્યુલોકમાં કાયિક, વાચિક અને માનસિક એવાં ત્રિવિધ પાતક કહેલાં છે. તેમાંનું માનસિક પા૫ સર્વથી મોટું છે; એટલા માટે ઘોડાને જેવી રીતે લગામથી હાથીને અંકુશથી અને નૌકાને સુકાનથી વશ રાખવામાં આવે છે, તે જ પ્રમાણે મનને વિવેકાંકુશથી વશ રાખવાની બહુ જ અગત્ય છે. ઈશ્વરનો ભય રાખી વ્યભિચારનો ત્યાગ કરવો અને બની શકે તો પશુપકારમય કૃત્ય કરીને પોતાના મનુષ્યાવતારની સાર્થકતા કરવી.”

વીરક્ષેત્રની સુંદરીને ઉપદેશ

અમારૂં પરસ્પર આ પ્રમાણેનું ભાષણ ચાલતું હતું એટલામાં રાત્રિની સમાપ્તિ થવાનો સમય નિકટમાં આવી લાગ્યો એટલે હું અત્યંત દીનતાથી તે સુંદરીને કહેવા લાગ્યો કે, 'હવે તો કૃપા કરીને મને છોડ અને તારા મનમાં જે ઇચ્છા હોય તે મને જણાવ એટલે હું તે પ્રમાણે વર્તવાને તૈયાર છું. પણ મેં જે આખી રાત તને ઉપદેશ આપ્યો છે, કે, પોતાના ઘરને છોડીને બહાર નીકળવાથી મહાક્લેશ ભોગવીને છેવટે તું ૫શ્ચાત્તાપને પામીશ, તે ઉપદેશને સ્વીકારી જો ગૃહમાં જ રહીશ, તો તેથી તારું અતિશય કલ્યાણ થશે.”

મારાં આ વાક્યો સાંભળી તે સુંદરી કહેવા લાગી કે;–“ડોક્ટર સાહેબ ! હવે કદાચિત મારા પ્રાણ જવાનો પ્રસંગ પણ આવે, તો પણ હું આ ઘરમાં તો નથી રહેવાની તે નથી જ રહેવાની. તમે મને અહીંથી ગમે ત્યાં બહાર લઇ જાઓ. પછી જો મારૂં ભૂંડું, થશે, તો તેનો દોષ હું તમને આપવાની નથી.” એટલે મેં તેને વચન આપ્યું કે, “આવતી કાલે સંધ્યા કાળે અંધારૂં થવા પછી પુરૂષનો વેશ ધારણ કરીને નગર બહાર ખંડેરાવના મંદિર પાસે આવજે, ત્યાં હું બે અશ્વ તૈયાર રાખું છું એટલે ત્યાંથી આપણે અશ્વ પર બેસીને પલાયન કરી જઈશું.”

પલાયન

મારા મુખના આ શબ્દો સાંભળતાં તેને મહા આનંદ થયો. અને તેણે દાસીના જાણવામાં ન આવે તેવી રીતે પોતાની હવેલીમાંથી પોતાના હાથે જ મને વિદાય કરી દીધો. એ સમયે મારા પ્રાણ બચ્યા એમ ધારીને મનમાં મેં ઈશ્વરની પ્રાર્થના કરી અને ઈશ્વરનો અતિશય આભાર માન્યો. પરંતુ હું તરુણ અને વળી વિષયમાં લંપટ થએલો હોવાથી ભાવિ દુર્દશાની ભીતિ ન રાખતાં સાયંકાળે સંકેત સ્થાનમાં અશ્વોને તૈયાર રાખી તે સુંદરીના આગમનની માર્ગ પ્રતીક્ષા કરતો ઊભો રહ્યો. છેવટે તે આવી લાગી અને અમે બન્ને અશ્વારૂઢ થઈ ત્યાંથી પલાયન કરીને ભૃગુપુર - ભરૂચમાં આવી પહોંચ્યાં, અને ત્યાં તેને મારા એક મિત્રના ગૃહમાં રાખીને મેં કહ્યું કે;-“ મારે તો અત્યારે ને અત્યારે જ વડોદરે જવું પડશે; કારણ કે, આવતી કાલે સાંજે તારા પતિના આવ્યા પછી તારી દાસીના મુખથી આ બધો ભેદ પ્રકાશમાં આવી જશે અને તે કદાચિત આપણું પૂઠ પકડશે, તો મોટી પંચાતમાં આવી પડીશું. એટલા માટે હું ત્યાંની સર્વ વ્યવસ્થા કરી આવું ત્યાં સુધી તું અહીં સુખપૂર્વક રહે. અહીં તને કોઈ પણ પ્રકારનું દુ:ખ થવાનું નથી.” આમ કહીને હું ત્યાંથી તરત પાછો નીકળી બીજે દિવસે સવારમાં દશ વાગતામાં તો પાછો વડોદરામાં આવીને હરતાફરતો દેખાવા લાગ્યો.

સાંજે તેનો પતિ આવ્યો અને પોતાની સ્ત્રીના પલાયનની વાર્તા સાંભળી દાસીને મારકૂટ કરવા લાગ્યો એટલે તેણે મારૂં નામ આપી દીધું, અને તેથી ઘરેણાં માટે તેણે મારા પર સરકારમાં ફરિયાદ નોંધાવી. એથી સરકારનાં માણસો એ મારા ઘરનો ઝાડો લીધો, પણ મુદ્દાની એક પણ ચીજ ન નીકળવાથી તે બિચારાને ચૂપ થઈને બેસી રહેવું પડ્યું.

વડોદરામાં આવીને હું પાછો મારી નોકરીમાં દાખલ થઈ ગયો અને ત્યાર પછી થોડા દિવસમાં અમારી ટુકડીનું અન્યત્ર જવાનું નક્કી થયું એટલે બે દિવસની રજા લઈ ભરૂચ જઈને એક જગ્યા ભાડે લઈ તે સુંદરીના નિવાસ અને નિર્વાહની સર્વ વ્યવસ્થા કરી આપી મારા મિત્રને તેની સંભાળ રાખવાની ભલામણ કરી દીધી અને હું મારી નોકરી પર ચાલ્યો ગયો.