વીરક્ષેત્રની સુંદરી/સૂર્યજિત ભારતી તપસ્વી

વિકિસ્રોતમાંથી
← કામવિકારનાં પ્રાબલ્યના પુરાણપ્રસિદ્ધ દૃષ્ટાંતો વીરક્ષેત્રની સુંદરી
સૂર્યજિત ભારતી તપસ્વી
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
વ્યભિચારના દોષ અને પરિણામ  →


સૂર્યજિત ભારતી નામક તપસ્વીની વાર્ત્તા

ઉત્તર દેશમાં સમુદ્રના તીરે એક પર્વત છે, ત્યાં પૂર્વે સૂર્યજિત ભારતી નામનો એક અતીતે મહાપ્રચંડ તપશ્ચર્યા કરી હતી. એ તપશ્ચર્યાના પ્રભાવથી તેને ઈશ્વરી તેજની પ્રાપ્તિ થતાં તે મહાસિદ્ધ પુરુષ થઇ ગયો હતો અને તે એટલે સુધી કે તેનું પ્રત્યેક વચન સિદ્ધ થતું હતું. તેની આવી ખ્યાતિ સાંભળીને જે રોગી વિશ્વમાંના કોઈ પણ વૈદ્યથી સારો ન થાય, તેવા રોગીને છેવટે એ અતીતનાં દ્વારમાં લાવીને રાખવામાં આવતો હતો અને તેને ત્યાં રાખી તેના સંબંધીજનો ત્યાંથી ચાલ્યા જતા હતા. પ્રાતઃકાળમાં તે સાધુ પુરૂષ પોતાનાં સંધ્યા આદિ કર્મની સમાપ્તિ કરીને તે રોગી પાસે જતો હતો અને પોતાના કમંડલમાંથી પાણી લઈને તેના મુખમાં નાખતો હતો. એથી તે રોગી રોગમુક્ત થઈ સાધુનાં ચરણોમાં નમસ્કાર કરીને પોતાને ઘેર ચાલ્યા જતો. તેની આ કીર્તિનો સર્વત્ર વિસ્તાર થઈ ગયો.

એક વાર એવો બનાવ બન્યો કે, શિવપુરીના રાજા મદનપાલની કુમારિકા કન્યાને તારૂણ્યમાં આવતાં ભયંકર પાંડુરોગની બાધા થઈ ગઈ અને તે રોગના નિવારણ માટે રાજાએ અત્યંત દ્રવ્યને ભોગ આપ્યો ને અનેક ઉપચારો કરાવ્યા, પણ તેથી કશો પણ લાભ થયો નહિ. એટલે અંતે નિરુપાય થઈને કેટલાંક માણસોને સાથે આપી રાજાએ પોતાની તે કન્યાને એ અતીત પાસે મોકલી દીધી. સેવકે મધ્યરાત્રિના સમયમાં તે રોગિષ્ઠ રાજકુમારીને અતીતની પર્ણકુટીના દ્વારમાં મૂકીને પોતે ત્યાંના નિયમ પ્રમાણે ત્યાંથી દૂર ખસી ગયા. પ્રાતઃકાળ થતાંજ અતીત જાગૃત થયા અને કરમાં કમંડલ લઈ સમુદ્રસ્નાન માટે જવાને નીકળ્યા, એવામાં મૃદુ શય્યામાં સૂતેલી તે રાજકુમારિકાના શરીર સાથે તેનો પગ અથડાયો, એટલે 'કોણ છે ?' એમ પૂછીને તેણે તેના શરીર પર હાથ ફેરવ્યો, તે રાજકુમારીના કોમળ સ્તન અને સુકુમાર શરીરને સ્પર્શ કરતાં જ અતીતના શરીરમાં કામનો વિકાર ઉદ્દભવ્યો, તેનાં રોમાંચ ખડાં થઈ ગયાં અને આસપાસ કોઈ પણ ન હોવાથી તે તેના પર બળાત્કાર કરવા લાગ્યો. રાજકુમારીએ અત્યંત દીનતાથી અતીતની અત્યંત પ્રાર્થના કરી કે;-“હું કુમારિકા હોવાથી મને આદ્યાપિ પુરૂષનો સંપર્ક માત્ર પણ થયો નથી અને તેમાં વળી અત્યારે હું ભયંકર રોગને વશ થઈને મરવા પડી છું, એટલા માટે અત્યારે બળાત્કાર ન કરતાં પ્રથમ મને નીરોગી કરો એટલે પછી હું તમને જ વરીશ !” એ સાંભળીને અતીતે કહ્યું કે-“તું અત્યારે મારા કામની શાંતિ કર એટલે હું તને આ ક્ષણે જ રોગમુકત કરી નાંખું છું.” એમ કહીને અતીતે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરી લીધો.

એ પછી તેણે સ્નાનાદિ કરીને તે કન્યા માટે ઈશ્વરને બહુ પ્રાર્થના કરી, પરંતુ તેના રોગનું નિવારણ ન થયું તે ન જ થયું. અંતે અતીત નિરૂપાય થઈને સંધ્યાકાળે વળી બીજા મનુષ્યો આવશે, તો મારી પ્રતિષ્ઠા નાશ થશે, એવા ભયથી તે રાજકન્યાને ત્યાંથી ઉપાડી જીવતી ને જીવતી જ વાલુકામાં દાટી આવ્યો.

તે રાજકુમારીના સેવકો કેટલાક અંતર પર બેસીને તેના આવવાની વાટ જોયા કરતા હતા, પણ રાજકુમારી તો ત્યાં હતી જ નહિ ત્યાર પછી આસપાસ સર્વત્ર તેમણે તેને શોધી, છતાં પત્તો ન જ મળ્યો એટલે અતીતને પૂછ્યું કે;–“રાજકુમારી ક્યાં છે ?” અતીતે કહ્યું કે-“હું કાંઈ પણ જાણતો નથી.” એ પછી સેવકોએ અતીતની ૫ર્ણકુટી અને ગુહામાં શોધ ચલાવી તો ત્યાંથી તેની શય્યા મળી આવી, પણ રાજકન્યા પોતે મળી નહિ. છેવટે બહુ જ સક્ષમ શોધ કરતાં તે વાલુકામાં દાટેલી મળી આવી. તેને બહાર કાઢતા તેનું સમસ્ત શરીર રુધિરથી ખરડાયેલું દેખાયું અને તે મરવાની અણીપર આવી પહોંચી હતી. તેને જ્યારે તેની આ દશા થવાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે પોતા પર થએલા અત્યાચારનો સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો અને ત્યાર પછી તરત જ પોતાના પ્રાણને ત્યાગી દીધા. સેવકો તેને ત્યાં જ દાટીને પોતાના રાજા પાસે ગયા અને ઈથંભૂત વૃત્તાંત તેને હહ્યો. આ વાર્તા સાંભળી રાજાને મહા ક્રોધ થતાં તેણે પોતાના સેવકોને આજ્ઞા આપી દીધી કે –“અત્યારે અને આ ક્ષણે જ જઈને તે દુષ્ટ અતીતનો શિરચ્છેદ કરી નાખો અને તેનું માંસ કાગડા કૂતરાને ખવડાવી દ્યો !” સેવકોએ રાજાની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું.