વેણીનાં ફૂલ/આભનાં મોતી
Appearance
← આભનાં દીવડા | વેણીનાં ફૂલ આભનાં મોતી ઝવેરચંદ મેઘાણી ૧૯૨૮ |
આભનાં ફુલો → |
આભમાં લટકે નવ લખ મોતી
કે મોતી કેણે મેલ્યાં રે લોલ !
આભમાં અદ્ધર પદ્ધર રે’તી
કે એક મોરી માવડલી રે લોલ.
માવડીની મોલાતું અત મોટી
કે માંહી એકલાં જ વસે રે લોલ.
માવડીની આંખે તેજ અનોધાં
કે ઉદ્યમ એક કરે રે લોલ.
રાત દિન મોતીડલાં પરોવે
કે નવસર હારે ગુંથે રે લોલ.
માવડીને દિવસે સૂરજ દીવો
કે રાતે ચાંદો બળે રે લોલ.
માવડી વાદળને હીંડોળે
કે રાત દિ’ હીંચકતાં રે લોલ.
હીંચકે લટકે લાખ લાખ મોતી
કે લેઇ લેઇ પરોવતાં રે લોલ.
માવડી ! શીદ માંડ્યો છે હાર
કે પહેરતલ ક્યાં જઈ વસે રે લોલ ?
માવડીનો પૂતર એક પરદેશે
કે પૂણ્યની પોઠ્યું હાંકે રે લોલ.
આવશે પૂતર એક દિ’ ઘેરે
કે માવડી વાટ્યો જુવે રે લોલ.
માવડી તારલાનો કરી હાર
કે પુત્રને પ્હેરાવશે રે લોલ
મોતીડાં લાખ લાખ જૂગ જાતાં રે
કે ઝાંખાં નહિ પડે રે લોલ !
🙖