વેણીનાં ફૂલ/દરિયો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સૂરજ ધીમા તપો વેણીનાં ફૂલ
દરિયો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
કાળુડો રંગ →

દરિયો


[નાણું નાખ્યે દાદુભા નૈં મળે]


દરિયો ડોલે રે માઝમ રાતનો,
ઝૂલે જાણે પારણે મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજાં ને છોળો મારતાં,
ખુંદે જાણે ખોળલા મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની,
પાથરે જાણે વીરાના ઓછાડ રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

ઝલકે ઝલકે રે જળ માછલી,
ઝલકે જાણે વીર મારાની આંખ રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.


ઉઘડે ઉઘડે ને બીડાય તારલા,
ઉઘડે જાણે મા–જાયાન નેન રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી,
ઝબકે જાણે સોણલે મારો વીર રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો,
માવડી જાણે વીરને હાલાં ગાય રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

દરિયો મલકે ને ડોલર ફીણ વળે,
મલકે જાણે વીર મારાનાં મુખ રે ! મધરાતે માતા
રોતા વીરાની દોરી તાણતી.

🙖