વેણીનાં ફૂલ/વીરડો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← નીંદરભરી વેણીનાં ફૂલ
વીરડો
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
ચલ ગાગર →વીરડો


વેકરામાં કોણે વીરડા ગાળ્યા ?

વીર મારે ગાળ્યા !


વીરડા રૂપાળા કેને કાજે ગાળ્યા?

બેનીને કાજ ગાળ્યા
પંખીને કાજ ગાળ્યા.


વીરડાનાં પાણી કેણીયે ઉલેચ્યાં ?

ભાભીએ ઉલેચ્યાં
કાકીએ ઉલેચ્યાં
મામીએ ઉલેચ્યાં.


વીરડાનાં પાણી કોણે ડોળ્યાં ?

દેડકે ડોળ્યાં
કાગડે ડોળ્યાં
વાંદરે ડોળ્યાં.

વીરડાનાં પાણી કોણ કરે આછાં ?

મોર કરે આછાં
મીન કરે આછાં
ચકી કરે આછાં
દેવ કરે આછાં.


વીરડાનાં પાણી આછર્યાં કેવાં ?

રાજાના હોજ જેવાં
તારાનાં તેજ જેવાં
પરીઓની પાંખ જેવાં
ઈશ્વરની આંખ જેવાં.


વીરડાનાં પાણી કોણ પીશે ?

ગાવડી પીશે
ઢેલડી પીશે
કોયલડી પીશે
વાદલડી પીશે
પદમણી પીશે.

વીરડાનાં પાણી કેમ કરી પીધાં ?

છાલીયે પીધાં
ટોયલે પીધાં
ખોબલે પીધાં
મોઢડે પીધાં
વળી વળી પીધાં
લળી લળી પીધાં !

વીરડાનાં પાણી મીઠડાં કેવાં ?

માતાના દૂધ જેવાં
વીરાના વ્હાલ જેવા
બાપુના બોલ જેવા
સહીયરના કોલ જેવા.

વીરડાની પોળે કોણ કોણ બોલે ?

મોર બોલે
સુડલા બોલે
ભમરલા બોલે.

વીરડાને કાંઠે કોણ કોણ બેઠું ?

બેડલું બેઠું
બટુકડું બેઠું
ઇંઢોણલી બેઠી
પારેવડું બેઠું
પોપટજી બેઠા
ગાવડલી બેઠી
ગોવાલણી બેઠી
માદેવજી બેઠા
પારવતીજી બેઠાં
સીતા ને રામ બેઠાં
રાધા ને શ્યામ બેઠાં !

વીરડાને કાંઠે કોણના વિસામા ?

ધોરીના વિસામા
પનીઆરીના વિસામા
મહીયારીના વિસામા
ભતવારીના વિસામા
દુઃખીયારીના વિસામા !