વેરાનમાં/સાહિત્યકારની સ્ત્રી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વતનનો વિરાટ વેરાનમાં
સાહિત્યકારની સ્ત્રી
[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]
૧૯૪૩
માનવપ્રેમી સાહિત્યકાર →


સાહિત્યકારની સ્ત્રી !
 


કોને ખબર છે ભાઈ, મારા કરતાં બીજી કોઈ તાસીરના માણસને જો એ પરણી હોત તો એ હજારગણું વધુ સુખી થઈ હોત.”

આ શબ્દોના લખનારે લાખો શબ્દો લખ્યા છે. એ લાખમલાખમાં સર્વથી વધુ સાચા એણે આ શબ્દો લખ્યા.

એ શબ્દો એક અમર સાહિત્યકારના લખેલા છે. પોતાના સંસાર–જીવનનો એમાં તેણે સરવાળો ખેંચ્યો છે. બાવીસ વર્ષના દંપતી–જીવનને અંતે, અગિયાર તો સંતાને થઈ ચૂક્યા પછી, એને અને એના પત્નીને છૂટાછેડા કરવા પડ્યા હતા.

આવી નિષ્ફળતા શા માટે ? પતિ પવિત્ર હતો, પ્રેમાળ અને કર્તવ્યનિષ્ઠ હતો. પત્ની તો પતિની પૂજક હતી. છતાં–બાવીસ વર્ષો અને અગિયાર બાળકોની સમૃદ્ધિ દાખવનાર આ લગ્નજીવન કયા ખડક પર અથડાઈને ભુક્કો થયું ? એનાં બે રહસ્યો જોડે છે. એ બે રહસ્યો કદાચ ઘણા ખરા સાહિત્યકારોનાં નિષ્ફળ સંસાર-જીવનની સમસ્યાને સમજાવનારાં થઈ પડશે.

પહેલું : એની સ્ત્રીએ એક “Genius” ને, એક વિભૂતિને પરણવાની ગંભીર ભૂલ કરી.

બીજું : સાહિત્યકારે પોતાની કૃતિઓમાં જ પ્રેમની અદ્ભુત જીવન-મસ્તી એટલી બધી ઠાલવી નાખી, કે પોતાની પ્રિયતમા પર ઢોળવા સારુ એના હૃદયમાં ઉભરા જ ન રહ્યા. ઉભરા હશે તો શબ્દો બાકી નહિ રહ્યા હોય.

એના પ્રેમપત્રો, એકસો ને ચાલીસ, હાલ તુરતમાં પ્રગટ થયા છે, પત્નીએ પતિપ્રેમના પુરાવા તરીકે આ સર્વ પ્રેમપત્રો સાચવીને તેનું પરબીડીયું બ્રિટિશ મ્યુઝીયમને સુપરદ કર્યું હતું. અને પોતાના વંશનો છેલ્લામાં છેલ્લો વારસ મૃત્યુ પામી જાય તે પછી જ એ પત્રો પ્રગટ કરવાની દુહાઈ દીધી હતી.

છેલ્લો વંશદીવો ૧૯૩૩ માં ઓલવાઈ ગયો એટલે એ મહાન સાહિત્યકારના આ પ્રેમપત્ર હમણાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તમામ પત્રો સોંસરો એક શ્યામ દોરો ચાલ્યો જાય છે. એ કાળો તાંતણો દંપતી-જીવનના છુપા કંકાસનો છે.

ઉભરાતા ઈશ્કની ફોરમ એ પત્રોમાં નથી. મસ્તી, મુગ્ધતા, બેવકૂફી, કાલાંઘેલાં કે બીજી કોઈ જાતની આવેશ–ચેષ્ટાઓથી એ પત્ર વંચિત છે. એટલુંજ નહિ પણ એક પ્રથમ શ્રેણિનો લલિત સાહિત્ય સર્જનારને સહજ થઈ પડે એવું કોઈ લાલિત્ય પણ આ પત્રોમાંથી સદંતર ગેરહાજર છે. પહેલો જ - લગ્ન પૂર્વેનો જ પહેલો જ પત્ર આ રહ્યો.

“મારી વહાલી ! આજે સુવા જાઉં તે પહેલાં મારે તને નિર્દય અને ઠપકાભર્યો જણાતો એકાદ શબ્દ લખવા બેસવું પડે છે તેથી મને અત્યંત દુ:ખ થાય છે.” વગેરે વગેરે !

પહેલા જ પત્રમાં ઠપકો, ને નિષ્ઠુરતા ! ઠપકો શાનો હતો ? “કાલે રાતે તું મારા પ્રત્યે ઠંડીગાર કેમ હતી ? શું છેલ્લા ત્રણ મહિનાના મારા સહવાસે તને કંટાળો આપ્યો છે ?”

આટલી ટકોર બસ થવી જોઈતી હતી. સ્ત્રીએ આ લગ્નનું અમંગલ ભાવી સમજી લેવું જોઈતું હતું. પરંતુ એ પરણી બેઠી-એક પ્રતિભાસંપન્ન પુરુષની જોડે ! પછી તો એ 'પ્રતિભા’ જ સ્ત્રીની શોક્ય બની ગઈ. પતિની ને પોતાની વચ્ચે એણે હમેશાં આ 'પ્રતિભા’ને પોઢેલી દીઠી. એ પ્રતિભાએ સ્વામીને ઊંચો જવાની પાંખો બક્ષી. સ્ત્રીને: પતિ પોતાનાથી ઊંચો ચડતો ભાસ્યો, અથવા એની માન્યતા જ બંધાઈ ગઈ. એ માન્યતાએ સ્ત્રી-હૃદયને ઈર્ષ્યામાં સળગતું કર્યું.

ને સ્વામી તો પોતાની મનોમૂર્તિઓની દુનિયાઓ પર દુનિયાઓ રચતો ગયો. એની ઊર્મિઓએ લાખો માનવીઓનાં રસધામો નીપજાવવાની ધૂન પકડી. હેતના ઉભરા એના લખવામાં જ ખૂટી પડ્યા. પત્નીને એણે એક પણ કાગળમાં નથી લખ્યું કે 'તું કેવી સુંદર છે ! કેવી મીઠી છે ! કેવી મૃદુલ છે !’ વસ્તુતઃ પત્નીમાં આ બધું જ સભર ભર્યું હતું, પણ પતિના પત્રોમાં તો નરી બુદ્ધિનું જ મિથ્યાભિમાન ચિતરાયું છે. એ પત્રની લખાવટમાં 'મેં' શબ્દનો હુંકાર છે. મેં તારે માટે શું શું સહ્યું છે : હું તને કેટલી ચાહું છું : મારી મુશ્કેલીઓ કેવી છે ! આ બધાની સામે “તે મારા માટે શું શું સહ્યું છે' તેનો એક પણ શબ્દ નથી.

પોતાની મહત્તાનો જ્ઞાતા સાહિત્યકાર; પોતાની ઉર્મિઓને પોતાની અક્ષર–દુનિયામાં સંતોષી લેનાર કલાકાર, કીર્તિ–માર્ગોનો મહાયાત્રી સ્ત્રીના નાનકડા નાદાન ભાવોની ભૂમિકા પર ન ઊતરી શક્યો. એને મન તો કદાચ દુન્યવી પ્રેમનો અર્થ આવો હશે; એક અનુકૂળ જીવનસાથીની પ્રાપ્તિ : બસ, એથી વધુ જરી કે નહિ.

ને કોઈ પ્રતિભાસંપન્ન પુરુષની પ્રતિભાને પોષવા નીકળનાર, એવાને સુખ આપવાની કામના સેવનાર ઘણીખરી સ્ત્રીઓનું ભાગ્ય આ સ્ત્રીના ભાગ્ય સમાન જ હોય છે. કોઈ પણ સ્ત્રી આ 'જ્વલંત’ વ્યક્તિને સુખી ન કરી શકી હોત.

બાવીશ વર્ષો સુધી એ પત્નીને વળગી રહ્યો તે તો કર્તવ્યબુદ્ધિના બંધો થકી.

પણ લગ્નમાં એકલી કર્તવ્યબુદ્ધિ બસ નથી.

આ કરુણ કથા અંગ્રેજી સાહિત્યના શિરોમણી ચાર્લ્સ ડીકન્સના દંપતી-સંસારની છે.