વેરાનમાં/હું કોણ છું?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વેરાનમાં
હું કોણ છું?
[[સર્જક:ઝવેરચંદ મેઘાણી|ઝવેરચંદ મેઘાણી]]
૧૯૪૩
જીવનવાટ →


હું કોણ છું?
 
[૧]

"aa કોણ છે?” સભાગૃહમાં શોર ઉઠ્યો.

“મહારાણીજીના સ્વામી સરકારને પંદર લાખનું વાર્ષિક સાલીઆણું આપવાની ના પાડનાર આ આદમી કોણ છે ?”

“આટલી બધી ધૃષ્ટતા ! આ કપાએલા હોઠવાળો, કુબડો, અસભ્ય જંગલી સભાસદ કોણ છે?”

ઉમરાવોનું સભાગૃહ ગણગણી ઊઠ્યું. ઉમરાવે એકબીજાને ઈસારા કરી, ભવાં ચડાવી, એ વિરોધ કરનાર અકેલા નવા ઉમરાવની સામે ડોળા તાણી રહ્યા.

દેશની તવારીખમાં કદી ન બનેલું આજ બન્યું છે. રાજનિષ્ઠ ઠકરાતોનો એક ઠાકોર જ ઊઠીને મહારાણીજીના સ્વામી સરકારનું સાલીઆણું નાકબુલે છે ! આશરે બે સૈકા પૂર્વેનો એક દિવસ હતો. અંગ્રેજ પ્રજા ઉપર એક મહારાણીનું શાસન હતું. એના પતિદેવને અપાતું સાલીઆાણું ઓછું પડતું હતું. ઉમરાવોની સભામાં એ સાલીઆણાની રકમ પંદર લાખ રૂપિયાની ઠેરાવવાને પ્રસ્તાવ પેશ થયો હતો. એક પછી એક ઉમરાવો ખડા થઈ થઈ 'મંજુર' 'મંજુર' શબ્દ ઉચ્ચાર્યો હતો.

એક જ ઉમરાવ - નવીન જ આવ્યો છે આજે - એને કોણ જાણે શું સૂઝ્યું : એણે કહ્યું કે 'નામંજુર.'

આવો શબ્દ સાંભળવાની આ પ્રતિનિધિ સભાને ટેવ નહોતી.

“કોણ છે આ ? એને કોણ લઈ આવ્યું છે અહીં ? નિકાલો અહીંથી.”

હોઠ વગરને 'હસતો’ આદમી ઊભો જ રહ્યો.

ગઈ કાલે એ સર્કસનો બજાણીઓ હતો. આજે એ ઉમરાવ બન્યો છે.

એક જુની અને માતબર ઠકરાતનો એ ગૂમ થએલો વારસ બાળ ગઈ કાલે હાથ લાગેલો છે.

છારાંઓ ના હાથમાં પડેલું એ બાલક - એના હોઠ પર છારાં લોકોની છુરી ચાલી હતી.

એ છુરીએ એના મોં પર સદાનું હાસ્ય ચોડ્યું. એ અનંત હાસ્યને દેખી લાખો ગામડિયાં હસતાં ને પૈસો પૈસો દેતાં. "હસતો માનવી" એનું હુલામણું નામ પડ્યું હતું. 'હસતો માનવી' એ હાસ્ય તળે અનંત રૂદનને ઢાંકી બજાણીઓ બન્યો હતો. આજે નવી રાજખટપટે એને પાછો ઠાકોરપદે સ્થાપ્યો છે.

આજે પહેલી જ બેઠકમાં એણે ઉમરાવગૃહની તવારીખને એબ લગાડનારું વતન કર્યું છે.

“કોણ છે તું ?” સભાપતિએ ભ્રુકૂટી ચડાવી: “ક્યાંથી આવે છે તું ? ”

એણે જવાબ દીધો:- “ હું આવું છું ઉંડાણમાંથી: નીચલા થરમાંથી: ધૂળની અંદરથી.”

પછી એણે અદબ વાળી, સભાસદોની સામે નજર ચોડી કહ્યું:

“હું કોણ છું ? હું કંગાલીઅત છું, હું હાડપીંજર છું. તમને ભાગ્યવંતોને હું બે શબ્દો કહેવા આવ્યો છું. સાંભળો.”

[૨]

"તમે પૂછો છો હું કોણ છું ? હું નારકી છું, ઠાકોરો, તમે સાંભળો.”

સભાગૃહમાં સોંસરી કમ્પારી ચાલી ગઈ. બધું સ્તબ્ધ બન્યું. 'હસતા' માનવીએ આગળ ચલાવ્યું:–

“તમે અટારીના વસનારા છો. ભલે રહ્યા. ભગવાનને ય એવું કરવાનાં કંઈક કારણો હશે. તમારી પાસે અસીમ સત્તા છે. અખાંડિત મજા છે. અન્યની દશાની મીઠી વિસ્મૃતિ છે. ભલે રહ્યાં." “પણ તમારી અટારીને નીચલે મજલે - અથવા તમારા માથા ઉપર - પણ કોઈક છે. એટલું હું તમને યાદ આપવા આવ્યો છું. તમારી નીચે એક આખી દુનિયા જીવતી પડેલી છે.”

જેમ જેમ એ બોલતો ગયે તેમ તેમ એ મહાકાય બનતો ગયો. એના પગની એડી જાણે કોઈ માનવાત્માઓના ઢગલા ઉપર ચંપાવા લાગી.

એણે ચલાવ્યું:

“હું એક કીડો છું, કે જે નરકમાંથી નીકળી આવે છે. ઠાકોર-બાંધવો ! તમે સમર્થો ને ધનિકો છો. એ સામર્થ્ય અને સંપત્તિ જ તમારા નાશની સુરંગો છે. તમે અંધારી રાતનો લાભ ઉઠાવો છો. પણ સાવધાન ! પ્રભાત સર્વશક્તિવતું છે. એ આવે છે; નહિ, એ આવી ચુક્યું છે. એનો સૂરજ ઉગે છે. એને ગગનમાં ચડતો કોણ રોકશે ?"

“એ છે માનવ - અધિકારનો સૂર્ય. તમે છો સત્તાના નિશાચરો. હવે કંપજો. ઘરનો સાચો ધણી બારણું ઠોકે છે. હું તમને ચેતવવા આવ્યો છું. તમારાં સુખ સામે તહોમત પુકારવા ઊભો છું. એ સુખ તમે તમારા પાડોશીના દુ:ખમાંથી વણી લીધું છે.

[3]

“તમારી પાસેનું સર્વસ્વ તમે અન્યની પાસેનાં ચીંથરાંમાંથી ઉપજાવેલ છે. સમર્થો ! હું તો છું આશા હારી ચુકેલો વકીલઃ હાર્યા પક્ષની હિમાયત કરું છું હું: પણ હજુ અપીલ બાકી છે, ઉપલી અદાલતમાં એ પક્ષની જ જીત સમજજો.

“હું તો અવાજ માત્ર છું. માનવજાતિ એક મુખ છે. હું એની ચીસ છું. એ ચીસ નહિ સાંભળો ને ક્યાં જશો ?"

“મારે જે કહેવું છે તેનો બોજો મને ચગદી રહેલ છે. હું ક્યાંથી શરૂ કરું ? ખબર નથી પડતી. દુઃખોની ગાંસડીઓમાં શી ગોઠવણ હોઈ શકે ? તમારી કને એમ ને એમ ઠાલવું છું."

“તમે અજાયબ થયા છો ? હું પણ ચકિત થયો છું. કાલે હું નટડો હતો, આજે ઠાકોર છું. કેવી લીલા ! કોની લીલા અગમની."

“ઠાકોરો ! આ વિરાટ ધરતીના ફક્ત પ્રકાશને જ તમે જોઈ શકો છે. પણ માનજો, એમાં પડછાયા પણ પડેલા છે. તમે મને અમૂક ઠકરાતનો રાજરાણો કહો છો, પણ મારું ખરૂં નામ તો છે, મિસ્કિન નટડો ગ્વાઈનપ્લેન !"

“હું અમીરજાદો જન્મ્યો હતો. પણ તમારા મર્હુમ રાજાએ મારા પ્રજાપક્ષી પિતાને દેશવટે પતાવી દીધો. એ જ રાજાએ મને પતાવવા રૂ. દોઢસોમાં વિદેશીઓને હાથ વચ્યો. તમે મને રાજશતરંજનું રમકડું બનાવ્યો. રાજાની રાજલીલાએ મને સંસારની ઊંડી ખાઈમાં ધકેલી દીધો. શા માટે ? એ અતલ ઊંડાણનો તાગ લઈ આવવા માટે હું તળીએ ગયો હતો. ત્યાંથી સત્યનું મોતી લાવ્યો છું. “હું બોલું છું. કેમકે હું જાણું છું. મેં જોયું છે, અનુભવ્યું પણ છે:– અને દુઃ:ખ એ માત્ર બોલી નાખવાનો શબ્દ નથી, ચતુર જબાનનું થુંક નથી, ઓ સુખી લોકો !"

[૪]

"હું અહીં નહોતો આવતો. મારૂં હૃદય અહીં નથી, બીજે ઠેકાણે છે, મારું કર્તવ્ય મને બીજે સ્થળેથી બોલાવે છે."

બોલતાં બોલતાં એની આાંખની કીકીઓમાં જાણે એક બજાણીઆ – ગાડીની અંદર બેઠેલી એક આાંધળી કુમારિકા તરવરતી હતી. એના શરીર પર એ આાંધળી પ્રિયતમાના હાથ જાણે ફરતા હતા; જે આાંધળીને એણે એની છ મહિનાની ઉંમરે મુએલી માતાનાં સ્તનો ચૂસતી એક બરફના દાટણ તળેથી ઉપાડેલી હતી.

“પણ હું તમને કહેવા આવ્યો છું. કે તમે જે દુનિયાના માનવીઓ હોવાનો દાવો કરો છે, તે દુનિયા વિશે તમે કશું જાણતા જ નથી. હું તમને કહીશ કે એ દુનિયા કેવી છે. મને એનો પૂરો અનુભવ મળ્યો છે. તમારા બુટની એડી તળે ચેપાતો ચેપાતો માંડ માંડ સરકીને હું બહાર આવ્યો છું. તમારા બુટની એ એડીનું વજન કેટલું છે તે હું તમને કહી શકીશ."

'એક રાત્રિયે, એક તોફાનભરી રાત્રિયે એક નિરાધાર નાનું બાળ બની, અનંત સૃષ્ટિની અંદર એકાકી અને નમાયો નબાપો હું આ સમાજને નામે એળખાતી અંધાર–ગલીમાં દાખલ થયો.

“દાખલ થતાં પહેલવહેલું મેં શું જોયું ? કાયદો: એક ફાંસીને માચડે લટકતા માનવીને રૂપે ! બીજી મેં દીઠી દૌલત, તમારી દૌલતઃ ટાઢ અને ભૂખમરાથી મરી ગએલી એક ઓરતને રૂપે. ત્રીજું મેં દીઠું પ્રજાનું ભાવી: એ મુએલી માનાં થીજેલાં સ્તનો ચૂસતી એક અંધ બાળકીને રૂપે."

[૫]

“કંગાલીઅત સામે તમે હસો છો ! લક્ષ્મીપુત્રો, મારી વિનવણી સાંભળી લો. હું કરગરૂં છું કે તમે દયા લાવો."

“કોની દયા ? તમારી પોતાની જ. અત્યારે આફત કોના શિર પર ઝઝુમે છે ? તમારા."

“ઈશ્વરને ત્રાજવે તમારો તોલ થઈ રહેલ છે; એક પલ્લામાં તમારી સત્તાસમૃદ્ધિ છે. ને બીજા પલ્લામાં છે તમારી જવાબદારી. પ્રભુએ પોતે કાંટો ઉપાડ્યો છે."

“હસો ના ! ભલા થઈને વિચારો. તમારાં પાપપુન્યના તોલમાં તમારા અંતરાત્માની એક નાની શી ધ્રુજાટીથી જ પ્રભુ નિર્ણય કરશે."

“તમે દુષ્ટો નથી; તમે બીજા સર્વના જેવા જ છો; ન બહેતર કે ન બદતર. તમારી જાતને તમે દેવ ન માનો. કાલે તમને શરદી ચડે પછી જોઇ લેજો તમારૂં દેવત્વ કેવું થરથરી ઊઠે છે!" “તમારી અંદર નેકીદારો પણ પડ્યા છે; તેઓને હું સંભળાવું છું. તમારી અંદર અક્કલવાનો છે, મહાનુભાવો છે; તેમને હું આ સંબોધું છું."

“તમે બચ્ચાંના પિતાઓ હશો. જનેતાના પુત્રો હશો. બહેનોના બાંધવો ને પત્નીઓના સ્વામીઓ હશો. સુંવાળી લાગણીઓ તમને ય સ્પર્શતી હશે."

“આજે પ્રભાતે જ પારણામાં પોઢેલા પોતાના લાડીલા બાળકની ઊઘડતી આાંખો ને હાસ્યભર મોઢું તમારામાંથી જેણે ધીરી ધીરીને નિહાળ્યું હશે, તેને હું દુષ્ટ કેમ કહું?”