વેળા વેળાની છાંયડી/ઘોડાગાડીના ઘૂઘરા (અંત)

વિકિસ્રોતમાંથી
← ગ્રહશાંતિ વેળા વેળાની છાંયડી
ઘોડાગાડીના ઘૂઘરા
ચુનીલાલ મડિયા




૪૬

ઘોડાગાડીના ઘૂઘરા
 


જસી માટે બંધાયેલા લગ્નમંડપમાં તે રાતે જ, ઓતમચંદ, બટુક ને લાડકોરની હાજરીમાં ચંપા અને નરોત્તમનાં લગ્ન પતી ગયાં.

મેંગણીના દરબારને જાણ થઈ કે ઓતમચંદ શેઠ ગામમાં આવ્યા છે, ને એભલ આહીરને ઘે૨ એનો ઉતારો છે, ત્યારે દ૨બા૨ જાતે એભલના વાડે જઈ ચડેલા. ગુપ્તવેશે રહેલા આ અતિથિને મીઠો ઠપકો પણ આપેલો. પછી તો દરબારે ગોરા સાહેબના શિરસ્તેદા૨ કીલાભાઈને પણ ઓળખી કાઢ્યો, તેથી તો પોતે ખડે પગે ખાતરબરદાસ્તમાં અને લગ્નવિધિમાં હાજર રહ્યા અને નરોત્તમને ધામધૂમથી ૫૨ણાવ્યો.

લગ્નવિધિ દરમિયાન કીલો વારંવા૨ મનસુખલાલને કહ્યા કરતો હતો:

‘મનસુખભાઈ, તમે તો ભારે કરી અમારા ઉ૫૨!’

‘મેં કે તમે?’

‘તમે, આ જુવો ને, અમે અહીં આવ્યા આંટો મારવા, ને તમે તો પરભુલાલને પરણાવી પણ દીધો!’

‘ભલા માણસ, હવે તો એનું સાચું નામ નરોત્તમ કહીને બોલો! કે હજીય ૫૨ભુલાલને નામે હાંક્યે રાખશો?’

‘એનું સાચું નામ નરોત્તમ પણ નથી–’

‘નરોત્તમ પણ નહીં? ત્યારે શું વળી?’

‘મોટો!’ કીલાએ કહ્યું, ‘મેં એને પહેલેથી જ મોટો કહીને બોલાવ્યો છે, એટલે હવે નરોત્તમ જેવું અઘરું નામ જીભે નહીં ચડે! તમારે મન ભલે એ નરોત્તમશેઠ હોય કે ૫૨ભુલાલ હોય, મારે મન તો બસ મારો મોટો જ!’

કીલો જ્યારે આ રીતે સંતોષ વ્યક્ત કરી રહ્યો હતો, ત્યારે એભલ આહીર અને હીરબાઈ વળી આજના અણધાર્યા શુભ પ્રસંગને પરિણામે કીલા કરતાંય અદકી કૃતાર્થતા અનુભવી રહ્યાં હતાં.

એકમાત્ર લાડકોર એની આદત મુજબ, પતિએ પોતાને ઘણી ણી બાબતોથી આજ સુધી અજાણ રાખવા બદલ ઓતમચંદને પ્રેમાળ ઠપકો આપી રહી હતી:

‘તમે તો મીંઢા તે કાંઈ મીંઢા! મને તો આ બધી વાતની ગંધ પણ ન આવવા દીધી!’

પત્ની તરફથી વારંવાર પોકારાતા આ તહોમતનામા અંગે ઓતમચંદ પાસે એક પણ ઉત્તર નહોતો, તેથી એ મૂંગો જ રહેતો હતો. અને પરિણામે, પત્ની વધારે ને વધારે ઉગ્રતાથી ફરિયાદ કર્યા કરતી હતી:

‘તમે તો મૂંગા તે કાંઈ મૂંગા! મોઢામાં જાણે કે મગ જ ભરી રાખ્યા કાંઈ!’

આ પ્રહારો સામે પણ ઓતમચંદ તો મૂંગો જ રહેતો હતો, તેથી લાડકોર વધારે ચિડાતી હતી.

બીજે દિવસે સહુ વાઘણિયા જવા ઊપડ્યાં. ઓતમચંદની એક ઘોડાગાડીમાં તો બધાં ઉતારુઓ સમાય એમ નહોતાં, કેમ કે, એમ ત્રણ નવી વ્યક્તિઓ – નરોત્તમ, ચંપા અને કીલા – નો ઉમેરો થઈ ગયો હતો. તેથી દરબારે પોતાની ઘોડાગાડી હોંશભેર કાઢી આપી. ઓતમચંદે પોતાની ઘોડી અહીં જ રહેવા દીધી, જેથી કીલા સાથે ગાડીમાં બેસીને આખે રસ્તે ગપ્પાં મારી શકાય.

વિદાય વેળાએ સારો મેળો જામ્યો. વળાવનારાઓમાં દરબારથી માંડીને એભલ, હી૨બાઈ ને બીજલ સુધીનાં સ્વજનો હતાં. પોતાની બહેનપણીના વિયોગને કા૨ણે શારદાની આંખ તો સુકાતી જ નહોતી.

મેંગણીના પાદરમાંથી એકને બદલે બે ઘોડાગાડીઓ સામટી ઊપડી અને ઘૂઘરાના રણકારે આખી સીમને ભરી દીધી.

કીલા માટે આજે જીવનનો ધન્ય પ્રસંગ હતો. આખે મારગે એ ઓતમચંદને પોતાની અને ભેગાભેગી નરોત્તમની પણ આપવીતી કહેતો જતો હતો. વચ્ચે વચ્ચે મનસુખલાલની બેવકૂફીની મજાક ઉડાવતો જતો હતો: ‘બિચારા મનસુખલાલ! એનામાં બધુંય છે, પણ મીઠાની જરાક તાણ રહી ગઈ છે. એટલે ભલો માણસ ઓળખી જ ન શક્યો કે હું કોણ?... કીલો કાંગસીવાળો!’

‘હવે તમને કાંગસીવાળા ન કહેવાય! તમે તો મોટા લાટસાહેબના શિરસ્તેદાર!’ ઓતમચંદે એક વાર કહ્યું.

‘ના રે ભાઈ, કાંગસીવાળાની પદવી તો શિરસ્તેદાર કરતાં સાતગણી ઊંચી છે,’ કીલાએ સમજાવ્યું. શિરસ્તેદારનો હોદ્દો તો ગોરાસાહેબે આપ્યો છે, પણ કાંગસીવાળાની પદવી તો મારા લોકભાઈયુંએ દીધી છે. આ દુનિયામાં મારા જિગરજન બંધવા ત્રણ જણા છે—’

‘કોણ, કોણ?’ ઓતમચંદે પૂછ્યું.

‘એક મારો ભાઈબંધ દાવલશા ફકીર, બીજે ઓલ્યો ભગલો ગાંડો... ને ત્રીજો મારો મોટો—’

‘મોટો? એ કોણ વળી ?’

‘તમારો નાનો ભાઈ... જેને મનસુખલાલ બિચારા જીવ હમણાં લગી પરભુલાલ શેઠ ગણતા હતા, એ જ–’

સાંભળીને ઓતમચંદ હસ્યો.

પણ ત્યાં તો કીલાએ એક ગંભીર વાત ઉચ્ચારી: ‘હું તો કાલે સવારે આ શિરસ્તેદા૨ી છોડીને પાછો સ્ટેશન ઉપર રમકડાં વેચવા બેસી જઈશ—’

‘એમ તે કરાતું હશે, કીલાભાઈ?’

‘શું કામ ન કરાય? રેંકડી ફેરવવામાં જે સુખ છે એ અમલદારી ક૨વામાં નથી, ઓતમચંદભાઈ!’

આમ વાતો ચાલતી રહી ને ઘોડાગાડીઓ આગળ વધતી રહી. ખળખળિયા પાસે આવતાં ઓતમચંદે કહ્યું: ‘અહીં એક દિવસ મારી મરણપથા૨ી નખાઈ ગઈ’તી, પણ એભલભાઈ આહીરે આવીને મને જિવાડી દીધો–’

‘અમે બધી વાત જાણી લીધી છે, ઓતમચંદભાઈ! તમે તો બહુ વીતક વેઠ્યાં—’

‘તોય તમારા કરતાં ઓછાં!’ ઓતમચંદે કીલાને કહ્યું, ‘તમારી સંધીય વાત પણ મેં જાણી લીધી છે.’

‘તો તો આપણે બેય જણા સરખા ને સમદુખિયા!’

‘દુખિયા ગણો કે સુખિયા ગણો!' ઓતમચંદે તારણ કાઢ્યું: ‘કદાચ આપણા જેવા સુખી બીજા કોઈ નહીં હોય!

‘મને પણ એમ જ લાગે છે!’

ઘોડાગાડીઓએ અમરગઢ સ્ટેશનના પાટા ઓળંગ્યા, કે તુરત જ ઘૂઘરાના અવાજ સાંભળીને બાવા-સાધુઓથી માંડી સ્ટેશન માસ્તર સુધીનાં માણસો ઘૂમરી વળીને ગાડીઓને ઘે૨ી વળ્યાં અને ‘શેઠ! શેઠ!' કહીને સહુ સિફારસ કરવા લાગ્યાં.

ગાડી વાઘણિયાને મારગે આગળ વધી એટલે કીલાએ ટકોર કરી, ‘તમારાં તો અહીં બહુ માન છે, ઓતમચંદભાઈ!’

‘મારાં નહીં, મારી ઘોડાગાડીનાં. જેમ અમલદારને નહીં પણ અમલદારની લાકડીને સલામ ભરાય છે, એના જેવું જ આ છે.’ ઓતમચંદે કહ્યું, ‘હજી કાલે સવારે જ હું ઉઘાડે પગે ટાંટિયા ઘસતો અહીંથી નીકળતો, ત્યારે કોઈ ભાવ પણ નહોતું પૂછતું.’

‘એ જ દોરંગી દુનિયાના રિવાજ છે!’

વાતો કરતાં કરતાં થોડેક આગળ ગયા, ત્યાં તો કીલો એકાએક બૂમ મારી ઊઠ્યો:

‘ગાડી ઊભી રાખો જરાક, ઘડીક ઊભી રાખો!’

આગલી ગાડીમાંથી વશરામે આ હાકલ સાંભળીને ગાડી થોભાવી દીધી.

‘કેમ ઊભી રખાવી ભલા?’ ઓતમચંદે પૂછ્યું.

‘અરે! સામેથી મહાસતીજી વિહાર કરતાં આવે છે!...મીઠીબાઈસ્વામી પધારે છે!’ કીલાએ કહ્યું, ‘વરઘોડિયાંને મહાસતીને વંદન કરવાનો આવો મજાનો મોકો ક્યાંથી મળત?’

થોડી વા૨માં તો સામેથી શ્વેત વસ્ત્રધારી મીઠીબાઈ અને એમનાં શિષ્યાઓ આવી પહોંચ્યાં, એટલે બંને ગાડીઓમાંથી સહુ નીચે ઊતરી ઊભાં રહ્યાં.

કીલાએ એકબીજાના ખબરઅંતર પૂછ્યાં. મીઠીબાઈએ કહ્યું કે ‘અમે વિહાર કરીને હવે અમરગઢ જઈએ છીએ.’ કીલાએ નરોત્તમનાં લગનના સમાચાર આપ્યા તેથી સાધ્વીજી ખુશ થયાં.

કીલાએ નરોત્તમને કહ્યું: ‘તમે વરઘોડિયાં મહાસતીજીને પગે લાગો!’

નવદંપતી વંદન કરવા જતાં હતાં ત્યાં જ મીઠીબાઈએ કહ્યું, ‘મને નહીં, કીલાભાઈને વાંદો!’

‘અરે આ શું બોલ્યાં?’ કીલાએ પૂછ્યું.

‘સાચું જ બોલી છું!’ મહાસતીએ કહ્યું, ‘અમે તો સંસાર છોડીને આ માથું મૂંડાવીને સાધુ થયાં, પણ તમે તો સંસારમાં રહીને સાધુથીયે સવાયા થઈ ગયા છો!

‘મને શ૨માવો મા, મહાસતીજી!’

‘તમ જેવા સાચા સાધુને જોઈને શ૨માવાનું તો હવે અમ જેવાંને જ રહ્યું—’

એક વેળા સંસારમાં જેમનું વાગ્દાન થયેલું, એવી બે સાધુચરિત વ્યક્તિઓને એકબીજાથી તદ્દન નિરાળા એવા ભિન્ન ભિન્ન લેબાસમાં ઊભેલી સહુ જોઈ રહ્યાં.

ફરી ગાડીઓ આગળ વધી ને વાઘણિયાની સીમ બબ્બે ગાડીઓના ઘૂઘરાથી ગાજી ઊઠી.

આગલી ગાડીમાં નરોત્તમ અને ચંપાની જોડ બેઠેલી. લાડકોર હજી પણ કોઈ કોઈ વાતના સંદર્ભમાં પતિ અંગે ફરિયાદ ૨જૂ કર્યા કરતી હતી:

‘બટુકના બાપુ મીંઢા તે કાંઈ મીંઢા! મને તો સાવ અજાણી જ રાખી. છેવટની ઘડી લગી કાંઈ કીધું જ નહીં, એવા મીંઢા!’

બટુક ફરી પોતાનાં પ્રિય પક્ષીઓ સાથેની મૂંગી ગોષ્ઠીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઈ કોઈ વાર એ પાવો વગાડતો અને કોઈ ઊડતા પક્ષીની ઓળખ પૂછતો: ‘કાકા, ઓલ્યું ઊડે છે, એને શું કહેવાય?’

એવામાં, એક વાર નરોત્તમ અન્યમનસ્ક હતો ત્યાં જ બટુકની ચકોર નજ૨ ખેતરમાં પક્ષીયુગલ પડી. આજ સુધીમાં આ કિશોરે એ પક્ષીની જાત કદી જોયેલી નહીં તેથી એ પૂછવા લાગ્યોઃ

‘કાકા, ઓલ્યાં બે ઊભાં, એને શું કહેવાય?’

પણ નરોત્તમ બેધ્યાન હતો તેથી, કે પછી પોતાને પરિચિત એ પક્ષીયુગલ જોઈને એ કશાક ઊંડા વિચારમાં ઊતરી ગયો તેથી, એ બટુકને કાંઈ ઉત્તર ન આપી શક્યો.

બટુકે ઉપરાઉપરી ત્રણ વાર પૂછ્યું, ‘કાકા, કહો ને, ઓલ્યાં બે ઊભાં એને શું કહેવાય?’

ચાંચમાં ચાંચ પરોવીને ઊભેલી એ સારસ-જોડલી ત૨ફ નરોત્તમ એકીટશે તાકી રહ્યો હતો, ત્યાં જ બટુકની અધી૨૫ સંતાપવા ચંપાએ એને ઉત્તર આપી દીધો:

‘એ એક પંખીનું નામ સારસ અને બીજીનું નામ સારસી: એનું એક રમકડુંય હું તમારા સારુ લાવી છું, હોં બટુકભાઈ!’

પોતે જ શારદા મારફત મોકલાવેલા સારસ-યુગલના પ્રતીકનો આવો અણધાર્યો ઉલ્લેખ સાંભળીને નરોત્તમ શ૨માઈ ગયો. જાણે કે એને પજવવાના જ ઉદ્દેશથી ચંપાએ બટુકને વધારે લાલચ આપી. ઘરે જાતાંવેંત જ હું તમને મારી પેટીમાંથી આ પંખીનું રમકડું કાઢી દઈશ, હોં બટુકભાઈ!

નરોત્તમે કૃત્રિમ રોષભરી આંખે ચંપા તરફ જોયું, ત્યાં બટુકને સંભળાવવાના બહાના તળે નરોત્તમને સંભળાવ્યું:

‘ને પછી આ ખેતરનાં સારસ-સારસી રોજ આપણા ઘરમાં જ રહેશે, સમજ્યા ને બટુકભાઈ!’

આ સહુમાં સ્થિતપ્રજ્ઞ શો સ્વસ્થ વશરામ એના ભજનગાનમાં ગુલતાન હતો. એ તો પોતાની મીઠી હલક વડે આખા વગડાને ભરી દેતો ગાતો હતો:

ખૂંદી તો ખમે માતા પ્રથમી
ને વાઢી તો ખમે વનરાઈ...
કઠણ વચન ઓલ્યાં સાધુડાં ખમે
ને નીર તો સાયરમાં સમાય...’