વેવિશાળ/૨૪. સસરાનું ઘર
← ૨૩. પહેલી ચકાસણી | વેવિશાળ ૨૪. સસરાનું ઘર ઝવેરચંદ મેઘાણી |
૨૫. મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી → |
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો. |
24
સસરાનું ઘર
વળતા દિવસના સવારે આઠેક વાગ્યે તેજપુર સ્ટેશન આવ્યું. પેઢીની શાખા પરનો ગુમાસ્તો સામે લેવા આવ્યો હતો. તેને ઘેર જઈને જમવાનું આટોપ્યા પછી થોરવાડ જવા માટે જલદી ગાડું જોડાવ્યું. "ટાઢો પહોર થયે નીકળજો, ઘેરે બધું તૈયાર ટપ્પે છે, નોકરચાકર પણ હાજર ઊભા હશે. રસોઈ માટે હું ગોરને પણ ગોઠવતો આવેલ છું." આવું ઘણુંય મહેતાએ સમજાવ્યા છતાં 'વેળાસર પોં'ચી જઈએ' એમ કહી ભાભુએ વિદાય લીધી.
રસ્તામાં ભાભુએ સાથેના વોળાવિયાને પૂછપરછ કરવા માંડી :
"રૂપાવટી ગામ આપણા રસ્તામાં આવે ને?"
રૂપાવટી શબ્દે સુશીલાને ચમકાવી.
"અરધોક ગાઉ ફેરમાં રહી જાય છે, બા." વોળાવિયાએ કહ્યું.
"ત્યાં દીપચંદ શેઠને ઓળખો?"
"કેમ ન ઓળખીએ, બા? આજ ભલે ભાંગી ગયા, પણ ખોરડું તો અસલ ખોરડું ને!"
"એના ઘરમાં મંદવાડ હતો, તો તેનું કેમ છે?"
"હાલ્યા કરે છે. બે દી સાજા તો બે દી માંદા, એમ રહે છે. દીપચંદ શેઠની પંડ્યની ચાકરી જબરી ને, બે'ન! બાયડીની ચાકરી કરતલ તો દીપો શેઠ એક જ ભાળ્યા!"
"આપણે એ મારગે જ ગાડું લેવરાવજો, ભાઈ. દીપા શેઠને ઘેર થાતા જાવું છે."
"બહુ સારું, બા ! એ... આ ઉગમણો કેડો રૂપાવટીનો."
ગાડું નવે માર્ગે ચડ્યું. ભાભુ સુશીલાની સામે જોતાં નહોતાં, છતાં આપોઆપ સુશીલાએ પોતાનાં કપડાં સંકોર્યા. એ પોતાના સસરાને ઘેર જઈ રહી હતી, તેનું મૂંગું ભાન થયું. ભાભુએ આ ત્રાંસી નજરે નિહાળ્યું.
રૂપાવટી ગામને રસ્તે ગાડું ચડ્યું. ત્યાર પછી દેખીતા કશા જ કારણ વિના એ કેડાની બેઉ કાંઠાની સીમોને એકીટશે જોતી જતી હતી. એ શું જોતી હતી તેનું ભાભુની ત્રાંસી આંખો ધ્યાન રાખવા લાગી. કોઈક અદૃશ્ય નોંધપોથીમાં ભાભુ સુશીલાના મોં નો પ્રત્યેક ભાવ ટપકાવતાં ગયાં.
નજીક ચાલી આવતી દિવાળીના બાજરાને બપોરનો તાપ પકવતો હતો. તે સુશીલાને મન માંડ માંડ જોવા મળેલી વસ્તુ હતી. આટલં કુમળાં છોડવાં પર આવાં પ્રખર અગ્નિવર્ષણ !
"હેં ભાભુ," એણે પૂછ્યું : "છોડવા બળી નહીં જતા હોય?"
"ના બે'ન," ભાભુએ જવાબ દીધો : "આટલા આટલા તાપ વગર દાણો પાકો જ ન થાય."
પાંખા પાંખા ડૂંડા; ધડા વગરની મોલાતનું વાવેતર; ક્યાંઈક ભૂખડી બાજરો, તો ક્યાંઈક પ્રમાણ બહારનો કપાસ; તો ક્યાંક વળી કંગાલ ઉદ્યમવંતોની વચ્ચે આળસુ બાવાઓ જેવાં પડતર ખેતરો; એને સાચવનારાં માનવીનું ક્યાંઈક જ વિરલ દર્શન.
સીમ જોતી સુશીલાએ જરૂરજોતા બેચાર પ્રશ્નો પૂછવા ઉપરાંત કશો જ કંટાળો, ' એ મા રે !' એવો કશો જ મુંબઈગરો ભયોચ્ચાર બહાર પાડ્યો નહીં. ભાભુની ગુપ્ત નોંધપોથીમાં પટ પટ આ અક્ષરો પડતા ગયા.
'દીપો શેઠ : જબ્બર ચાકરી કરનાર આદમી : ઈ જેવી ચાકરી કોઈથી ન થાય.' વોળાવિયાનાં આ વચનોને સુશીલા મનમાં ને મનમાં વાગોળતી હતી, ત્યાં ગાડું રૂપાવટી ગામની પાદરની નદી ઊતર્યું. વેકરો પૈડાંને ગળું ગળું કરતો હતો. 'લ્યો બે'ન, પહોંચી ગયાં આપણે રૂપાવટીને પાર," એવું વાક્ય વોળાવિયાના મુખમાંથી નીકળતાંની વારે જ સુશીલાએ બહાર જોવાનું પણ બંધ કરી સાડીને વધુ સંકોડી લઈ અંગો ઢાંક્યાં. લાજનો ઘૂમટો કાઢ્યો નહીં છતાં સાડીની મથરાવટીની કોર અરધા કપાળને મઢી રહી.
"તું આંહી ગાડામાં રહીશ, બે'ન?" ભાભુએ પૂછ્યું : " તો હું એકલી ઊભે પગે જઈ આવું, તારા સા..." એટલું કહ્યા પછી પોતે સાવધાન બની એ વાક્ય અધૂરું મૂક્યું. ને સુધારેલું વાક્ય ઉચ્ચાર્યું : "સુખલાલનાં બાની તબિયત જોઈ આવું."
"હું આવું તો ? " સુશીલા સહેજ ખચકાઈને બોલી.
"તને કેમ કરી લઈ જવી ?'
"હું ત્યાં કાંઈ નહીં કરું."
'કાંઈ નહીં કરું,' એવા શબ્દોનો દેખીતો અર્થ કાંઈ જ નહોતો, છતાં એ વાક્ય એક એવો ભાવ પ્રગટ કરવાને વપરાયું હતું કે ' હું ત્યાં આવીને બહુ જ વિનયપૂર્વક વર્તીશ.'
"મંદવાડવાળા ઘરમાં તું ક્યાં આવીશ? અકળાઈ જઈશ."
આ ઉદ્ગારનો કે કટાક્ષનો જવાબ સુશીલાએ બહુ વિચિત્ર રીતનું હાસ્ય કરીને આટલો જ આપ્યો : "લે!"
એ 'લે!' ની અંદર જ ભત્રીજીએ ભાભુની પટકી પાડી નાખી અને 'લે!' કરતાં વિશેષ કશો જ ઠપકો સાંભળવાની રાહ જોયા વગર ભાભુએ ગાડું ગામમાં લેવરાવ્યું.
ગામના દરવાજામાં દાખલ થતાં જ એક ઝનૂની ખૂંટિયાએ ગાડાના ગુલામ બળદને પોતાની આઝાદીનો ચમત્કાર બતાવતું ગળું ઘુમરાવ્યું, ને ત્રાડ મારી માથું ઉછાડ્યું.
ગામની બજાર સૂનકાર હતી. ઠેકાણે ઠેકાણે થયેલાં કાદવનાં કચકાણને ચગદતું ગાડું ચોરો વટાવતું હતું ત્યારે ચોરા પરથી પણ સુશીલાએ નિરુદ્યમી બે પગી-પસાયતાના ને ગામના બે-પાંચ જમીનદાર કાઠી જુવાનોના ઠઠ્ઠા શબ્દો સાંભળ્યા.
ભાભુએ જોયું કે સુશીલા નહોતી સુગાતી કે નહોતી ધડક ખાતી. મુંબઈના મકાન પાસેની સડક પર મોડી રાતે છાકટા બની નીકળતા દારૂડિયાઓનો કે અપશબ્દો કાઢતા ગુંડાઓનો વારંવાર જેને પરિચય હતો, તે સુશીલાને આ ગામડાના નવરા લોકોની વાણી સંભળીને 'ઓ મા રે!' એવો કોઈ જ ઉદ્ગાર કાઢવાનું કારણ ન લાગ્યું.
વેળાવિયાએ આગળ પહોંચી જઈને વાકેફ કરેલા દીપચંદ શેઠ - સુખલાલના બાપા - ગાડાની સામે ચાલ્યા આવતા હતા, તેનું એક ક્ષણ દર્શન કરીને સુશીલા વિનયભેર મોં ફેરવી ગઈ. ખુલ્લે શરીરે હતા, છતાં માથે પાઘડી મૂકી હતી, બેઉ હાથને ચોળતા ચોળતા ચાલ્યા આવતા હતા. ચોળી ચોળીને એ સફેદ સફેદ શું ખંખેરી નાખતા હતા ? વેળાવિયાએ આગળ આવીને ભાભુ પાસે વધાઈ ખાધી: "બાપડાં રાંધતા રાંધતા ઊઠ્યા છે."
"અરે, બચાડા જીવ !" ભાભુએ હવે સમજ પડતાં ઉદ્ગાર કાઢ્યા : "આ તો લોટવાળા હાથે જ ઊઠ્યા લાગે છે. ઠેઠ અટાણે રાંધવાનું?"
"હા," વેળાવિયાએ કહ્યું, "વહુ માંદા છે, ને વધારામાં મોટી દીકરી સૂરજનેય તાવ આવે છે. એટલે દવાદારૂ લાવતાં-કરતાં મોડું થયું લાગે છે."
સૂરજ ! એ નામ સુશીલાને કાને પડતાં જૂની સ્મૃતિ સળવળી ! સૂરજ નામ તો પોતાને એક વાર કાગળ લખનાર નણંદનું જ હતું. એ સૂરજને પોતે જવાબ કે પહોંચ પણ લખેલ નહીં. એ સૂરજે થોડીક જૂની ફાટેલ ચોપડીઓ મગાવી હતી, પણ પોતે મોકલી શકી નહોતી. એ સૂરજ...
આટલો વિચાર થયો ત્યાં તો દીપચંદ શેઠે ગાડાની નજીક આવીને ભાભુ સામે હાથ જોડ્યા : એના મોંની ત્રાંબા વરણી ચામડી સહેજ ઝાંખા પડેલા હાડાંનો રંગ ઝલકાવતી હતી.
"બે'ન ! બાપા ! તું ક્યાંથી?"
એ શબ્દો વડે એણે ભાભુને આદર દીધો.
"જુઓ, આવી તો ખરીને કાકા?" ભાભુએ સામો ટૌકો કર્યો: " ને પાછી એકલીયે નથી આવી. તમારી દીકરીને પણ લેતી આવી છું."
"આંખ્યું ઠરે છે મારી, બેટા ! સો વરસનાં થાવ." સુશીલા પ્રત્યે આ કહેનાર પુરુષ સમજતો હતોકે વિજયચંદ્ર જેવા કોઈ બીજાને ક્યારનીયે વરી ચૂકેલી આ એક વખતની મારી પુત્રવધુ ઉપર મારો કશોય અધિકાર નથી રહ્યો : એ અર્થમાં જ 'તમારી દીકરી' શબ્દો યોજાયા છે.
સુશીલાની મથરાવટીને કિનાર પાદરમાં હતી તે કરતાં હજુયે વિશેષ નીચે ઊતરી હતી ને એક બાજુએ નજર પરોવીને એ આ પુરુષના લોટાવાળા હાથ જ જોઈ રહી હતી. મુંબઈ માં એણે કોઈ દિવસ કોઈ પુરુષને રાંધતો જોયો નહોતો. એને જોયા હતા માંદી અથવા રજસ્વલા પત્નીઓને પાડોશીઓની દયા પર છોડીને રેસ્ટોરાંમાં જઈ પેટ ભરી લેનારા પુરુષો. અને પોતાના ઘરમાં તો કોઈ પ્રસંગે પુરુષે રાંધ્યું હોય તેવી સ્મૃતિ નહોતી. આંહીં તો પાછો આ પુરુષ લોટવાળા એઠા હાથે બહાર મહેમાનોનું સ્વાગત કરવા આવતાં પણ શરમાયો નહોતો.
ગાડાને ખડકી નજીક લઈ જઈ બળદનાં જોતર છોડાવ્યાં. તે પછી બંને સ્ત્રીઓ ઊતરીને અંદર ગઈ. દીપચંદ શેઠ ગાડાવાળાને "હાલો ભાઈ, નીરણની ગાંસડી લઈ જાવ," એમ કહી અંદર આવ્યા ને ઓશરીમાં ઝટ ઝટ ઢોલિયો ઢાળી, ઉપર ધડકી પાથરી મહેમાનોને કહ્યું : "બેસો, બાપા!"
"ક્યાં છે મારાં કાકી ?" ભાભુએ પૂછ્યું.
"બેસો ને બે'ન, પછી એ છે ત્યાં લઈ જાઉં. ઉતાવળ શી છે?"
"ના, ના, કાકા, ત્યાં એમની પાસે જઈને બેસીશું."
"ત્યાં બેસવા કરતાં, બે'ન આંહીં ઠીક છે."
"પણ શું કારણ છે?"
"મંદવાડ વધ્યો છે ખરો ને, એટલે કાંઈક ગંદકી પણ વધે ને ! ઓરડામાં હવા બગડેલી હોય..."
"લ્યો હવે રાખો રાખો, કાકા !"
એમ બોલતાં ભાભુ ઘરની અંદર ચાલ્યાં. તેની પછવાડે સુશીલા ચાલી.
"મારા સોગંદ બે'ન," એમ બોલતા દીપચંદ શેઠે ભાભુને " એક ઘડી સાત ખમો, પછી હું તમને લઈ જાઉં - અબઘડી," એમ કહીને દૂરના એક ઓરડામાં દોડતા જઈ ઉતાવળે ઉતાવળે એક નળિયામાં ચૂલાનો દેવતા મૂકી તે પર લોબાન ભભરાવ્યો અને ત્યાં ખાટલે સૂતેલ પત્ની ને ખબર આપ્યા: "ચંપક શેઠનાં વહુ આવેલ છે, ભેળાં સુશીલા છે, તને આજ સુધી કહ્યું નથી તે કહી દઉં છું : સુખલાલના સગપણની હું મુંબઈમાં ફારગતી આપીને જ આવેલ હતો. એ ધ્યાનમાં રાખી તું વાત કરજે."
એવી ભલામણ કરી, બહાર આવી, "ચાલો બે'ન ! હવે પધારો," એ શબ્દે એણે બેઉ મહેમાનોને પત્ની પાસે લીધાં, ધડકી પાથરી દીધી. ને પછી જલદી પોતે સામેની ઓસરીએ એક ઓરડા પર પહોંચ્યો. ત્યાં પથારીએ સૂતી સૂતી તાવમાં લોચતી પુત્રીને પણ એણે સૂચના દીધી "સૂરજ ! બેટા ! મે'માન આવેલ છે. હમણાં તને આંહીં મળવા આવશે, પણ એને 'ભાભી ભાભી' કરીને બોલાવીશ મા, હોકે ? એને એવાં વેણ સારાં ન લાગે."
"હો ! કોણ ? હેં બાપા, કોણ ? ભાભી? સુશીલા ભાભી ?" સૂરજ તાવભર્યાં સળગતાં લોચન જોરથી ખોલીને પૂછવા લાગી.
"એ હેય ! છુછીલા ભાભી !" સૂરજની પથારી પાસે બેસીને એના કપાળે પોતાં મૂકતો એક છ વરસનો છોકરો જોરથી બોલી ઊઠ્યો. એણે પોતાની પસે બેઠેલી એક ચાર વર્ષની છોકરીને કહ્યું : " એ હેઈ... પોટી ! છુછીલા..."
"અરે ભાઈ ! સૌ એકસામટાં ગાંડિયાં કાં થયાં?" એમ કરીને બાપ ત્રણે બાળકોને સમજાવવા બેઠો " કોઇને 'ભાભી ભાભી' નહીં કહો તો હું તમને રોટલીને માથે ગોળ દઈશ."
છોકરાં બાપનો ઠપકો સમજ્યા વગર જ ચૂપ થઈ બેઠાં. ને પિતા પાછો સામી પરસાળે ચાલ્યો. એણે એકઢાળિયામાંથી ઘાસના પૂળા બહાર કાઢી જથ્થો ખડક્યો, ને પછી અંદર રસોડાને ઓરડે પ્રવેશ કરવા જાય છે ત્યાં તો એણે સળગતા ચૂલા પર તાવડી મૂકીને અધૂરા રહેલા લોટને પાણીમાં મસળતું કોઈક દીઠું.
"અરે, બાપ ! બાપ!"
એટલું બોલીને એ પાછા ફરી બહાર નીકળ્યા. પત્નીની પથારીવાળા ઓરડામાં જઈ બેબાકળા પૂછ્યું : "ચૂલે કોણે સુશીલાને બેસાડેલ છે?"
"ના... ના, બે...સા... રા... ય... કાં... ઈ? ... હું... એ... વી... અ... ણ...સ... મ... જુ... છું...?"
" અરે આ બેઠાં બેઠાં લોટ મસળે."
એટલું જ બોલીને દીપા શેઠ ઘરની બહાર નીકળી ગયા. એકઢાળિયામાં (કોઢમાં) એક વાછડી બાંધી હતી તેની પાસે જઈ એના ગલા પર હાથ ફેરવતાં ઊભા રહ્યા. મા વગરની એ મોટી કરેલી વાછડી દીપા શેઠના મોં સામે પોતાનું ખજવાળાતું માથું ઊંચું કરતી હતી ત્યારે એને પશુ-દૃષ્ટિ આ માનવીની આમંખોનાં પાણી જોઈ શકતી હતી કે કેમ તે ચોક્કસ ન કહી શકાય એવી વાત છે, કેમ કે અમે પશુ-સંસારના પૂરા અનુભવી નથી.
છેલ્લા ઘણા મહિનાઓથી ચૂલે બેસવાના અનેક દિવસ દીપચંદ શેઠને ભાગે આવી રહ્યા હતા. મુંબઈ ગયા પૂર્વે, બેશક, ચૂલે બેઠાં બેઠાં એણે પોતાનો છુટકારો કરવા આવનારી પુત્રવધુની વારંવાર કલ્પનાઓ કરી હતી, માંદી પત્નીને પોતે રાંધતા રાંધતા કહેતા પણ ખરા કે, " આ ગામઠી છાણાંનો ધૂંધવાટ બાપડી વહુથી કેમ સહ્યો જાશે ! આપણે તેજપુરથી એક ગુણ કોલસાની ને એક સગડી મંગાવી રાખવી છે. આ વરસાદનો ભેજ લાગેલ છાણાંને ફૂંકવાની માથાકૂટ સુશીલાથી થાય નહીં."
પત્ની કહેતી: "સાંઠિયું ના ભારા મંગાવી રાખો, ને તલસરાં હશે એટલે દીવા જેવાં બળશે."
"અરે મૂરખી !" ધણી જવાબ દેતો : "તલસરાંનો તાપ તો ઘડીક ઘડીક જ રહે. એ બાપડી શું આંહીં બેઠી બેઠી રસોઈ કરશે, કે તલસરાં જ ચૂલામાં ઓર્યા કરશે? ને જુઓ, આ રાંધણિયાને હવે તો એક બારી મુકાવી દઈએ. મુંબઈનાં છોરુને હવા જોવે. બારી વગર તો બફાઈ જ જાય ને બાપડાં ફૂલ જેવાં!"
"તમે શીદ ચિંતા કરો છો?" પત્ની કહેતી : "વહુ આવશે તયેં તો ભગવાન મારી કાયામાં કાંટો નૈ મૂકે ? હું ઊઠી શકીશ તો તો પછી શું આવ્યા ભેળી જ વહુને હું રાંધણિયામાં પગ મૂકવા આપીશ? રામરામ કરો! રાંધણું કરાવવાની એવી નવાબી મારે નથી માણવી. આપણાં સગાં રિયાં જાડાં, ને આ રિયો ધોરી મારગ. હાલતાં ને ચાલતાં પાંચ મે'માન આપણે આંગણે ઘોડાં બાંધે - એ બધાના રોટલા ટિપાવીને અમારે આવતલ વહુને નાનપણથી જ ભડકાવી નથી મારવી. ઈ મરને બેઠાં બેઠાં સૂવે-ગૂંથે. આ તો હું સાવ અટકી પડી છું એટલે જ ઉચાટ થાય છે કે આવ્યા ભેળી જ એને નાની બાળને ચૂલો ભળાવવો પડશે."
"તું ઉચાટ કર તો તારા જેવી મૂરખી કોણ?" પતિને પોરસ ચડતો : "ખાટલે તો તું પડી છો, હું ક્યાં હરામનાં હાડકાં લઈને બેઠો છું ! વહુને ચૂલે ઝાઝું બેસવા શેનો દઈશ? બેસે તો ધમકાવી જ કાઢું, ખબર છે? એ તો આપણી સૂરજ ટે'લ ટપારો કર્યા કરશે ને હું તો 'વઉ રાંધે છે,' 'વઉ રાંધે છે,' એવો ડોળ રાખ્યે રાખ્યે તારું પાંચ દસ કે પચીસનું રાંધણું ય પો'ર દી ચડ્યે ઉડાડી મૂકીશ. તું નાહકની વહુની ફિકર કરતી કરતી શરીરને વધુ વધુ સૂકવ મા. એમ કાંઈ હું પેપડીને ખાનારો નથી ! વહુની કિંમત તારે છે - મને શું નથી? આ વહુ વગરના તો ડુંગરશીના સાત-સાત દીકરા નિરવંશ ચાલ્યા ગયા ! ને આપણી નજર સામે જ સાઠ ને પચાસ વરસના બે ઘેલાની ભાઈઓ અટાણે પૂરું ભાળતા નથી તોય છાશ માગી આવે છે, ને એકાદ રોટો ટિપાવવા સારુ શુક્લને ઘરે રગરગે છે - એ શું મારા ધ્યાન બહાર છે?"
"ને રૂપિયાની કોથળિયું એમ ને એમ ઠઠી રહી," માંદી પત્ની ટાપશી પુરાવતી હતી : " હુંય ક્યાં નથી જાણતી?"
"રૂપિયાને આવેલી વહુ તો રૂપિયા જ લઈને જાયને ગાંડી! એટલા સારુ તો આ બે ભાઈયું બચાડા રૂપિયા દઈને પરણ્યા નો'તા."
"ને દુલો ભાભો, જુવો ને, રઘવાયો થઈને રૂપિયાની ફાંટ બાંધી બાંધી ફરતો'તો ને - કે ભાઈ, ગાંડી મળે તો ગાંડીનેય પરણું ! લૂલી, લંગડી, બાડી, બોબડી, આધેડ જે મળેતેને પરણું - આ એમ ને એમ સૌ એના બાપડાના રૂપિયા ચાવી ગ્યું ને એક ગાંડી આવી તેય ડાહી થઈને રૂપિયા લઈ રપૂચક થઈ ગઈ."
દીકરાની વહુ તો દુર્લભ છે : મારો દીકરો તો લીલા નાળિયેરે વર્યો છે. કાલ સવારે વહુ આવશે ત્યારે મારા ઘરમાં જાણે સામશે જ કેમ ! એ જ મને તો અટાણથી વિમાસણ થાય છે."
રાંધણિયાની સામેના જ ઓરડામાં બિછાને પડેલી માંદી વહુ સાથે આવા તડાકા ચાલુ રહેતા, રોટલા ટિપાઈ જતા, કાચરીઓ શેકાઈ જતી, ને તે પછી છેક ત્રીજે પહોરે દીપો શેઠ દાતણનો ડોયો લઈને પત્નીના ઓરડામાં ઓશરીએ બેઠા બેઠા દાંતે બાજર દેતા, વાછડીની મા તારે જીવતી હતી. ચરવા ગયેલી ગાયને ખીલે ઠેકડા મારતી વાછરડીના બેં બેં કારા કાન ફોડી નાખતા. ત્યારે દાતણ કરતો ગૃહપતિ એને સંબોધીને કહેતો કે :" વહુને આવવા દે - પછી તારી વાત છે!"
એ બધાં તો અત્યારે ભૂતકાળનાં સ્મરણાં જ બની ગયાં હતાં. મુંબઈથી આવ્યા પછી આવા તડાકા માર્યા નહોતા. ક્વચિત્ વાત નીકળતી તારે ટૂંકમાં પતાવી દેતો કે "છોકરાનો રોટલો મુંબઈ ઠર્યો; વળી ખોટની દીકરીને આડા શીદ આવવું? આંહીં ઘરે તો આખરે આવવાનું જ છે ને ! ભલે પાંચ વરસ મોડાં આવતાં. આપણી વઉવારુ, પણ કોઈકની દીકરી જ ને! જેવી આપણને સૂરજ તેવી જ એનાં માવતરને સુશીલા.” આથી વધુ પેટ એણે પત્નીને આપેલું નહીં. સૂરજને એણે કહેલું કે "બે'ન તારાં ભાભીએ ચોપડીઓનું પોટકું બંધાવી દીધેલું પણ હું જ ભુલકણો તે પાડ્યું રહ્યું."
- ને પોતાના પ્રાણને એણે પડાકાર્યો રાખેલો કે "વાણિયા, જોજે, હો, ઉતાવળો થઈને મરણકાંઠે બેઠેલ બાયડીનું કમોત કરાવનારી આ વાત કહેતો નહીં. હવે એ બાપડી થોડાક દીની મે'માન છે."