વૈષ્ણવ નથી થયો તું રે હરિજન નથી થયો તું રે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

વૈષ્ણવ નથી થયો તું રે, હરિજન નથી થયો તું રે,
 શીદ ગુમાનમાં ઘૂમે... વૈષ્ણવ꠶ ટેક
હરિજનને જોઈ હૈડું ન હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
 કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં... વૈષ્ણવ꠶ ૧
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
 તારા સંગનો રંગ ન લાગે, તહાં લગી તું કાચો... વૈષ્ણવ꠶ ૨
પર દુઃખ દેખી હૃદે ન દાઝે, પર નિંદાથી નથી ડરતો,
 વ્હાલા નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો... વૈષ્ણવ꠶ ૩
પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ છૂટ્યો છે નહીં,
 કહેણી તેવી રહેણી ન મળે, કહાં લખ્યું એમ કહેની... વૈષ્ણવ꠶ ૪
ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
 જગત તણી આશા છે જહાં લગી, જગત ગુરુ તું દાસ... વૈષ્ણવ꠶ ૫
મન તણો ગુરુ મન કરીશ તો, સાચી વસ્તુ જડશે,
 ‘દયા’ દુઃખ કે સુખ માન પણ, સાચું કહેવું પડશે... વૈષ્ણવ꠶ ૬