લખાણ પર જાઓ

શિક્ષાપત્રી

વિકિસ્રોતમાંથી
શિક્ષાપત્રી
સહજાનંદ


(શ્રી સહજાનંદસ્વામી જેતે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્‍ણભગવાન તેનું ધ્યાનરુપ મંગળાચરણ કરે છે.)

હું જે તે મારા હદયને વિષે શ્રીકૃષ્‍ણભગવાનનું ધ્‍યાન કરું છું. તે શ્રી કૃષ્‍ણ કેવા છે તો- જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્‍થળને વિષે લક્ષ્‍મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. (૧) અને વૃતાલય ગામને વિષે રહ્યાં એવા સહજાનંદસ્‍વામી જે અમે તે અમે જેતે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહયા એવા જે અમારા આશ્રિત સર્વે સત્‍સંગી તે પ્રત્‍યે શિક્ષાપત્રીને લખીએ છીએ. (૨)

શ્રી ધર્મદેવ થકી છે જન્‍મ જેમનો એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્‍છારામજી તેમના પુત્ર જે અયોધ્‍યાપ્રસાદ નામે અને રઘુવીર નામે (જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્‍સંગીના આચાર્યપણાને વિષે સ્‍થાપન કર્યા છે) (૩)

તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આ દિક નૈષ્‍ઠીક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્‍થ સત્‍સંગી (૪)

તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઇઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ (પ)

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્‍ત્રનેવિષે પ્રમાણરુપ અને શ્રીમન્‍નારાયણની સ્‍મૃતિએ સહિત એવા જે અમારા રુડા આશિર્વાદ તે વાંચવા (૬)

અને આ શિક્ષાપત્રી લખ્‍યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષા પત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. (૭)

અને શ્રીમદ્દભાગવત પુરાણ આદિક જે સતશાસ્‍ત્ર તેમણે જીવનના કલ્‍યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્‍ય પાળે છે તે મનુષ્‍ય આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (૮)

અને તે સદાચારનું ઉલ્‍લંઘન કરીને જે મનુષ્‍ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તેતો કુબુધ્ધિવાળા છે અને આ લોક ને પરલોકને વિષે નિશ્ર્ચે મોટો કષ્‍ટને જ પામે છે. (૯) તે માટે અમારા શિષ્‍ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્‍લંઘન કરીને વર્તવું નહિં (૧૦)


હવે જે વતર્યાની રીત કહી છીએ જે અમારા જે સત્‍સંગી તેમણે કોઇપણ જીવ પ્રાણિમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાચંડ, આદિક જીવ તેમની પણ હિંસા કયારેય ન કરવી (૧૧)

અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માંછલા આદિક કોઇ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તેજ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્‍ત્રોમાં કહ્યું છે (૧૨) અને સ્‍ત્રી, ધન અને રાજય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્‍યની હિંસા તો કોઇ પ્રકારે કયારેય પણ ન જ કરવી (૧૩)

અને આત્‍મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો અને ક્રોધે કરીને ન કરવો અને કયારેક કોઇ અયોગ્‍ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્‍મઘાત ન કરવો અને ઝેર ખાઇને તથા ગળે ટુંપો ખાઇને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્‍યાદી કોઇ રીતે આત્‍મઘાત ન કરવો. (૧૪)

અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્‍કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગીયારસ પ્રકારનું મધ તે દેવતાનું નૈવેધ્ય હોય તો પણ ન પીવું (૧પ)

અને કયારેક પોતાવતે કાંઇક અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજાથી અયોગ્‍ય આચરણ થઇ ગયું હોય તો શસ્‍ત્રાદિકે કરીને અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું (૧૬)

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્‍સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્‍ઠ પુષ્‍પ આદિક વસ્‍તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું (૧૭) અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્‍ત્રીઓ તેમણે વ્‍યભિચાર ન કરવો. અને જુગટું આદિક જે વ્‍યસન તેનો ત્‍યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્‍તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં (૧૮)

અને જેના હાથનું રાંધેલુ અન્‍ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલુ અન્‍ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્‍ણભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્‍મ્‍યે કરીને પણ જગન્‍નાથપુરી વિના અન્‍ય સ્‍થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્‍નાથપુરીને વિષે જગન્‍નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી (૧૯)

અને પોતાના સ્‍વાર્થની સિધ્ધિને અર્થે પણ કોઇના પર મિથ્‍યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય ન દેવી (૨૦)

અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદની નિંદા કયારેય ન કરવી અને ન સાંભળવી. (૨૧)

અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેધ થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેધ ન ખાવું (૨૨)

અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે તેને જોઇને તેને નમસ્‍કાર કરવા અને આદર થકી તે દેવનું દર્શન કરવું. (૨૩) અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઇ સત્‍સંગીએ ત્‍યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્‍પીત ધર્મનું આચરણ ન કરવું. (૨૪)

અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્‍ણભગવાનની ભકિત ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવવાનની કથા વાર્તા ન સાંભળવી (૨પ)

અને જે સત્‍ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્‍ય વચન તે કયારેય ન બોલવું અને જે કૃતધ્‍ની હોય તેના સંગનો ત્‍યાગ કરવો અને વ્‍યવહારકાર્યને વિષે કોઇની લાંચ ન લેવી. (૨૬)

અને ચોર, પાપી, વ્‍યસની, પાંખડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો એ છ પ્રકારના જે મનુષ્‍ય તેમનો સંગ ન કરવો. (૨૭)

અને જે મનુષ્‍ય ભકિતનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્‍ત્રી, દ્રવ્‍ય અને રસાસ્‍વાદ તેને વિષે અતિશય લોલુપથકા પાપને વિષે પ્રવર્તતા હોય તે મનુષ્‍યનો સમાગમ ન કરવો (૨૮)

અને જે શાસ્‍ત્રને વિષે શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનના જે વરાહાદિક અવતારો તેમનું યુકિતએ કરીને કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્‍ત્ર તે કયારેય ન માનવાં અને ન સાંભળવા (૨૯)

અને ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું અને જે જળને વિષે ઝીણા જીવ ઘણાક હોય તે જળે કરીને સ્‍નાનાદિક ક્રિયા ન કરવી (૩૦)

અને જે ઔષધ દારુ તથા માંસ તેણે યુકત હોય તે ઔષધ કયારેય ન ખાવું અને વળી જે વૈધના આચરણને જાણતા ન હોઇએ તે વૈધે આપ્‍યું જે ઔષધ તે પણ કયારેય ન ખાવું. (૩૧)

અને લોક અને શાસ્‍ત્ર તેમણે મળ મૂત્ર કરવાને અર્થે વજર્યા એવાં સ્‍થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફુલવાડી, બગીચા એ આદિક જે સ્‍થાનક તેમને વિષે કયારેય પણ મળ મૂત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં. (૩૨)

અને ચોર માર્ગે કરીને પેસવું નહિ અને નિસરવું નહિ અને જે સ્‍થાનક ધણીયાતું હોય તે સ્‍થાનકને વિષે તેના ધણીને પુછયા વિના ઉતારો ન કરવો (૩૩)

અને અમારા સત્‍સંગી જે પુરુષમાત્ર તેમણે બાઇ માણસના મુખથકી જ્ઞાનવાર્તા ન સાંભળવી અને સ્‍ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. (૩૪) અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્‍ઠ મનુષ્‍ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્‍ઠીત મનુષ્‍ય હોય તથા જે વિદ્વાન મનુષ્‍ય હોય તથા જે શસ્‍ત્રધારી મનુષ્‍ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. (૩પ)

અને વિચાર્યા વિના તત્‍કાળ કોઇ કાર્ય ન કરવું અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્‍કાળ કરવું અને પોતે જે વિધા ભણ્યા હોઇએ તે બીજાને ભણાવવી અને નિત્‍ય પ્રત્‍યે સાધુનો સમાગમ કરવો (૩૬)

અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જયારે જવું ત્‍યારે ઠાલે હાથે ન જવું અને કોઇનો વિશ્ર્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા (૩૭) અને જે વસ્‍ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભુંડું વસ્‍ત્ર તે અમારા સત્‍સંગી તેમણે ન પહેરવું (૩૮)

અને શ્રીકૃષ્‍ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહીત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્‍ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાનો ત્‍યાગ કરવો જ નહી. (૩૯)

અને ઉત્‍સવના દિવસને વિષે તથા નિત્‍ય પ્રત્‍યે શ્રીકૃષ્‍ણના મંદિરમાં આવ્‍યા જે સત્‍સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્‍ત્રીઓનો સ્‍પર્શ ન કરવો તથા સ્‍ત્રીઓ તેમણે પુરુષનો સ્‍પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું (૪૦) અને ધર્મવંશી ગુરુથકી શ્રીકૃષ્‍ણની દીક્ષાને પામ્‍યા એવા બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્‍ય એ ત્રણ વર્ણના અમારા સત્‍સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્‍યે ધારવી અને લલાટ, હ્રદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. (૪૧)

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર કંકુમાદિકે યુકત એવું જે પ્રસાદીનું ચંદન તેણે કરીને તિલક કરવું (૪૨)

અને તે તિલકના મધ્‍યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જેતે ગોપીચંદને કરીને કરવો અથવા ધિકાજી અને લક્ષ્‍મીજી તેનું પ્રસાદી એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. (૪૩)

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્‍ણના ભકત એવા સતશૂદ્ર તેમણે તો તુળશીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્‍યની પેઠે ધારવાં (૪૪)

અને તે સચ્‍છૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતાં એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્‍ઠની જે બેવડીમાળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠની વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. (૪પ) અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી એ બે વાનાં પોતાની કુળ પરંપરાએ કરીને ચાલ્‍યાં આવ્‍યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનો કયારેય ત્‍યાગ ન કરવો. (૪૬)

અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્‍મપણું જ જાણવું. કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરુપે કરીને પ્રતિપાદન કર્યું છે. (૪૭)

અને અમારા આશ્રિત જે મનુષ્‍ય તેમણે શાસ્‍ત્રે કહ્યો જે આપધ્ધર્મ તે અલ્‍પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. (૪૮)

અને અમારા સત્‍સંગી તેમણે નિત્‍ય સુર્ય ઉગ્‍યાથી પહેલા જ જાગવું અને શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. (૪૯)

અને પછી એક સ્‍થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્‍નાન કરીને પછી ધોયેલું વસ્‍ત્ર એક પહેરવું અને એક ઓઢવું (પ૦)

અને તે પછી પવિત્ર પૃથ્‍વીને વિષે પાથર્યું અને શુધ્‍ધ કોઇ બીજા આસનને અડયું ન હોય અને જેની ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું (પ૧)

અને પછી સત્‍સંગી પુરુષમાત્રને ચાંદલે સહીત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્‍ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો (પ૨)

અને તે વિધવા સ્‍ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું તે ચાંદલો પણ ન કરવો તે પછી તે સર્વે જે અમારા સત્‍સંગી તેમણે મને કરીને કલ્‍પ્‍યાં જે ચંદન પુષ્‍પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની માનસી પૂજા કરવી. (પ૩)

અને તે પછી જે શ્રીરાધાકૃષ્‍ણની જે ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્‍કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્‍ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. (પ૪) અને જે અમારા સત્‍સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્‍મનિવેદી એવા ઉત્તમ ભકત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી (પપ)

અને તે જે આત્‍મનિવેદી ભકત તેમણે પાષણની અથવા ધાતુની જે શ્રીકૃષ્‍ણ ભગવાનની પ્રતિમા અથવા શાલિગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્‍ત થયા જે ચંદન પુષ્‍પ ફળાદિક વસ્‍તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્‍ણ ભગવાનનો જે અષ્‍ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (પ૬)

અને તે પછી શ્રીકૃષ્‍ણ ભગવાનના જે સ્‍તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને જે સંસ્‍કૃત ન ભણ્યા હોય તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનનું નામ કીર્તન કરવું (પ૭)

અને પછી શ્રીકૃષ્‍ણભગવાનને નૈવેધ કરીને પછી તે પ્રસાદિ એવું જે અન્‍ન તે જમવું અને તે જે આત્‍મનિવેદી વૈષ્‍ણવ તેમણે સર્વ કાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની સેવાપરાયણ થવું. (પ૮)

અને નિર્ગુણ કહેતાં માયાનાં જે સત્‍વાદિક ત્રણ ગુણો તેણે રહિત એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તેના સબંધથકી તે આત્‍મનિવેદી ભકતની જે સર્વે ક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્‍મનિવેદી ભકત જે તે નિર્ગુણ કહ્યા છે. (પ૯) અને એ જે આત્‍મનિવેદી ભકત તેમણે શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ કયારેય ન પીવું અને પત્ર કંદ ફળાદીક જે વસ્‍તુ તે પણ શ્રીકૃષ્‍ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું (૬૦)

અને વળી સર્વે જે અમારા સત્‍સંગી તેમણે વૃધ્‍ધપણા થકી અથવા કોઇ મોટા આપત્‍કાળે કરીને અસમર્થપણું થઇ ગયે સતે પોતે સેવવાનું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ તે બીજા ભકતને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું (૬૧)

અને જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્‍યું હોય અથવા તે આચાર્યે જે સ્‍વરુપની પ્રતિષ્‍ઠા કરી હોય તે જ સ્‍વરુપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્‍ણનું સ્‍વરુપ તે તો નમસ્‍કાર કરવા યોગ્‍ય છે પણ સેવવા યોગ્‍ય નથી. (૬૨)

અને અમારા જે સર્વે સત્‍સંગી તેમણે નિત્‍ય પ્રત્‍યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્‍યે જવું અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તેના નામનું ઉચ્‍ચ સ્‍વરે કરીને કીર્તન કરવું (૬૩)

અને તે શ્રીકૃષ્‍ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્‍સવને દિવસે વાજિંત્રે સ‍હિત શ્રીકૃષ્‍ણનાં કીર્તન કરવાં (૬૪)

અને અમારા આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્‍ય પ્રત્‍યે કરવું અને સંસ્‍કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્‍યાસ પણ પોતાની બુધ્ધિને અનુસારે કરવો (૬પ)

અને જે મનુષ્‍ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્‍યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિષે જે યોગ્‍ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. (૬૬)

અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍ન વસ્ત્રાદિકે કરીને યથાયોગ સંભાવના નિરંતર રાખવી (૬૭)

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્‍ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો (૬૮)

અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્‍સંગી તેમણે ગુરુ, રાજા, અતિવૃધ્‍ધ, ત્‍યાગી, વિદ્વાન અને તપસ્‍વીએ છ જણા આવે ત્‍યારે સન્‍મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું ઇત્‍યાદિક ક્રિયાએ કરીને એમનું સન્‍માન કરવું. (૬૯)

અને ગુરુદેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્‍ત્રે કરીને ઢિંચણને બાંધીને ન બેસવું (૭૦)

અને અમારા આશ્રિત જે સર્વે સતસંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્‍ય પ્રમાણે અન્‍ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા (૭૧)

અમારા જે આશ્રિત જન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્‍કાળ સન્‍મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્‍યારે ગામની ભગોળ સુધી વળાવવા જવું (૭૨)


અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું, કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્‍યાગ ન કરવો (૭૩) અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેય અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. (૭૪)

અને કોઇની પણ જે ગૃહ્યવાર્તા તે તો કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્‍માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્‍માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્‍લંઘન કરવું નહિ. (૭પ)

અને અમારા જે સર્વે સતસંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્‍ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. (૭૬) અને તે વિશેષ નિયમ તે કિયા તો -ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્‍નાને કરીને ભગવાનની મહાપુજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્‍તોત્રનો પાઠ કરવો તથા ભગવાનાને પ્રદક્ષિણાઓ કરવી. (૭૭)

તથા ભગવાનને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરવા. એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્‍યા છે. તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે વિશેષ પણે ભકિતએ કરીને ધારવો. (૭૮)

અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રીકૃષ્‍ણ ભગવાનના જે જન્‍માષ્‍ટમી આદિક જન્‍મદિવસ તેમનું વ્રત આદરથકી કરવું તથા શિવરાત્રીનું વ્રત જે તે આદરથકી કરવું અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્‍સવ કરવા (૭૯)

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્‍ને કરીને દિવસની નિંદ્રાનો ત્‍યાગ કરવો, કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થાય છે. તેમજ દિવસની નિંદ્રાએ કરીને મનુષ્‍યના ઉપવાસનો નાશ થઇ છે. (૮૦)

અને સર્વ વૈષ્‍ણવના રાજા એવા જે શ્રીવલ્‍લભાચાર્ય તેના પુત્ર જે શ્રી વિઠ્ઠલનાથજી તે જેતે જે વ્રત અને ઉત્‍સવના નિર્ણયને કરતા હવા (૮૧) અને તે વિઠ્ઠલનાથજીએ કહી જે શ્રીકૃષ્‍ણની સેવા રીતિ તેનું જ ગ્રહણ કરવું (૮૨)

અને સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીન જનને વિષે દયાવાન થવું (૮૩)

અને અમારા જે આશ્રિત તેમણે વિષ્‍ણુ, શિવ, ગણપતિ, પાર્વતિ અને સુર્ય એ પાંચ દેવ જેતે પૂજયપણે કરીને માનવા (૮૪) અને જો કયારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્‍યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનજીના મંત્રનો જપ કરવો પણ એ વિના બિજા કોઇ ક્ષુદ્ર દેવના સ્‍તોત્ર અને મંત્રનો જપ ન કરવો (૮પ)

અને સુર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્‍સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્‍કાળ ત્‍યાગ કરીને પવિત્ર થઇને શ્રીકૃષ્‍ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (૮૬)

અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રેસહિત સ્‍નાન કરીને જે અમારા ગૃહસ્‍થ સત્‍સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્‍યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી (૮૭) અને અમારા સત્‍સંગી એવા જે ચારે વર્ણના મનુષ્‍ય તેમણે જન્‍મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્‍ત્ર પાળવું (૮૮)

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું. (૮૯)

અને વૈશ્‍ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્‍યાપાર તથા વ્‍યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું અને શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્ત્તિઓ તેમણે કરીને વર્તવું (૯૦)

અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધા‍નાદિક સંસ્‍કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જેતે પોતાના ગૃહ્યસુત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપતિ હોય તે પ્રમાણે કરવાં (૯૧)

અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ર્ચિત કરવું. (૯૨)

ને ચાર વેદ તથા વ્‍યાસસૂત્ર તથા શ્રીમદભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે આવેલું શ્રીવિષ્‍ણુસહસ્‍ત્રનામ (૯૩)

તથા શ્રીમદભગવત ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્‍કંદપુરાણનો જે વિષ્‍ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમાહાત્‍મ્‍ય (૯૪)

અને ધર્મશાસ્‍ત્રના મધ્‍યમાં રહી એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ. એ જે આઠ સચ્‍છાસ્‍ત્ર તે અમને ઇષ્‍ટ છે. (૯પ)

અને પોતાના હિતને ઇચ્‍છતા એવા જે અમારા સર્વે શિષ્‍ય તેમણે એ આઠ સચ્‍છાસ્‍ત્ર જેતે સાંભળવાં અને અમારા આશ્રિત જે દ્વિજ તેમણે એ સચ્‍છાસ્‍ત્ર જેતે ભણવાં તથા ભણાવવાં તથા એમની કથા કરવી. (૯૬) અને તે આઠ સચ્‍છાસ્‍ત્રમાંથી આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુકત એવી જે યાજ્ઞવલ્‍કય ઋષિની સ્‍મૃતિ તેનું ગ્રહણ કરવું (૯૭)

અને વળી એ આઠ સચ્‍છાસ્‍ત્રને વિષે જે શ્રીમદભાગવતપુરાણ તેના દશમને પંચમ નામે જે બે સ્‍કંધ તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનનું માહાત્‍મ્‍ય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવાં (૯૮)

અને દશમસ્‍કંધ તથા પંચમસ્‍કંધ તથા યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ એ જે ત્રણ તે અનુક્રમે કરીને અમારું ભકિતશાસ્‍ત્ર, યોગશાસ્‍ત્ર અને ધર્મશાસ્‍ત્ર છે, કહેતા દશમસ્‍કંધ તે ભકિતશાસ્‍ત્ર છે અને પંચમસ્‍કંધ તે યોગશાસ્‍ત્ર છે અને યાજ્ઞવલ્‍કયની સ્‍મૃતિ તે ધર્મશાસ્‍ત્ર છે એમ જાણવું (૯૯)

અને શ્રીરામાનુજાચાર્યે કર્યું એવુ જે વ્‍યાસસૂત્રનું શ્રીભાષ્‍ય તથા શ્રીભગવતગીતાનું ભાષ્‍ય એ જે બે તે અમારું અધ્‍યાત્‍મશાસ્‍ત્ર છે એમ જાણવું (૧૦૦)

અને એ સર્વે સચ્‍છાસ્‍ત્રને વિષે જે વચન તે જેતે શ્રીકૃષ્‍ણભગવાનનું સ્‍વરુપ તથા ધર્મ તથા ભકિત તથા વૈરાગ્ય અને ચારના અતિ ઉત્‍કર્ષપણાને કહેતાં હોય (૧૦૧)

તે વચન જેતે બીજા વચન કરતાં પ્રધાનપણે માનવાં અને શ્રીકૃષ્‍ણભગવાનની ભકિત તે જેતે ધર્મે સહિત જ કરવી, એવી રીતે તે સર્વે સચ્‍છાસ્‍ત્રનું રહસ્‍ય છે (૧૦૨)

અને શ્રુતિ સ્‍મૃતિ તેમણે પ્રતિપાદન કર્યો એવો જે સદાચાર તે ધર્મ જાણવો, અને શ્રીકૃષ્‍ણભગવાનને વિષે માહાત્‍મ્‍યજ્ઞાને સહિત જે ઘણો સ્‍નેહ તે ભકિત જાણવી (૧૦૩)

અને શ્રીકૃષ્‍ણભગવાન વિના અન્‍ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્‍ય જાણવો અને જીવ,માયા અને ઇશ્ર્વર તેમના સ્‍વરુપને જે રુડી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ (૧૦૪) અને જે જીવ છે તે હ્રુદયને વિષે રહ્યો છે ને અણું સરખો સુક્ષ્‍મ છે તે ચૈતન્‍યરુપ છે ને બધું જાણનારો છે અને પોતાની જ્ઞાનશકિતએ કરીને નખથી શિખા પર્યંત સમગ્ર પોતાના દેહ પ્રત્‍યે વ્‍યાપીને રહ્યો છે અને અચ્‍છેધ્ધ, અભેદ, અજર, અમર ઇત્‍યાદીક છે લક્ષણ જેનાં એવો જીવ છે એમ જાણવો (૧૦પ)

ને જે માયા છે તે ત્રિગુણાત્મિકા છે અને અંધકારરુપ છે ને શ્રીકૃષ્‍ણભગવાનની શકિત છે અને આ જીવને દેહ તથા દેહના જે સંબંધી તેમને વિષે અહંમમત્‍વની કરાવનારી છે એમ માયાને જાણવી (૧૦૬)

અને જે ઇશ્ર્વર છે તે જેતે જેમ હ્રુદયને વિષે જીવ રહ્યો છે તેમ તે જીવને વિષે અંતર્યામીપણે કરીને રહ્યા છે ને સ્‍વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઇશ્ર્વરને જાણવા (૧૦૭) અને તે ઇશ્ર્વર તે કયા તો પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રીકૃષ્‍ણભગવાન તે ઇશ્ર્વર છે અને તે શ્રીકૃષ્‍ણ જે તે આપણા ઇષ્‍ટદેવ છે ને ઉપાસના કરવા યોગ્‍ય છે અને સર્વ અવતારના કારણ છે (૧૦૮)

અને સમર્થ એવા જે શ્રીકૃષ્‍ણ તે જેતે રાધિકાજીએ યુકત હોય ત્‍યારે રાધાકૃષ્‍ણ એવે નામે જાણવા અને રુકમણીરુપ જે લક્ષ્‍મી તેમણે યુકત હોય ત્‍યારે લક્ષ્‍મીનારાયણ એવે નામે જાણવા (૧૦૯)

અને એ શ્રીકૃષ્‍ણ જેતે અર્જુને યુકત હોય ત્‍યારે નરનારાયણ એવે નામે જાણવા અને વળી તે શ્રીકૃષ્‍ણ જેતે બળભદ્રાદિકને યોગ. કરીને તે તે નામે કહેવાય છે એમ જાણવું (૧૧૦) અને એ જે રાધાદિક ભકત તે જેતે કયારેક તો તે શ્રીકૃષ્‍ણ ભગવાનને પડખે હોય છે અને કયારેક તો અતિ સ્‍નેહે કરીને શ્રીકૃષ્‍ણભગવાનના અંગને વિષે રહે છે ત્‍યારે તો તે શ્રીકૃષ્‍ણભગવાન એકલા જ હોય એમ જાણવા (૧૧૧)

એ હેતુ માટે શ્રીકૃષ્‍ણભગવાનનાં જે સ્‍વરુપ તેમને વિષે સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો અને ચતુર્ભુજપણું અષ્‍ટભુજપણું સહસ્‍ત્રભુજપણું ઇત્‍યાદિક જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્‍ણ તેમની ઇચ્‍છાએ કરીને છે એમ જાણવું (૧૧૨)

અને એવા જે તે શ્રીકૃષ્‍ણભગવાન તેની જે ભકિત તે જેતે પૃથ્‍વીને વિષે સર્વ મનુષ્‍ય તેમણે કરવી અને તે ભકિત થકી બીજુ કલ્‍યાણકારી સાધન કાંઇ નથી એમ જાણવું (૧૧૩)

અને વિધાદિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એજ પરમ ફળ જાણવું, કયું તો જે શ્રીકૃષ્‍ણભગવાનને વિષે ભકિત કરવી ને સત્‍સંગી કરવો અને એમ ભકિત ને સત્‍સંગ એ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (૧૧૪)

અને શ્રીકૃષ્‍ણભગવાન તથા શ્રીકૃષ્‍ણભગવાનનાં જે અવતાર તે જે તે ધ્‍યાન કરવા યોગ્‍ય છે તથા શ્રીકૃષ્‍ણભગવાનની જે પ્રતિમા તે પણ ધ્‍યાન કરવા યોગ્‍ય છે, માટે એમનું ધ્‍યાન કરવું અને મનુષ્‍ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રીકૃષ્‍ણભગવાનના ભકત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્‍યાન કરવા યોગ્‍ય નથી, માટે એમનું ધ્‍યાન ન કરવું (૧૧પ) અને સ્‍થૂળ, સુક્ષ્‍મ અને કારણ એ જે ત્રણ દેહ તે થકી વિલક્ષણ એવો તે પોતાનો જીવાત્‍મા તેને બ્રહ્મરુપની ભાવના કરીને પછી તે બ્રહ્મરુપે કરીને શ્રીકૃષ્‍ણ ભગવાનની ભકિત જેતે સર્વકાળને વિષે કરવી (૧૧૬)

અને શ્રીમદભાગવત પુરાણનો જે દશમ સ્‍કંધ તે જેતે નિત્‍ય પ્રત્‍યે આદર થકી સાંભળવો અથવા વર્ષોવર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્‍યપ્રત્‍યે વાંચવો અથવા વર્ષોવર્ષ એક વાર વાંચવો (૧૧૭)

અને એ જે દશમસ્‍કંધ તેનું પુરશ્ર્ચરણ જેતે પુણ્ય સ્‍થાનકને વિષે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું અને વળી વિષ્‍ણુસહસ્‍ત્રનામ આદિક જે સચ્‍છાસ્‍ત્ર તેનું પુરશ્ર્ચરણ પણ પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું કરાવવું, તે પુરશ્ર્ચરણ કેવું છે તો પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. (૧૧૮)

અને કષ્‍ટની દેનારી એવી કોઇ દેવ સંબંધી આપદા આવી પડે તથા મનુષ્યસંબંધી આપદા આવી પડે તથા રોગાદિક આપદા આવી પડે તેને વિષે જેમ પોતાની ને બીજાની રક્ષા થાય તેમ વર્તવું, પણ બીજી રીતે ન વર્તવું (૧૧૯)

અને આચાર, વ્‍યવહાર અને પ્રાયશ્ર્ચિત એ જે ત્રણ વાનાં તે જેતે દેશ, કાળ, અવસ્‍થા, દ્રવ્‍ય, જાતિ અને સામર્થ્ય એટલાને અનુસારે કરીને જાણવાં (૧૨૦) અને અમારો જે મત તે વિશિષ્‍ટાદ્વૈત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામને વિષે બ્રહ્મરુપે કરીને જે શ્રીકૃષ્‍ણભગવાનની સેવા કરવી તે અમે મુકિત માની છે એમ જાણવું (૧૨૧) સાધારણ ધર્મોપસંહાર(શ્ર્લોક ૧૨૨)

અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જેતે અમારા આશ્રિત જે ત્‍યાગી ગૃહસ્‍થ બાઇ ભાઇ સર્વે સત્‍સંગી તેમના સામાન્‍ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્‍સંગીમાત્રને સરખા પાળવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ (૧૨૨)

હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહીે છીએ અમારા મોટા ભાઇ અને નાનાભાઇ તેના પુત્ર જે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે બીજી સ્‍ત્રીઓ તેમને મંત્ર ઉપદેશ કયારેય ન કરવો. (૧૨૩)

અને તે સ્‍ત્રીઓને કયારેય પણ અડવું નહિ અને તે સાથે બોલવું નહિ અને કોઇ જીવને વિષે ક્રુરપણું ન કરવું અને કોઇની થાપણ ન રાખવી (૧૨૪)

અને વ્‍યવહારકાર્યને વિષે કોઇનું પણ જમાનગરું ન કરવું ને કોઇ આપત્‍કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્‍કાળને ઉલ્‍લંઘવો પણ કોઇનું ફરજ તો કયારેય ન કરવું (૧૨પ)

અને પોતાના જે શિષ્‍ય તેમણે ધર્મ નિમિત્ત પોતાને આપ્‍યું જે અન્‍ન તે વેચવું નહિ અને તે અન્‍ન જુનું થાય તો તે જુનું કોઇકને દઇને નવું લેવું અને એવી રીતે જે જુનાનું નવું કરવું તે વેચ્‍યુ ન કહેવાય (૧૨૬)

અને ભાદરવા સુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. (૧ર૭)

અને અમારે આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્‍થાપન કર્યા એવા જે તે અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષ જનને દીક્ષા આપવી (૧ર૮) અને પોતાના આશ્રિત જે સર્વે સત્‍સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા અને સાધુને આદર થકી માનવા તથા સચ્‍છાસ્‍ત્રનો અભ્‍યાસ આદર થકી કરવો. (૧૨૯)

અને મોટા જે મંદિર તેમને વિશે અમે સ્‍થાપન કર્યા એવા જે શ્રીલક્ષ્‍મીનારાયણ આદિક શ્રીકૃષ્‍ણના સ્‍વરુપ તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી (૧૩૦)

અને ભગવાનના મંદિર પ્રત્‍યે આવ્‍યો જે હરકોઇ અન્‍નાર્થી મનુષ્‍ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍નના દાને કરીને આદર થકી સંભાવના કરવી (૧૩૧) અને વિદ્યાર્થી ભણાવ્‍યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્‍વીને વિષે સદવિદ્યાની પ્રવૃતિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (૧૩૨) આચાર્યપત્નીના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૩૩-૧૩૪)

અને હવે એ અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર એ બન્‍નેની જે પત્‍નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્‍ત્રીઓને જ શ્રીકૃષ્‍ણનાં મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો (૧૩૩)

અને વળી તે બે જણની પત્નિઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ કયારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહિ ને તેમને પોતાનુ મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમના જે વિશેષ ધર્મ તે કહ્યા (૧૩૪) હવે ગૃહસ્‍થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્‍ત્રીઓ તેમનો સ્‍પર્શ ન કરવો. (૧૩પ)

અને તે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્‍થાએ યુકત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપત્‍કાળ વિના એકાંત સ્‍થળને વિષે ન રહેવું અને પોતાની સ્‍ત્રીનું દાન કોઇને ન કરવું (૧૩૬)

અને જે સ્‍ત્રીને કોઇ પ્રકારના વ્‍યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય તેવી સ્‍ત્રીનો જે પ્રસંગ તે કોઇ પ્રકારે પણ ન કરવો. (૧૩૭) અને તે ગૃહસ્‍થાશ્રમી તેમણે પોતાને ઘેર આવ્‍યો એવો જે અતિથિ તેને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્‍નાદિકે કરીને પુજવો અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્વાદિક જે પિતૃકર્મ તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું (૧૩૮)

અને અમારા આશ્રિત જે ગૃહસ્‍થ તેમપે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્‍ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. (૧૩૯)

અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃતિવાળા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્‍છેદ ન કરવો (૧૪૦)

અને તે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્‍ન દ્રવ્‍યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્‍થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્ય પુળાનો સંગ્રહ કરવો (૧૪૧)

અને ગાય, બળદ, ભેંસ, ઘોડા, આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા (૧૪૨) અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્‍વી ને ધનના લેણદેણે કરીને વ્‍યવહાર જેતે કયારેય ન કરવો. (૧૪૩)

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્‍ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી (૧૪૪)

અને પોતાની ઉપજનું જે દ્રવ્‍ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્‍થોએ મનમાં જાણવું (૧૪પ)

અને પોતાના વ્‍યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્‍યપ્રત્‍યે રુડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું (૧૪૬)

અને તે ગૃહસ્‍થાશ્રમી સત્‍સંગી તેમણે પોતાની જે વૃતિ અને ઉદ્યમ તે થકી પામ્‍યુ જે ધન ધાન્‍યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્‍ણભગવાનને અર્પણ કરવો. અને જે વ્‍યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. (૧૪૭)

અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જેતે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્‍ત્ર કરવું, તે ઉદ્યાપન કેવું છે તો મનવાંછિત ફળનું આપનારું છે (૧૪૮) અને શ્રાવણ માસને વિષે મહાદેવનું પુજન જેતે બિલ્‍વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું (૧૪૯)

અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્‍ણભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્‍ણનાં મંદિર થકી પોતાના વ્‍યવહારને અર્થે પાત્ર ઘરેણાં અને વસ્‍ત્રાદિક જે વસ્‍તુ તે માગી લાવવા નહિ. (૧પ૦)

અને શ્રીકૃષ્‍ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્‍ન ખાવું નહી. તથા શ્રીકૃષ્‍ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્‍થાનક તેમને વિષે પણ પારકું અન્‍ન ખાવું નહી, કેમ જે તે પારકું અન્‍ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું (૧પ૧)

અને પોતાના કામકાજ કરવા તેડયા જે મજુર તેમને જેટલુ ધન અથવા ધાન્‍ય દીધાનું કહ્યું હોય તે પ્રમાણે જ આપવું પણ તેમાંથી ઓછું ન આપવું અને પોતાપાસે કોઇ કરજ માગતો હોય અને તે કરજ દઇ ચુકયો હોઇએ તે વાતને છાની ન રાખવી તથા પોતાના વંશ તથા કન્‍યાદાન તે પણ છાનું ન રાખવું અને દુષ્‍ટ એવા જે જન તેમની સાથે વ્‍યવહાર ન કરવો. (૧પ૨)

અને જે ઠેકાણે પોતે રહેતા હોઇએ તે ઠેકાણે કોઇક કઠણ ભુંડો કાળ અથવા શત્રુ અથવા રાજા તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય (૧પ૩)

અને તે જો પોતાનું મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય તોપણ તેનો વિવેકી એવા જે અમારા સત્‍સંગી ગૃહસ્‍થ તેમણે તત્‍કાળ ત્‍યાગ કરી દેવો અને જયાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ તે પ્રત્‍યે જઇને સુખેથી રહેવું (૧પ૪)

અને ધનાઢય એવા જે ગૃહસ્‍થ સતસંગી તેમણે હિંસાએ રહિત એવા જે વિષ્‍ણુસંબંધી યજ્ઞ તે કરવા તથા તીર્થને વિષે તથા દ્વાદશી આદિક પર્વને વિષે બ્રાહ્મણ તથા સાધુને જમાડવા (૧પપ) તે ધનાઢય એવા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્‍સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવાં (૧પ૬) રાજાના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૫૭-૧૫૮)

અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી રાજા તેમણે ધર્મશાસ્‍ત્રને અનુસરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું અને પૃથ્‍વીને વિષે ધર્મનું સ્‍થાપન કરવું. (૧પ૭)

અને તે રાજા તેમણે રાજયના જે સાત અંગ તથા ચાર ઉપાય તથા છ ગુણો તે જેતે લક્ષણે કરીને યથાર્થપણે જાણવાં અને તીર્થ જે ચાર મોકલ્‍યાનાં સ્‍થાનક તથા વ્‍યવહારના જાણનારા જે સભાસદ તથા દંડવા યોગ્‍ય જે માણસ તથા દંડવા યોગ્‍ય નહિ એવા જે માણસ એ સર્વને લક્ષણે કરીને યથાર્થપણે જાણવા (૧પ૮)

હવે સુવાસિની બાઇઓના વિશેષ ધર્મ કહીને છીએ અમારે આશ્રિત જે સુવાસિની બાઇઓ તેમણે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હો તો પણ ઇશ્ર્વરની પેઠે સેવવો અને તે પતિ પ્રત્‍યે કટુક વચન ન બોલવું (૧પ૯)

અને તે સુવાસિની સ્‍ત્રીઓ તેમણે રુપને યૌવન તેણે યુકત ગુણવાન એવો જે અન્‍ય પુરુષ તેનો પ્રસંગ સહજ સ્‍વભાવે પણ ન કરવો (૧૬૦)

અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્‍ત્રીઓ તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું અને ઓઢયાના વસ્‍ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું અને ભાંડભવાઇ જોવા ન જેવું અને નિર્લજજ એવી જે સ્‍ત્રીઓ તથા સ્‍વૈરિણી, કામિની અને પુંશ્ર્ચલી એવી જે સ્‍ત્રીઓ તેમનો સંગ ન કરવો. (૧૬૧)

અને તે સુવાસિની સ્‍ત્રીઓ તેમણે પોતાના પતિ પરદેશ ગયે સતે આભુષણ ન ધારવાં તથા રુડાં વસ્‍ત્ર ન પહેરવા તથા પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્‍ય વિનોદાદિકનો ત્‍યાગ કરવો. (૧૬૨)

હવે વિધવા સ્‍ત્રીઓના વિશેષ ધર્મ કહીએ છીએ અમારે આશ્રિત જે વિધવા સ્‍ત્રીઓ તેમણે તો પતિ બુદ્ધિએ કરીને શ્રીકૃષ્‍ણભગવાનને સેવવા અને પોતાના પિતા પુત્રાદિક જે સંબંધી તેમની આજ્ઞાને વિષે વર્તવુ પણ સ્‍વતંત્રપણે ન વર્તવું (૧૬૩)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્‍પર્શ કયારેય ન કરવો અને પોતાની યુવાવસ્‍થાને વિષે અવશ્‍ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવા પુરુષ તેમની સાથે કયારેય પણ બોલવું નહિ. (૧૬૪)

અને ધાવણો જે બાળક તેના સ્‍પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી અને કોઇ અવશ્‍યનું કામકાજ પડે તેને વિષે કોઇક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. (૧૬પ) અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તે થકી કોઇપણ વિદ્યા ન ભણવી અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું (૧૬૬)

અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે કર્મકાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું (૧૬૭)

અને વિધવા સ્‍ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્‍વીને વિષે સુવું અને મૈથુનાસકત એવા જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને જોવા નહિ. (૧૬૮) અને તે વિધવા સ્‍ત્રીઓ તેમણે સુવાસિની સ્‍ત્રીના જેવો વેષ ન ધારવો તથા સંન્‍યાસણી તથા વૈરાગણી તેના જેવો વેષ ન ધારવો અને પોતાના દેશ કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો (૧૬૯)

અને ગર્ભની પાડનારી જે સ્‍ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્‍પર્શ પણ ન કરવો અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાતો તે કયારેય ન કરવી અને ન સાંભળવી (૧૭૦)

અને યુવા અવસ્‍થાને વિષે રહી એવી જે વિધવા સ્‍ત્રીઓ તેમણે યુવા અવસ્‍થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્‍થળને વિષે આપત્‍કાળ પડયા વિના ન રહેવું (૧૭૧) અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવા ઝીણા વસ્‍ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. (૧૭૨) સધવા વિધવા સ્‍ત્રીના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૭૩-૧૭૪)

અને સુવાસિની અને વિધવા એવી જે સ્‍ત્રીઓ તેમણે વસ્‍ત્ર પહેર્યા વિના નાહવું નહિ અને પોતાનું જ રજસ્‍વળાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું (૧૭૩)


અને વળી રજસ્‍વળા એવી જે સુવાસીની અને વિધવા સ્‍ત્રઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્‍યને તથા વસ્‍ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું (એવી રીતે ગૃહસ્‍થાશ્રમી એવા જે પુરુષ અને સ્‍ત્રીઓ તેમના જ આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વ ધર્મવંશી આચાર્ય અને તેમની પત્‍નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્‍થ છે.) (૧૭૪) નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૭૫-૧૮૭)

હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીમાત્રનો સ્‍પર્ષ ન કરવો અને સ્‍ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્‍ત્રીઓ સન્‍મુખ જોવું જ નહિ. (૧૭પ)

અને તે સ્‍ત્રીઓની વાર્તા કયારેય ન કરવી અને ન સાંભળવી અને જે સ્‍થાનકને વિષે સ્‍ત્રીઓનો પગફેર હોય તે સ્‍થાનકને વિષે સ્‍નાનાદિક ક્રિયા કરવા ન જવું. (૧૭૬) અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્‍ત્રીની પ્રતિમા, ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્‍પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહી. (૧૭૭)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્‍ત્રીની પ્રતિમા ન કરવી અને સ્‍ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્‍ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસકત એવા ને પશુપકક્ષ્યાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવાં નહિ (૧૭૮)

અને સ્‍ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામે જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્‍ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કીર્તન પણ ન કરવાં (૧૭૯) અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું (૧૮૦)

અને બળાત્‍કારે કરીને પોતાને અતિશય સમીપ આવતી એવી જે સ્‍ત્રી તેને બોલીને અથવા તિરસ્‍કાર કરીને પણ તુરંત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. (૧૮૧)

અને જો કયારેક સ્‍ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપત્‍કાળ આવી પડે ત્‍યારે તો તે સ્‍ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્‍ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. (૧૮૨) અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇંદ્રિયને જીતવી (૧૮૩)

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્‍ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જયાં પુરુષ પીરસનારો હોય ત્‍યા જવું (૧૮૪)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્‍ત્રનો અભ્‍યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્‍ત્રીઓની પેઠે જ સ્‍ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો (૧૮પ) અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું જે ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્‍ય વસ્‍તુ બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવું (૧૮૬)

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્‍નાન, સંધ્‍યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્‍ણુની પુજા અને વૈશ્ર્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ. (એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યાં) (૧૮૭) સાધુના વિશેષ ધર્મ(શ્ર્લોક ૧૮૮-૧૯૬)

હવે સાધુના જે વિષેશ ધર્મ તે કહીએ છીએ- અમારે આશ્રિત જે સર્વ સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્‍ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્‍યાગ કરવો તથા સ્‍ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્‍યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા. (૧૮૮)

અને સર્વે જે ઇંદ્રિયો તે જીતવી ને રસના ઇંદ્રિયને તો વિશેષ કરીને જીતવી અને દ્રવ્‍યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ. (૧૮૯)

અને કોઇની થાપણ ન રાખવી અને કયારેય પણ ધીરજતાનો ત્‍યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધિની હોય તો તેને વિષે કયારેય પણ સ્‍ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. (૧૯૦) અને તે સાધુ તેમણે આપત્‍કાળ પડયા વિના રાત્રિને વિષે સંગસોબત વિના ચાલવું નહિ તથા આપત્‍કાળ પડયા વિના કયારેય પણ એકલા ચાલવું નહિ. (૧૯૧)

અને જે વસ્‍ત્ર બહુ મૂલ્‍યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાત્‍યનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુસાલા હોય ને તે જો બીજાની ઇચ્‍છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તોપણ તે વસ્‍ત્ર પોતાને પહેરવું ઓઢવું નહિ. (૧૯૨)

અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્‍થના ઘર પ્રત્‍યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે વિના વ્‍યર્થ કાળ નિગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિગમવો (૧૯૩) અને જે ગૃહસ્‍થના ઘરને વિષે રાંધેલ અન્‍નનો પીરનારો પુરુષ જ હોય તથા સ્‍ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય (૧૯૪)

તેવી રીતનું જે ગૃહસ્‍થનું ઘર તે પ્રત્‍યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્‍ન માગીને પોતાના હાથે રસોઇ કરવી ને ભગવાનને નૈવેધ ધરીને જમવું. (૧૯પ)

અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જેતે પૃથ્‍વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું (૧૯૬) અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્‍યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું (૧૯૭)

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્‍કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. (૧૯૮)

અને રોગાદિક આપત્‍કાળ પડયા વિના દિવસે સુવું નહિ અને ગ્રામ્‍યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ (૧૯૯) અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્‍કાળ પડયા વિના ખાટલા ઉપર સુવું નહિ અને સાધુની આગળ તો નિરંતર નિષ્‍કપટપણે વર્તવું (ર૦૦)

અને તે સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઇક કુમતિવાળા દુષ્‍ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવી ને મારવો નહી અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભુંડું થાય એવો તો સંકલ્‍પ પણ ન કરવો (૨૦૧)

અને કોઇનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું તથા કોઇના ચારચક્ષુ ન થવું અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્‍વજનાદિક વિષે મમતા ન કરવી (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા) (૨૦૨) ઉપસંહાર(શ્ર્લોક ૨૦૩-૨૧૨)

અને અમારે આશ્રિત એવા જે સત્‍સંગી બાઇભાઇ સર્વે તેમના જે સામાન્‍ય ધર્મ અને વિશેષ ધર્મ તે જેતે સંક્ષપે કરીને આવી રીતે અમે લખ્‍યા છે અને આ ધર્મનો જે વિસ્‍તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો (ર૦૩)

અને સર્વે જે સચ્‍છાસ્‍ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને ઉદ્ધારીને આ શિક્ષાપત્રી જેતે લખી છે, તે કેવી છે તો સર્વે મનુષ્‍યમાત્રને મનવાંછિત ફળની દેનારી છે. (ર૦૪) એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્‍સંગી તેમણે સાવધાન પણે કરીને નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો કયારેય ન વર્તવું (ર૦પ)

અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્‍ત્રીઓ તે જેતે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ર્ચેય પામશે. (ર૦૬)

અને જે બાઇ ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તે તો અમારા સંપ્રદાયથકી બાહેર છે એમ અમારા સંપ્રદાયવાળા સ્‍ત્રી પુરુષ તેમણે જાણવું (ર૦૭) અને અમારા જે આશ્રિત સંતસંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્‍યપ્રત્‍યે પાઠ કરવો અને જેમને ભણતાં આવડતું ન હોય તેમણે તો આદરથકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું (ર૦૮)

અને આ શિક્ષાપત્રીને વાંચી સંભળાવે એવો કોઇ ન હોય ત્‍યારે તો નિત્‍યપ્રત્‍યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને આ જે અમારી વાણી તે અમારું સ્‍વરુપ છે એ રીતે પરમ આદર થકી માનવી (ર૦૯)

અને આ જે અમારી શિક્ષાપત્રી તે જેતે દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય તેને આપવી અને જે જન આસુરી સંપદાએ કરીને યુકત હોય તેને તો કયારેય ન આપવી (ર૧૦) સંવત ૧૮૮૨ અઢારસો બ્‍યાસીના મહાસુદી પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે તે પરમ કલ્‍યાણકારી છે (૨૧૧)

અને પોતાના આશ્રિત જે ભકતજન તેમની જે સમગ્ર પીડા તેના નાશ કરનારા એવા અને ધર્મ સહિત જે ભકિત તેની રક્ષાના કરનારા એવા અને પોતાના ભકતજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્‍ણ ભગવાન તે જેતે અમારા સમગ્ર મંગળને વિસ્‍તારો (૨૧૨)

ઇતિ શ્રી સહજાનંદસ્‍વામિ શિષ્‍ય નિત્‍યાનંદ મુનિ લિખિતા શિક્ષાપત્રી ટીકા સમાપ્તા.