સખીઓને
સખીઓને દામોદર બોટાદકર |
સખિ ! આવોને આજ મારે આંગણે રે લોલ, હું તો પૂજીશ પ્રેમભરી પાંપણે રે લોલ.
સખિ ! આવો તો રાસરંગ ખેલશું રે લોલ, સૂના ઉરમાં સોહાગ કૈંક સિંચશું રે લોલ.
સૂના મંદિરને ગાનથી ગજાવશું રે લોલ, સૂના જગમાં આનંદ ઉછવાળશું રે લો.
શીળી ચંદાનાં શીત ઝરણ ઝીલશું રે લોલ, એના અમૃતથી ન્હાઈશું - ન્હવાડશું રે લોલ.
તપ્યા તરનિનો તાપ બધો ટાળશું રે લોલ, રૂડાં રજની-રાણીનાં હૃદય રંગશું રે લોલ.
પુણ્ય પડઘા તે પ્રેમ તણા પાડશું રે લોલ, મોળા મનના અબોલડા મટાડશું રે લોલ.
ભર્યા ભવના અનેક ભેદ ભાંગશું રે લોલ, કૈંક વીત્યાં વિયોગનાં વિસારશું રે લોલ.
સખિ ! આવો વસન્ત કેરી વાડીએ રે લોલ, મધુમંડપ નિકુંજ-કુંજ માંડીએ રે લોલ.
વહાલભીની વસન્તને વધાવીએ રે લોલ, મીઠી કોયલના કાનને જગાડીએ રે લોલ.
નવી ક્યારીમાં રોપ નવા રોપીએ રે લોલ, એને આછાં તે નીરથી ઉછેરીએ રે લોલ.
કૈંક અણખીલી પાંખડી ખિલાવીએ રે લોલ, વિશ્વપંથે સુગન્ધ પુષ્પ વેરીએ રે લોલ.
અમરગંગાને આભથી ઉતારીએ રે લોલ, અમરવેલિની છાંય બધે છાઈએ રે લોલ.