સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૬. સત્યાગ્રહની ઉત્પત્તિ

વિકિસ્રોતમાંથી
← ૨૫. હૃદયમંથન સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૬. સત્યાગ્રહની ઉત્પત્તિ
મોહનદાસ કરમચંદ ગાંધી
૨૭. ખોરાકના વધુ પ્રયોગો →


૨૬. સત્યાગ્રહની ઉત્પત્તિ

આમ એક પ્રકારની આત્મશુદ્ધિ કરે તે કેમ જાણે સત્યગ્રહને અર્થે જ ન થઈ હોય એવી ઘટના જોહાનિસબર્ગમાં મારે સારુ તિયાર થઈ રહી હતી. બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યાં સુધી મારી જિંદગીના બધા મુખ્ય બનાવો મને છૂપી રીતે તેને સારુ તૈયાર કરી રહ્યા હતા એમ હું અત્યારે જોઉં છું.

'સત્યાગ્રહ' શબ્દની ઉત્પત્તિ થઈ તે પહેલાં તે વસ્તુની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ સમયે તો એ શું છે એ હું પોતે ઓળખી જ નહોતો શક્યો. તેને ગુજરાતીમાં 'પૅસિવ રિઝિસ્ટન્સ' એ અંગ્રેજી નામે સહુ ઓળખવા લાગ્યા. જ્યારે એક ગોરાની સભામાં મેં જોયું કે 'પૅસિવ રિઝિસ્ટન્સ' નો તો સંકુચિત અર્થ કરવામાં આવે છે, તેને નબળઓનું જ હથિયાર કલ્પવામાં આવે છે, તેમાં દ્વેષ હોઈ શકે છે,અને તેનું અંતિમ સ્વરૂપ હિંસામાં પ્રગટી શકે છે ‌ - ત્યારે મારે તેની સામે થવું પડ્યું ને હિંદીઓની લડતનું ખરું સ્વરૂપ સમજાવવું પડ્યું. અને ત્યારે હિંદીઓને પોતાની લડતને ઓળખાવવા સારુ નવો શબ્દ યોજવાની જરૂર પડી.

પણ મને તેવો સ્વતંત્ર શબ્દ કેમે કર્યો સૂઝે નહીં. તેથી તેને સારુ નામનું ઈનામ કાઢી 'ઈંડિયન ઓપીનિયન'ના વાચકો વચ્ચે તેને સારુ હરીફાઈ કરવી. આ હરીફાઈને પરિણામે સત્+આગ્રહ એમ મેળવીને 'સદાગ્રહ' શબ્દ મગનલાલ ગાંધીએ બનાવીને મોકલ્યો. તેમણે ઈનામલીધું. પણ 'સદાગ્રહ' શબ્દને વધરે સ્પષ્ટ કરવા ખાતર મેં 'ય' અક્ષરને વચ્ચે ઉમેરીને 'સત્યાગ્રહ' શબ્દ બનાવ્યો, ને તે નામે ગુજરાતીમાં એ લડત ઓળખાવા લાગી.

આ લડતનો ઈતિહાસ તે મારા દક્ષિણ આફ્રિકાના જીવનનો ને વિશેષે કરીને મર સત્યના પ્રયોગોનો ઈતિહાસ છે એમ કહી શકાય. આ ઈતિહાસ મેં ઘણોખરો યેરવડાની જેલમાં લખી નાખ્યો હતો ને બાકીનો બહાર આવ્યા પછી પૂરો કર્યો. તે બધો 'નવજીવન'માં પ્રગટ થયો ને પછી 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' એ નામે પુસ્તક રૂપે પણ પ્રગટ થઈ ચૂક્યો છે. તેનું અંગ્રેજી*[૧] ભાષાંતર શ્રી વાલજી ગોવિન્દજી દેસાઈ 'કરન્ટ થૉટ' ને સારુ કરે છે, પણ હવે તેને અંગ્રેજીમાં પુસ્તકકરે ઝટ પ્રગટ કરાવવાની તજવીજ હું કરી રહ્યો છું, કે જેથી મારા દક્ષિણ આફ્રિકાના મોટામાં મોટા પ્રયોગો જેની ઈચ્છા હોય તે બધ સમજી શકે. ગુજરાતી વાંચનારા જેમણે દક્ષીણ આફ્રિકાના સત્યગ્રહનો ઈતિહાસ ન જોયો હોય તેમને તે જોઈ લેવાની મારી ભલામણ છે. હવે પછીના થોડાં પ્રકરણો ઉપલા ઈતિહાસમાં આવી અજ્તો મુખ્ય કથા ભાગ છોડીને બાકીના દક્ષિણ આફ્રિકાના મારા જીવનના જે થોડા અંગત પ્રસંગો રહી ગયા હશે તેટલા જ આપવામાં રોકવાનો મરો ઈરાદો છે. અને એ પૂરાં થયે તુરત હિંદુસ્તાનના પ્રયોગોનો પરિચય વાંચનારને કરાવવા ધારું છું. આથી પ્રયોગોન પ્રસંગોનો ક્રમ્ અવિછિન્ન જાળવવા ઈચ્છનારે દક્ષિણ આફ્રિકાનાં ઈતિહાસનાં એ પ્રકરણો હવે પોતની સામે રાખવાં જરૂરી છે.

  1. (*'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' નું અંગ્રેજી ભાષાન્તર નવજીવન પ્રકાશન મંદિર તરફથી પુસ્તક રૂપે પ્રગટ થયું છે. )