સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૫. મહાસભામાં સત્યના પ્રયોગો અથવા આત્મકથા
લૉર્ડ કર્ઝનનો દરબાર
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૭. ગોખલે સાથે એક માસ—૧ →


૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર

મહાસભા વીતી, પણ મારે તો દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહી ચેમ્બર ઓફ કોમર્સ ઈત્યાદિ મંડળોને મળવાનું હતું. તેથી હું કલકત્તામાં એક માસ રહ્યો. આ વેળા મેં હોટલમાં ઊતરવાને બદલે ઓળખાણ મેળવી 'ઈંડિયા ક્લબ'માં રહેવાનું ગોઠવ્યું. આ ક્લબમાં આગેવાન હિંદીઓનો ઉતારો રહેતો; તેથી તેમના પ્રસંગમાં આવી તેમને દક્ષિણ આફ્રિકાના કામમાં રસ લેતા કરીશ એવો લોભ હતો. આ ક્લબમાં ગોખલે હંમેશાં નહીં તો વખતોવખત બિલિયર્ડ રમવા આવતા. હું કલકત્તામાં રોકાવાનો હતો એ તેમના જાણવામાં આવતાં જ તેમણે મને પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું. મેં તે આભારસહિત સ્વીકાર્યું. પણ મારે મારી મેળે ત્યાં જવું એ તો મને ઠીક ન લાગ્યું. એકબે દિવસ રાહ જોઈ એટલામાં ગોખલે પોતાની સાથે જ મને લઈ ગયા. મારો સંકોચ જોઈ તેમણે કહ્યું, 'ગાંધી, તમારે તો દેશમાં રહેવું છે એટલે આવી શરમ કામ નહીં આવે. જેટલાના સંબંધમાં અવાય તેટલાના સંબંધમાં તમારે આવવું જોઈએ. મારે તમારી પાસેથી મહાસભાનું કામ લેવું છે.'

ગોખલેને ત્યાં જતાં પહેલાં 'ઈંડિયા ક્લબ'નો એક અનુભવ નોંધું.

આ જ અરસામાં લોર્ડ કર્ઝનનો દરબાર હતો. તેમાં જનારા કોઈ રાજામહારાજા આ ક્લબમાં જતા. ક્લબમાં તો તેમને હું હંમેશાં સુંદર બંગાળી ધોતી, પહેરણ તથા પછેડીના પોશાકમાં જોતો. આજે તેમણે પાટલૂન, ઝભ્ભો, ખાનસામાની પાઘડી અને ચમકદાર બૂટ પહેર્યાં. મને દુ:ખ થયું ને મેં આવા ફેરફારનું કારણ પૂછ્યું.

'અમારું દુ:ખ અમે જાણીએ. અમારા પૈસા ને અમારા ઈલકાબો રાખવા સારુ અમારે જે અપમાનો સહન કરવાં પડે છે તે તમે કઈ રીતે જાણો?' જવાબ મળ્યો.

'પણ ખાનસામાશાઈ પાઘડી ને આ બૂટ શા?'

'અમારામાં ને ખાનસામામાં તમે શો ફેર ભાળ્યો? તેઓ અમારા તો અમે લોર્ડ કર્ઝનના ખાનસામા. હું લેવીમાંથી ગેરહાજર રહું તો પણ મારે સોસવું પડે. હું મારા સામાન્ય પોશાકમાં જઉં તો એ ગુનો ગણાય. અને ત્યાં જઈને પણ મને કંઈ લોર્ડ કર્ઝનની સાથે વાત કરવા મળવાની કે? મુદ્દલ નહીં.'

મને આ નિખાલસ ભાઈ ઉપર દયા આવી.

આવા જ પ્રસંગનો બીજો એક દરબાર મને યાદ આવે છે. જ્યારે કાશી હિંદુ વિદ્યાપીઠનો પાયો લોર્ડ હાર્ડિંગને હાથે નંખાયો ત્યારે તેમનો દરબાર હતો. તેમાં રાજામહારાજાઓ તો હોય જ. ભારતભૂષણ માલવીજીએ મને પણ તેમાં હાજરી આપવાનો ખાસ આગ્રહ કર્યો હતો. હું ત્યાં ગયો હતો. રાજામહારાજાઓના કેવળ ઓરતોને જ શોભે એવા પોશાક જોઈ હું ખૂબ દુ:ખી થયો. રેશમી ઈજાર, રેશમી અંગરખાં ને ડોકમાં હીરામોતીની માળાઓ! હાથે બાજુબંધ ને પાઘડી ઉપર હીરામોતીનાં લટકણિયાં! આ બધાની સાથે કેડે સોનાની મૂઠવાળી તલવાર લટકતી હોય. આ તેમના રાજ્યાધિકારની નહીં પણ તેમની ગુલામીની નિશાનીઓ હતી એમ કોઈએ કહ્યું. હું માનતો હતો કે, આવાં નામર્દીનાં આભૂષણ તેઓ સ્વેચ્છાએ પહેરતા હશે. મને ખબર મળી કે, આવા મેળાવડામાં રાજાઓએ પોતાનાં બધાં કીંમતી ઘરેણાં પહેરવાં જ જોઈએ એવી ફરજ હતી. મેં જાણી લીધું કે, કેટલાંકને તો આવાં ઘરેણાં પહેરવાનો તિરસ્કાર હતો, ને આવા દરબારના પ્રસંગ સિવાય બીજી કોઈ વખતે તેઓ એવાં ઘરેણાં પહેરતા નહોતા. આ હકીકત કેટલે અંશે સાચી હતી તે હું નથી જાણતો. તેઓ બીજે પ્રસંગેપહેરતા હો યા ન પહેરતા હો, વાઈસરોયના દરબારમાં શું કે બીજે શું, ઓરતોને જ શોભે એવાં આભૂષણો પહેરીને જવું પડે એ જ પૂરતો દુ:ખદ પ્રસંગ છે. ધન, સત્તા અને માન મનુષ્યની પાસે કેટલાં પાપો ને અનર્થો કરાવે છે!