લખાણ પર જાઓ

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૭. ગોખલે સાથે એક માસ—૧

વિકિસ્રોતમાંથી
← ૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧૭. ગોખલે સાથે એક માસ—૧
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૮. ગોખલે સાથે એક માસ—૨ →


૧૭. ગોખલે સાથે એક માસ—૧

પહેલે જ દહાડે ગોખલે એ મને હું મહેમાન છું એવું ન ગણવા દીધું. હું તેમનો સગો નાનો ભાઈ હોઉં એમ મને રાખ્યો. મરી હાજતો બધી જાણૅએ લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી લીધી. સારે નસીબે મરી હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ મેં કેળવી હતી, તેથી મારે થોડી જ સેવા લેવી રહેતી. સ્વાવલંબનની મારી આ ટેવની, મારી તે કાળની પોષ્હાક વગેરેની સુઘડતાની, મારા ઉદમની, ને મારી નિયમિતતાની તેમના પર ઊંદી છાપ પડી, ને તેની હું અકળાઉં એટલી સ્તુતિ કરવા લાગ્યા.

તેમને મારાથી છાનું એવું કશું હોય એમ મને ન ભાસ્યું. જે કોઈ મોટા માણસો તેમને મળવા આવતા તેમની મને ઓળખાણ કરાવતા. આવી ઓળખાણોમાં મારી નજર આગળ અત્યારે સૌથી વધારે તરી આવે છે દા. પ્રફુલ્લ ચંદ્રરૉય. તેઓ ગોખલેના મકાનની પાસે જ રહેતા ને લગભગ હંમેશા આવતા એમ કહી શકાય.

'આ પ્રોફેસર રૉય, જેમને દર મસ્ આઠસો રૂપિયા મળે છે, અને જે પોતાના ખર્ચને સારુ રૂ ૪૦ રાખી બાકીના બધા જાહેર કામમાં આપી દે છે. તેઓ પરણ્યા નથી અને પરણવા માગતા નથી.' આવા શબ્દોમાં ગોખલી મને તેમની ઓળખાણ કરાવી.

આજના દા. રૉયમાં અને ત્યારના પ્રો રોયમાં હું થોડો જ ભેદ જોઉં છું. જેવી જાતનો પોશાક ત્યારે પહેરતા તેવો જ લગભગ આજે છે. હા, આજે ખાદી છે; ત્યારે ખાદી તો નહોતી જ; સ્વદેશી મિલની બનાવટનાં કપડાં હશે. ગોખલેની અને પ્રો રોયની વાતો સાંભળતા હું તૃપ્ત જ ન થતો, કેમ કે તેમની દેશહિતને જ લાગતી હોય અથવા કોઈ જ્ઞાનવાર્તા હોય. કેટલીક વાતો દુઃખદ પણ હોય, કેમ કે તેમાં નેતાઓની ટીકા હોય. જેમને હું મહાન યોદ્ધા ગણતાં શીખ્યો હતો તેઓ નાન દેખાવા લાગ્યા.

ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવા મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશ કાર્ય ને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા. દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી. અનેક માણસો તેમને અનેક બાબતોમાં ર્સ લેવડાવવા આવે. તેમને એક જ જવાબ દેતા: ' તમે એ કામ કરો. મને મારું કરવા દો. મારે તો દેશની સ્વાધીનતા મેળવવી છે. તે મળ્યા પછી જ મને બીજું સૂઝશે. અત્યારે તો એ વ્યવસાયમાંથી મારીએ પાસે એક ક્ષણ પણ બાકી રહેતી નથી.'

રાનડે પ્રત્યેનો તેમનો પૂજ્યભાવ તો વાતવાતમાં જોઈ શકાય.'રાનડે આમ કહેતા' એ તો એમની વાત ચીતમાં લગભગ 'સૂત ઉવાચ' જેવું હતું. હું હતો તે દરમ્યાન રાનડેની જયંતી (કે પુણ્યતિથિ એનું અત્યારે સ્મરણ નથી) આવતી હતી. ગોખલે તે હમેંશા પાળતા હોય તેમ લાગ્યું. તે વખતે મારા ઉપરાંત તેમના મિત્રો પ્રોફેસર કાથવટેઅને બીજા એક સબજજ ગૃહસ્થ હતા. એમને તેમણે જયંતી ઊજવવા નોતર્યા, અને તે પ્રસંગે તેમણે અમારી આગળ રાનડેના અનેક સ્મરનો કહ્યાં. રાનડે, તેલંગ અને મંડલિકની સરખામણી પણ કરી. તેલંગની ભાષાની સ્તુતિ કર્યાનું મને સ્મરણ છે. મંડલિકની સુધારક તરીકે સ્તુતિ કરી. પોતાના અસીલ પ્રત્યેની તેમની કાળજીમા દ્રષ્ટાંતમાં, રોજની ટ્રેન ચૂકી જવાથી પોતે સ્પેશિય ટ્રેન ક્રીને કેવા ગયેલા, એ કિસ્સો સંભળાવ્યો. અને રાનડેની સર્વદેશી શક્તિનું વર્ણન કરી બતાવી, તે કાળના અગ્રણીઓમાં તેમની સર્વોપરિતા બતાવી. રાનડે માત્ર ન્યાયમૂર્તિ નહોતા. તેઓ ઈતિહાસકાર હતા, અર્થશાસ્ત્રી અહ્તા, સુધારક હતા. પોતે સરકારી જડ્જ હોવા છતાં પન મહાસભામાં પ્રેક્ષક તરીકે નીડર પણે હાજરી આપતા. તેમ તેમના ડહાપણ ઉપર બધાને એટલો વિશ્વાસ હતો કે , સહુ તેમના નિર્ણયોનો સ્વીકાર કરતા. આ વરાણ કરતાં ગોખલેના હર્ષનો કંઈ પાર ન રહેતો.

ગોખલે ઘોડાગાડી રાખતા. મેં તેમની પાસે ફરિયાદ કરી. હું તેમની મુશ્કેલી નહોતો સમજી શક્યો. 'તમે કાં બધે ટ્રામમાં ન જઈ શકો? શું એથી નેતા વર્ગની પ્રતિષ્ઠા ઓછી થાય?'

જરા દિલગીર થઈને તેમણે જવાબ આપ્યો: 'તમે પણ મને ન સમજી શક્યા કે? મને વડી ધારા સભામાંથી જે મળે છે તે હું મારે સારુ નથી વાપરતો. તમારી ટ્રામની મુસાફરીની મને અદેખાઈ આવે છે. પણ મારાથી તેમ નથી થઈ શકતું.તમને જ્યારે મારા જેટલા લોકો ઓળખતા થશે ત્યારે તમારે પણ રામમાં ફરવું અસાંભવિત નહીં તો મુશ્કેલ થઈ પડવાનું છે. નેતાઓ જે કંઈ કરે છે તે મોજશોખને સારુ કરે છે એમ માનવાનું કશું કારણ નથી. તમારી સાદાઈ મને પસંદ છે. હું બને તેટલી સાદાઈથી રહું છું. પણ તમે જરૂર માનજો કે કેટલુંક ખર્ચ મારા જેવાને સારુ અનિવાર્ય છે.'

આમ મારી એક ફરિયાદ તો બરોબર રદ થઈ. પણ બીજી ફરિયાદ મારે રજૂ કરવી રહી હતી તેનો સંતોષકારક જવાબ તેઓ ન આપી શક્યા:

'પણ તમે ફરવા પણ પૂરા નથી જતા. એટલે તમે માંદા રહો છો એમાં શી નવાઈ? શું દેશકાર્યમાં વ્યાયામને સારુ પણ નવરાશ ન મળી શકે?' મેં કહ્યું.

'મને ક્યે વખતે તમે નવરો જુઓ છો, જ્યારે હું ફરવા જઊ શકું?' જવાબ મળ્યો.

મારા મનમાં ગેખલેને વોષે એવો આદર હતો કે હું તેમને પ્રત્યુત્તર ન આપતો. ઉપરના જવાબથી મને સંતોષ ન થયો, પણ હું ચૂપ ર્હ્યો. મેં માન્યું ને હજિઉ માનું છું કે, ગમે તેવાં કામ છતાં જેમ આપણે ખાવાનો સમય કાઢીએ છીએ તેમ જ વ્યાયામનો કઢવો જોઈએ. તેથી દેશની સેવા વધારે થાય પન ઓછી નહીં, એવો મારો નમ્ર અભિપ્રાય છે.