સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૧. વિલાયતની તૈયારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૦. ધર્મની ઝાંખી સત્યના પ્રયોગો અથવા આત્મકથા
વિલાયતની તૈયારી
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૨. નાતબહાર →


૧૧. વિલાયતની તૈયારી

સને ૧૮૮૭ની સાલમાં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી. દેશની તેમજ ગાંધી કુટુંબની ગરીબાઇ એવી રહી કે અમદાવાદ અને મુંબઈ એમ બે સ્થળે પરીક્ષા દેવાનાં હોય તો તેવી સ્થિતીના કાઠિયાવાડ નિવાસી નજીકનું અને સસ્તું અમદાવાદ પસંદ કરેૢ તેમ મારું થયું. રાજકોટથી અમદાવાદ એ મારી પહેલવેલી એકલા કરેલી મુસાફરી.

પાસ થયા પછી કોલેજમાં જઈ આગળ ભણતર ચલાવવું એમ વડીલોની ઈચ્છા હતી. મુંબઈમાં પણ કૉલેજ અને ભાવનગરમાં પણ કૉલેજ. ભાવનગરનું ખરચ ઓછું તેથી ભાવનગરની શામળદાસ કોલેજમાં જવાનો ઠરાવ થયો. ત્યાં મને કાંઈ આવડે નહીં, બધું મુશ્કેલ લાગે, અધ્યાપકોના વ્યાખ્યાનોમાં ન પડે રસ ને ન પડે સમજ. આમાં દોષ અધ્યાપકોનો ન હતો, મારી કચાશનો જ હતો. તે કાળના શામળદાસ કૉલેજના અધ્યાપકો તો પહેલી પંક્તિના ગણાતા. પહેલી ટર્મ (એટલે સત્ર) પૂરી કરી ઘેર આવ્યો.

કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર એક વિદ્વાન, વ્યવહારકુશળ બ્રાહ્મણ, માવજી દવે હતા. તેમણે પિતાજીના સ્વર્ગવાસ પછી પણ કુટુંબ સાથેનો સંબંધ કાયમ રાખ્યો હતો. તેઓ આ રજાના દિવસોમાં ઘેર આવ્યાં. માતુશ્રી અને વડીલ ભાઈ સાથે વાતો કરતાં મારા ભણતર વિષે પૂછપરછ કરી. હું શામળદાસ કૉલેજમાં છું એમ સાંભળી કહ્યું : ' જમાનો બદદ્લાયો છે. તમ ભાઈઓમાંથી કોઈ કબા ગાંધીની ગાદી સાચવવા માગો તો તે ભણતર વિના નહીં મળે. આ છોકરો હજુ ભણે છે એટલે ગાદી સાચવવાનો બોજો તેની પાસે ઉપડાવવો જોઈએ. તેને હજુ તો ચાર પાંચ વર્ષ બી. એ. થતાં જશે, એને તેટલો વકહ્ત આપવા ઘતાં તેને પચાસ સાથ રૂપિયાની નોકરી મળશે, દીવાન પદ નહીં મળે. વળી જો એને ત્યાર પછી મારા દીકરાની જેમ વકીલ બનાવીએ તો વળી બીજાં થોડાં વર્ષ જાય, ને ત્યારે તો દીએવાનગીરીને સારુ વકીલો પણ ઘણ તૈયાર થયા હોય. તમારે તેને વિલાયત મોકલવો જોઈએ. કેવળરામ (માવજી દવેના દીકરાનું નામ) કહે છે ત્યાં ભણતર સહેલું છે. ત્રણ વર્ષમાં ભણીને પાછો આવશે. ખરચ પણ ચાર પાંચ હજારથી વધારે નહીં થાય. જુઓને પેલા નવા બરિસ્ટર આવ્યા છે તે કેવા દમામથી રહે છે! તેને કારભારું જોઈએ તો આજે મળે. મારી સલાહતો છે કે મોહન દાસને તમારે આ વર્ષે જ વિલાયત મોકલી દેવો. મારા કેવળરામને વિલાયતમં ઘણાય દોસ્તો છે; તેમની ઉપર તે ભલામણપત્રો આપશે એટલે તેને ત્યાં કશી અડચણ નહીં આવે.

જોશીજી (અમે માવજી દવેને એ નામે સંબોધતા)ને પોતાની સલાહના સ્વીકાર વિષે કંઈ શંકા જ ન હોય તેમ મારી તરફ જોઈને મહે પૂછ્યું:

'કેમ, તને વિલાયત જવું ગમે કે અહીં જ ભણ્યામ્ કરવું?' મને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યું. હું કૉલેજની મુશ્કેલીઓથી ડર્યો તો હતો જ. મેં કહ્યું , 'મને વિલાયત મોકલો તો બહુ જ સારું. કૉલેજમાં ઝટ ઝટ પાસ થવાય એમ નથી લાગતું. પણ મને દાક્તરી ધંધો શીખવવાને ન મોકલાય?'

મારા ભાઈ વચ્ચે બોલ્યાં:

'એ તો બાપુ ને ન ગમતું. તારી વાતો કરતાં જ તે જહેતા કે આપણે વૈષ્ણવ હાડમાંસ ચૂંથવાનું કામ ન કરીએ. બાપુનો વિચાર તો તને વકીલ બજાવવાનો જ હતો.'

જોશીજીએ ટાપશી પૂરી:

'મને ગાંધીજીની જેમ દાક્તરી ધંધાનો અણગમો નથી. આપણાં શાસ્ત્રો એ ધંધાને વખોડતાં નથી. પણ દાક્તર થઈને તું દીવાન નથી થવાનો. મારે તો તારે સારુ દીવાનપદ અથવા એથીયે વધરે જોઈએ. તો જ તમારું બહોળું કુટુંબ ઢંકાય. જમાનો દહાડે દહાડે બદલાતો જાય છે ન્મે કઠણ થતો જાય છે, એટલે બારિસ્ટર થવું એ જ ડહાપણ છે.'

માતુશ્રીની તરફ વળીને કહ્યું , ' આજતો જાઉં છું. મારાકહેવાનો વિચાર કરી જોજો. હું પાછો આવું ત્યારે તૈયારીના સમાચાર સાંભળવાની આશા રાખીશ. કંઈ અડચણો હોય તો મને જણાવનો.'

જોશીજી ગયા. હું તો હવાઈ કિલ્લા બાંધવા મંડી ગયો.

વડીલ ભાઈ વિમાસણમાં પડ્યા, પૈસાનું શું કરવું? વળી મારા જેવા નવજુવાનને એટલે દૂર કેમ મોકલાય!

માતુશ્રીને તો કંઈ ગમ ન પડી. તેને વિયોગની વાત જ ન ગમી. પણ પ્રથમ તો તેણે આમ જ કહ્યું: 'આપણા કુટુંબમાં વડીલ તો કાકા જ રહ્યા. એટલે પહેલી સલાહ તો તેમની લેવાની રહી. તે આજ્ઞા આપે તો આપણે વિચારવાનું રહ્યું. '

વડીલ ભાઈને બીજો વિચાર સૂઝ્યો: 'પોરબંદર રાજ્ય ઉપર આપણો હક છે, લેલીસાહેબ ઍડમિનિસ્ટ્રેટર છે. આપણા કુટુંબ વિષે તેમને સારો મત છે. કાકાની ઉપર તેમની અસીમ મહેરબાની છે. તેઓ કદાચ રાજ્ય તરફથી થોડીઘણી મદદ કરે.'

મને આ બધું ગમ્યું. હું પોરબંદર જવા તૈયાર થયો. ૫તે કાળે રેલ નહોતી, ગાડા માર્ગ હતો. પાંચ દિવસ નો રસ્તો. હું જાતે બીકણ હતો એ તો કહી ગયો છું. પણ આવેળા મારી બીક નાસી ગઈ. વિલાયત જવાની ઈચ્છાએ મારા ઉપર સવારી કરી. મેં ધોરાજી સુધીનું ગાડું કર્યું. ધોરાજીથી એક દિવસ વહેલા પહોંચવાના ઈરાદાથી ઊંટ કર્યો. ઊંટની સવારીનો પણ આ પહેલો અનુભવ હતો.

પોરબંદર પહોંચ્યો. કાકાને સાષ્ટાંગ પ્રણામ કર્યા. બધી વાત સંભળાવી. તેમણે વિચારકરી જવાબ આપ્યો:

'વિલાયત જતાં આપણે ધર્મ સાચવી શકીએ કે નહીં એ હું નથી જાણતો. બધી વાતો સાંભળતાં તો મને શંકા આવે છે. જોને, મોટા બારિસ્ટરોને મારે મળવાનું થાય છે ત્યારે હું તો તેમની રહેણીમાં ને સાહેબોને રહેણીમાં કંઈ ભેદ નથી જોતો. તેમને ખાવા પીવાનો કશો બાધ હોતો નથી. સિગાર તો મોઢામાંથી નીકળે જ નહીં. પહેરવેશ જુઓ તો પણ નાગો. એ બધું આપણા કુટુંબને ન છાજે. પણ હું તારા સાહસમાં વિધ્ન નાખવા નથી માગતો. હું તો થોડા દિવસમાં જાત્રાએ જવાનો છું. મારે હવે થોડાં વર્ષ જીવવાના હશે. કાંઠે આવેલો હું તને વિલાયત જવાની - દરિયો ઓળંગવાની - રજા તો કેમ આપું? પણ હું વચમાં નહીં આવું. ખરી રજા તારી બાની. જો તે તને રજા આપે તો તું સુખેથી જજે. હું તને રોકવાનો નથી એટલું કહેજે. મારી આશિષ તો તને છે જ.'

'આથી વધારાની આશા તમારી પાસેથી ન જ રખાય. મારે હવે મારી બાને રાજી કરવાની રહી. પણ લેલી સાહેબ ઉપર ભલામણ તો મને આપશો ના?' હું બોલ્યો.

કાકાશ્રી બોલ્યાં: એ એ તો મારાથી કેમ થાય ? પણ સાહેબ ભલ છે, તું ચિઠ્ઠી લખ. કુટુંબની ઓળખાણ આપજે એટલે જરૂર તને મળવાનો વખત આપશે ને તેમને રુચશે તો મદદ પણ કરશે.'

મને ખ્યાલ નથી કે કાકાએ સાહેબની ઉપર ભલામણ કેમ ન આપી. મારું ઝાંખું સ્મરણ એવું છે કે વિલાયત જવાના ધર્મવિરુદ્ધ કાર્યમાં એટલી સીધી મદદ આપતાં તેમને સંકોચ થયો.

મેં લેલીસાહેબ ઉપર ચિઠ્ઠી લખી. તેમણે પોતાને રહેવાને બંગલે મને મળવા બોલાવ્યો. એ બંગલાની સીડી ઉપર ચડતાં ચડતાં તેઓ સાઅહેબ મને મળ્યા, અને 'તું બી. એ. થા , પછી મને મળજે. હમણં કંઈ મદાદ્ ન અપાય' એટલું જ કહી ઉપર ચડી ગયા. હું ખૂબ તૈયારી કરીને, ઘણાં વાક્યો ગોખીને ગયો હતો. નીચા નમીને બે હાથે સલામ કરી હતી. પણ મારી મહેનત બધી વ્યર્થ ગઈ!

મારી નજર સ્ત્રીના ઘરેણાં પર ગઈ. વડીલ ભાઈના ઉપર અપાર શ્રદ્ધા હતી. તેમની ઉદારતાની સીમા નહતી. તેમનો પ્રેમ પિતાના જેવો હતો.

હું પોરબંદરથી વિદાય થયો. રાજકોટા આવી બધી વાત સંભળાવી. જોશીજી સાથે મસલત કરી. તેમણે કરજ કરીને પણ મને મોકલવાની ભલામણ કરી. મેં મારી સ્ત્રીના ભાગના ઘરેણાં કાઢી નાખવાની સૂચના કરી. તેમાંથી રૂપિયા બેત્રણ હજારથી વહ્દારે નીકળે તેમ નહોતું. ભાઈએ ગમે તેમ કરી રૂપિયા પૂરા પાડવાનું બીડું ઝડપ્યું.

માતા કેમ સમજે? તેણે બધી તપાસો શરૂ કરી હતી. કોઈ કહે, જુવાનીયા વિલાયત જઈ વંથી જાય છે; કોઈ કહે તેઓ માંસાહાર કરે છે; કોઈ કહે દારૂ વિના ન જ ચાલે, માતા એ આબધું મને સંભળાવ્યું. મેં કહ્યું, 'પણ તું મારો વિશ્વાસ નહીં રાખે? હું તને છેતરીશ નહીં. સોગન ખાઈને કહું છું કે એ ત્રણે વસ્તુથી હું બચીશ. એવું જોખમ હોય તો જોશીજી કેમ જવા દે?'

માતા બોલી, ' મને તારો વિશ્વાસ છે. પણ દૂર દેશમાં કેમ થાય? મરી તો અક્ક્લ નથી ચાલતી. હું બેચરજી સ્વામીને પૂછીશ.' બેચરજી સ્વામી મોઢ વાણિયામાંથી જૈન સાધુ થયા હતા. જોશીજી જેમ સલાહકાર પણ હતા. તમણે મદદ કરી. તેમણે કહ્યું: 'હું એ છોકરા પાસે એ ત્રણે બાબતની બાધા લેવડાવીશ, પછી તેને જવા દેવામાં હરકત નહીં આવે.' તેમણે પ્રતિજ્ઞા લેવડાવી અને મેં માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી. માતાએ આજ્ઞા આપી.

હાઈસ્કૂલમાં મેળાવડો થયો. રાજકોટનો એક યુવાન વિલાયત જાય એ આશ્ચર્ય ગણાયું. જવાબને સારુ હું કંઈક લખી ગયેલો. તે પણ જવાબમાં ભગ્યે વાંચી શક્યો. માથું ફરતું હતું, શરીર ધ્રૂજતું હતું હતું, એટલું મને યાદ છે.

વડીલોના આશીર્વાદ લઈ મુંબઈ જવા નીકળ્યો. મુંબઈની આ પહેલવેલી મુસાફરી હતી. વડીલ ભાઈ સાથે આવ્યા.

પણ સારા કામમા સો વિધ્ન હોય. મુંબઈનું બારું ઝટ છૂટે તેમ નહોતું.