સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૭. ખોરાકના પ્રયોગો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૬. ફેરફારો સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ખોરાકના પ્રયોગો
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૮. શરમાળપણું—મારી ઢાલ →


૧૭. ખોરાકના પ્રયોગો

જેમ જેમ હું જીવનમાં ઊંડો ઉતર્તો ગયો તેમ તેમ મને બહરના અને અંતરના આચારમાં ફેરફારો કરવાની જરૂર પડતી જણાઈ. જે ગતિથી રહેણીમાં અને ખર્ચમાં ફેરફારો થયા તેજ ગતિથી અથવા વધારે વેગથી ખોરાકમાં ફેરફારો કરવાનું શરો કર્યું. અન્નાહાર વિષેના અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા. અનાહારને તેઓએ ધાર્મિક , વૈજ્ઞાનિક, વ્યવહારિક, ને વૈધક દ્રષ્ટિથી તપાસ્યો હતો, નૈતિક દ્રષ્ટિએ તેઓએ વિચાર્યું કે મનુષ્યને પશુ પંખીની ઉપર સામ્રાજ્ય મળ્યું છે તે તેઓની મારી ખાવાને અર્થે નહીં, પણ તેઓની રક્ષા અર્થે; અથવા, કેમ મનુષ્ય એકબીજાનો ઉપયોગ કરે છે પણ એકબીજાને ખાતા નથી, તેમ પશુ-પંખી પણ તેવા ઉપયોગ અર્થે છે, ખાવાને અર્થે નહીં. વળી તેઓએ જોયું કે, ખાવું તે ભોગને અર્થે નહીમ્ પણ જીવવાને અર્થે જ છે. આ ઉપરથી કેટલાકે ખોરાકમાં માંસનો જ નહીં પણ ઈંડાનો અને દૂધનો પણ ત્યાગ સૂચવ્યો ને કર્યો. વિજ્ઞાનની દ્રષ્ટિએ ને મનુષ્યની શરીરરચના જોઈને કેટલાકે એવું અનુમાન કાઢ્યું કે, અમુષ્યને રાંધવાની આવશ્યકતા જ નથી; તે વનપક ફળો જ ખાવા સરજાયેલ છે. દૂધ પીએ તે કેવળ માતાનું જ; દાંત આવ્યાં પછી તેણે ચાવી શકાય એવો જ ખોરાક લેવો જોઈએ. વૈધક દ્રષ્ટિએ તેઓએ મરીમસાલાનો ત્યાગ સૂચવ્યો. અને વહેવારની અથવા આર્થિક દ્રષ્ટિએ તેઓએ બતાવ્યું કે અઓછામાં ઓછા ખર્ચવાળો ખોરાક અનહાર જ હોઈ શકે. આ ચારે દ્રષ્ટિઓની મારા પર અસર પડી, અને અન્નાહાર આપનાર વીશીઓમાં ચારે દ્રષ્ટિવાળા માણસોને હું મળતો થયો. વિલાયતમાં તેને લાગતું મંડળહતું અને સાપ્તાહિક હતું. સાપ્તાહિકનો હું ઘરાક બન્યો અને મંડળમાં સભ્ય થયો. થોડા જ સમયમાં અમને તેની કમિટીમં લેવામાં આવ્યો. અહીં મને અનાહારીઓમાં જેઓ સ્તંભ ગણતા તેવાઓનો પરિચય થયો. હું અખતરામાં ગૂંથાયો.

ઘેરથી મીઠાઈઓ, મસાલા વગેરે મંગાવ્યા હતાં તે બંધ કર્યાં અને મને બીજું વલણ લીધું. તેથી મસાલાઓનો શોખ મોળો પડી ગયો અને જે ભાજી રિચમંડમાં મસાલ વિના ફીકી લાગતી અહ્તી તે કેવળ બાફેલી સ્વાદિષ્ટ લાગી. આવા અનેક અનુભવથી હું શીખ્યો કે સ્વાદનું હરું સ્થાન જીભ નથી પણ મન છે.

આર્થિકદ્રષ્ટિ તો મારી સામે હતી જ. તે વખતે એક પંથ એવો હતો કે જે ચાકૉફી ને નુકશાન કારક ગણતો અને કોકોનું સમર્થન કરતો. કેવળ શરીરવ્યપારને અર્થે જોઈએ તો તે જ વસ્તુ લેવી એ યોગ્ય છે એમ સમજ્યો હતો. તેથી ચાકૉફીનો મુખ્યત્વે ત્યાગ કર્યો, કોકોને સ્થાન આપ્યું.

વીશીમાં બે વિભાગ હતા. એકમાં જેટલી વાનીઓ ખાવ તેના પૈસા આપવાના. આમાં ટંકે શિલિંગ નું ખર્ચ પણ થાય. આમાં ઠીક સ્થિતિના માણસો આવે. બીજા વિભાગમાં છ પેનીમાં તણ વાની અને રોટીનો ટુકડો મળે. જ્યરે મેં ખૂબ કરકસર આદરી ત્યારે ઘણે ભાગે હું છ પેનીના વિભાગમાં જતો.

ઉપરના અખતરાઓમાં પેટાઅખતરાઓ તો પુષ્કળ થયા. કોઈ વેળા સ્ટાર્ચવાળા ખોરાક છોડવાનો , કોઈ વેળા માત્ર રોટી અને ફળ ઉપર નભવાનો તો કોઈ વેળા પનીર, દૂધ અને ઈંડા જ લેવાનો.

આ છેલ્લો અખતરો નોંધવા જેવો છે. તે પંદર દિવસ પણ ન ચાલ્યો. સ્ટાર્ચ વિનાના ખોરાકનું સમ્ર્થન કરનારે ઈંડાની ખૂબ સ્તુતિ કરી હતી, અને ઈંડાં માંસ નથી એમ પુરવાર કર્યું હતું. તે લેવામાં જીવતા જીવને દુઃખ નથી એ તો હતું જ. આ દલીલથી ભોળવાઈ મેં માને આપેલી પ્રતિજ્ઞા છતાં ઈંડા લીધાં. પણ મારી મૂર્છા ક્ષણિક હતી. પ્રતિજ્ઞાનો નવો અર્થ કરવાનો મને અધિકાર નહોતો. અર્થ તો પ્રતિજ્ઞા દેનારનો જ લેવાય. માંસ ન લેવાની પ્રતિજ્ઞા દેનારી માતાને ઈંડાંનો ખ્યાલ જ ન હોય એમ હું જાણતો હતો. તેથી અમ્ને પ્રતિજ્ઞાના રહસ્યનું ભાન આવતાં જ ઈંડાં છોડ્યાં ને તે અખતરો પણ છોડ્યો.

આ રહસ્ય સૂક્ષ્મ છે ને ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિલાયતમામ્ માંસની ત્રણ વ્યાખ્યા મેં વાંચેલી. એકમાં માંસ એટલે પશુપક્ષીનું માંસ. તેથી તે વ્યાખાકારો તેનો ત્યાગ કરે, પણ માછલી ખાય ઈંડા તો ખાય જ. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને સામાન્ય મનુષ્ય જીવ તરીકે જાણે છે તેનો ત્યાગ હોય. એટલે માછલી ત્યાજ્ય પણ ઈંડા ગ્રાહ્ય. ત્રીજી વ્યાખ્યામાં સામાન્ય પણે મનાતા જીવ માત્ર તેને તેમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો ત્યાગ. આ વ્યાખ્યા પ્રમાણે ઈંડાનો અને દૂધનો પણ ત્યાગ બંધન કારક થયો. આમાંની પહેલી વ્યાખ્યાને હું માન્ય ગણું તો માછલી પણ ખવાય. પણ હું સમજી ગયો કે મારે સારુ તો માતુશ્રીની વ્યાખ્યા જ હતી. એટલે જો મારે તેની આગળ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવું હોય તો ઈંડા ન જ લઈ શકાય. તેથી ઈંડાનો ત્યાગ કર્યો. આ મને વસમું થઈ પડ્યું. કારણકે, ઝીણવટથી તપાસતાં અન્નાહારની વીશીઓમાં પણ ઈંડા વાળી ઘણી વસ્તુઓ બનતી હતી એમ માલૂમ પડ્યું. એટલે કે ત્યાં પણ મારે નસીબે, હું ખૂબ માહિતગાર થયો ત્યાં લગી, પીરસનારને પૂછપરછ કરવાપણું રહ્યું હતું. કેમ કે, ઘણાં 'પુડિંગ' માં ને ઘણી 'કેક'માં તો ઈંડા હોય જ. આથી હું એક રીતે જંજાળમાંથી છૂટ્યો, કેમ કે, થોડી ને તદ્દન સાદી જ વસ્તુ જ લઈ શકતો. બીજી તરફથી જરા આઘાત પહોંચ્યો, કેમ કે જીભે વળગેલી અનેક વસ્તુઓનો ત્યાગ કરવો પડ્યો. પણ એ આઘાત ક્ષણિક હતો. પ્રતિજ્ઞા પાલનનો સ્વચ્છ, સૂક્ષ્મ અને સ્થયી સ્વાદ મને પેલા ક્ષણિક સ્વાદ કરતં વધારે પ્રિય લાગ્યો.

પણ ખરી પરીક્ષા તો હજુ હવે થવાની અહ્તી, અને તે બીજા વ્રતને અંગે. જેને રામ રાખેતેને કોણ ચાખે?

આપ્રકરણ પૂરું કરું તે પહેલાં પ્રતિજ્ઞાના અર્થ વિષે કેટલુંક કહેવું જરૂરનું છે. મારી પ્રતિજ્ઞા એ માતાની સમક્ષ ક્રેલો એક કરાર હતો. દુનિયામાં ઘણં ઝઘડા કેવળ કરારના અર્થથી ઉત્પન્ન થાય છે. ગમે તેટલી સ્પષ્ટ ભાષામાં કરારનામું લખો તો પણ ભાષા શાસ્ત્રી કગનો વાઘ કરી આપશે. આમં સભ્યાસભ્યનો ભેદ નથી રહેતો. સ્વર્થ સહુને આંધળાભીંત કરી મૂકે છે. રાજથી માંડીને રંક કરારોના પોતાને ઠીક લાગે તેવા અર્થ કરીને દુનિયને , પોતાને અનુકૂળ આવે એવા અર્થ પક્ષકારો કરે છે તેને ન્યાય શાસ્ત્ર દ્વીઅર્થી મધ્યમ પદ કહે છે. સુવર્ણન્યાય તો એ છે કે, જ્યાં બે અર્થ સંભવિત છે હોય ત્યાં નબળો પક્ષ જે અર્થ કરે તે ખરો માનવો જોઈએ. આ બે સુવર્ણમર્ગનો ત્યાગ થવાથી જ ઘણે ભગે ઝઘડા થાય છે ને અધર્મ ચાલે છે. અને એ અન્યાયની જડ પણ અસત્ય છે. જેને સત્યને મર્ગે જવું છે તેને સુવર્ણમાર્ગ સહેજે જડી રહે છે. તેને શાસ્ત્રો શોધવાં નથી પડતાં. માતાએ 'માંસ' શબ્દનો જે અર્થ મન્યો અને જે હું તે વેળા સમજ્યો તે જ મરે સારુ ખરો હતો; જે હું મારા વધારે અનુભવથી કે મારી વિદ્વતાના મદમાં શીખ્યો એમ સમજ્યો તે નહીં.

આટલે લગીના મારા અખતરાઓ આર્થિક અને આરોગ્યની દ્રષ્ટિએ થતા હતા. વિલયતમાં તેણે ધાર્મિક સ્વરૂપ નહોતું પકડ્યું. ધાર્મિક દ્રષ્ટિએ મારા સખત અખતરાઓ દક્ષિણ આફ્રીકામાં થયા તે હવે પછી તપાસવા પડશે. પન તેનું બીજ વિલાયતમાં રોપાયું એમ કહી શકય.

જે નવો ધર્મ સ્વીકારે છે તેની તે ધર્મના પ્રચારને લાગતીધગશ તે ધર્મમં જન્મેલાંના કરતાં વધારે જોવામાં આવે છે અન્નાહર એ વિલાયતમાં તો નવો ધર્મ જ હતો, અને મારે સારુ પણ તેમ જ ગણાય, કેમ કે બુદ્ધિથી તો હું મામ્સાહારનો હિમાયતી થયા પછી વિલાયત ગયો હતો. અન્નાહારની નીતિનો જ્ઞાનપૂર્વક સ્વીકાર તો મેં વિલાયતમાં જ કર્યો. એટલે મારે સારુ નવા ધર્મમાં પ્રવેશ કરવા જેવું થયું હતું, નવાધર્મની ધગશ મરામામ્ આવી હતી. તેથી જે લત્તામં તે વેળા હું રહેતો હતો તે લત્તામાં અન્નાહારી મંડળની સ્થાપના કરવાનો ઠરાવ કર્યો. એ લત્તો બેઝવોટરનો હતો. તે લત્તામાં સર એડવિન આર્નલ્ડ રહેતા હતા. તેમને ઉપપ્રમુખ થવા નોતર્યા; તે થયા. દાક્તર ઓલ્ડફીલ્ડ પ્રમુખ થયા. હું મંત્રી બન્યો. થોડો વખત તો આ સંસ્થા કંઈક ચાલી; પણ કેટલાક માસ પછી તેનો અંત આવ્યો, કેમ કે મેં મારા દસ્તૂર મુજબ તે લત્તો અમુક મુદતે છોડ્યો. પણ આ નાનો અને ટૂંકી મુદતના અનુભવથી મને સંસ્થાઓ રચવાનો ને ચલાવવાનો કંઈક અનુભવ મળ્યો.