લખાણ પર જાઓ

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૧૮. ગ્રામપ્રવેશ

વિકિસ્રોતમાંથી
← ૧૭. સાથીઓ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૧૮. ગ્રામપ્રવેશ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૯. ઊજળું પાસું →


૧૮. ગ્રામપ્રવેશ

ઘણે ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને શુધરાઈના કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહું સહેલું કરી મૂક્યું હતું. એરંડિયું, ક્વિનીન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતા મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરંડિયું પાઈ દેવું. તાવની ફરિયાદ આવે તો એરંડિયું આપ્યા પછી આવનારને ક્વિનીન પિવડાવવું, અને જો ગૂમડાં હોયતો તેમને ધોઈ તેમની ઉપર મલમ લગાડી દેવો. ખાવાની દવા કે મલમ સાથે લઈ જવાને ભાગ્યે જ આપવામાં આવતાં. ક્યાંય જોખમકારક કે ન સમયાય એવું દર્દ હોય તો તે દાક્તર દેવને દેખાડવા ઉપર મુલતવી રહેતું. દાક્તર દેવ જુદે જુદે ઠેકાણે નીમેલે વખતે જઈ આવતા. આવી સાદી સગવડનો લાભ લોકો ઠીક પ્રમાણમાં લઈ જતા હતા. વ્યાપક રોગો થોડા જ છે અને તેમને સારુ મોટા વિશારદોની જરૂર નથી હોતી એ ધ્યાનમાં રખાય, તો ઉપર પ્રમાણે કરેલી યોજન કોઈને હાસ્યજનક નહીં લાગે, લોકોને તો ન જ લાગી.

સુધરાઈનું કામ કઠિન હતું. લોકો ગંદકી દૂર કરવા તૈયાર નહોતા. પોતાને હાથે મેલાં સફ કરવાની તૈયારી જેઓ ખેતરની મજૂરી રોજ કરતા તેમની પણ નહોતી. દાક્તર દેવ ઝટ હારે તેવા નહોતા. તેમણે પોતે જાતે અને સ્વયંસેવકોએ એક ગામના રસ્તા સાફ કર્યા, લોકોનં અંગણાંમાંથી કચરા કાઢ્યા, કૂવાની આસપાસના ખાડા પૂર્યા, કાદવ કાઢ્યો, ને ગામલોકોને સ્વયંસેવકો આપવાનું પ્રેમપૂર્વક સમજાવતા રહ્યા. કેટલેક ઠેકાણે લોકોએ શરમને માર્યે કામ કરવાનું શરૂ કર્યું, ને કેટલેક ઠેકાણે તો લોકોએ મારી મોટર પસર થવાને સારુ સડકો પણ જાત મહેનતથી કરી. આવા મીઠ અનુભવની સાથે જ લોકોની બેદરકારીના કડવા અનુભવો પણ ભળતા હતા. સુધારાની વાર સાંભળી કેટલીક જગ્યાએ લોકોને અણગમો પણ પેદા થયેલો મને યાદ છે.

આ અનુભવો દરમ્યાન , એક અનુભવ જેનું વર્ણન મેં સ્ત્રીઓની ઘણી સભાઓમાં કર્યું છે, તે અહીં કરવું અસ્થાને નથી. ભીતિહરવા એક નાનકડું ગામ છે. તેની પાસે તેનાથી પણ નાનકડું ગામ છે. ત્યાં કેટલીક બહેનોના કપડાં બહુ મેલાં જોવામાં આવ્યાં. આ બહેનોને કપડાં ધોવા બદલવાનું સમજાવવાનું મેં કસ્તૂરબાઈને સૂચવ્યું. તેણે બહેનોને વાત કરી એમાંથી એક બહેને તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ ને બોલી : 'તમે જુઓ, અહીં કંઈ પેટીકબાટ નથી કે જેમાં કપડાં હોય , મારી પાસે મેં આ પહેરી છે તે જ સાડી છે. તેને હું કઈ રીતે ધોઈ શકું? મહાત્મા જીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ.' આવા ઝૂંપડાં હિંદુસ્તાનમાં અપવાદ રૂપે નથી હોતાં. અસંખ્ય ઝૂંપડામાં રાચરચીલું , પેટીપટારા લૂગડાંલત્તા નથી હોતાં અને અસંખ્ય માણસો આત્ર પહેરેલાં કપડાં ઉપર પોતાનો નિર્વાહ કરે છે.

એક બીજો અનુભવ પણ નોંધવા યોગ્ય છે. ચંપારણમાં વાંસનો ને છાસનો તોટો નથી હોતો. લોકો બીતિહરવામાં જે નિશાળનું છાપરું બાંધ્યું હતું એવાંસનું અને ઘાસનું હતું. કોઈએ તેને રાતના બાળી મૂક્યું. શક તો આસપાસના નીલવરોના માણસો ઉપર ગયો હતો. ફરી વાંસને ઘાસનું મકાન બનાવવું તે યોગ્ય ન લાગ્યું. આ નિશાળ શ્રી સોમણ અને કસ્તૂરબાઈના તાબામાં હતી. શ્રી સોમણે ઈંટોનું પાકું મકાન બાંધવાનો નિશ્ચય કર્યો ને તેમની જાત મહેનતનો ચેપ બીજાઓને લાગ્યો, તેથી પKઅવારમાં ઈંટોનું મકાન ઊભું થઈ ગયું. અને ફરી મકાન બળવાનો ભય ન રહ્યો.

આમ નિશાળો, સુધરાઈ અને દવાનાં કામોથી લૂમાં સ્વયંસેવકોને વિષે વિશ્વાસ અને આદર વધ્યાં, ને તેમની ઉપર સારી અસર બેઠી.

પણ મારે દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે આ કમ કાયમ કરવાની મારી મુરાદ બર ન આવી. સ્વયંયંસેવકો જે મળ્યા હતા તે અમુક મુદ્દત ને સારુ જ મળ્યા હતા. નવા બીજા માવામાં મુશ્કેલી આવી અને બિહારમાંથી આ કામને સારુ યોગ્ય કાયમી સેવકો ન મળી શક્યા. મને પણ ચંપારણનું કામ પૂરું થયું તેવામાં બીજું કામ જે તૈયર થઈ રહ્યું હતું, ત્ ઘસડી ગયું. આમ છતાં છ માસ લગી થયેલા કામે પણ એટેલે લગી જડ ઘાલી કે એક નહીં તો બીજા સ્વરૂપમાં તેમની અસર આજ લગી નભી રહી છે.