સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પાંચમો:૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૮. મરણપથારીએ સત્યના પ્રયોગો અથવા આત્મકથા
૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ
મોહનદાસ કરમચંદ ગાંધી
૩૦. એ અદ્‌ભુત દૃશ્ય ! →


૨૯. રૉલૅટ ઍક્ટ અને મારું ધર્મસંકટ

માથેરાન જવાથી શરીર ઝટ વળશે એવી મિત્રોની સલાહ મળતાં હું માથેરાન ગયો. પણ ત્યાંનું પાણી ભારે હોવાથી મારા જેવા દરદીને રહેવું મુશ્કેલ થઈ પડ્યું. મરડાને અંગે ગુદાદ્વાર ખૂબ આળું થઇ ગયું હતું, અને ત્યાં ચીરા પડેલા હોવાથી મળત્યાગ વેળા ખૂબ વેદના થતી, એટલે કંઈ પણ ખાતાં ડર લાગે. એક અઠવાડિયામાં માથેરાનથી પાછો ફર્યો. મારી તબિયતની રખેવાળી પણ શંકરલાલે હાથમાં લીધી હતી. તેમણે દાક્તર દલાલની સલાહ લેવાનો આગ્રહ કર્યો. દાક્તર દલાલ આવ્યા. તેમની તાત્કાલિક નિર્ણય કરવાની શક્તિએ મને મોહિત કર્યો. તે બોલ્યા:

'તમે દૂધ ન લો ત્યાં લગી તમારું શરીર હું વાળી ન શકું. તે વાળવાને સારુ તમારે દૂધ લેવું જોઈએ ને લોખંડ ને સોમલની પિચકારી લેવી જોઈએ. આટલું કરો તો તમારું શરીર બરોબર ફરી બાંધવાની હું 'ગૅરંટી' આપું.'

'પિચકારી આપો પણ દૂધ ન લઉં,' એમ મેં જવાબ વાળ્યો.

'તમારી દૂધની પ્રતિજ્ઞા શી છે?' દાક્તરે પૂછ્યું.

'ગાયભેંસ ઉપર ફુક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર મને તિરસ્કાર થયો, ને તે મનુષ્યનો ખોરાક નથી એમ તો હું સદાય માન્તો, એટલે મેં દૂધનો ત્યાગ કર્યો.'

'ત્યારે તો બકરીનું દૂધ લેવાય, એમ કસ્તૂરબાઈ જે ખાટલાની પાસે જ ઊભી હતીતે બોલી ઊઠી.

'બકરીનું દૂધ લો એટલે મારું કામ પત્યું,' દાક્તર વચ્ચે બોલ્યા.

હું પડ્યો. સત્યાગ્રહની લડાઈના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો, ને મેં પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો. દૂધની પ્રતિજ્ઞા વખતે જોકે મારી સામે ગાયભેંસ જ હતાં, છતાં મારી પ્રતિજ્ઞા દૂધમાત્રની ગણાવી જોઈએ; અને જ્યાં લગી હું પશુના દૂધમાત્રને મનુષ્યના ખોરાક તરીકે નિષિદ્ધ માનું, ત્યાં લગી મને તે લેવાનો અધિકાર નથી, એમ હું જાણતો છતાં બકરીનું દૂધ લેવા તૈયાર થયો. સત્યના પૂજારીએ સત્યાગ્રહની લડાઈને સારુ જીવવાની ઇચ્છા રાખીને પોતાના સત્યને ઝાંખપ લગાડી.

મારા આ કાર્યનો ડંખ હજુ રુઝાયો નથી, અને બકરીનું દૂધ પીતાં રોજ દુ:ખ અનુભવું છું. પણ સેવા કરવાનો મહાસૂક્ષ્મ મોહ મારી પૂંઠે લાગેલો મને છોડતો નથી. અહિંસાની દષ્ટિએ ખોરાકના મારા પ્રયોગો મને પ્રિય છે. તેમાં મને આનંદ મળે છે, તે મારો વિનોદ છે. પણ મને બકરીનું દૂધ એ દષ્ટિએ અત્યારે નથી ખૂંચતું. તે મને સત્યની દષ્ટિએ ખૂંચે છે. અહિંસાને હું ઓળખી શક્યો છું તેના કરતાં સત્યને વધારે ઓળખું છું એમ મને ભાસે છે. જો સત્યને છોડું તો અહિંસાની ભારે ગૂંચવણો હું કદી ન જ ઉકેલી શકું એવો મારો અનુભવ છે. સત્યનું પાલન એટલે લીધેલા વ્રતનાં શરીર અને આત્માની રક્ષા, શબ્દાર્થ અને ભાવાર્થનું પાલન. અહીં મેં આત્માને-ભાવાર્થને હણ્યો છે એ મને રોજ ખૂંચે છે. આ જાણતો છતાં, મારા વ્રત પ્રત્યે મારો ધર્મ શો છે એ હું જાણી શક્યો નથી, અથવા કહો કે મને તેના પાલનની હિઁઅત નથી. બંને એક જ વસ્તુ છે, કેમ કે શંકાના મૂળમાં શ્રદ્ધાનો અભાવ હોય છે. ઓ ઈશ્વર, મને તું શ્રદ્ધા દે.

બકરીનું દૂધ શરૂ કર્યા પછી થોડે દહાડે દા. દલાલે ગુદાદ્વારમાં ચીરા હતા તે ઉપર શસ્ત્રક્રિયા કરી ને તે બહુ સફળ નીવડી.

પથારીમાંથી ઊઠવાની કંઈક આશા બાંધી રહ્યો હતો તે છાપાં વગેરે વાંચતો થયો હતો, તેવામાં રૉલેટ કમિટીનો રિપોર્ટ મારા હાથમાં આવ્યો. તેની ભલામણો જોઈ હું ચમક્યો. ભાઈ ઉમર અને શંકરલાલે કાંઈ ચોક્સ પગલું ભરાવું જોઈએ એવી માગણી કરી. એકાદ માસમાં હું અમદાવાદ ગયો. વલ્લભભાઈ લગભગ રોજ મને જોવા આવતા. તેમને મેં વાત કરી ને આ વિશે કંઈક થવું જોઈએ એમ સૂચવ્યું. 'શું થાય?' એના જવાબમાં મેં કહ્યું: 'જો થોડા માણસો પણ આ બાબતમાં પ્રતિજ્ઞા લેનારા મળી આવે તો, તે કમિટીની ભલામણ પ્રમાણે કાયદો થાય તો, આપણે સત્યાગ્રહ આદરવો જોઈએ. પથારીવશ નહોઉં તો હું એકલો પણ ઝૂઝું ને બીજાઓ મળી રહેવાની પછી આશા રાખું. મારી લાચાર સ્થિતિમાં એકલા ઝૂઝવાની મારી શક્તિ મુદ્દલ નથી.'

આ વાતચીતને પરિણામે મારા ઠીક ઠીક પ્રસંગમાં આવેલા માણસોની એક નાનકડી સભા બોલાવવાનો નિશ્ચય થયો. રૉલેટ કમિટીને મળેલ પુરાવા ઉપરથી તેણે કરેલી ભલામણ કરેલા કાયદાની મુદ્દલ જરૂર નથી એમ મને તો સ્પષ્ટ લાગ્યું. તેવો કાયદો કોઈ પણ સ્વમાન જાળવનારી પ્રજા કબૂલ ન કરી શકે એ પણ મને એટલું જ સ્પષ્ટ લાગ્યું.

પછી સભા ભરાઈ. તેમાં ભાગ્યે વીસ માણસોને નોતરવામાં આવ્યા હતા. મને યાદ છે તે પ્રમાણે, વલ્લભભાઈ ઉપરાંત તેમાં શ્રીમતી સરોજિની નાયડુ, મિ. હૉર્નીમેન, સ્વ. ઉમર સોબાની, શ્રી શંકરલાલ બૅંકર, શ્રી અનસૂયાબહેન, વગેરે હતાં.

પ્રતિજ્ઞાપત્ર ઘડાયું ને તેમાં હાજર રહેલાં બધાંએ સહી કરી એવું મને સ્મરણ છે. આ વખતે હું છાપું તો નહોતો ચલાવતો. પણ વખતોવખત છાપામાં લખતો તેમ મેં લખવાનું શરૂ કર્યું, ને શંકરલાલ બૅંકરે ખૂબ ચળવળ ઉપાડી. તેમની કામ કરવાની અને સંગઠન કરવાની શક્તિનો મને આ વખતે ખૂબ અનુભવ થયો.

ચાલતી કોઈ પણ સંસ્થા સત્યાગ્રહ જેવું નવું શસ્ત્ર ઉપાડી લે એમ બનવું મેં અશક્ય માન્યું. તેથી સત્યાગ્રહસભાની સ્થાપના થઈ. તેમાં મુખ્ય નામો મુંબઈમાં જ ભરાયાં. મથક મુંબઈ રાખવામાં આવ્યું. પ્રતિજ્ઞાઓમાં ખૂબ સહીઓ થવા માંડી ને ખેડાની લડતની જેમ પત્રિકાઓ નીકળી તથા ઠેકાણે ઠેકાણે સભાઓ થઈ.

આ સભામાં હું પ્રમુખ બન્યો હતો. મેં જોયું કે, શિક્ષિત વર્ગ અને મારી વચ્ચે મેળ નહીં જામી શકે. સભામાં ગુજરાતી ભાષાના ઉપયોગના મારા આગ્રહે ને મારી બીજી કેટલીક પદ્ધતિએ તેમને મૂંઝવ્યા. છતાં મારી પદ્ધતિને નિભાવી લેવાની ઘણાએ ઉદારતા બતાવી એમ મારે કબૂલ કરવું જોઈએ. પણ આરંભમાં જ મેં જોયું કે આ સભા લાંબો કાળ નહીં નભી શકે. વળી, સત્ય અને અહિંસા ઉપરનો મારો ભાર કેટલાકને અપ્રિય થઈ પડ્યો. છતાં, પ્રથમના કાળમાં આ નવું કામ તો ધમધોકાર ચાલ્યું.