સત્યની શોધમાં/આગલી હરોળવાળાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ‘તમને ચાહું છું !’ સત્યની શોધમાં
આગલી હરોળવાળાં
ઝવેરચંદ મેઘાણી
જ્વાળામુખી →


19

આગલી હરોળવાળાં

“પાય લાગીએં ! પાય લાગીએં ! પધારો ધર્મી પુરુષ !”

એટલું કહીને બબલાએ શામળના ચરણનો સ્પર્શ લીધો. શામળે ભાઈબંધના મોં પર એનું એ કઠોર, વક્ર હાસ્ય પથરાયેલું દીઠું. “તુંને પણ મારા બેટાઓએ બરાબર ઢીંગલું બનાવી દીધું, હો !”

“ઢીંગલું ?” શામળે પૂછ્યું.

“હં – પસ્તાવાનાં બે આંસુ પડાવીને પછી પાણી પાણી કરી નાખ્યો તુંને. ખરુંને, ઉલ્લુ !”

શામળનો પ્રાણ ઊંડાણમાં ઊતરી ગયો. એણે જોયું કે આ મનુષ્ય ભીમાભાઈ જેવો પોચો નથી. આ છે કાળમીંઢ.

ફિકર નહીં. અહીં જ મારી આસ્થાની ને મારા ધર્મોત્સાહની કસોટી છે. હું જરા ચાતુરીથી કામ લઈશ. એવો નિશ્ચય કરીને એણે ચલાવ્યું : “એ લોકો મારા પર ભારી ભલાઈ રાખે છે, હો ભાઈ !”

“એમાં કાંઈ જ શક નથી મને.”

“ધર્મપાલજી સાચે જ બહુ ભલા પુરુષ છે.”

“તે હશે; પણ અલ્યા, તું એને કાને મારી કશી વાત તો નથી ફૂંકી દેતો ને ?”

“ના, ના, એવું તે કંઈ હોય ?”

“તો ઠીક, મારે તને ચેતવવો હતો. તું તારે ખુશીથી સરગની નિસરણી ચડવા માંડ, બચ્ચાજી; ફક્ત અમને ગટરિયાઓને ગટરમાં જ છાનામાના પડ્યા રહેવા દેજે, ભાઈ ! તને યાદ છે ને, કે હું એ ધરમપાળના ઘરનાં રૂપાનાં ઠામડાં ઉઠાવી લાવેલ છું.”

“શું કહો છો તમે ?” શામળ ચમક્યો.

“કેમ તને ખબર નથી ? તે દિવસ મેડી ઉપર શું ત્યારે હું એટલી બધી વાર હજામત કરતો હતો ?”

“અરેરે, પણ ધર્મના ઉપદેશકના ઘરમાંથી તમે ઠામડાં ઉઠાવ્યાં ?”

“કંઈ વાંધો નહીં, યાર !” બબલો હસ્યો, “એના ઘરમાં છલોછલ ભરેલું છે, એને કંઈ એના પગારમાંથી નથી ખરચવાં પડતાં નાણાં.”

“ત્યારે ?”

“એની બાયડી છે પૈસાવાળાની છોકરી. તેં આટલુંય ન જોયું કે એવો રાજમહેલ શું ધરમપાળે પગારમાંથી ચણાવ્યો હશે ? પગ પૂજે એની બાયડીના. આ શહેરના મોટા કરોડપતિની દીકરી છે, દોસ્ત ! ધરમપાળને શી ફિકર છે ?”

વાર્તાલાપ જરી થંભી ગયો. પછી શામળે પૂછ્યું : “પણ ધર્મપાલજી સારા પુરુષ તો છે જ ને ?”

“હશે. મારે કાંઈ એની જોડે અદાવત નથી, બાકી, હા, મને એનો ધંધો નથી ગમતો.”

“કેમ ? લોકોનું ખૂબ કલ્યાણ શું એ નથી કરી રહેલ ?”

“હશે !” બબલાએ કટાક્ષમાં ખભા ઉલાળ્યા.

“ખાસ કરીને ગરીબલોકોનું !”

“કરતો હશે, બાપડાંઓને સાચું પુરુષાતન ભુલવાડીને પારકાનાં આશ્રિત, પાંગળાં, રાંકાં બનાવી રહેલ છે. બીજું શું ? પણ હું એ પાંગળાં માંયલો નથી, હો ભાઈ !”

“પણ ગરીબોને મદદ કરવામાં એને શો બીજો હેતુ હોય ?”

“કેમ ? એ વાતે તો એને પગાર મળે છે. નથી મળતો ? એ દીકરો શું મફત સેવા કરે છે ?”

“ઠીક, તો પછી બીજા જે શાહુકારો પ્રાર્થનામંદિરે આવે છે, તેઓ ગરીબોને શા સારુ આપે છે ? પગાર સારુ ?”

થોડી વાર બબલો વિચાર કરી રહ્યો, પછી બોલ્યો : “મને તો લાગે છે, કે પોતાના મનને સારું લગાડવા સારુ !”

“પોતાના મનને સારું લગાડવા સારુ એટલે શું ? કાંઈ સમજાયું નહીં.” શામળને ગૂંચવાડો થયો.

“જો, સમજાવું. આ લખપતિ કરોડપતિઓની શેઠાણીઓ માયલી એક શેઠાણીનો દાખલો લઈએ. પાસે અઢળક માયા હોય, કમાવા કદી જવું પડ્યું ન હોય; બસ, બેઠાં બેઠાં ખરચ્યા જ કરવાનું – મોજશોખ ઉડાવવાના, નોકરચાકરોને હુકમો કર્યા કરવાના, પણ એ બધો વખત એના દિલમાં બળ્યા તો કરતું જ હોય ને કે હજારો-લાખો મજૂરી કરનારાં તો રિબાઈ રિબાઈ ભૂખે મરી રહેલ છે. આ એ વાતથી મનને સારું ન લાગે, એટલે પગાર આપીને તારા ધરમપાળ જેવાને ઉપદેશ આરડવા રાખે. ને એ ઉપદેશ સાંભળી સાંભળીને શેઠાણીઓ પોતાના અંતરની એ પીડા વિસારે પાડે. ઉપદેશકની જીભ હોય ચતુર, એટલે કરમની, પુનર્જન્મની, ધૂળ, રાખ ને પાપની આડીઅવળી અનેક વાતો ડહોળીને શેઠાણીઓને લહેર પમાડે. સમજણ પડી ?”

“હા, એ બરાબર છે.” શામળ નબળો પડી ગયો.

“હવે બીજો દાખલો લે આ શેઠિયાઓનો. અઠવાડિયામાં છ દિવસ ગરીબોનાં ગળાં કરે, ને સાતમે દા’ડે ધર્માદાની પેટીમાં પાંચ રૂપિયા નાખીને ખાતું સરભર કરી નાખે, ધરમી અને દાનવીર ગણાય. એ હિસાબ કાંઈ ખોટો છે ? ભારી ડહાપણનું કામ કરે છે એ તો.”

આ ક્રૂર કટાક્ષોના જવાબ શોધતો શામળ આખરે એટલું જ બોલી શક્યો : “તમે એ લોકોના ઉપર અન્યાય કરો છો, બબલાભાઈ ! એ બધા આવા કપટબાજો જ હોય તો ધર્મસ્થાનકે આવવાની પરવા જ શા સારુ કરે ? ને એને ધર્મમંદિરોમાં પેસવા જ કોઈ શાના આપે ?”

બબલો ખડખડાટ હસી પડ્યો : “અરેરે ભોટ ! પ્રાર્થનામંદિરમાં નોકરી કરછ ત્યારે જરા આંખો તો ઉઘાડી રાખતો જા ! ત્યાં મોખરાની ખુરશીઓ ઉપર બેસનારું મંડળ તો ઓળખાણ કરવા જેવું છે. પેલા એક લીલુભાઈ શેઠ ત્યાં આવે છે ને ?”

“હા, એ તો અમારા વિશ્વબંધુ સમાજના પેટ્રન માંયલા એક છે. પૂજાની ક્રિયા હરવખત એના જ હાથે કરાવાય છે.”

“હા, ભારી ધર્મિષ્ઠ આદમી ! એને ઘેરે પાંચ મિલ છે. ગઈ ચૂંટણીને વખતે એણે લોકોના હસ્તકના રાજવહીવટની, પ્રતિનિધિસભાની વગેરે ભારી ભારી હિમાયતનાં ભાષણો ઠોકેલાં. પછી ? પછી મોટી ધારાસભામાં પ્રતિનિધિ મોકલવાની ચૂંટણીનો વખત આવ્યો, ત્યારે એણે તમામ સભાસદોને નાણાં ચાંપી દઈ પોતાના વળનો એક જાણીતો હરામી પ્રતિનિધિ ચૂંટાવ્યો.”

“પણ એવું શા માટે કરે ?” શામળ છેક જ અજ્ઞાન હતો.

“શા માટે ? એટલા માટે કે વડી ધારાસભામાં ચૌદ વરસની અંદરનાં છોકરાંને મિલોમાં ન રાખવાનો ખરડો આવવાનો હતો, એ ખરડાને તોડાવી પાડવો હતો.”

શામળની દૃષ્ટિ સામે તેજુનું જીવતું હાડપિંજર તરવરી ઊઠ્યું. એણે પૂછ્યું : “પણ લીલુભાઈ શેઠ શા સારુ એવો ખરડો તોડાવી પાડે ?”

“એની મિલમાં ચૌદ વરસિયાં ને દસથી બાર વરસિયાં હજારો મજૂરો જોઈએ છે તે માટે, ગીગલા !”

“પણ શા માટે ?”

“અરે પ્રભુ ! ઓ બેવકૂફ, નાનાં છોકરાંને પગાર આપવાનો થોડો ને કામ ઊતરે વધુ, એટલા માટે, મજૂરનાં છોકરાંની તબિયત સુધારવા સારુ તો મિલો કોઈ થોડી ચલાવે છે, મારા બાપ ?”

મૌનનો એક લાંબો આંતરો પડ્યો. શામળના હૃદયમાં કોઈ એક કારમા પિશાચની સાથે સંગ્રામ ચાલતો હતો. આ ધર્મપરાયણ લીલુભાઈ - જે પ્રાર્થનામંદિરમાં મોખરે બેસે છે, ગંભીરતા અને કરુણાની ધારાઓ જેના ચહેરા પર તે વેળા ઝરતી હોય છે, ધર્મોપદેશ દરમ્યાન વારેવારે ગળગળા બની જાય છે, તે – તે જ લીલુભાઈ – શું નાનાં બાળકોને શોષવા સારુ રુશવત પાથરી છેક મોટી ધારાસભામાં બાળ-મજૂરી-નિષેધનો ખરડો ઉથલાવી નખાવવા માટે ખરીદેલો પ્રતિનિધિ મોકલાવે ?

એ બોલી ઊઠ્યો : “નક્કી – નક્કી એ નહીં જાણતા હોય.”

“કોણ ?”

“ધર્મપાલજી.”

“હા-હા-હા-હા, આખું શહેર જાણે, મારા બાપલિયા ! તારા બીજા પેટ્રન હરિવલ્લભ શેઠનાં પણ એ જ કામાં. રુશવતો પાથરીને લોકલ બોર્ડો, ધારાસભાઓ વગેરેનો વહીવટ કડે કર્યો છે. શા સારુ ? પોતાના માલના કન્ટ્રાક્ટો લેવાય તે સારુ. તું આભો બન મા. આખું શહેર જાણે છે. પણ કોને કહે ?”

“એ વાતનો કોઈ સાક્ષી ?”

“જો સાંભળ. તારો પેલો પીઠાવાળો ભીમો છે ને, એના પારસી શેઠ પેસ્તનજીને પૂછજે. પૂછજે કે શે’રને પાણી પૂરું પાડવાનો કન્ટ્રાક્ટ હરિવલ્લભની કંપનીને કેવી રીતે મળ્યો છે સુધરાઈ પાસેથી ?”

“કેવી રીતે ?”

“તે એ તને કહેશે. બીજી એક કંપની ઊભી થઈ’તી – અરધે દરે પાણી આપવા. એટલે હરિવલ્લભે સુધરાઈના આઠ જણને બબ્બે હજાર ચાંપીને ઝાઝે મતે દરખાસ્ત ઉડાવી દેવરાવી. હવે બસ, લહેરથી બેઠો બેઠો લોકોનાં બમણાં નાણાં પડાવી મહિને મહિને દસ હજાર રળે છે. એ તારો પરગજુ ને ધરમી પેટ્રન !”

“હું ધર્મપાલજી કને જાઉં છું. એ નહીં જ જાણતા હોય. એને હું જણાવીશ. એ અધર્મીઓને ત્યાંથી કઢાવ્યે રહીશ.”

“જા, પૂછજે. પછી મને જણાવજે.”